યુવાન રહેવા માટેની માનસિક કસરતો
ચેતના - હિતેન્દ્ર ગાંધી
સતત કાર્ય, પ્રેમ, સહાનુભૂતિ, ફરજ પ્રત્યે નિષ્ઠા, મદદરૂપ સ્વભાવ, આ તમામ બાબતો વ્યક્તિને યુવાની બક્ષવામાં મદદ કરે છે
યુવાન રહેવું કોને નથી ગમતું ? આજકાલ કોસ્મેટીકનો જમાનો આવ્યો છે. આ ઉપરાંત આધુનિક સર્જરી તેમજ લેસર અને બોટોક્સ દ્વારા પણ યુવાન રહેવાના પ્રયત્નો કરવામાં આવે છે. દરેક વ્યક્તિની એવી ઇચ્છા હોય છે કે પોતાની ઉંમર નાની દેખાય અપવાદ રૂપે એવા કેટલાક લોકો પણ હોય છે કે જે પોતાની ઉંમર સાચી બતાવવામાં ગૌરવ અનુભવે છે.
આ ઉપરાંત શારીરિક વ્યાયામ, ચાલવું, દોડવું, જીમ્નેશીયમ વગેરે દ્વારા પણ વ્યક્તિ યુવાન રહી શકે છે. પરંતુ આજના લેખનો હેતુ કંઇક જુદો જ છે. શારીરિક કસરત સિવાય માનસિક કસરતો પણ હોય છે જેના દ્વારા વ્યક્તિ યુવાન દેખાય છે. ક્લીનીકમાં અવારનવાર એવા સવાલ પુછવામાં આવતા હોય છે જેમ કે,
'એવું કોઈ ટોનિક છે કે જેનાથી શરીર અને મગજ પાવરફુલ બને'
'ત્રીસ વર્ષમાં તો ઘરડો દેખાઉં છું. એવી કોઈ તરકીબ નથી કે જેનાથી હું યુવાન જ દેખાઉં ?'
'મારૂં મગજ વૃધ્ધ જેવું થઇ ગયું છે જુવાન થાય તેવી કોઈ રીત બતાવો'
સૌના મનમાં એવું હોય છે કે યુવાની જીંદગીની એક અવસ્થા છે. અમુક ઉંમર સુધી વ્યક્તિ બાળક ગણાય. ત્યારબાદ અમુક ઉંમર સુધી વ્યક્તિને યુવાન કહેવાય. છેલ્લે જીંદગીના પાછલા વર્ષોમાં વ્યક્તિ વૃધ્ધ ગણાય. મનોચિકિત્સાની દ્રષ્ટીએ યુવાની એ કોઈ જીંદગીની અવસ્થા નથી. પરંતુ હકીકતમાં યુવાની એ આપણા મનની સ્થિતિ છે. આપણે જ્યાં સુધી ઇચ્છીએ અથવા વિચારીએ ત્યાં સુધી યુવાન રહી શકાય છે. આપણા શરીરનું નિયંત્રણ આમ જોવા જઇએ તો આપણું પોતાનું મન જ કરતું હોય છે. યુવાન મન અથવા સ્વસ્થય મન, સ્વસ્થય શરીરનું નિર્માણ કરે છે. ત્યાં સુધી મનની ઇચ્છા ના હોય જ્યાં સુધી વ્યક્તિ યુવાન જ રહે છે - ઘરડી થતી નથી.
આપણે જો વૃધ્ધ ના થવું હોય તો વૃધ્ધાવસ્થાના વિચારો તેમજ વૃધ્ધોની હરકતો છોડી દેવી જોઇએ. શરીર તેમજ મનને તાજગી ભરેલું રાખવું જોઇએ. આપણા મનને સતત ક્રિયાશીલ, ખુલ્લું, અશાવાદી તેમજ હકારાત્મક વિચારોથી ભરપૂર રાખવું જોઇએ.
યુવાન રહેવા માટે હંમેશા સાફ સુથરા કપડા પહેરવા જોઇએ. વાળ વ્યવસ્થિત ઓળેલા રાખવા જોઇએ. ચહેરાને તાજગીથી ભરેલો રાખવો જોઇએ. અને આ બધાથી પણ અગત્યનું મોઢા ઉપરનું હાસ્ય છે. અન્ય વ્યક્તિ ઉપર તમારી છાપ સુંદર રાખવી જોઇએ. સ્વભાવમાં નિડરતા, વિનોદવૃત્તિ, નમ્રતા લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. ક્યારેય એવી પરિસ્થિતિનું નિર્માણ ન કરવું જોઇએ કે પાછળથી પસ્તાવો થાય. અને હતાશ થવાનો વારો આવે. ક્યારેય જીંદગીના વર્ષો ગણવા બેસવું નહિં. ભુતકાળને વાગોળ્યા કરવો નહિં.
સતત કાર્ય, પ્રેમ, સહાનુભૂતિ, ફરજ પ્રત્યે નિષ્ઠા, મદદરૂપ સ્વભાવ, આ તમામ બાબતો વ્યક્તિને યુવાની બક્ષવામાં મદદ કરે છે. એવા વિચારોમાં પડવું નહિ કે તમે ઊંડી ખાઈમાં ધકેલાઈ ગયા છો, કોઈ કામના રહ્યા નથી, તમારી કોઈ અગત્યતા નથી. વૃધ્ધ એ છે કે જે હંમેશા વૃધ્ધત્વના જ વિચારો કરે છે. અને યુવાન એ છે કે જે વિચારે જ છે કે તે યુવાન છે. જે વ્યક્તિ નિષ્ક્રિય છે તેનું શરીર અને મન કાટયુક્ત થઇ જાય છે. જીંદગીના શરૂઆતના વર્ષો ડહાપણપુર્વક, ભૂલો સુધારીને, શિસ્તબધ્ધ મન, હોંશિયારી અને નિષ્ઠા સાથે વિતાવવામાં આવે તો તે વ્યક્તિ હંમેશા યુવાન જ રહે છે.
તમારા વિચારો દ્વારા મનમાં રહેલ અગાધ શક્તિની મદદથી સર્જનશક્તિ અન કલ્પના શક્તિથી હંમેશા નવી નવી વસ્તુઓનું નિર્માણ કરતા જવું, નવીન શોખ ઉમેરતા જવું જોઇએ. જુદા જુદા પ્રશ્નોના હલ શોધતા રહેવું. જેથી વૃધ્ધત્વ દૂર રાહ જોઇને ઊભું રહે અને યુવાની હંમેશા તમારી સાથે રહે.