Get The App

'Buy nothing': જે જોઈએ તે ચીજ વસ્તુ મફતમાં !

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
'Buy nothing': જે જોઈએ તે ચીજ વસ્તુ મફતમાં ! 1 - image

- અમેરિકાની બે મહિલા મિત્રોને સમુદ્ર કિનારે ઠાલવાતા ભંગારમાં હજુ ઉપયોગમાં લઇ શકાય તેવી ચીજ વસ્તુઓને જોઇને વિચાર આવ્યો કે તેને જરુરીયાતમંદો સુધી નિ:શુલ્ક પહોંચાડતું ઓનલાઈન પ્લેટફોર્મ બનાવીએ અને આગળ જતા આ કાર્ર્યએ સામાજિક ચળવળનું સ્વરુપ ધારણ કર્યું

- વિવિધા-ભવેન કચ્છી

- બે મહિલા મિત્ર લાયસ્લ ક્લાર્ક અને રેબકા રોકફેલરે આ પ્રોજેક્ટનો વિચાર આપ્યો

- buy nothing પ્લેટફોર્મ પર ૨૪ કરોડ લોકો હવે તેઓને  ઉપયોગમાં ન હોય તેવી ચીજ વસ્તુ જેને જરૂર હોય તેને ફ્રીમાં આપી દેવા મુકે છે. ૧૪,૦૦૦ સ્વયંસેવકો મહિનાની સરેરાશ ૨૬ લાખ ગીફ્ટનું વિતરણ કરે છે : હવે તો આવી પ્રેરણા લઈને સોશિયલ મીડિયા  પર આવા ઘણા  ગ્રુપ બન્યા છે 

આ જના મોંઘવારીના જમાનામાં તમને કોઈ ચીજ વસ્તુ સાવ મફતમાં મળે તેવી કલ્પના કરી શકો?અત્યારે તો એવી ઓનલાઈન એપ છે જે તમારી જૂની ચીજ વસ્તુ પણ તેના પ્લેટફોર્મ પર વેચવા માટે મુકે છે અને પૈસાની ભીડ અનુભવતા કે બિનજરૂરી ખર્ચ કરવામાં ન માનતા લોકો આવી ચીજ વસ્તુ કિફાયતી કિંમતે ખરીદતા પણ હોય છે. ઓન લાઇનનાં આવા લે વેચવાના ધંધાથી તો બધા પરિચિત છે.અખબારોમાં પણ ટચુકડી જાહેરાતોની દુનિયા છે. સેકન્ડ હેન્ડ  શબ્દ જરા અરુચિકર લાગતો હતો તેથી આવી  જૂની વેચાતી ચીજ વસ્તુ કે વાહનો માટે Pre owned શબ્દનું પ્રયોજન શરુ થયું.પણ આજે એક નવી દુનિયાની વાત છેડવી છે.આજના મોંઘવારીના જમાનામાં તમને કોઈ ચીજ વસ્તુ સાવ મફતમાં મળે તેવી કલ્પના કરી શકો? જી હા, ઓન લાઈન દુનિયા અને સોશિયલ મીડિયા સુખદ અને માનવીય જગતનું પણ સર્જન કરી શકે છે.

એક ઉદાહરણ જોઈએ. સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારના સંતાનને સાયકલ લેવાની જરૂરિયાત ઉભી થઇ. તેના સંતાનને જે ફીચર્સની  સાયકલ ખરીદવી હતી તેનો કિંમત રૂ. છ હજાર જાણતા જ તેની માતા  નિરાશ થઇ કેમ કે  સાયકલ માટે તેની બચતને ખાસ્સો ફટકો પડતો હતો.થોડા દિવસો પછી બીજી ટર્મની ફી પણ ભરવાની હતી. તેણે તેની બહેનપણી કે જેનું સંતાન પણ તે જ શાળામાં અભ્યાસ કરતુ હતું તેની સમક્ષ આ વાત સહજ રીતે છેડી. તેણે એક જ મિનિટમાં ઉકેલ લાવી દેતા buynothing નામના ફેસબુક ગ્રુપ જોડે સાયકલ માટે સર્ચ કર્યું. તેમના વિસ્તારના નજીકનું  ગ્રુપ કે જે  આ પ્લેટફોર્મ સંભાળતું  હતું તેનો સંપર્ક કરાવીને સાવ મફતમાં સાયકલ મેળવી આપી.

સૌથી પહેલા મહત્વની સ્પષ્ટતા એ કરવાની કે  આવી એપ કે સોશિયલ મીડિયાના ગુ્રુપ મારફત જેઓ મફતમાં ચીજ વસ્તુ મેળવે છે તે દરેક લોકો  આર્થિક રીતે નબળા છે તેવું માનવાનું કારણ  નથી. આજે એક મોટો વર્ગ એવો છે જેઓ વિચારે છે કે અમુક ચીજ વસ્તુ કેટલાક મહિનાઓ કે બે ત્રણ વર્ષ જ ઉપયોગમાં લેવાતી હોય છે. તે નવી લઈને ખર્ચ કરવો તેના  કરતા બચેલી રકમમાંથી અન્ય અર્થપૂર્ણ ખર્ચ કરીને જીવન ધોરણ વધુ સારું બનાવવું. બીજું,  જે લોકો તેમની  ચીજ વસ્તુઓ કે જે  હવે તેઓને   ઉપયોગમાં લેવાની જરૂર નથી તેઓ તેમની વસ્તુ બીજાને ઉપયોગમાં લેવા buynothing ગ્રુપને આપે છે.

ધારો કે બાળકોના રમકડા, પુસ્તકો,સાયકલ અમુક વય જૂથ પુરતા જ ઉપયોગમાં લેવાતા હોય છે તે પછી આપણે તેને ભંગારમાં સાવ ફેંકી દેવાના ભાવે વેચી દઈએ છીએ અથવા એમ  જ ફેંકી દેતા હોઈએ છીએ તેની જગ્યાએ આવી લગભગ નવા જેવી અને તેના આયુષ્ય કરતા ઘણી વહેલી વિદાય આપી દેવાતી ચીજ વસ્તુ આવા ગ્રુપને આપીને  જરૂરિયાતમંદને સાવ નિ:શુલ્ક પ્રાપ્ત થાય છે.

અમેરિકા જેવા દેશમાં તો સાયકલ, રમકડાં, પુસ્તકો, ક્રોકરીથી માંડી પલંગ, ડાઈનીંગ ટેબલ અને ફર્નિચર ઘેરથી ભંગાર માટે કાઢવા સારા એવા ડોલર આપીને કોઈ એજન્સીના માણસને બોલાવવો પડતો હોઈ મોંઘુ પડે છે આથી ઘરની બહારના રસ્તા પર એમ જ તેને મૂકી દેવાતું હોય છે જેને જોઈતું હોય તે મફતમાં લઇ જાય. આવી સ્થિતિ વચ્ચે   buynothing વિચારનો જન્મ અમેરિકામાં થયો. હવે તો    buynothing  ઉપરાંત  તેના જેવા  ગ્રુપ અને પ્લેટફોર્મ વિશ્વભરમાં ગામેગામ અને વિસ્તારો પ્રમાણે બન્યા છે. ગ્રુપ ચલાવનાર એડમિન જે પરિવાર  ચીજ વસ્તુ નિ:શુલ્ક  લેવા માંગે છે તે વિસ્તારની નજીક જ હોઈ શક્ય ત્યાં સુધી પારદર્શક  વ્યવહાર થાય  તે જુએ છે. ચીજ વસ્તુ લેનારે તેણે વેચવા ન મુકવી તેવી નૈતિક શરત હોય છે પણ તેનું ઉલ્લંઘન કરનારા પણ છે જ છતાં આ પ્લેટફોર્મ કોઈ પગલા લેવા અધિકારી નથી. મૂળ સંદેશો એવો અપાય છે કે કિંમત આપ્યા વગર લીધેલી ચીજ વસ્તુનો તમે ઉપયોગ કરી લો એટલે ફરી તેને બીજાને ઉપયોગ કરવા માટે પ્લેટફોર્મમાં મુકો.તમારે ઘેર બીજી બિન ઉપયોગી ચીજ વસ્તુ હોય તો તેને પણ તમે બીજા માટે આપો.

buynothing પ્રોજેક્ટને જન્મ આપવાનું શ્રેય લાઈસ્લ ક્લાર્ક અને રેબેકો રોકફેલર નામની બે મિત્રને જાય છે. તેઓ વોશિંગ્ટનના નજીકના બેઇનબ્રિજ  ટાપુમાં  રહેતા હોઈ સમુદ્ર કિનારે બંને સાથે  ફરવા જતા. તેઓએ જોયું કે સમુદ્ર કિનારે શહેરનો સફાઈ વિભાગ ભંગાર ઠાલવી જતો હતો. કેટલાક આવા ભંગારને સ્ટીમરમાં લઇ જઈને સમુદ્રમાં પણ ઠાલવી દેવાતો હતો.આવા ભંગારમાં હજુ ઉપયોગમાં લઇ શકાય કે રીપેર કરી શકાય તેવા રમકડાં, સાયકલ,મોબાઈલ, ટીવી, કમ્પ્યુટર, ફર્નિચર અને પુષ્કળ માત્રામાં પાણીની ખાલી બોટલો અને પ્લાસ્ટિક વેસ્ટ હતો. ૨૦૧૩ના વર્ષના મેં મહિનામાં તેઓને સમુદ્ર કિનારે ફરવા જતા હતા ત્યારે વિચાર આવ્યો કે આ બધી ચીજ વસ્તુઓને સાફ સુથરી બનાવી જેમને જરૂર હોય તેને વિતરણ કરીએ અને જે ભંગાર રીસાયકલ કરવા જેવો છે તે આવી કંપનીઓને લઇ જવા સેતુરૂપ ભૂમિકા ભજવીએ . ચીજ વસ્તુ ભંગારમાં ફેંકી દેવા કરતા અમને આપો તેવી અપીલ કરતી એપ buynothing તેઓએ બનાવી. બંને મિત્રોએ એપ પર અને સોશિયલ મીડિયા દ્વારા નાગરિકોને કહ્યું કે 'અમે તો આ વિચાર આપ્યો છે. તમારે buynothing ના નેજા હેઠળ  ન આવવું હોય અને તમારી રીતે તમારા વિસ્તારમાં કોમ્યુનીટી સ્થાપીને જે નામ આપી આવી પ્રવૃત્તિ કરાવી હોય તો છૂટ છે.' આજે વિશ્વમાં સ્વયંસેવકોની ટીમ બનાવી પોતાની રીતે બીજું કોઈ નામ આપીને આવું પ્લેટફોર્મ ફેસબુક પર ચલાવીને હજારો ગુ્રુપ  નેક સામાજિક પ્રદાન આપે છે.

અમેરિકા અને પશ્ચિમના જગતની વાત કરીએ તો buynothing એપ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક ચળવળ બની ચુકી છે.આજે આ એપ અને સોશિયલ મીડિયા દ્વારા ૨૪ કરોડ  લોકોની કોમ્યુનીટી જોડાયેલી છે અને ૧૪,૦૦૦ જેટલા સ્વયંસેવકો કાર્યરત છે.૧.૩ કરોડ પાડોશીઓ અથવા તો એક વિસ્તારમાં રહેતા લોકો ૨.૬ કરોડ જેટલી ચીજ વસ્તુઓનું મફતમાં આદાન પ્રદાન કરી ચુક્યા છે.આ તો buynothing ના જ આંકડા છે પણ તેની પ્રેરણાથી પોતાની રીતે જ આવી પ્રેરણા લઈને પ્રવૃત્તિ કરનારા કદાચ વિશ્વમાં આના કરતા પણ વધુ સંખ્યામાં હશે.તમે પણ તમારા વિસ્તારનું આવું ગ્રુપ ફેસબુક કે વોટ્સ એપના  માધ્યમથી ઉભું કરી શકો છો. જે પણ તેમના એડમિન અને સ્વયંસેવકો હોય તેની વિશ્વસનીયતા જરૂરી છે. સ્વયંસેવકોએ એવી તકેદારી રાખવાની છે કે યોગ્ય પરિવારને ચીજવસ્તુ પહોંચે.તેઓ ચીજ વસ્તુ લેનારને પણ અપીલ કરે છે કે તમારા ઘેર આવી ચીજ વસ્તુ હોય તો અમને આપો.

હવે તો દસ પંદર એપાર્ટમેન્ટ કે ટાઉનશીપ પણ પોતાના સોશિયલ મીડિયા પર ગ્રુપ રાખીને ચીજ વસ્તુની આપ લે કરે છે. તમારે ઘેર ઉદાહરણ તરીકે ડિસ્પ્લે  સ્ક્રીન તૂટી ગયેલ  લેપટોપ કે  કાર્ડિયો કસરત કરવા માટેનું ટ્રેડમિલ પડયું  છે તો તમારા ગુ્રુપમાં ઓફર કરી શકો છો. પાંચ વર્ર્ષના વયજૂથ સુધી ચાલે તેવા મોંઘા રમકડાં પડયા છે અને બાળક હવે મોટું થઇ ગયું છે તો તે હવે જેના ઘેર પાંચ વર્ષ સુધીના બાળકો હોય તેને ઓફર કરી શકો છો સામે એવા ગ્રુપ મેમ્બર પણ હોવાના જ કે જેઓ પાસે પાંચથી આઠ વર્ષ સુધીની વયના બાળકો માટે રમકડાં હોય. આવી રીતે પુસ્તકોની આપ લે પણ મોટે પાયે થાય છે. ઘણા નવું મોડેલ આવતા મોબાઈલ બદલી નાંખે છે. સહેજ બગડી જતા નવો મોબાઈલ લેતા હોય છે તેઓ પણ 'જે છે તે હાલતમાં' તેવું જણાવી ચીજ વસ્તુ મૂકી શકે છે. આ પ્રોજેક્ટ હેઠળ બાર્ટર પધ્ધતિ પણ પ્રચલિત બને બની છે.

buynothing પ્રોજેક્ટ લોન્ચ થયો ત્યારે જ એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે 'તેઓનો આશય નવી ચીજ વસ્તુ નાગરિકો ન ખરીદે તેવો પ્રચાર કરી ઉત્પાદક  કંપનીઓ અને દુકાનદાર તેમજ વેપારીઓને નુકશાન કરવાનો નથી. ગ્રાહકવાદ ખતમ કરવાનો એપનો ધ્યેય નથી. એવો બહોળો વર્ગ કાયમ રહેવાનો છે કે જેઓ  નવી ચીજવસ્તુ જ  ખરીદવાના છે તેઓને મફત કે ઓછા ભાવે તે મળશે તો પણ તેઓ તેને નહીં જ લે.આ તો જરૂરીયાતમંદોને જોડી આપતું ઉમદા ભાવના સાથેનું પ્લેટફોર્મ છે. તેમાં સામેલ થનાર તમામ આર્થિક રીતે નબળા છે તેવું નથી તેથી લઘુતાગ્રંથી કે  સખાવત મેળવે છે તેવું હરગીઝ ન વિચારવું. આજે કેટલાયે પરિવાર એવા છે કે તેઓને કોઈ જરૂરિયાત છે અને તેના પાડોશમાંથી જ તે પ્રાપ્ય છે  તે  તેને ખબર નથી. એપ કે ગ્રુપ તેઓને જોડી આપે છે.'

હવે તો buynothing પર વિડીઓ, પુસ્તકો પણ છે. શ્રીમંત અને જાણીતી હસ્તીઓ સંગ્રહ કરવા લાયક જે ચીજ વસ્તુ બજારમાંથી નથી મેળવી શક્યા તે તેઓને આ ગ્રુપમાંથી પ્રાપ્ત થઇ છે.કેમ કે લોકો જુના ચિત્રો ,કળા કૃતિ, ઝુમ્મરો અને વિન્ટેજ, ચીજ વસ્તુ પણ  કોઈને જરૂર હોય તો આપવા માટે મુકે છે.

આજે પુસ્તક પરબ મોટે પાયે ચાલે છે. તેવી જ રીતે જુના કપડાને સરસ ધોઈ, ઈસ્ત્રી કરીને મફતમાં કે આત્મસન્માન જળવાય એટલે નજીવી કિંમતે વેચતા સમાજ સેવા કરતા ગ્રુપ પણ સારી એવી સંખ્યામાં જોઈ શકાય છે. મહિનાના કરિયાણાની કીટનું મફતમાં વિતરણ થાય છે. પણ આ બધી પ્રવૃત્તિમાં લેનાર આપનાર જેવો વિચાર જન્મી શકે છે. ગરીબો લાભ લે તે પાયામાં હોય છે, જ્યારે  buynothing પ્રોજેક્ટ એક સમજ છે જેમાં તમામ આર્થિક વર્ગના લોકો સામેલ થાય છે. સંતાન પર જૂની ચીજ વસ્તુ થોપી દેવા કરતા તેને  સમજાવવા પર ભાર મુકાય છે. હજુ પણ જ્ઞાતિ  મંડળો જુના પુસ્તકો દરેક નવા વર્ષ જેને લાભ લેવો હોય તેને સર્ક્યુલેટ કરે જ છે.

યુવા પેઢી buynothing જેવા ગ્રુપ બનાવી સમાજમાં આગવું પ્રદાન આપી શકે છે. વર્ષમાં એક દિવસ ૨૯ નવેમ્બર  buynothing ગચઅ તરીકે ઉજવાય છે.

જ્ઞાન પોસ્ટ

buynothing project is a reminder that happiness doesn't come from possessions



'Buy nothing': જે જોઈએ તે ચીજ વસ્તુ મફતમાં ! 2 - image