ક્રિકેટમાં 'લેડિઝ ફર્સ્ટ'!
સેલિબ્રેશન - ચિંતન બુચ
8 માર્ચ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
ઓસ્ટ્રેલિયા ખાતે યોજાઇ રહેલો મહિલાઓનો ટ્વેન્ટી૨૦ ક્રિકેટ વર્લ્ડકપ હવે આખરી અને નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે. જેમાં ભારતીય ક્રિકેટ ટીમ લીગ રાઉન્ડની ચારેય મેચમાં વિજય મેળવીને હવે ગુરુવારે સેમિફાઇનલમાં રમશે. ૮ માર્ચે 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ' છે ત્યારે જ મહિલા ટ્વેન્ટી૨૦ વર્લ્ડકપમાં કઇ ટીમ ચેમ્પિયન બનવામાં સફળ રહેશે તેનો ફેંસલો થઇ જશે. ડિસેમ્બર ૧૯૩૪માં ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચમાં ટકરાયા હતા અને તે મહિલા ક્રિકેટની સૌપ્રથમ મેચ હતી. આમ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુરુષો ૧૪૨ વર્ષ જ્યારે મહિલાઓ ૮૬ વર્ષ પુરાણો ઈતિહાસ ધરાવે છે.
ઈતિહાસ ફંફોસવામાં આવે તો મોટાભાગના ક્ષેત્રમાં પુરુષ કરતાં મહિલાને વિલંબ બાદ જ તક મળી છે. પરંતુ જ્યારે પણ તક મળી છે ત્યારે મહિલાઓ સિદ્ધિ મેળવવાની બાબતે પુરુષો કરતાં અવલ રહી છે. આ બાબતનો શ્રે દાખલો એટલે આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના 'ચંદ્ર' પર એવા અનેક રેકોર્ડ્સ છે જેમાં મહિલાઓ 'નીલ આર્મસ્ટ્રોંગ' જેમ સૌપ્રથમ પગ મૂકવામાં સફળ રહી છે જ્યારે 'બઝ એલ્ડરિન'ની જેમ પુરુષોએ તેમના પછી બીજા ક્રમે પગ મૂક્યો છે.
સૌપ્રથમ વન-ડે વર્લ્ડકપ ક્યારે યોજાયો તેવો સવાલ પૂછવામાં આવે તો મોટાભાગના ક્રિકેટપ્રેમી તેના જવાબમાં ૧૯૭૫નું વર્ષ જ કહેેશે. ૧૯૭૫માં ઇંગ્લેન્ડમાં પુરુષોનો સૌપ્રથમ વન-ડે વર્લ્ડકપ યોજાયો તેના બે વર્ષ અગાઉ ૧૯૭૩માં મહિલાઓના વન-ડે વર્લ્ડકપનું આયોજન થઇ ચૂક્યું હતું. ૨૦ જૂનથી ૨૮ જુલાઇ ૧૯૭૩ સુધી યોજાયેલા મહિલાઓના વન-ડે વર્લ્ડકપમાં યજમાન ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઇન્ટરનેશનલ ઇલેવન, ત્રિનિદાદ-ટોબેગો, જમૈકા અને યંગ ઇંગ્લેન્ડ એમ સાત ટીમોએ ભાગ લીધો હતો. ૬૦ ઓવરના આ વન-ડે વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ઇંગ્લેન્ડ વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.
મોટાભાગના ક્રિકેટપ્રેમીઓને ૧૨ માર્ચ ૨૦૦૬ના ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા વચ્ચેનો ઐતિહાસિક વન-ડે મુકાબલો યાદ હશે. જેમાં ઓસ્ટ્રેલિયાએ આપેલા ૪૩૫ના લક્ષ્યાંકને દક્ષિણ આફ્રિકાએ ૪૯.૫ ઓવરમાં હાંસલ કર્યું હતું. આ સાથે જ ઓસ્ટ્રેલિયા પુરુષોના આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં ૪૦૦ રન કરનારી સૌપ્રથમ ટીમ બની હતી. પરંતુ મહિલાઓએ વન-ડેમાં ૪૦૦ રન કરવાની સિદ્ધિ ડિસેમ્બર ૧૯૯૭માં જ હાંસલ કરી લીધી હતી. ક્રાઇસ્ટચર્ચ ખાતે ૨૯ જાન્યુઆરી ૧૯૯૭ના પાકિસ્તાન સામેની વન-ડેમાં યજમાન ન્યૂઝીલેન્ડે ૫ વિકેટે ૪૫૫ રન કરીને આ સિદ્ધિ મેળવી હતી. મજાની વાત એ છે કે ૪૫૬ના લક્ષ્યાંક સામે પાકિસ્તાનની ટીમ ૨૩ ઓવરમાં ૪૭ રનમાં આઉટ થઇ જતાં ન્યૂઝીલેન્ડનો ૪૦૮ રને વિજય થયો હતો, જે આંતરરાષ્ટ્રીય વન-ડેના ઈતિહાસમાં સૌથી મોટો વિજય છે.
સચિન તેંડુલકરે બરાબર ૧૦ વર્ષ અગાઉ દક્ષિણ આફ્રિકા સામે વન-ડેમાં બેવડી સદી ફટકારી ઈતિહાસ સર્જ્યો હતો. આ સાથે જ સચિન તેંડુલકર વન-ડેમાં સૌપ્રથમ બેવડી સદી ફટકારનારો બેટ્સમેન બન્યો હતો. જોકે, મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાની બેલિન્ડા ક્લાર્કે આ સિદ્ધિ ૧૬ ડિસેમ્બર ૧૯૯૭માં જ મેળવી લીધી હતી. મુંબઇ ખાતે ડેન્માર્ક સામેની વર્લ્ડકપ મેચમાં બેલિન્ડા ક્લાર્કે ૧૫૫ બોલમાં અણનમ ૨૨૯ રન કરી આ માઇલસ્ટોન સર કર્યો હતો.
પુરુષોની આંતરરાષ્ટ્રીય વન-ડેમાં શાહિદ આફ્રિદી ૧૬ વર્ષ ૨૧૭ દિવસની ઉંમર સાથે સૌથી ઓછી વયે સદી કરવાનો રેકોર્ડ ધરાવે છે. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાહિદ આફ્રિદીનો આ રેકોર્ડ આપણા દેશની મિતાલી રાજે જ તોડયો છે. મિતાલીએ ૧૯૯૯માં આયર્લેન્ડ સામેની વન-ડેમાં સદી કરી ત્યારે તેની ઉંમર ૧૬ વર્ષ ૨૦૫ દિવસ હતી.
એક જ ટેસ્ટ મેચમાં સદી કરવા ઉપરાંત ૧૦ વિકેટ ખેરવવાની સૌપ્રથમ સિદ્ધિ પણ મહિલા ક્રિકેટરે જ હાંસલ કરેલી છે. ફેબ્આરી ૧૯૫૮માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની બેટ્ટી વિલ્સને ૧૧૨ રન કરવા ઉપરાંત મેચમાં કુલ ૧૬ રન આપીને ૧૧ વિકેટ ખેરવી હતી. પુુરુષોના ટેસ્ટ ક્રિકેટમાં ૧૯૬૦માં એલન ડેવિસન આ સિદ્ધિ મેળવનારા પ્રથમ પ્લેયર બન્યા હતા.
આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી૨૦માં ઇંગ્લેન્ડની ટીમે ઓક્ટોબર ૨૦૧૧થી સપ્ટેમ્બર ૨૦૧૨ સુધી સતત ૧૪ મેચમાં વિજય મેળવ્યો હતો. હજુ સુધી કોઇ પુરુષ ટીમ આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી૨૦માં લાગલગાટ આટલી મેચમાં વિજય મેળવી શકી નથી. વન-ડેમાં સૌથી વધુ ૬ વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનો રેકોર્ડ પણ ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમને નામે છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની પુરુષ ટીમ વન-ડે વર્લ્ડકપમાં પાંચ વખત ચેમ્પિયન બની છે.