એક જ વર્ષમાં 34 લાખ ગુલાબજાંબુના ઓર્ડર
વિવિધા - ભવેન કચ્છી .
ભારતમાં ઓનલાઈન ફૂડ ડિલીવરીનો રૂ. 35000 કરોડનો ધંધો
સૌથી હીટ વેજ-નોન વેજ બિરયાની, એક મિનિટમાં ૯૫ ઓર્ડર ; બીજા ક્રમે ઢોંસા
વીતેલા વર્ષ અને દાયકાનો સચિત્ર ફ્લેશબેક પ્રકાશિત થાય એટલે તેમાં રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, રમત-જગત, ફિલ્મ દુનિયાની ઘટનાઓ સામેલ થતી હોય પણ ક્યારેક એવો વિચાર પણ આવે કે વિદાઈ લઇ ચૂકેલા વર્ષમાં સૌથી વધુ ક્યા ફૂડનો ઓનલાઈન ઓર્ડર થયો હશે.
ભારતમાં નાગરીકો ઘેર ,ઓફીસમાં કે મિત્રો સાથે બેસીને મુવી કે મેચ ઇન્ડોર જોતા હોય ત્યારે સ્ટાર્ટરથી માંડી મેઈન કોર્સ અને ડેઝર્ટ તેમજ ફાસ્ટ ફૂડનો ઓનલાઈન ઓર્ડર આપવાનો ટ્રેન્ડ એ હદે વધતો જાય છે કે આગામી વર્ષોમાં ભારતની રેસ્ટોરાઓમાં ગ્રાહકો માટેના ડાઈનીંગ ટેબલ અને ચેર ધરાવતો હોલ ખાલી હશે અને ઓનલાઈન ફૂડ ડિલીવરી એપ જોડે જોડાયેલ આવી રેસ્ટોરાનાં રસોડા ધમધમતા હશે. કેમ કે આ જ રસોડામાં ઓર્ડર મળેલ વાનગીઓ બનાવીને ડિલીવરી બોય કે ગર્લને પાર્સલ પેક કરીને આપવામાં આવે છે.ભારતમાં ટોચની દસ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવા માટેની એપ પૈકી કોઈ એક તો દસમાંથી સાત વ્યક્તિનાના સ્માર્ટ ફોન પર ડાઉન લોડ કરેલી હશે જ.
સ્વીગી, ઝોમાટો, ફૂડપાન્ડા, ઉબર ઈટ્સ, જસ્ટ ઈટ, ડોમિનોપીઝાસ, પીઝાહટસ, ફ્રેશમેન્યુ, ફાસો'સ, ટેસ્ટીખાના અને ફૂડમિન્ગો જેવી એપના ૧૬ કરોડથી વધુ યુઝર્સ છે અને મહીને ૪ કરોડ ઓનલાઈન ફૂડ ઓર્ડર થાય છે. માત્ર ઓનલાઈન ઓર્ડર માટે જ તમામ પ્રકારના ફૂડ બનાવતી અને એપ જોડે જોડાયેલી અન્ય રેસ્ટોરાં કે જે તેમને ત્યાં આવતા ગ્રાહકો માટેના ટેબલ -ચેર સાથેનો ડાઈનીંગ હોલ પણ ધરાવે છે તે બધી મળીને ૧,૧૦,૦૦૦ રેસ્ટોરા આ ધંધામાં સામેલ છે.
ભોજન વ્યવસ્થાની જ વાત કરતા રહીએ ત્યારે બધાને મનોમન તનાવભરી ઇન્તેજારી હોય કે ''ભાઈ, હવે ભોજનની વાત પર તો આવો''. ચાલો ,આ લેખ વાંચ્યા પછી તમને પણ મોંમાંથી પાણી આવી જશે અને નવા વર્ષનું સ્વાગત કરવા કંઇક ઓનલાઈન ઓર્ડર આપવા સ્માર્ટ ફોન તો તમારા હાથવગો જ હશે. ટોચની ફૂડ એપનો રીપોર્ટ જોઈએ તો વેજ અને નોન વેજ બંને મળીને બિરયાનીનાં સૌથી વધુ એટલે કે એક મીનીટમાં ૯૫ ઓનલાઈન ઓર્ડર સાથે ટોપ પર છે.
બીજી રીતે કહીએ તો પ્રતિ સેકંડ દેશમાં કોઈને કોઈ એક ગ્રાહક બિરીયાનીનો ઓર્ડર આપે છે.મુંબઈની 'ચલ ધન્નો' માત્ર ૧૯ રૂપિયામાં બિરયાની આપતું સૌથી સસ્તું ઓનલાઈન ડિલીવરી આઉટલેટ છે તો પૂણેની એક આઉટલેટની નોન વેજ બિરયાની રૂપિયા ૧૫૦૦ની છે જે સૌથી મોંઘી છે.વર્ષના આખરી દિવસની પાર્ટી નિમિત્તે ૨૦,૦૦૦ બિરયાનીનો ઓર્ડર મળે છે.
બીજા નંબરે મસાલા ઢોંસા મેદાન મારી જાય છે. વર્ષ દરમ્યાન સૌથી વધુ ઓનલાઈન ઓર્ડર અપાતો હોય તેમાં ટોચની દસમાંથી છ વાનગી નોન વેજ હોય છે. જેમાં ઢોંસા ઉપરાંત પનીર બટર મસાલા, દાલ મખની,ગોબી મટર ,જીરા કે ફ્રાઈડ રાઈસ મેઈન કોર્સમાં મુખ્ય છે. વિદેશી ફૂડની રીતે પીઝા તે પછી બર્ગર અને પાસ્તા હીટ એન્ડ હોટ છે. આમ તો ઓનલાઈન ઓર્ડર અને ડિલીવરી પ્રથાનો પ્રારંભ છેક ૧૯૯૪માં પીઝા હટએ કર્યો હતો.પાઉં ભાજી, વડા પાઉં પ્રત્યેક પ્રાંતની વાનગીઓ ,મિલ્ક શેકની પણ ડિમાન્ડ છે.
ડેઝર્ટમાં રસ ઝરાવતા સ્પોન્જી ગુલાબ જાંબુ વર્ષમાં ૩૪ લાખ ૭૦ હજારનાં ઓનલાઈન ઓર્ડર સાથે ટોપ પર છે જયારે ૩ લાખ કેકની ઓનલાઈન ડિલીવરી થઈ છે. બ્લેક ફોરેસ્ટ સૌથી વધુ પસંદ કરતી કેક છે. તે પછી કેસર હલવાનો ૨,૦૦૩૦૧ સાથે મીઠો મુકામ છે. ડેથ બાય ચોકલેટ અને ચોકો પાઈ પણ મનપસંદ છે. હવે તો વર્ષમાં જે દિવસે જે વાનગીના સૌથી વધુ ઓર્ડર મળ્યા હોય તે તારીખને ઓનલાઈન એપ કંપની બીજા વર્ષ માટે તે વાનગીના નામનો ડે જાહેર કરે છે. જેમ કે ૧૭ ફેબુ્રઆરીએ ગુલાબ જાંબુ ડે, ૧૬ જુન ફ્રેંચ ફ્રાઈ ડે,૨૨ સપ્ટેમ્બર પીઝા ડે,૨૯ સપ્ટેમ્બર ખીચડી ડે, ૨૦ ઓક્ટોબર બિરયાની ડે વગેરે.
તમામ એપ્સનું સર્વસામાન્ય તારણ એ નીકળે છે કે ગ્રાહકો હવે વેજ ફૂડ,ગ્રીન ફૂડ અને હેલ્ધી ફૂડ તરફ વળ્યા છે. ખીચડીના ઓર્ડરમાં ૧૨૮ ટકાનો વધારો જોવા મળે છે જે તમામ વાનગીમાં ગ્રોથની રીતે સરસાઈ ધરાવે છે. તેવી જ રીતે કેટોધ ફૂડનો ઓર્ડર પણ વધતો જાય છે.ધકેટોધ ફૂડ એટલે લો કાર્બ ,હાઈ પ્રોટીન કે ફેટ ફૂડ.ઓનલાઈન ફૂડનો આ હદે બિઝનેસ વધવાનું કારણ એ છે કે યુવાનો મોટી સંખ્યામાં અભ્યાસ કે જોબ માટે અન્ય શહેરમાં એકલા જતા હોય છે.
પરણિત હોય તો પતિ -પત્ની બંને જોબ કરતા હોય છે. ભોજન બનાવવાનો મોડી સાંજે સમય હોય તો પણ યુવા દંપતી ઈચ્છે છે કે રોજ ભોજન માટે સમય આપવો તેના કરતા તેઓ હળવા બની દામ્પત્ય જીવન માણે, કારકિર્દી ઘડતર અને કમાણીને પ્રાધાન્ય આપે. સંતાન ઉછેર પણ મહત્વની બાબત છે.
આ બધા ગ્રાહકો હવે હેલ્ધી ફૂડ તરફ ઢળતા જાય છે તે આવકાર્ય બાબત છે.૨૦૧૮ની તુલનામાં હેલ્ધી ફૂડ માટેની સુચના સાથે અને ધકેટોધ ફૂડના ઓર્ડરમાં ૨૩૮ ટકાનો વધારો જોઈ શકાયો.
હવે ગ્રાહકો ફણગાવેલું ,ઓછા તેલ-મસાલા ક નમક -ખાંડ ઓછી નાંખવાનું પણ જણાવતા થયા છે.
અગાઉ માત્ર મેટ્રોમાં જ ઓનલાઈન ફૂડ ઓર્ડરનો ખ્યાલ પ્રવર્તતો હતો તે હવે નાના શહેરો,ગામો સુધી વિસ્તરી રહ્યો છે.આથી જ બેંગ્લોર ૨૦ ટકા ,મુંબઈ ૧૮ ટકા, પૂણે ૧૭ ટકા તેમજ દિલ્હી-હૈદરાબાદ ૧૫ -૧૫ ટકા ઓર્ડર આપતા શહેરો છે. કેટલીક ફૂડ એપ્સ નાના શહેરોનાં બજારનું જ લક્ષ્ય ધરાવે છે. ટાયર-૨ શહેરોમાં અમદાવાદ મોખરે છે તો ટાયર -૩માં આણંદ ઓનલાઈન ફૂડ આરોગવામાં દેશમાં અવ્વલ છે .સ્ટાર્ટ અપમાં ફૂડ હવે ઇન્ડસ્ટ્રી મનાય છે .
ફૂડ હવે સ્ટાર્ટ અપ માટે ફેવરીટ મનાય છે. ઇન્ડસ્ટ્રીનો આકાર પામી ચૂકેલ આ ધંધો ભારતમાં વર્ષે ૧૬.૨ ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યો છે. હાલ સંગઠિત -બીન સંગઠિત મળીને ૫ અબજ ડોલરનો ધંધો છે જે ૨૦૨૩ સુધીમાં જ ૧૨ અબજ ડોલર અને અન્ય એક અભ્યાસ પ્રમાણે ૧૭ અબજ ડોલરનો થઇ જશે. ટોચની એપ્સને દેશી-વિદેશી રોકાણકારો મળી રહ્યા છે તે જ બતાવે છે કે પેટથી હૃદય જીતવાનો જ નહીં તિજોરી છલોછલ કરવાનો પણ માર્ગ છે.
...વીતેલા વર્ષમાં સૌથી વહેલી સવારે ૬.૦૫ વાગે કોઇમ્બતોરમાં એક ગ્રાહકને ઈડલી અને પોન્ગલની ડિલીવરી કરાઈ હતી.જ્યારે દિલ્હીના એક ગ્રાહકે વર્ષ ૨૦૧૮માં ૧૦૦૦ વખત એક એપને ઓર્ડર આપ્યો હતો એનો અર્થ એમ થાય કે દિવસમાં લગભગ ત્રણ વખત ઓર્ડર આપતો હતો. હવે તો ડ્રોનથી પણ ડિલીવરી થાય તે દિવસો દુર નથી....!