Get The App

ફાંસીની સજા અને ફંદા વચ્ચેનું અંતર

વિવિધા - ભવેન કચ્છી .

યુનો અને માનવ હક્કની સંસ્થાઓનું વિશ્વના દેશો પર દબાણ

Updated: Dec 10th, 2019

GS TEAM

Google News
Google News
ફાંસીની સજા અને ફંદા વચ્ચેનું અંતર 1 - image


દેશના નાગરિકોએ બળાત્કારીઓનું  'એનકાઉન્ટર' થતા  સેનાએ સર્જીકલ સ્ટ્રાઈક કરી હોય તેના કરતા પણ વધુ ઉજવણી કેમ કરી ?

આંધ્ર પ્રદેશમાં દિશા નામની યુવતી પર બળાત્કાર કરી તેને જીવતી સળગાવી દેનાર ચાર રાક્ષસોને પોલીસે એનકાઉન્ટરમાં ઠાર કરી દેતા જાણે ભારતે પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઈક કરી હોય તેના કરતા પણ વધુ ઉજવણીનું મોજું દેશભરમાં ફરી વળ્યું છે. ઉન્નાવની ઘટનાના બળાત્કારીઓને પણ પોલીસે ઠાર કરી દેવા જોઈએ તો જ તેમની પુત્રીના આત્માને શાંતિ મળશે તેવી  આક્રંદસભર આજીજી ખુદ તેના માતાપિતા જ કરી રહ્યા છે.

૨૦૧૨માં નિર્ભયા કાંડના બળાત્કારીઓ હજુ જેલમાં મહાલે છે ત્યારે દેશના નાગરિકોને એ વાતનો રોષ છે કે  નિર્ભયાની ઘટના પછી બળાત્કારીઓને ત્વરિત અને સખ્ત ધાક બેસાડતી સજા થવી જોઈએ તેવું દેશવ્યાપી આંદોલન થયું હતું પણ આજે પરિસ્થિતિ વધુ કથળી છે અને મહિલા સુરક્ષા વધુ ચિંતાજનક પડકાર છે.

બળાત્કારનો ભોગ બનનારને ગુપ્ત અંગોના  તબીબી રિપોર્ટથી માંડી કોર્ટ કે પોલીસ સમક્ષ (અલબત્ત મહિલા સ્ટાફ ની હાજરીમાં હોય તો પણ) વારંવાર આત્મસન્માનને ઠેંસ પહોંચે તેમ તે દ્રશ્ય નાટકની જેમ ભજવવું પડે છે. બળાત્કારી કઈ રીતે, કઈ પોઝીશનમાં હતા, ખરેખર જાતીય ઝપાઝપી જ થઇ હતી કે સમાગમ પણ થયો હતો. તેવા પ્રશ્નોના ઉત્તર આપવા પડે છે. હેવાનો તેમના વકીલોની મદદથી ભોગ બનનારને માનસિક, સામાજિક અને આથક રીતે ખતમ કરી દે છે. કોર્ટમાં ગરીબ કે આથક રીતે મધ્યમ પરિવાર ટકી પણ કેટલું શકે. માની લો કે બળાત્કારી પકડાય તો તેને સંગીન સજા નથી થતી. થાય તો વર્ષો નીકળી જાય.

મોતની સજા જાહેર થઇ  હોય તો ફાંસીનો ફંદો જ ક્યારેય નજીક ફરકી ન શકે. આવી ન્યાય પ્રક્રિયા અને ફાસ્ટ ટ્રેક બાબત નિષ્ક્રિયતા હોઈ નાગરીકો જ નહીં જયા બચ્ચન જેવા સાંસદ પણ ઈચ્છે છે કે બળાત્કારીને નાગરિકોના ટોળાને હવાલે કરી દો. કેટલાક બુદ્ધિજીવીઓ અને માનવ હક્કની જાળવણીના ઠેકેદારો પોલીસ એનકાઉન્ટરનો સખ્ત વિરોધ કરી રહ્યા છે પણ સરકાર, પોલીસ અને ન્યાય પ્રક્રિયા પર દબાણ લાવી કોઈ નક્કર સુઝાવ નથી આપતા. ભારત જ નહીં વિશ્વભરના માનવ હક્કના મશાલચીઓ યુનાઈટેડ નેશન્સ પર દબાણ લાવવામાં એ હદે સફળ થયા છે કે મહત્તમ દેશોએ મોતની સજા જ નાબુદ કરવાની ખાતરી આપી છે.

ભારતના લો કમિશને પણ આવી જ હિમાયત કરી છે. આવા સંજોગોમાં મોતની સજા દેશદ્રોહ, આતંકવાદી અને રેરેસ્ટ બળાત્કારની જુજ ઘટનાઓમાં હવે જાહેર થતી હોય છે. ગંભીર ગુનાઓમાં આજીવન કેદની સજાનું પ્રમાણ રહે તે સ્વાભાવિક છે. મોતની સજાને લાયક સંગીન કેસ હોય તો પણ કાર્યવાહીમાં વર્ષો નીકળી જાય છે અને મોતની સજા જાહેર થાય તો તેનો અમલ ક્યારેય થાય જ નહીં તેવું બને જ છે. આવા સંજોગોમાં નાગરિકોનો રોષ ટૂંકા ગાળામાં ગુનેગારને ઢેર થતો જોવા ઈચ્છે તે માનવ સહજ બાબત છે. આવો બંડ ભવિષ્યમાંસીસ્ટમ,શોષણખોરો કે ભ્રષ્ટ તત્વો માટે પણ પ્રગટી શકે છે.

ફાંસીની સજા અને ફંદા વચ્ચેનું અંતર 2 - image

૭૨ વર્ષમાં બાવન ગુનેગારોને જ ફાંસી થઇ છે !

કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે ૧૯૪૭થી અત્યાર સુધી બાવન ગુનેગારોને જ ફાંસીની સજાથી મોત અપાયું છે. ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસે અને નારાયણ આપ્ટેને ૧૫ નવેમ્બર, ૧૯૪૯ના દિવસે ફાંસી અપાઈ તે આઝાદ ભારતની સૌપ્રથમ આવી ઘટના હતી. ૧૯૯૧થી એટલે કે છેલ્લા ૩૦ વર્ષમાં ૨૬ ગુનેગારોને ફાંસીની સજા અમલી થઇ શકી છે.

છેલ્લે ૨૦૧૫માં યાકુબ મેમણને ફાંસી થઇ હતી. ફાંસીની સજા જાહેર થવી અને તે પછી ખરેખર ગુનેગારને ફાંસી આપવી તે બંને વચ્ચે ખાસ્સુ અંતર છે. ઉદાહરણ તરીકે વર્ષ ૨૦૦૧માં ૩૩, ૨૦૦૨માં ૨૩, ૨૦૦૫માં ૭૭, ૨૦૦૬માં  ૪૦, ૨૦૦૭માં ૧૦૦ ગુનેગારોને અને તે પછી પ્રતિ વર્ષ જુદા જુદા રાજ્યો મળી દેશમાં સરેરાશ ૭૦ ગુનેગારોને મોતની સજા જાહેર થાય છે જેમાં ઉત્તર પ્રદેશ મોખરે છે.

નેશનલ લો યુનિવર્સીટીના અભ્યાસ પ્રમાણે ૧૪૧૪ જેટલા એવા  કેદીઓ  છે જેઓએ તેમના ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકાર્યા છે. જો કે અન્ય એક રીપોર્ટ પ્રમાણે ૩૭૧ કેદીઓ મોતની સજા હેઠળ હજુ પણ જેલમાં સબડી રહ્યા છે  જેમાં ૧૯૯૧માં મોતની સજા જાહેર પામેલ કેદી  પણ છે. ૨૬ આવા કેદીઓની દયાની અરજી ૧૯૯૨થી રાષ્ટ્રપતિના કાર્યાલયમાં પડી છે.

જેમાં ખાલીસ્તાનસ્ત લીબરેશન ફોર્સનો આતંકવાદી પુરવાર થયેલ દેવીન્દ્ર ભુલ્લર, સેંકડો હત્યા કરી ચુકેલા વીરપ્પનના ચાર ગેંગસ્ટર  તેમજ તેમના પરીવારને સામુહિક ઠાર કરનારા, મહિલાઓની ક્રૂર હત્યા કરનારાનો સમાવેશ થાય છે. જેઓએ જાતીય શોષણ બાદ મહિલાઓની  વિકૃત હત્યાઓ કરી છે તેવા સેંકડો ગુનેગારોને ૧૪ વર્ષની જેલની સજા થઇ છે અને કેટલાયે કેસો આઠ દસ વર્ષથી ચાલે છે. 

અતિ ધાતકી  ગુનો, દસ વર્ષથી વધુ કેસ ચાલે અને પછી મોતની સજા  

ભારતમાં બળાત્કાર કે પાશાવીતાની હદ વટાવતા વિકૃત ગુના અંગે વાંચીને પણ આપણે ધ્રુજી જઈએ તેવી હત્યાના કેસમાં પહેલી નજરે જ દેશભરમાંથી એવો રોષ પ્રગટે કે આવા હેવાનોને કલમના એક જ ઝાટકે મોતની સજા ફટકારી દેવી જોઈએ. આવા તમામ ગુનાઓમાં ઉલ્લેખનીય બાબત એ હોય છે કે કૃત્ય પકડાયેલ આરોપીએ આચર્યું છે તે દીવા જેવું સ્પષ્ટ હોય છે.

પોલીસ સમક્ષ કબુલાત પણ થઇ જાય, પુરાવા પણ મળે ત્યારે જ કેસ કોર્ટમાં જાય અને 'કાયદો કાયદાનું કામ કરે.'  ઉદાહરણ તરીકે ૧૯૮૯માં પકડાયેલ છ હત્યાનો સીરીયલ કીલર ઓટો શંકર છ વર્ષ બાદ ફાંસીની સજા પામ્યો. કોલકાતામાં ૧૯૯૦માં ૧૪ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર ધનંજય ચેટરજીને ફાંસી થતા બીજા ૧૪ વર્ષ નીકળી ગયા હતા. ૧૯૯૭માં મહેન્દ્રનાથ નામનો હત્યારો તો જેની હત્યા કરી હતી તે શખ્શનું ધડ જ લોહીયાળ તલવાર સાથે લઈને  પોલીસ સમક્ષ  હાજર થયો હતો.

હાઈકોર્ટે તેને મોતની સજા ફરમાવેલી જે તેણે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. ૧૬ વર્ષ કેસ ચાલતા ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટે તેની મોતની સજા આજીવન કેદમાં ફેરવી રાહત આપી દીધી હતી. ૧૯૭૩માં દેશભરમાં સનસનાટી મચાવી ચૂકેલ મુંબઈની કે.ઈ.એમ. હોસ્પિટલની જુનિયર નર્સ અરુણા શાનબાગ પર વોર્ડ બોયે એ હદે જાતીય અત્યાચાર કરી તેને ઈજા પહોંચાડી હતી કે તે પછી તે ૪૨ વર્ષ હોસ્પીટલમાં જીવતી લાશની જેમ  રહી હતી. અરુણાને આ હદે વિકૃત રીતે પીંખી નાખનાર વોર્ડ બોયને માત્ર સાત વર્ષની સજા થઇ હતી.

ફાંસીની સજા અને ફંદા વચ્ચેનું અંતર 3 - image

અફઝલ ગુરુ : ૨૦૦૧માં સંસદ પર આતંકી હુમલો અને ૧૨ વર્ષ પછી ફાંસી

સંસદ પર આતંકી હુમલાથી મોટો ગુનો કયો હોઈ શકે? માની લો કે તેઓ તેમના ઓપરેશનમાં સફળ થયા હોત તો દેશમાં કેવી કટોકટી સર્જાઈ હોત તેની કલ્પના કરો. ભવિષ્યમાં આ જ રીતે દેશ પર કબજો કરવાનું આ રીહર્સલ હતું. અફઝલ ગુરુ આ સમગ્ર પ્લોટનો માસ્ટર માઈન્ડ  હતો. ૨૦૦૧માં સંસદ પરના હુમલાની ઘટના આકાર પામી હતી. આ કેસ પણ પાંચ વર્ષ ચાલ્યો હતો અંતે સુપ્રીમ કોર્ટે  અફઝલને  મોતની સજાની  મહોર લગાવી. ૨૦ ઓક્ટોબર,૨૦૦૬ના રોજ તેને ફાંસી અપાશે તે નક્કી પણ થઇ ચુક્યું હતું.

પણ તેના અમલ પર સ્ટે આવ્યો. બીજા સાત વર્ષ તેને જેલમાં જીવતદાન મળ્યું અંતે ૯ ફેબ્રુઆરી, ૨૦૧૩ના રોજ તિહાર જેલમાં તેને ફાંસી અપાવી શક્ય બની હતી. તેવા જ ખૂંખાર આતંકવાદી યાકુબ મેમણે ૧૯૯૩માં મુંબઈના બોમ્બ કાંડમાં ભજવેલી ભૂમિકા જોતા સુપ્રીમ કોર્ટે તેને ફાંસીની સજા  ૨૧ માર્ચ, ૨૦૧૩ એટલે કે ગુનાના ૨૦ વર્ષ પછી જાહેર કરી તો તે પછી પણ રાષ્ટ્રપતિની દયાની અરજી ખારીજ થયા છતાં  તેણે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટીવ અરજી કરી જે પણ નકારવામાં આવી જેમાં વધુ બે વર્ષ નીકળી ગયા.અંતે ૩૦ જુલાઈ, ૨૦૧૫ના રોજ નાગપુર જેલમાં તેને ફાંસી આપવામાં આવી હતી.

ફાંસીની સજા જાહેર થઇ તે રીતે નહીં ખરેખર ફાંસી અપાઈ હોય તેવું કેટલું 

નાગરિકોમાં ન્યાય પ્રક્રિયા પરત્વે હતાશા પ્રવર્તે છે તેનું સૌથી મોટું કારણ ન્યાયમાં થતો વિલંબ અને બળાત્કાર જેવા ગુનેગારો કે હત્યારાઓને ખોફ ઉભો કરે તેવી મોતની સજા જાહેર કરવાનું ખુબ જ મંદ પ્રમાણ છે. આંકડા જોઈએ તો ૧૯૯૫થી૨૦૧૯ સુધીના ૨૪ વર્ષમાં માત્ર ૨૨ ગુનેગારોને જ ફાંસી આપવામાં આવી છે. ૨૪ વર્ષના આ સમયગાળામાં ૧૩ વર્ષ તો એવા છે જેમાં એકપણ ફાંસી સમગ્ર દેશમાં નથી અપાઈ.  ૧૯૯૫નાં એક જ વર્ષમાં  ૧૩ કેદીને ફાંસી આપવામાં આવી હતી જે આઝાદ ભારતનો સૌથી ઉંચો આંક છે. છેલ્લે ભારતમાં ૨૦૧૫માં યાકુબ મેમણને ફાંસી અપાઈ હતી. 

આ તે કેવી દયા! પ્રતિભા પાટીલે મોતની સજાના ૩૫ ગુનેગારોને ઉગારી લીધા

સુપ્રીમ કોર્ટ મોતની સજા ફરમાવે તે પછી ગુનેગાર માટે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરવાની આખરી આશ હોય છે જેને રાષ્ટ્રપતિ ખાસ મચક નથી આપતા. કાયદાનો તેઓ મોભો સન્માન જાળવે છે.પણ તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે તેને મળેલી આવી મોતની સજા માફ કરવાની ગુનેગારો દ્વારા જે અરજી આવેલી તેમાંથી ૩૫ ગુનેગારોની અરજીમાં રહેમ બતાવતા સુપ્રીમ કોર્ટે જેઓને મોતની સજા ફટકારી હતી તેવાની સજાને આજીવન કેદમાં પરિવતત કરી દીધી હતી. પ્રતિભા પાટીલના આવા નિર્ણયથી પીડિતો અને જેઓએ તેમના આપ્તજનો હત્યામાં વિકૃત હરકત બાદ ગુમાવ્યા હતા તેઓ ખાસ્સા હતાશ થયા હતા. 

સુપ્રીમ કોર્ટ પણ કપાયેલા કાંડા જેવું લાચાર જણાયું હતું. ગુનાઈત માનસ ધરાવનારાનો ખોફ ઘટયો હતો. જેમાં ૧૬ વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર બાબુરાવ પણ હતો. પણ મેડમને તેની મોતની સજા જનમટીપમાં ફેરવતા એ ખબર નહોતી કે બાબુરાવ પાંચ વર્ષ પહેલા જ એઈડ્સની બીમારીને લીધે મૃત્યુ પામ્યો હતો. જરા વિચારો, રાષ્ટ્રપતિ પાટીલે  બળાત્કારીની મોતની સજા હળવી કરી હતી. એઈડ્સના આ દર્દીએ કેટલીયે છોકરીઓની જીંદગી બગાડી હશે. ભૂતપૂર્વ  રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પાસે યાકુબ મેમણ, કસાબ અને અફઝલ ગુરુ સહિત ૨૪ જેટલી દયાની અરજીઓ આવી હતી જે તમામને તેમણે નકારી હતી.

કસાબ જેવા કસાબને ફાંસીને માંચડે  લાવતા ચાર વર્ષ લાગ્યા હતા  

'લશ્કર એ તઈબા' દ્વારા ખાસ તાલીમ આપીને મુંબઈમાં પાકિસ્તાનથી આંતકવાદી હુમલો કરવા માટે મોકલાયેલ કસાબ અને તેના સાથીઓએ પોલીસકર્મીઓ સહીત ૧૬૫  નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. તેઓએ કઈ રીતે ઓપરેશન પાર પાડયું હતું તેનું પુનરાવર્તન કરવાની અત્રે જરૂર નથી પણ આપણી ન્યાય પ્રક્રિયા જુઓ. કસાબે નફ્ફટાઈથી પોલીસ સમક્ષ કબુલ્યું હતું કે 'મને જે કામ માટે મોકલવામાં આવ્યો હતો તે મેં પાર પાડયુ છે. હું છેલ્લા શ્વાસ સુધી લાશોની હારમાળા સર્જવા માંગતો હતો.

મેં જે કર્યું છે તેનો મને કોઈ અફસોસ નથી. હું ફિદાયીન હુમલાખોર તરીકેના શપથ લઈને આવ્યો છું. વિશ્વને મારી ઓળખ ન થાય અને  મારા કુટુંબને કોઈ ખતમ ન કરી નાંખે એટલે અમારે જાતે જ ઓપરેશન પાર પાડવા દરમ્યાન મોતને વ્હાલું કરવાનું હોય તે હું ન કરી શક્યો. મહેરબાની કરી મને જેમ બને તેમ વધુ ઝડપથી મોતની સજા આપો.' કસાબે પોલીસ સમક્ષ એક એક ક્ષણની વિગતો આપતા કઈ રીતે કોને ક્યાં ઠાર કર્યા તેનો  તાદશ્ય  એક્શન રીપ્લેની જેમ ચિતાર વર્ણવ્યો હતો. સી.સી .ટી.વી કેમેરામાં તે જે ક્રૂરતાથી મોતની હોળી ખેલતો હતો તે બધું કસાબની કબુલાત સાથે મળતું હતું.

આમ છતાં ૨૬  નવેમ્બર ,૨૦૦૮નાં રોજ આ હુમલો થયો , કસાબે કબુલાત કરી, વિડીયો ફૂટેજ અને સાક્ષીઓ હતા તો પણ તેની  સામે ૨૫ ફેબ્રુઆરી,૨૦૧૦નાં રોજ ચાર્જ શીટ દાખલ થઇ અને ટ્રાયલ કોર્ટે  ૬ મે, ૨૦૧૦ના રોજ કસાબને મોતની સજા જાહેર કરી જે પડકારવામાં આવતા કેસ આગળ ચાલ્યો. હવે મુંબઈ હાઈકોર્ટે આ સજાને જ માન્ય રાખતો ચુકાદો આપ્યો ત્યારે ૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૧ થઇ ગઈ .  કસાબે આ ચુકાદાને પાંચ મહિના પછી ૩૦ જુલાઈ, ૨૦૧૧ના રોજ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. તેના એક વર્ષ પછી ૨૯ ઓગસ્ટ, ૨૦૧૨ના રોજ સુપ્રીમ કોર્ટે પણ મોતની સજા બરકરાર રાખી.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સમક્ષ દયાની અરજી કસાબ મૂકી શકે અને  તેમાં વળી પાછા દસ અઠવાડિયા જાય તેવું ભારત દેશમાં જ બને. ૫ નવેમ્બર,૨૦૧૨ રાષ્ટ્રપતિ આ અરજી નકારી કાઢે છે. બીજા ૧૪ દિવસ પછી કસાબને  ૧૯ નવેમ્બર ,૨૦૧૨ની પરોઢે યરવડા જેલ , પુણેમાં ફાંસી આપવામાં આવી હતી. આઝાદ ભારતના ઇતિહાસમાં કસાબથી ખૂંખાર ગુનેગાર કોણ હોઈ શકે.

તેની કબુલાત છતાં અને સામેથી તત્કાલ મોતની માંગ છતાં આપણી ન્યાય પ્રક્રિયાએ તેને ચાર વર્ષ જીવતદાન આપ્યું. કસાબને આ હદે ફાસ્ટ ટ્રેક કોર્ટ ફાંસીના માંચડે  મંથર ગતિએ પહોંચાડે ત્યારે પેચીદા બળાત્કારના આરોપીને મોતની સજા તો શું ખરેખર દોષિત પણ ઠેરવી શકાય ત્યાં સુધી પીડિતાના વાલી  કે પીડિતાની નૈતિક હિંમત ટકી રહે ખરી? મોતની સજા જાહેર થાય તો પણ ગુનેગારને ફાંસીના ફંદા સુધી જતા પણ   જનમટીપ જેટલા વર્ષો લાગે તેવું બન્યું જ છે.

પોલીસ આત્માનો અવાજ સાંભળી તેમજ ધર્મ, જાતિ કે કિન્નાખોરી રાખ્યા વગર સ્વબચાવમાં હેવાનો સામે 'સિંઘમ' બનશે તો થિયેટરની જેમ નાગરિકો જાહેરમાં પણ તેઓને તાળીઓ પાડી વધાવશે તેવો દેશનો મિજાજ છે. તે યોગ્ય કે અયોગ્ય તેમાં ન પડીએ તો પણ જે વાસ્તવિકતા છે તે આ છે. 

Tags :