ભાગીરથી અમ્માનું ભગીરથ કાર્ય
વામાવિશ્વ - અનુરાધા દેરાસરી
નિવૃત્તિ એટલે બોર્ડમ, એકલતા કે મૃત્યુની રાહ જોવાની વાત નહિ, પરંતુ જિંદગીમાં અધૂરી રહેલી પ્રવૃત્તિઓને મન ભરીને પૂરી કરવાનો સમય
જેમ પ્રેમને ઉંમરના કોઇ વાડા હોતા નથી. તેવી જ રીતે જ્ઞાાનને કોઇ ઉંમરના વાડા હોતા નથી. કોઇપણ વ્યક્તિ કોઇપણ ઉંમરે જ્ઞાાન મેળવી શકે છે. આ કથનને કેરાલાના ભાગીરથી અમ્માએ સત્ય કરી બતાવ્યું. ૧૦૫ વર્ષના ભાગીરથી અમ્માને કેરાલા લીટરસી મીશનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. કારણ કે, આટલી જૈફ ઉંમરે ભાગીરથી અમ્માએ, કેરાલા લીટરસી મીશનની ચોથા ધોરણની અને ૭૪.૫% માર્કસ મેળવી, કેરાલાના જ નહીં પરંતુ આખા ભારતના જૈફ વયના સૌથી મોટા પરીક્ષાર્થી, વિદ્યાર્થી અને જ્ઞાાનદાતા બન્યા.
આ લેખ ખાસ, સિનિયર સીટીઝનોની પ્રેરણા માટે લખવામાં આવી રહ્યો છે.
રિટાયરમેન્ટ એટલે કામથી નિવૃત્તિ પ્રવૃત્તિથી નહી. જીવનના સિનિયર સીટીઝનનો સમય જીવનનો ઉત્તમ સમય છે. જેમાં, કોઇ જવાબદારી હોતી નથી. સમય તમારો પોતાનો હોય છે, તમે બધી રીતે સેટલ હો એટલે તમારી મનગમતી પ્રવૃત્તિ કરી શકો.
ભાગીરથી અમ્માએ પણ આ જ જીવનમંત્ર અપનાવ્યો. જ્યારે તેમને કેરાલા લીટરસી મીશનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા ત્યારે તેમણે એટલું જ કહ્યું : 'કોઈ પણ વ્યક્તિની શારિરીક ઉંમર વધે છે, માનસિક ઉંમર તો મનની તાજગી અને તેના જીવનના વલણ પર હોય છે. લાઇફ પ્રત્યેનો એટીટયુડ અને મનગમતી પ્રવૃત્તિઓમાં સંડોવણી પર આધાર રાખે છે. આ ઉપરાંત તમારી પ્રવૃત્તિ પ્રત્યેની પેશન તમને તે પૂર્ણ કરવામાં મદદ કરે છે. હું આટલી મોટી ઉંમરે આ પરીક્ષા આપી શકી કારણ કે, મારા મનની તાજગી અને ભણવાની ઉત્કંઠાએ આટલા વર્ષે મને પરીક્ષામાં પાસ કરી.'
ભાગીરથી અમ્માની આટલી મોટી ઉંમરે ઉપલબ્ધિ પાછળ ઘણી સંઘર્ષમય કથા રહેલી છે.
કેરાલા કોવાલમપુરથી દૂરના ગામડામાં ખેડૂતના કુટુંબની ભાગીરથી દીકરી. નાનપણથી ભણવાની ખૂબ ઉત્કંઠા અને લગન. સાથે હોશિયાર પણ ખરી પરંતુ નવ વર્ષની ઉંમરે, ત્રીજા ધોરણની પરીક્ષા આપીને માનું મૃત્યુ થયું. આથી નાના ચાર ભાઈબહેનની બધી જ જવાબદારી, ઉપરાંત ગૃહકાર્યની જવાબદારી ભાગીરથી પર આવી પડી એટલે તેણે ભણવાનું છોડી દેવું પડયું. ખેડૂત પિતાને ખેતરમાં કામ કરાવવું, ગૃહકાર્ય કરવું અને ભાઈબહેનોને ઊછેરવા એજ ભાગીરથીનું જીવનકાર્ય થઈ પડયું, ભણવાની ઉત્કંઠા દબાઈ ગઈ.
૧૮મે વર્ષે લગ્ન થયા. અને પછી ૧૨ વર્ષમાં ૬ સંતાનો થયા. ૪ દીકરી ને બે દીકરા. આ બધાની જવાબદારી સાથે આગળ વધતા બીજો ફટકો પડયો. ભાગીરથીના પતિનું અવસાન થયું. ફરી એ જ જવાબદારીનું ચક્ર અને સંઘર્ષો સાથે બાથ. પતિ દસ વીઘા જમીન મૂકી ચાલ્યા ગયા. જેમાં ખેતી કરી, બીજું છૂટક કામ કરી ભાગીરથીએ બાળકોને ભણાવ્યા, પરણાવ્યા અને તેમનો વિસ્તાર બહોળો થતો ગયો. કુટુંબમાં વિસ્તરણ સાથે, તેમની ઉંમર પણ વિસ્તૃત થઈ ગઈ અને તેઓ સદી વટાવી ગયા અને ૧૦૪ વર્ષે પહોંચ્યા.
હવે ભાગીરથી માંથી ભાગીરથી અમ્મા બન્યા, પરંતુ આ ઉંમરે પણ તેમની વાંચવાની ઉત્કંઠા તેટલી જ પ્રબળ રહી હવે સમય પણ હતો, વાંચતા વાંચતા તેમના ધ્યાનમાં આવ્યું કે કર્થયાની અમ્માએ ૯૬ વર્ષે 'અક્ષરલેખનમ્'ની પરીક્ષા આપી અને તેઓ ખૂબ સારા માર્કે પાસ થયા. તેમની આ સફળતાએ તેમને કોમન વેલ્થ ગુડવીલ એમ્બેસેડર બનાવ્યા. આ વાંચતાની સાથે જ ભાગીરથી અમ્માનું અધૂરું રહી ગયેલું ભણવાનું સ્વપ્ન બીજ ફરી અંકુરીત થઈ ઊઠયું. ભાગીરથી અમ્માને કોવાલમ લીટરસી ઇકવીવેલન્ટ પરીક્ષા આપવાની ઇચ્છા થઇ આવી. આ ચોથા ધોરણની પરીક્ષા દસમા ધોરણની સમકક્ષ ગણાય છે.
અમ્માના આ સ્વપ્નને તેમની દીકરીએ પ્રોત્સાહન આપ્યું. દીકરી માટે પણ માતાને પ્રોત્સાહિત કરવી તે બિરદાવવા જેવી વાત હતી અને ૧૦૫ વર્ષના જૈફવયના ભાગીરથી અમ્માની શરૂ થઇ જ્ઞાાનની યાત્રા.
એક્સો પાંચ વર્ષની વયે, જૈફવય આકાશમાં જ્ઞાાનનો સૂર્યોદય થયો.
ભાગીરથી અમ્માની આંખો હજુ આ ઉંમરે પણ બરાબર કામ આપે છે. યાદશક્તિ પણ પૂરેપૂરી છે. ફક્ત હાથમાં ધુ્રજારી છે જેથી લખવામાં મુશ્કેલી પડે છે.
આથી કેરાલા સ્ટેટ લીટરસી મીશન તરફથી જ્યારે ચોથા ધોરણના કોચીંગ કલાસ શરૂ થયા ત્યારે અઠવાડિયામાં ત્રણ દિવસ નિયમિત ભાગીરથી અમ્મા ક્લાસ ભરતા.
આ કોચિંગ ક્લાસના શિક્ષકનું કહેવું છે કે, તેઓ અઠવાડિયામાં ત્રણ દિવસ ક્લાસ લેવા આવતા ત્યારે દરેક લેસન વખતે ભાગીરથી અમ્મા અજબની ઉત્કંઠતા બતાવતા. તરત જ શીખી લેતા અને મનથી રટણ કરી લેતા. તરત જ બધું તેમને યાદ રહી જતું. ઘેર જઈ તેઓ પાઠ પાકો કરી લેતા અને દાખલા ગણી લેતા. વર્ગમાં તેઓ હંમેશા આગળ બેસતા, તેમને
સાંભળવાની કોઇ તકલીફ પડતી નહિ.
આ પરીક્ષામાં ત્રણ પેપરો હોય છે - ગણિત, પર્યાવરણ અને મલયાલમ. વાર્ષિક પરીક્ષાના સમય વખતે, ભાગીરથી અમ્માનાં હાથ ધુ્રજતા હોઈ તેઓને તેમના ઘેર, પંચાયતના સભ્યના સુપરવિઝનમાં જ ત્રણ દિવસ પેપર લખીને આપવાની છૂટ રાજ્ય સરકારે આપી.
આમ ભાગીરથી અમ્માએ ૧૦૫ વર્ષે, કેરાલા સ્ટેટ લીટરસી મીશનની પરીક્ષા આપી અને ૭૪.૫% સાથે પાસ થયા. ગણિતમાં પૂરા માર્કસ આવ્યા, સોમાંથી સો માર્કસ લાવીને ઉત્તિર્ણ થયા. આ સાથે અંગ્રેજી વિષયનું ૫૦ માર્કસનું પણ પેપર હતું જેમાં ભાગીરથી અમ્માના ૩૦ માર્કસ અને મલાયલમમાં પણ સોમાંથી સો માર્કસ આવ્યા. પર્યાવરણ વિષયમાં પણ સારા માર્કે પાસ થયા.
ભાગીરથી અમ્મા પોતાનો આખો દિવસ ભણવાની પાછળ જ ખર્ચતા. આંખોની કોઇ તકલીફ ન હોવાને કારણે સવારે વહેલા ઊઠી, ભણવાનું ચાલુ કરતા અને આખો દિવસ આ વાચનયાત્રા ચાલુ રહેતી.
તમારા મનને હંમેશા તાજગીભર્યું અને પ્રફુલ્લિત રાખો તો સો વર્ષે પણ તમે મનગમતી પ્રવૃત્તિ કરી શકશો.