વર-વધૂ પર જ્યાં લગ્ન વખતે કચરો ફેંકવામાં આવે છે!!
સેલિબ્રેશન - ચિંતન બુચ 9 ફેબ્રુઆરી વર્લ્ડ મેરેજ ડે
લગ્નની અજુગતી વિધિ સ્કોટલેન્ડમાં હોય છે. જેમાં ભાવિ વર-વધૂ પર તેમના સ્વજનો-મિત્રો એંઠવાડ-સડેલા ઈંડા-માછલી જેવો કચરો તેમના પર ફેંકવામાં આવે છે
એકલો પડું ને તમે સાંભરો,
થાળીમાં ચોખા લઇ વીણતાં હો એવી બપોર મને સપનામાં આવે,
બારણામાં ઊભા રહી, ટીકી ટીકીને પૂછો, કાચી કેરીનું શાક ભાવે?
જિંદગીની ગોધૂલિવેળા છે ઢૂંકડી, છાના રહો, જીવ ન ભાંભરો. એકલો પડું ને તમે સાંભરો.
ઊના પાણીની ડોલ ઊંચકું, ઊંચકાય? એમાં સાત-સાત સમંદરના જળ,
કૂણા ટુવાલથી લૂછું છું ડિલ અને ખરખરખર ખરતાં અંજળ.
એકલો પડું ને 'અમે' સાંભરો
એકલો પડું ને તમે સાંભરો.
પ ત્ની વિરહની પીડાએ, પ્રૌઢ વયના વ્યથિત પતિના બળબળતા હૈયામાંથી ખરખર સરતા સૂક્કા શબ્દો એટલે દિલીપ ભટ્ટનું આ કાવ્ય. પતિ-પત્ની એ પરિવાર માટે પાયા સમાન હોય છે. લગ્નજીવન દરમિયાન પતિ-પત્ની પોતાના અનેક સુખ-ઇચ્છાઓનું બલિદાન આપે છે, જેના સન્માનમાં અમેરિકામાં ફેબુ્રઆરીમાં આવતા બીજા રવિવારની ઉજવણી 'વર્લ્ડ મેરેજ ડે' તરીકે કરવામાં આવે છે.
આપણે ત્યાં પણ લગ્નની સિઝન બરાબરની જામી છે ત્યારે દેશ-વિદેશની એવી કેટલીક લગ્નવિધિ હોય છે જેને જાણીને આશ્ચર્ય ના થાય તો જ નવાઇ. આપણે ત્યાં કન્યા વિદાય વખતે માતા-પિતા તેના માથા પર હાથ મૂકી નવા જીવન માટે આશિર્વાદ આપે છે. પરંતુ આફ્રિકાના મસાઇ પરંપરામાં કન્યા વિદાય વખતે વિચિત્ર પ્રથા છે. જેમાં કન્યા વિદાય વખતે પિતા પોતાની કન્યાના માથા પર થૂંકે છે. આ પાછળનો તર્ક એવો છે કે પિતાના માથા પર થૂંકવાથી કન્યાના નવું જીવન સુખ-સમૃદ્ધિ આવે છે.
આ ઉપરાંત લગ્ન બાદ કન્યા તેના પતિના ગૃહે પહોંચે નહીં ત્યાં સુધી તેને પાછા વળીને જોવાની મનાઇ હોય છે. કન્યા પાછી વળીને જોશે તો તે પથ્થરમાં તબદિલ થશે તેવી અંધશ્રદ્ધા છે.કોઇ યુવતી રડી શકે નહીં તો સ્વજનો દ્વારા તેને ખાસ રડાવવામાં પણ આવે છે. લગ્ન વિધિ દરમિયાન વર-વધુ પર ફૂલોની વર્ષા કરવામાં આવે તે સામાન્ય વાત છે. પરંતુ વર-વધૂ પર ફૂલોને સ્થાને કચરાનો વરસાદ કરવામાં આવે તો? લગ્નની આવી અજુગતી વિધિ સ્કોટલેન્ડમાં હોય છે.
જેમાં ભાવિ વર-વધૂ પર તેમના સ્વજનો-મિત્રો એંઠવાડ-સડેલા ઈંડા-માછલી જેવો કચરો તેમના પર ફેંકવામાં આવે છે. સ્કોટિશ લોકોનું માનવું છે કે વર-વધૂ આ પ્રકારના કચરાનો સામનો કરી શકે તો તેઓ લગ્ન જીવન દરમિયાન પડનારી અડચણોનો પણ આસાનીથી સામનો કરી શકશે. કન્યા વિદાય વખતે માત્ર કન્યા કે તેના સ્વજનો જ નહીં તેની કઠણ કાળજાની કોઇ પણ વ્યક્તિ પોતાના આંસુ રોકી શકે નહીં.
પરંતુ ચીનના તુજીયા સમુદાયમાં કન્યાને તેના લગ્નના ૧ મહિના અગાઉ દરરોજ ૧ કલાક સુધી ફરજીયાત ધુ્રસ્કેને ધુ્રસ્કે રડવું પડે છે. કન્યાને તેના મિત્રો અને સ્વજનો પણ રડવામાં સાથ આપે છે. લગ્નના ૧ મહિના અગાઉ રડવાથી લગ્ન જીવન દરમિયાન ક્યારેય રડવાનો વારો આવતો નથી તેવો આ પ્રથા પાછળનો તર્ક છે.
ફ્રેન્ચ પોલેન્સિયાના ખોબા જેવા ટાપુ માર્ક્યુસેસ ટાપુમાં લગ્ન બાદ નવવધુના નીકટના સ્વજનો-મિત્રોએ જમીન પર ચત્તા સૂઇ જવું પડે છે અને તેમના પરથી ચાલીને વર-વધુએ પસાર થવાનું હોય છે. કેન્યાના મસાઇ સમુદાયમાં લગ્ન બાદ કન્યાવિદાય થઇ રહી હોય ત્યારે કન્યાના પિતા તેના માથા અને સ્તન પર થૂંકે છે.
ઇન્ડોનેશિયામાં હનિમૂનમાં જનારા નવદપંતિઓ માટે અનોખી પરંપરા હોય છે. જેમાં લગ્નના ૩ દિવસ સુધી નવદંપતિને એક ઘરમાં પૂરી દેવામાં આવે છે અને આ દરમિયાન તેઓ શૌચાલયનો પણ ઉપયોગ કરી શકતા નથી. આ પરંપરાથી નવદંપતિને તંદુરસ્ત બાળક જન્મશે તેવી માન્યતા પ્રવર્તે છે. નાઇજિરિયામાં લગ્ન અગાઉ વરને લગ્નસમારોહમાં આવેલા અતિથિઓ વચ્ચે છુપાઇ જવાનું હોય છે. નવવધુ જેટલી ઝડપથી પોતાના પતિને શોધે તેટલું શુભ ગણવામાં આવે છે.
કોરિયામાં લગ્ન બાદ પતિએ તેના સાસુને હંસની જોડી ભેંટમાં આપવી પડે છે. લગ્નજીવન બાદ પોતે તેની પત્ની સાથે વફાદાર રહેશે તે દર્શાવવા માટેનું હંસ પ્રતિક છે. આપણે ત્યાં લગ્ન અગાઉ વરરાજાના જૂતા છૂપાવવાની પ્રથા પણ વિશ્વના કોઇ ખૂણે વિચિત્રમાં જ લેખાતી હશે...
પતિએ પત્નીવ્રત લેવું,
ને પત્નીએ પતિવ્રત લેવું :
એવી પરસ્પરની પુણ્યપ્રતિજ્ઞાા તે લગ્ન.
- ન્હાનાલાલ