Get The App

કોરોનાના ભયના ઓથાર હેઠળ કરોડો નાગરિકો માનસિક બીમાર

વિવિધા - ભવેન કચ્છી .

Updated: Mar 3rd, 2020

GS TEAM

Google News
Google News
કોરોનાના ભયના ઓથાર હેઠળ કરોડો નાગરિકો માનસિક બીમાર 1 - image


વિશ્વમાં વસતા ચીનાઓ અને તેના જેવા લાગતા નાગરિકો જાણે જીવતા બોમ્બ હોય તેમ બધા તેઓને તિરસ્કારની નજરે જોઇને દુર ભાગે છે 

વૈશ્વિક બજારમાં અફડાતફડીનો માહોલ

સગા સૌ સ્વાર્થના : ચીનના ઘરમાં મહિનાથી કેદ પરિવારમાંથી કોઈપણ કુટુંબીને છીંક આવે  તે સાથે જ તેને ઘરમાંથી કાઢી મુકવામાં આવે છે...

કોરોના વાયરસે વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. ચીનમાં કોરોના વાયરસે છેલ્લા સવા મહિનાથી ડ્રેગનની જેમ જડબું ફાડયું છે  ત્યાં સુધી વૈશ્વિક શેર બજારમાં એ હદે સદમો નહોતો પહોંચ્યો પણ ગત ૨૮ ફેબુ્રઆરીએ અમેરિકાના કેલીફાર્નિયામાં કોરોના વાયરસના ત્રણ શંકાસ્પદ કેસ નોંધાતા ન્યુયોર્કના શેર બજારના ડાઉજોન્સમાં તેઓના ઇતિહાસનો ચોથા નંબરનો કડાકો બોલતા ૧૧૯૧ પોઈન્ટ ગગડયા અને 'બ્લેક  ફ્રાઈડે'એ વિશ્વના બજારોમાં પણ તારાજી સર્જી. અમેરિકાએ છીંક ખાધીને વિશ્વ જાણે કોરોનાના લક્ષણો બતાવવા માંડયા હોય તેવી અફડાતફડી જામી હતી.

ભારતમાં એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાંથી રૂપિયા ૫.૫૩ લાખ કરોડનું ધોવાણ થઇ ગયું હતું. ભારત આઝાદીના ૭૮ વર્ષ પછી તેમનું અર્થતંત્ર પાંચ ટ્રીલીયન ડોલરનું બને તેવું લક્ષ્ય સેવે છે તેના કરતા વધુ એટલે કે છ ટ્રીલીયન ડોલરનો ફટકો તો વિશ્વને છેલ્લા એક મહિનામાં જ કોરોનાને કારણે પડી ગયો છે. મુકેશ અંબાણી જો ભારતના શેર બજારનું બેરોમીટર હોય તો તેમણે સવા મહિનામાં પાંચ અબજ ડોલરની બાદબાકી જોવી પડી છે.

રોકાણકાર  કોઈપણ સંદર્ભ ટાંક્યા વગર જાણે ઊંઘમાં પણ બબડતો હોય તેમ કહેતો સંભળાય છે કે 'આપણે તો વેચી દીધા.' માનવ જગતના  કલ્યાણ  માટે તો જે તે સરકાર અને વહીવટી તંત્ર કોરોના પર કાબુ મેળવશે જ પણ વિશ્વના અર્થતંત્રને તૂટી પડતું બચાવવા પણ  કોરોનાની ડોક મરડવી પડે તેમ જ છે.

અમેરિકા પછીની વિશ્વની બીજી આથક સત્તા સમાન દેશ ચીને ફોન, કમ્યુટર, ઇલેક્ટ્રોનિકસ ગેજેટ્સ, પાર્ટસ ,કપડા, ઓટોમોબાઈલ , નાની મોટી આઈટમો અને તમામ ફેક્ટરી ઉત્પાદનો હાલ પુરતા બંધ કરી દીધા છે. બીજી રીતે કહીએ તો જાણે ત્રીજુ  વિશ્વ યુદ્ધ ચીન અને કોરોના વચ્ચે છેડાયું હોય તેવો તખ્તો ઘડાયો છે. કમનસીબે ચીનને કોરાનાને મહાત આપવા તેના જ દેશના દોઢ અબજ નાગરિકોને જાણે કેદ કરવા પડયા છે અને વિશ્વ પણ તેઓથી વિખૂટું પડી ગયું છે. ચીનમાં સસ્તા લેબરને લીધે જ અમેરિકાની ટોચની કંપનીઓ તેમની પ્રોડક્ટ માટે ચીપ સહિતના પાર્ટસથી માંડી એસેમ્બલીંગ અને ફીનીશ પેકની રીતે ચીન પર મદાર રાખતી હોય છે. માઈક્રોસોફ્ટ, એપલ, એમેઝોન,ફેસબુક અને ગુગલ જેવી પંચરત્ન કંપનીઓની પ્રોડક્ટ અને સેવા ચીનમાં જ આખરી બજારને લાયક સ્વરૂપ ધારણ કરતી હોય છે.

આ કંપનીઓએ તેમના આગામી ત્રણ મહિનાના લક્ષ્યાંકો ઘટાડી દીધા છે. આવું કંપનીઓના ઇતિહાસમાં પ્રથમ  વખત બન્યું છે. એમેઝોન જે પણ ચીજવસ્તુના કે ગેજેટ્સના ઓર્ડર લે છે કે બલ્કમાં ઉત્પાદકો પાસેથી ખરીદી ગ્રાહકોને જંગી ડિસકાઉન્ટ આપે છે તે આખરે તો ચીનમાં જ ઉત્પાદન થતા હોય છે. એમેઝોનને પણ ગ્રાહકોએ ઓર્ડર આપેલ માલ મળે તેમ નથી. તેમના ધંધામાં પણ બ્રેક લાગી છે. ચીની 'અલીબાબા' કંપની પણ હાલ પૂરતી કટોકટીમાં સરકી ગઈ છે. આપણે ચીનની પ્રોડક્ટનો બહિષ્કાર કરવાના નારાઓ લગાવીને કે સોશિયલ મીડિયામાં તેવા મેસેજ ફરતા કરી રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરીએ ત્યારે જાણે ચીન પતંગની દોરી, ફટાકડા અને ગિફ્ટ આર્ટીકલ જ બનાવતું હોય તેવું અજ્ઞાાન બહાર લાવતા હોઈએ છીએ. અમેરિકામાં 'ચીનની ચીજવસ્તુઓનો બહિષ્કાર કરો' બેનર સાથે રેલી નીકળે તે બેનર્સ અને સ્ટીકરો પણ 'મેઇડ ઈન ચાઈના'ના હોય છે! એપલના આઈ ફોન કે વિશ્વની ટોચની બ્રાન્ડ પર વાંચશો તો ચીનની પ્રિન્ટ લાઈન જોઈ શકાશે.

ટચુકડી હેર પિનથી માંડી કદાવર મશીનો વિશાળ વિમાની કાર્ગો કે સ્ટીમરમાં ગોઠવાઈ અન્ય દેશોમાં નિકાસ થતા હોય છે.ચીનના બંદરોમાં આયાતનો ટ્રાફિક ન્યુનતમ છે. ચીનમાં તેમના દેશના સહીત વિશ્વભરના કારીગરો, શ્રમિકો રોજી મેળવતા હોય છે આવા લાખો હાલ ચીનમાં બંધબારણે છે. ચીનમાં ભારતીયોને પરત લાવવા ગયેલ એર ફોર્સ વિમાનના કેપ્ટને કહ્યું કે ચીનના એરપોર્ટ, બજારો, જાહેર માર્ગો એ હદે સુમસામ છે કે કોઈ અજાણ્યા ગ્રહમાં પગ મુક્યો હોય જ્યાં જીવ કે જીવન જ ન હોય. 

મહિનાથી પણ વધુ સમયથી ૮૦ ટકા લોકો ઘરની બહાર જ નીકળી નથી શક્યા. ઘરમાં શાકભાજી, કરીયાણું ન હોય. પાણી પણ ચેપી હશે ત્યાં સુધીના ડરને લીધે બધા બે પાંચ ઘૂંટડા પીવે છે. સરકારી એજેન્સી ઘેર ઘેર આટલી વિરાટ વસ્તીને ફૂડ કે ગ્રોસરીનું પાર્સલ વિતરણ કરે છે ત્યારે પણ આપનાર અને લેનાર બંનેને ચેપ લાગવાનો સંશય હોઈ તેઓ અડધા ખુલેલા બારણાંમાંથી આ પ્રક્રિયા ભારે ફફડાટ સાથે પૂર્ણ કરી દે છે. સવા મહિનાથી ૮૦ કરોડ નાગરીકો નુડલ્સ પર જ છે તેમ કહી શકાય.પતિ,પત્ની અને સંતાનોમાંથી કોઈ એક છીંક કે ઉધરસ ખાય તો જાતે જ અલાયદા રૂમમાં પુરાઈ  જઈને રહે છે.

કોઈ કુટુંબી કોરોનાગ્રસ્ત બની જાય તો તેના કુટુંબને બચાવવા ઘર છોડી ભાગી જાય અને રસ્તામાં પેટ્રોલિંગ કરતી પોલીસ આવી કોરોનાના સંભવિતોને જીવવાની આશા જણાય તો સારવાર કેન્દ્રમાં અને બાકી આખરી શ્વાસ માટેના કેમ્પમાં મૂકી આવે. આવા ત્યાગથી વિપરીત સગા સ્વાર્થના તેવી કહેવત પ્રમાણે એવા પણ અસંખ્ય કિસ્સાઓ  જોવા મળે છે જેમાં બંધ ઘરમાં રહેતા કુટુંબના કોઈ સભ્યને હજુ તો છીંક -ઉધરસ આવે તે સાથે તેને પકડીને ઘરની બહાર હડસેલી અને બારણાં તેના માટે કાયમ બંધ કરી દેવામાં આવે છે. ચીનમાં બધાને વારંવાર હાથ ધોવાની મનોબીમારી થઇ ગઈ હોઈ દિવસમાં ૩૦-૪૦ વખત હાથ ધોતા હશે.

હેલ્થ બુલેટીનમા સતત સુચના અપાય છે કે આજુબાજુ કોઈ ચેપના લક્ષણો ધરાવતી વ્યક્તિ ન હોય તો કોઈએ માસ્ક પહેરાવાની જરૂર જ નથી છતાં બધા માસ્ક પહેરીને જ ફરે છે આ કારણે માસ્કની તીવ્ર તંગી પ્રવર્તે છે અને ખરેખર જેને જરૂર છે તેઓને પ્રાપ્ય નથી. એમાં પણ સાદું માસ્ક તો આમ પણ કોરોનામાં અસરકારક પુરવાર નથી થતું. એન-૯૫ માસ્ક જ યોગ્ય છે પણ તે જુજ પુરવઠો ધરાવે છે.ચીનમાં રોજના ૪ કરોડ માસ્કની નાગરિકોની ડીમાંડ છે તેની સામે ૪ લાખનો જ સપ્લાય છે. માસ્ક ન મળે તો પણ બધા પાગલ જેવા થઇ જાય છે. મોતના ભય હેઠળ બંધ ઘરમાં આ રીતે મહિનાથી રહેતા હોવાના કારણે ચીનના મોટાભાગના નાગરિકો માનસિક બીમાર કે પાગલ જેવા બની ગયા છે.તેઓની નોકરી,ધંધા પણ પડી ભાંગ્યા હોઈ માનસિક આઘાતમાં પણ સરી ગયા છે.માણસ માણસથી ડરે છે.

અત્યાર સુધી માનવ જગતને એમ જ હતું કે માનવીઓ વચ્ચે રંગ,જાતિ અને ધર્મના આધારે જ ભેદભાવ પ્રવત શકે પણ કોઈ રોગચાળો પણ તેનું કારણ બની શકે તે નવું પરિમાણ અ વખતે જોવા મળ્યું. આજે એવી સ્થિતિ છે કે વિશ્વમાં સ્થાયી થયેલા ચીનાઓ મહિનાઓ કે વર્ષોથી તેમના દેશ નથી ગયા તો પણ તેઓ જાણે હાલતા ચાલતા આત્ઘાતી બોમ્બ હોય તેમ તેનાથી બધા ડરે છે. 

હવે ચીના ઉપરાંત કોરિયન, જાપાનીઝ મલેશિયન, ફીલીપો અને સિંગાપોર જેવા દેશોના નાગરીકો જોડે પણ આવો વ્યવહાર કે અંતર રખાય છે. તેનાથી વિશેષ તેઓ જે દ્રષ્ટિથી જોવાય છે તે તેઓ માટે ખુબ અપમાનજનક અને આત્મ સન્માનને ઠેંસ પહોચાડનારી છે. અમેરિકા અને યુરોપની ઓફિસોમાં અને યુનિવર્સીટીઓમાં  ચીનાઓ છીંક ખાય તો પણ તેઓ કોરોનાના કેરિયર હોય તેમ બધા તેઓ સામે ધૃણાની નજરે જુએ છે. મેનેજમેન્ટને ફરિયાદ કરે છે. ચીનાઓને કારણે જ અમેરિકાની કંપનીઓ ઘેરથી કર્મચારી કામ કરે તેવું વિચારી  રહી છે. 

હવે આગામી ઓગસ્ટથી અમેરિકાની યુનિવર્સીટીઓનો અભ્યાસક્રમ શરુ થશે પણ તેની પ્રવેશ પ્રક્રિયા મેં -જુનમાં જ પૂર્ણ થતી હોય છે ત્યારે ચીનના  નાગરિકોના  પ્રવેશ પર જ  અમેરિકાના એરપોર્ટ પર પ્રતિબંધ છે ત્યારે વિદ્યાર્થીઓ માટે તો પ્રવેશ શક્ય નહીં જ બને. અમેરિકામાં ૬૦ ટકા ચાઈનાના વિદ્યાર્થીઓ હોય છે. અમેરિકાને આથક ફટકો તો પડશે જ પણ ચીનના હોનહાર વિદ્યાર્થીઓના ભાવિ પર વધુ માઠી અસર પડશે. કોરોના ચીન ઉપરાંત વિશ્વના ૩૦ મુખ્ય દેશોમાં ફેલાતો જતો હોઈ પ્રવાસન, એરલાઈન્સ, હોટલ, ઓટો, હાર્ડવેર, સોફ્ટવેર, ગેજેટ્સ, મેટલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફર્નીચર, ઇલેક્ટ્રોનીક્સ અને મિકેનીકલ પાર્ટ્સ, મશીન, લેથ, શિક્ષણ, બંદર, ડાયમંડ,  રીટેઈલ જેવા તમામ સેક્ટરના ધંધામાં મરણતોલ ફટકો પહોંચ્યો છે.

ભારતે અમેરિકાની કંપનીઓને માટે હબ બનવાની તક ઝડપવા જેવી છે. કોરોનાના નામે સોશિયલ મીડિયામાં સાંત્વના આપતા સત્ય તારણો કરતા ડરામણા ઝૂઠ વધારે વાયરલ બન્યા છે. કોરોના માની લો કે થાય તો પણ ૮૦ વર્ષથી વધુ વયનાને માટે અને તે પણ ૧૪ ટકા દર્દીઓ માટે જ જીવલેણ પુરવાર થાય છે. પચાસ વર્ષથી નીચેની વયનાને કોરોનાગ્રસ્ત સ્થિતિમાં પણ બેથી દસ ટકા કિસ્સામાં જ મૃત્યુની શક્યતા છે. યાદ રહે આવો ભય પણ ચીનના રહેવાસીને જ છે. કોઈને કોરોનાનો પ્રભાવ હોય તો પણ તેનો ચેપ લાગવાની શક્યતા એવી નથી કે તમામ સેંકડો-હજારોને હોરર ફિલ્મની જેમ એક જ ઝાપટમાં તેના જડબામાં સ્વાહા કરી દે. હવે જયારે અન્ય દેશોમાં કોરોના પ્રસરી ચુક્યો છે ત્યારે આગામી બે અઠવાડિયા નિર્ણાયક છે કેમ કે એટલા સમયમાં તે અન્ય તંદુરસ્ત વ્યક્તિમાં પ્રવેશ્યો છે કે કેમ તે ખબર પડતી હોય છે.

કોરોનાએ માનવ માનવ વચ્ચે અવિશ્વાસની દિવાલ ઉભી કરી દીધી છે. ચીનને એવી શંકા છે કે અમેરિકાએ બાયો વેપન તરીકે આ  વાયરસ ઘુસાડયો છે અને અમેરિકા સહિત યુરોપિય દેશો ચીનને વિલન ગણે છે. ચીન અમેરીકામાં વેપન તરીકે વાયરસ ફેલાવવા તેમના દેશની લેબમાં તેને તૈયાર કરતુ હતું ત્યારે ત્યાંથી પ્રયોગ કરવા જતા લીક થઇ ગયું તેવી પણ થિયરી ચર્ચાય છે.અમેરિકામાં વાયરસનો ખોટો  ખોફ ડેમોક્રેટ્સ પક્ષ જ મને નુકસાન કરવા ફેલાવે છે તેવો ટ્રમ્પ આરોપ મુકે છે. પ્રમુખપદની ચુંટણી પહેલા અમેરિકાનું અર્થતંત્ર નબળું પાડવાનું આ  કાવતરું છે તેમ ટ્રમ્પ વળતો હુમલો વિપક્ષ પર કરે છે. કોરોના કાબુમાં આવ્યા પછી ચીન અમેરિકા જોડે કઈ રીતે પેશ આવે છે તે પણ વિશ્વના વળાંક લેતા ભાવિ માટે જોવું ચિંતાજનક બની રહેશે. યુદ્ધ અને આતંકવાદી હુમલાઓ જે જાનહાની અને આથક ખુવારી ન સર્જી શકે તેવી તબાહી  એક લાઈટર માઈક્રોસ્કોપથી પણ જોઈ ન શકાય તેવા વાયરસે  મચાવી દીધી છે.

Tags :