ગીતાજીના સંદેશને સમજવા પાત્રતા જોઈએ .

- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
મ નોવિજ્ઞાન પુસ્તકો વાંચીને પામી શકાય નહીં. માતૃપ્રેમનાં પુસ્તકો વાંચીને માતા બની શકાય નહીં.
બૂંદીના લાડુની 'ટેકનીક' ગોખીને બૂંદીનો લાડુ માણી શકાય નહીં.
કમનસીબે 'ગીતા', 'ઉપનિષદો', 'પંચદશી', જેવાં સાહિત્યને પણ અંદરખાનેથી લોકો 'ટેકનિકલ મેન્યુઅલ' માનતા હોય છે. આ ભ્રમણા તમે ધારો એના કરતાં ભયાનક રીતે વ્યાપક છે અને જાણ્યે અજાણ્યે ગીતા-ઉપનિષદ વર્ગો એ આવી ભ્રમણા, આત્મવંચનાને કાળમીંઢ જડતા અર્પવામાં મોટો ભાગ ભજવ્યો છે.
ગીતા-ઉપનિષદમાં શબ્દો, અભિવ્યક્તિ, અન્ય બાહ્ય માહિતી (ગીતા કુરુક્ષેત્રમાં બોલાઈ હશે કે બીજે, ગીતામાં ફલાણો અક્ષર કેટલી વાર આવ્યો હશે, ગીતાના સાતસો શ્લોકો યુદ્ધક્ષેત્રમાં બોલાઈ કેમ શકે ? વગેરે) તો હિમશિલા (આઈસબર્ગ)ની ટોચ માત્ર છે. એ બધી ભાંજગડનું મહત્વ નહિવત્ છે.
ખરું મહત્વ ગીતામાંથી પ્રગટ થતી અદ્ભુત અનુભૂતિને જીવનની સરાણે સમજવાનું છે.
એક બહુ મોટો, જબરદસ્ત, છીછરો, અર્ધદગ્ધ વર્ગ 'ગીતા એટલે શ્રીકૃષ્ણે અર્જુનને હિંસા માટે પ્રેરિત કરવા આપેલો ઉપદેશ' તરીકે ઓળખવાની પામર હરકત કહે છે. ગીતા જેવા મહાસાગરને છીછરું ખાબોચિયું ગણવાની આ બાલિશ કુચેષ્ટા છે.
ગીતામાં 'મારા સંબંધીઓને કેમ મારું' એવી મૂંઝવણ અર્જુનને થાય છે, પણ શું અઢાર અઢાર અધ્યાયોમાં 'સંબંધીઓને કેમ મારવા, ક્યારે મારવા કઈ વ્યૂહરચનાથી મારવા' એવી જ વાતો તમને સાંભળવા મળે છે ? જીવન એ યુદ્ધ છે, તમારી જાતની અંદર રહેલા બહુ મોટા શત્રુઓ સામેનો સંઘર્ષ છે, માટે 'અરિહન્ત' બનવાનું ધ્યેય તો અહિંસાને પરમધર્મ માનનાર જૈન-દર્શન પણ સૂચવે છે. જો જીવન એ યુદ્ધ છે એવો સ્વીકાર તમે કરતા હો, તો યુદ્ધની પગલે પગલે આવતી વાસ્તવિકતાથી આંખ આડા કાન કર્યે કેમ પાલવશે ? હિંસાની ચોકઠાબંધ વ્યાખ્યાઓ ગોખાવી દેવાને પરિણામે છગનભાઈ મગનભાઈને તમાચો મારે તેમાં તમને હિંસા દેખાય છે, પણ છગનભાઈ માત્ર ઇર્ષ્યા, અદેખાઈ અને તેજોદ્વેષ ખાતર મગનભાઈના માર્ગ આડે પથરા મૂકીને મગનભાઈનું માનસિક ખૂન કરે એ પ્રવૃત્તિને તમે હિંસા માનતા નથી.
અને આ છીછરો, જાતની છેતરપિંડી કરનારો, પોતાની પૂર્વગ્રહદુષ્ટ નજર પ્રમાણે દોષ શોધનારો જણ ગીતાના પહેલા અધ્યાય સામે જુએ છે, પણ બાકીના ૧૭ અધ્યાયો તરફ નજર નાખતો નથી. પ્રમેયની શરૂઆત તરફ જુએ છે, પણ પ્રમેયના અંતે શું 'ઇતિ સિદ્ધમ્' કહ્યું છે તે તરફ તેની નજર જતી નથી.
ઊંચાં ઊંચાં આધ્યાત્મિક અર્થઘટનો તમે કરી શકો એવી હરગીઝ અપેક્ષા નથી, પણ ગીતા જેવો અતિ મહત્વનો દાર્શનિક ગ્રન્થ કમ સે કમ એકવાર ધ્યાનપૂર્વક અથ થી ઇતિ સુધી વાંચ્યો છે ખરો ?
ગીતાનો શબ્દાર્થ તો મહાસાગરની સપાટી છે. પછી અંદર ઊતરીને સમૃદ્ધિ પામવા માટે મરજીવા બનવું પડે છે. આ 'મરજીવા' બનવું, તે પણ ગીતાના સંદર્ભમાં એટલે શું ? ગીતાના સંદર્ભમાં મરજીવા બનવું એટલે તમારાં પોતાનાં જીવનમાંથી પ્રગટ થતાં હાર-જીત, સુખ-દુ:ખ, જેને તમે સંજોગો કહો છો એ અદ્રશ્ય તાકાત, રાગદ્વેષ ને નિરખવાં, જગત સાથેના સંબંધો તપાસવા, આજ સુધીનાં સુખદુ:ખની નાટકનાં દ્રશ્યો જેવી આવનજાવન જોવી.
અને જો જીવન આટલું બધું ઊંડું અને રહસ્યમય છે તો આપણે જેને સુખદુ:ખ, સારું નરસું, જય-પરાજય કહીએ છીએ, સંબંધોને તીવ્રપણે વળગીએ છીએ તેનાં પેટાળમાં જઈ, મૂળ સુધી જવું એ જ વૈજ્ઞાનિક અભિગમ છે.
અને અર્જુનની પેલી મૂંઝવણ 'સંબંધીઓ સામે લડવું કે નહીં' એ તો સમગ્ર માનવજાતની જુદાં જુદાં રૂપો ધારણ કરતી 'સ્વ-કેન્દ્રી' સમસ્યાના આઈસબર્ગની અણી-માત્ર છે, 'ટિપ માત્ર છે. શ્રીકૃષ્ણ તો સાચા, નિષ્ણાત મરજીવા માફક એક શ્રેષ્ઠ મનોવૈજ્ઞાનિક માફક, અર્જુનને બહાને માણસજાતની તકલીફનું વૈજ્ઞાનિક અભિગમથી નિવારણ દર્શાવે છે. યુદ્ધ તો માત્ર બહાનું છે. અર્જુનની મૂંઝવણ તો માત્ર બહાનું છે. કુરુક્ષેત્રનો માત્ર યોગાનુયોગ છે.
માણસ સંયોગો, સુખદુ:ખ, રાગદ્વેષના હાથનું રમકડું કેમ બની રહે છે ? કારણ કે સમગ્ર ઘટનાઓનાં કેન્દ્રમાં પોતે છે એવી ભ્રમણામાં એ રાચે છે. હા, એની પાસે કર્તવ્ય છે, કર્મ કરવું એનો સ્વભાવ છે, પણ જ્યારે એ કર્મોનાં કેન્દ્રમાં કોઈ કેન્દ્રીય શક્તિ, પરમેશ્વર પ્રત્યે સમર્પણનો ભાવ આવે છે ત્યારે કર્મ કરનાની દ્રષ્ટિ બદલાઈ જાય છે. એ રાગદ્વેષ, સુખદુ:ખ, જય-પરાજયમાંથી પસાર થવા છતાં પ્રેરકભાવ ભક્તિ અને સમર્પણનો રહેવાશી, એનો માલિકીભાવ ઓછો થતો જાય છે. કેન્દ્રમાં રહેલો 'હું' ભક્તિ દ્વારા રૂપાંતરિત થઈ જાય છે. અને આ રૂપાંતરિક થયેલા 'હું' પર પછી કોઈ જ કર્મ બોજારૂપ રહેતું નથી.
ગીતામાં 'યુદ્ધ' જાત સાથેનું યુદ્ધ છે. જીવનના સંઘર્ષમાં લડી રહેલો 'અહમ્' જ્યારે પોતાને પ્રભુના સાધનરૂપ માનવા લાગે છે, ત્યારે એના હાથે અધર્મ શક્ય જ નથી, કારણ કે એની પ્રવૃત્તિમાં પછી અંગત વ્યક્તિગત રાગદ્વેષ જ રહેતાં નથી. એ કર્મ કરવા છતાં કશું કરતો નથી. આવી માનસિક અવસ્થા 'ભક્તિ' દશા છે, અને ગીતા જીન્દગી જીતવા માટે 'ભક્તિ' દશાને જ મજબૂત ભૂમિકા, અનિવાર્ય શરત માને છે.








