Get The App

ભારતમા વિજ્ઞાનનાં ભાવિ કરતા વિજ્ઞાનના ઇતિહાસની જ વાતો થાય છે

Updated: Jan 27th, 2026

GS TEAM

Google News
Google News
ભારતમા વિજ્ઞાનનાં ભાવિ કરતા વિજ્ઞાનના ઇતિહાસની જ વાતો થાય છે 1 - image

- વૈશ્વિક પ્રોડક્ટમાં શૂન્ય હાજરી, 79 વર્ષમાં 10 નોબેલ  પ્રાઈઝ વિજેતા અને શોધ સંશોધનમાં ઉદાસીનતા: આર્થિક માપદંડ નહીં વિજ્ઞાન, ટેકનોલોજી અને એ.આઈ.માં કોણ અગ્રેસર તે નક્કી કરશે કે વિશ્વમાં કયો દેશ અગ્રણી રહેશે

- વિવિધા-ભવેન કચ્છી

- ભારતમાં  મેરેથોનમાં હજારો યુવાનો ઉમટી પડે છે તે આવકાર્ય બાબત છે પણ વિદેશમાં 'માર્ચ ઓફ સાયન્સ' પણ યોજાય છે તેમાં યુવા પેઢી ઉત્સાહ સાથે ભાગ લે છે 

એ ક તરફ ભારત આગામી પાંચ વર્ષમાં વિશ્વ ગુરુ બનવાની વાતો કરે છે. મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ, ડિજીટલ ઇન્ડિયા, વિશ્વનો સૌથી યુવા દેશ અને 'હમે દેશ બદલના હૈ'ના અને સ્વદેશી અપનાવો જેવા સુત્રો થાકી  સ્વપ્ન સેવે છે પણ દેશમાં જો સૌથી ઉપેક્ષિત હોય તો તે વિજ્ઞાન, સંશોધન, વિજ્ઞાન સંસ્થાઓ છે.

વિજ્ઞાન મેળાઓ, વિજ્ઞાનીઓની પરિષદ તેમજ સેમિનાર-વર્કશોપમાં ભવિષ્યના પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કરવાની જગાએ નેતાઓ મંચ અને માઈક તેઓના હાથમાં લઇ લે છે.  નેતાઓની ખુશામત કરવા હવે અમુક વિજ્ઞાનીઓ પણ  પણ એકની એક રેકોર્ડ વગાડે રાખે છે કે 'હજારો વર્ષ પહેલા આપણે ત્યાં વિમાન ઉડતા, તબીબી સર્જરી થતી, વર્તમાનની મોટાભાગની શોધ-ગાણિતિક પુરાવા બધુ જ આપણા પ્રાચીન વિજ્ઞાનીઓની દેન છે.' વિજ્ઞાન પરિષદમાં મોટાભાગનો સમય વક્તાનો લાંબો પરિચય આપવામાં અને બુકેની આપ લે અને હાર તોરામાં જ ચાલ્યો જાય છે.વિજ્ઞાન ફેકલ્ટીનાં જે નિષ્ણાત વક્તાઓ છે તેઓ શ્રોતાઓ જોડે રસપ્રદ શૈલીમાં અને વર્તમાન દુનિયાના ઉદાહરણો સાથે લેકચર આપવાની જગ્યાએ સ્થૂળ અને નીરસ શૈલીમાં ક્લાસ રૂમમાં લેકચર આપતા હોય તેમ વિષયની ભારેખમ રજૂઆત કરે છે જે સૈદ્ધાંતિક થીયરીથી ભરપુર હોય છે.

વિજ્ઞાનના ફેકલ્ટી કે કુલપતિઓની નિમણુક પણ રાજકીય પ્રભાવથી થઇ હોઈ તેઓ પણ નેતાઓ ખુશ થાય તે માટે એકની એક રેકર્ડ વગાડે છે કે બ્રિટીશરોએ  આપણી તમામ ફોર્મ્યુલા, પ્રોડક્ટ સિફતથી તેમના નામે કરી દીધી છે. માની લો કે ભુતકાળમાં આવો ભવ્ય વારસો આપણે ધરાવતા હતા તો પણ કયાં સુધી એકની ર્ક વાતનું રટણ કરતા રહેવાનું, વિશ્વને પણ આવા દાવાઓમાં રસ નથી. વર્તમાન પર જ નજર રાખવી જોઈએ.

અત્યારે વિશ્વ આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ, હાયપર લૂપ ટ્રાન્સપોર્ટ, આર્ટિફિશિયલ અંગો, કેન્સર પર વિજય, વૈકલ્પિક ઊર્જા, ઓનલાઇન વૈશ્વિક યુનિવર્સિટી, બાયો-નેનો ટેકનોલોજી, જીનેટિક, સ્પોર્ટસ અને સાયન્સ, ભુખમરા અને આયુષ્યની સામે ઝીંક ઝીલવા ગળાડૂબ છે. હેરતભર્યા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ આપણે યુ ટયુબ કે ઇન્સ્ટાગ્રામ પર   જોઈએ છીએ. સ્માર્ટ ફોન, સ્માર્ટ ગોગલ, કપડા સાથે જ જોડાયેલા કમ્પ્યુટર, ચીપ, કમ્યુનિકેશનની ક્રાંતિ થકી અગાઉ વિશ્વમાં ૫૦ વર્ષે જે પરિવર્તન થતું હતું તે હવે પાંચ વર્ષમાં આકાર પામી રહ્યું છે.

આપણી તમામ ચીજવસ્તુ અને ટેકનોલોજીનું મૂળ સંશોધન વિદેશમાં થયેલું છે. મોટેભાગે તો મેઇડ ઇન યુએસએ, બ્રિટન, જર્મન, ફ્રાંસ, ઇટાલી, સાઉથ કોરિયા અને ચીન જ છવાયેલા છે. હા, સ્પેસ ક્ષેત્રે ગજબનું કામ થયું છે પણ તેમાં દેશમાં વિજ્ઞાનનું વાતાવરણ સર્જાયું હોય તેની તે નીપજ હોય તેમ નથી.

મેઇડ ઇન ચાઇનાની પ્રોડક્ટનો બહિષ્કાર કરવા કરતા ચીનની જેમ 'મેઇડ ઇન ઇન્ડિયા'ની પ્રોડક્ટ કેમ વિશ્વ બજારમાં  વટભેર  ઘૂસી ના શકે તેવો વિચાર આવવો જોઈએ.

'જય જવાન, જય કિસાન જય વિજ્ઞાન' જેવા સૂત્રોથી વિશ્વના દેશો નથી ચાલતા. ટચૂકડા દેશો ૨૫-૫૦ નોબેલ પ્રાઇઝ વિનરો ધરાવે છે પણ ભારત ૭૯  વર્ષમાં ૧૦ જ નોબેલ પ્રાઇઝ મેળવી શક્યું છે તેમાંથી છ તો તે વિજેતા વિદેશમાં સ્થાયી થઇને ત્યાં સંશોધન કર્યા પછી સફળ થયા છે.

આપણા વડાપ્રધાન યુવા જગત અને વિજ્ઞાનીઓ જોડે સૌથી વધુ ખીલી ઉઠે છે પણ તેમની વાર્તામાં મોટિવેશનનો તેમજ ભુતકાળની ભવ્ય પરંપરાની માત્રા વિશેષ હોય છે. વર્તમાન વાસ્તવિકતાને સ્વીકારી  અને વાતાવરણ ઘડવા માટેની નક્કર વ્યૂહરચનાનો અભાવ છે.

વોટ્સએપમાં એક ચોટદાર જોક થોડા મહિના અગાઉ ફરતી હતી. પ્રેરણાત્મક પ્રવચન આપતા એક લોકપ્રિય વક્તા હવામાં મુઠ્ઠી ઉછાળીને યુવાનોને વિવેકાનંદની  અદામાં કહેતા હતા કે, 'તમે દોડો... દોડી ના શકો તો ચાલો... ચાલી ના શકો તો લંગડાતા પગે ચાલો... અરે કંઇ નહીં તો ગોઠણભેર ભાખોડિયા પણ ભરો... બસ પેશન સાથે આગળ ધપો... શ્રોતાઓની તાળીઓ શાંત થઇ તે સાથે જ એક યુવાને હતાશા સાથે બધાને સંભળાય તેમ કહ્યું કે... 'સાહેબ... ક્યાં અને કઇ તરફ આ રીતે ચાલીએ તે તો કહો ?'

ભારતમાં જેના થકી ખરેખર બદલાવ લાવવાનો છે, વિશ્વગુરૂ બનવાના સપના  આંખોમાં અંજાઈ રહ્યા છે તે શોધ-સંશોધન કે વિજ્ઞાન સંસ્થાઓ માટેનું ભારતનું બજેટ વિશ્વના મુખ્ય  ૩૫ દેશોમાં સૌથી તળિયે છે ભારત તેની જીડીપીના માંડ ૦.૮ ટકા જ આ માટે ફાળવે છે. આ રકમ રૃા. ૫૫,૦૦૦  કરોડ જેટલી છે. 

આ ૫૫૦૦૦ કરોડમાંથી પણ મિશન મંગળ-૨ માટે ૨૦ ટકા રકમ ફાળવાઇ છે. વિજ્ઞાન સંસ્થાઓમાં કૃષિ, તબીબી, અર્થ, સંરક્ષણ, રીન્યુએબલ એનર્જી, વૈકલ્પિક ઊર્જા, સોલાર, એટોમિક બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજી, આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્ટ  સ્પેસ રીસર્ચ, ઇન્ડસ્ટ્રીઅલ જેવા તમામ સંશોધન અને જુદી જુદી સંસ્થાઓને આટલામાંથી ફાળવણી કરવાની હોય છે.

આવી કંગાળ ફાળવણીમાં પણ કરૂણતા એ ઉમેરાય છે કે ખરેખર પ્યોર સાયન્સ પર સંશોધનનું બજેટ અને લક્ષ્ય હોવું જોઈએ તેની જગાએ આપણી પ્રાચીન માન્યતાઓમાં વિજ્ઞાન છે તે પુરવાર કરવા માટેના સંશોધનોમાં બજેટ ફાળવવામાં આવે છે. જેમ કે ગાયના દૂધની બનાવટમાં પોષક તત્ત્વો છે.. ગંગાનું પાણી મલિન નથી થતું... યોગ વિજ્ઞાન છે... ભારતમાં  ૨૦૦૦ વર્ષ પહેલા યુદ્ધમાં ઘવાયેલાની સારવાર કેમ થતી હતી..  સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર પ્રાચીન વિજ્ઞાનીઓએ પૂરાણોમાં જણાવેલું... આવું બધુ પુરવાર કરવામાં પણ સમય અને નાણાં વેડફાય છે. પ્રોજેક્ટ અને પ્રેઝન્ટેશન પણ આવા જ વિષયોની ઇર્દગીર્દ ફરે છે.

વિજ્ઞાન અને શોધ-સંશોધનનું વાતાવરણ સર્જવાની જરૂર છે. આપણે ત્યાં અમેરિકા, યુરોપ કે ચીનની જેમ શાળા કે કોલેજનું શિક્ષણ કે ડિગ્રી પૂર્ણ ન કરી શકે તેવા જીનિયસ ડ્રોપ આઉટ ખીલી ઉઠે શકે ખરા ? બિલ ગેટ્સને કે ઝકરબર્ગ, જેક મા ભારતમાં હોત તો ? ચીનમાં ગૂગલ, ફેસબુક કે વ્હોટ્સએપ સત્તાવાર એન્ટ્રી જ નથી અપાઈ.

તેઓએ તેમની પોતાની ભાષાનું 'વેઈબો' વિકસાવ્યું છે. કેન્દ્ર સરકારે વિશ્વની યુનિવર્સિટીઓ, સંશોધન કેન્દ્રો, અભ્યાસક્રમ, ત્યાંના વાતાવરણ પાછળના પરિબળો, ટેલેન્ટેડોને પ્લેટફોર્મ આપવાની સીસ્ટમ અને ફાળવાતા બજેટનો વિસ્તૃત પરિણામલક્ષી અભ્યાસ કરવો જોઈએ. 'મેઈડ ઈન ઇન્ડિયા' પ્રોજેક્ટનો વિશ્વના નાગરિકો ઉપયોગ કરતા હોય તેવું સ્વપ્ન હોવું જોઈએ. આપણી યુવા તાકાત જેવી ટેલેન્ટ વિશ્વના કોઈ દેશમાં નથી.

માત્ર તેઓનો માઈન્ડ નોકરી શોધી ઠરીઠામ થઇ જવાનો અને આમાં અમને શું મળશે ? નો અભિગમ  બદલવાની જરૂર છે. આપણા યુવાનોને તેમના કુટુંબની પણ જવાબદારી નીભાવવાની હોય છે. રાજ્ય કે કેન્દ્ર સરકાર અને કોર્પોરેટ જગતે આવી પ્રતિભાને પારખીને તેઓ તેમનાં સંશોધનમાં નિશ્ચિંતતાથી વર્ષો વીતાવી શકે અને તેના કુટુંબને નાણા મોકલી શકે તે રીતે જાણે સારી રકમની નોકરીએ રાખ્યા હોય તેમ દત્તક લેવા જોઈએ.

આઇપીએલ કે અન્ય રમતોની લીગની જેમ કોર્પોરેટ જગતે ફ્રેન્ચાઇઝી બનાવીને ટેલેન્ટેડ યુવા પેઢીમાંથી અલગ તારલાને શોધ-સંશોધનના પ્રોજેક્ટ માટે ખરીદવા કરોડોની બોલી સાથે પડાપડી કરવી જોઈએ. ખેલાડીઓને દોઢ મહિનાના આઇપીએલ માટે રૃા. ૫૦ લાખથી રૃા. ૧૨-૧૫ કરોડ મળતા હોય છે. જ્યારે આવી વિજ્ઞાન ટેલેન્ટ પ્રતિભાને તો વર્ષે દસ-બાર લાખ રૂપિયા આપશો  તો પણ ધન્યતા અનુભવશે. અમેરિકા અને યુરોપમાં બેઝબોલ, બાસ્કેટબોલ, ફૂટબોલ, એથ્લેટિક્સ, સ્વિમિંગ, ટેનિસનું સ્પોર્ટ્સ કલ્ચર તેમ શોધ-સંશોધનનું પણ મોડેલ છે.

એવું લાગે કે આપણી કોઈ દાનત કે ગૌરવ લેવાની અભિપ્સા જ નથી કે વિશ્વમાં આપણી વેપારી, પગારદાર કે મની માઈન્ડેડ સીવાયની નોંધ લેવાય.

મબલખ ટેલેન્ટેની ટંકશાળની સાથે આપણી યુવા પેઢીનો બહોળો વર્ગ એવો પણ છે કે ફૂલ ટાઇમ સાહિત્ય, શ્રૃંગાર, ઘરમાં બેસીને વડીલો જોડે પંચાત, કોલેજમાં ડેની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમો, પુસ્તકનાં  વિમોચન, ધાર્મિક સત્સંગ, શિબિર, મોટિવેશનના કાર્યક્રમો અને શબ્દોના સાથિયા અને સંવેદના જગાવવાના અતિરેકમાં તેનો કીંમતી સમય વ્યતિત કરે છે. વોટ્સએપ, ફેસબુક સ્માર્ટફોન અને ડિજિટલ ટેકનોલોજીથી વૈશ્વિક જ્ઞાન સંપાદન પ્રાપ્ત કરવાની જગ્યાએ ગોસીપ ગ્લેમર અને ગોડમેનની પોસ્ટમાં ગળાડૂબ રહે છે .

યુવાનો અનામત માટે, માનવ હક્કોની જાળવણી માટે, સરકારની નીતિ વિરુદ્ધ કે એક્ટિવિસ્ટ બનીને નવી દિલ્હી કે ભારતના શહેરોમાં હજારોની સંખ્યામાં ઉમટીને બેનરો, મીણબત્તી સાથે પ્રદર્શન કરશે. પણ વિકસીત દેશોની જેમ અમારે પણ નાગરિક શિસ્ત જોઈએ, આપણી  સીસ્ટમ, શૈક્ષણિક  સંસ્થાઓ વિદેશની જેમ ચાલે તેવી માંગ સાથે રેલી નથી નીકળતી.

ભારતમાં દર ઓગસ્ટ મહિનામાં  વિજ્ઞાન સંસ્થાઓ જાગ્રત બને અને  વિજ્ઞાન માટે સરકાર દ્વારા ફાળવાયેલ  ફંડથી માંડી અનુદાનનો યોગ્ય ઉપયોગ થાય અને નવી પેઢીમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવાય એક વાતાવરણ સર્જાય તે માટે  'માર્ચ ફોર સાયન્સ' કાર્યક્રમ શહેરોમાં યોજાતો હોય છે. જેમાં કમનસીબે દેશના આઠેક શહેરો માંડ  જોડાતા હોય છે. કુલ મળીને દેશભરના રસ્તા પર બેનર લઈને આવેલા વિજ્ઞાનીઓ, વિદ્યાર્થીઓનો સરેરાશ  આંક ૨૧૦૦ માંડ હોય છે. ગયા વર્ષની આવી માર્ચમાં ભાગ લેનારાઓનો નવી  દિલ્હીમાં આ આંક માત્ર ૨૦૦નો હતો...  જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના એક વર્ગ ખંડની ક્ષમતા જેટલો ! આવા કાર્યક્રમમાં યુવા પેઢી મોટી સંખ્યામાં તો જ આવે જો તેનો પ્રચાર થાય, ટોચની કંપનીઓ અને વિજ્ઞાન સંસ્થાઓ, રાજ્ય સરકાર તેમાં પ્રાયોજક બને. પણ આમાંનું કંઈ થતું નથી. વિજ્ઞાનના કોઈ પ્રસાર માટેના કાર્યક્રમ કે સંસ્થાને કોર્પોરેટ જગત જોઈએ તેવો સાથ નથી આપતું.ગ્લેમર  અને શૃંગાર કાર્યક્રમો માટે બજેટ મળી જાય છે. ઓક્ટોબરથી જાન્યુઆરી દરમ્યાન શહેરોમાં મેરેથોન યોજાય છે. કોર્પોરેટ જગત તેમાં જોડાય છે કેમ કે તેઓને ત્યાં પ્રચાર થતો હોય તે દેખાય છે. મેરેથોન ફેશન અને સેલીબ્રીટી ઇવન્ટ બની ચુક્યો છે. નાગરિકોની ફિટનેસ માટે સભાનતા વધી છે તે પણ સારી વાત છે પણ વિજ્ઞાન પ્રત્યે સદંતર ઉદાસીનતા જોઇને વિજ્ઞાનના ભાવિની જગ્યાએ ભારતના વિજ્ઞાનના ઈતિહાસ પર ભગ્ન હૃદયે ગૌરવ લેવામાં નાગરિકો પણ જોડાઈ જાય છે.

જ્ઞાન પોસ્ટ  

વિજ્ઞાન સંસ્થા, લેબોરેટરી, સંશોધન માટેનું બજેટ અને રમતના મેદાનો જેની પાસે વધુ હશે તે ભવિષ્યમાં વિશ્વ ગુરુ બનશે. ઓલિમ્પિકના મેડલ અને નોબેલ વિજેતાની સંખ્યા બીજો માપદંડ હશે. અમેરિકા અને ચીન વચ્ચે હાલ આ જ સ્પર્ધા છે.