મનમંથનમાં લાધ્યું દર્શન, હું જ અલખ ને હું જ નિરંજન !

- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
- પૂર્ણદર્શનની ક્ષણોનું તો ઋષિઓ, સાક્ષાત્કાર પામેલા દ્રષ્ટાઓ પણ વર્ણન નથી કરી શક્યા
શૂ ન્ય પાલનપુરીની આ પંક્તિઓ માનવહૈયાંમાં ચાલી રહેલાં સનાતન મંથનનું અમૃત છે. માનવ જીવનની પ્રવૃત્તિઓ, સુખ-દુ:ખ, આઘાત-પ્રત્યાઘાતને ક્ષણિક અને અર્થવિહીન માનનારા પલાયનવાદીઓએ સમજી લેવું જોઇએ કે હકીકતમાં તો દુન્યવી પ્રવૃત્તિઓ, સંઘર્ષ અને આવેગોની આવનજાવનમાં પણ પરમ તત્ત્વ, અલખ ને પામવાનો તલસાટ જ જુદા જુદા સ્તરે પ્રગટતો હોય છે. સત સાથે નજર મેળવીને કરાતી કોઇપણ પ્રવૃત્તિના માર્ગનો તલસાટ છેવટે પરમ તરફ લઇ જાય છે.
'એ દરેક યુગે કૃષ્ણ હશે, કૃષ્ણ માટેનો તલસાટ હશે, એના વિરહમાં ઝૂરનારાઓ હશે, અને એમનાં તપે જ આ દુનિયા ટકી રહેશે.' (માધવ ક્યાંય નથી)
એ પરમ-તેજના ચમકારાના અનુભવ તો જીંદગીની કોઇને કોઇ ઘટના દરમ્યાન થયાં જ કરતા હોય છે. કોઇ વિરલા એ ચમકારાનો પંથ પકડી લે, તો બેડો પાર થઇ જાય છે, એ જાગૃત થવા લાગે છે. એ તણખો કોઇ મિલનમાં મળી જાય, કોઇ વિરહમાં મળી જાય, કોઇના મૃદુ ભાવ-સ્પર્શમાં, કોઇ કઠોર અનુભવમાં કોઇ જીતમાં તો કોઇ પરાજયમાં પણ મળી જાય ! એ તણખાને ન ઓળખનારા અબુધ જ રહે છે. એ તણખાનો મૂળ સ્ત્રોત હોય છે, આપણાંમાં રહેલું અલખ, નિરંજન-પરમાત્મ-તત્ત્વ ! એ પરમતત્ત્વને કૃષ્ણ કહો, અલ્લાહ કહો, ગોડ કહો કે અહુર મઝદા કહો!
પ્રેમનો અનુભવ હૈયાંમાં ગોપવીને માણવાની મજા હોય છે, અને એ અનુભવ માણનારા લાખ પ્રયાસે પણ છૂપા રહેતા નથી, એમનો ચહેરો ચાડી ખાય છે, એમ જ જીંદગીનો અવર્ણનીય તલસાટ અનુભવના સદ્ભાગીને તણખાની, પેલા અલખના પ્રકાશનાં કિરણની ઓળખાણ થઇ ગઈ હોય, તો દુન્યવી રીતે દુ:ખી કે નિષ્ફળ હોય તો પણ એનાં વ્યક્તિત્વમાંથી કોઇ અજબની પ્રસન્નતા, મૃદુતા, મસ્તી પ્રગટે છે !
આપણા જાણ્યા અજાણ્યા તલસાટ પાછળ પ્રકાશી રહેલા પરમાત્માને ગીતાજી આમ વર્ણવે છે:
ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं
हदि सर्वस्याधिष्ढितम् ।।
(ગીતા : ૧૩ : ૧૮)
''એ જ્ઞાનસ્વરૂપ, જાણવાયોગ્ય, પ્રતીતિ (જાત અનુભવ) વડે પામી શકાય એવું પરમતત્વ સૌનાં હૃદયમાં વસેલું ેછે.''
એ પરમતત્ત્વનાં પૂર્ણદર્શનની તો વાત જ ક્યાંથી થાય ? એ પૂર્ણદર્શનની ક્ષણોનું તો ઋષિઓ, સાક્ષાત્કાર પામેલા દ્રષ્ટાઓ પણ વર્ણન નથી કરી શક્યા, પરંતુ એ પરમતત્ત્વના તણખાનાં દર્શન તો મને કે તમને આ રોજબરોજની જીંદગી દરમ્યાન થતાં જ રહે છે, કમભાગ્યે એ અદ્ભુત ક્ષણે આપણા અનુભવની ક્ષણ સાચા અર્થમાં શુભ ઘડી છે, કારણ કે એ તણખાનો પ્રકાશ આપણને આપણાં મૂળસ્વરૂપ નો, જાતિસ્મરણનો ટકોરો મારી દે છે, અન્તર્યાત્રા પ્રારંભાય છે, તલસાટને તે દિશા મળી જાય છે.









