Magazines

ગીતાજી ઢાંચાકરણ કે રોબોટીકરણની વાત નથી કરતા

By GS TEAM
22 Jul 20252 mins read
ગીતાજી ઢાંચાકરણ કે રોબોટીકરણની વાત નથી કરતા

- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

અં ગકસરત બહારથી થોપી શકાય, પણ માંહ્યલાનું રૂપાન્તર બહારથી થોપી ન શકાય કેમ ? સમજવું અઘરૃં લાગ્યું ? અથવા સમજવા છતાં, આપણે પહેરેલી બ્રાન્ડને કારણે અજાણ્યા થવું ગમે છે. એક કામ કરો ! માનવ ઈતિહાસમાં મહાપુરુષોની જાત અનુભૂતિને આધારે ઊભા થયેલ, યેનકેન પ્રકારે કરોડો અનુયાયીઓ ધરાવતા પંથોમાંથી થોડાકનો પનારો પાડો. મૂળ દાવો હતો : અનુકંપાનો, અપરિગ્રહનો, સમભાવનો, વગેરે વગેરે. જો એ પંથનું લેબલ લગાવી, એના ઢાંચાના પુરજા બનીને રોબોટ બનવાથી એ ગુણો ખીલી શકતા હોય 

તો એ લેબલધારીઓમાં ક્રૂરતા, અપના-પરાયાવાદ, ભયંકર ભૌતિક પરિગ્રહ, વગેરે ન હોવા જોઈએ.

પણ એ લેબલ પહેરવાથી મૂળ મહાપુરુષની અનુભૂતિ તમે ''રિપીટ'' કરી શકો છો ?

બચપણની એક રમત યાદ આવી.

ખેલૈયા બાળકોની એક હરોળ હોય. પહેલું બાળક, બીજાં બાળકને ''રામ'' કહે પછી બીજું ત્રીજાંને, ત્રીજું ચોથાને યાંત્રિક રીતે એ જ શબ્દ કહેતું રહે. હરોળ પૂરી થાય ત્યારે, ત્રીસમાં કે ચાલીશમાં બાળક સુધી પેલા ''રામ'' શબ્દનું પરિવર્તન 'હરામ'માં થઈ ગયું હોય ! આમ થવાનું એક જ કારણ : યાંત્રિકતા, ઢાંચાકરણ !

જો દાવો સ્નાયુઓ મજબૂત કરવાનો હોય, અંગો મજબૂત કરવાનો હોય તો શરૂઆત બાહ્ય અંગોથી થાય એ વાત સમજાય છે, પણ જો દાવો માંહ્યલાના બદલાવનો હોય તો શરૂઆત બાહ્ય રીતે કરવાની વાત બુનિયાદી રીતે ખોખલી છે.

પંથોનો દાવો શો છે ?

વફાદાર અનુયાયીઓનાં ધણ ઊભાં કરવાનો ?

બાહ્ય બદલાવનો ?

કે માંહ્યલાના બદલાવનો ?

જરા તમારા પોતાના પંથના દાવાની તપાસ કરો. પુસ્તકો, વિધિવિધાનો, કરોડોનાં ધર્મસ્થાનો કહેવાતી ધર્મચુસ્તી પછી વ્યક્તિગત માંહ્યલાના બદલાવની ગેરન્ટેડ ફોર્મ્યુલા શક્ય બની છે ?

હકીકતમાં કોઈ પણ પ્રાણીને બહારથી ચટ્ટાપટ્ટા રંગીને વાઘ કે ચિત્તા બનાવવાનો દાવો જ જાત છેતરપિંડી છે.

અહીં એટલે જ ગીતાજીનો ધ્વનિ યાદ આવે છે. અહીં કોઈ પંથ પ્રત્યે વળગણથી નથી લખ્યું. સનાતન ધર્મ પ્રત્યે પણ નહીં. માત્ર અને માત્ર દાર્શનિક દ્રષ્ટિએ લખ્યું છે. અર્જુન જ્યારે શ્રીકૃષ્ણને સાકાર કે નિરાકારમાંથી કઈ ઉપાસના યોગ્ય એમ પૂછે છે, ત્યારે શ્રીકૃષ્ણ સ્પષ્ટ કરે છે કે એ પસંદગી વ્યક્તિની પોતાની તાસીર પર અવલંબે છે.

ગીતાજીના અઢારમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ સ્પષ્ટ કહે છે કે મારી વાતો બધાંને હજમ થાય એ જરૂરી નથી. અર્જુનને પણ પૂછે છે: ''તને સમજાયું ?'' ક્યાંય પણ અંગકસરત જેમ રૂપાન્તર માટે કોઈ ઢાંચો પકડવાનો કે ફોર્મ્યુલાનો દાવો નથી કરાયો.

આ નિરીક્ષણ સ્વીકારવું જરૂરી નથી.

પણ જરા તમારી આસપાસનાં નિરીક્ષણથી શરૂઆત કરો. તમે કોઈ પાસે બીડીની આદત છોડાવી શકશો, પણ એનું વલણ કે વૃત્તિ તમે બદલી નહિ શકો. એ સંપૂર્ણપણે એની વ્યક્તિગત સાધના પર આધારિત છે.

માણસનું વ્યક્તિત્વ સમજાશે એટલે સ્પષ્ટ થઈ જશે કે માંહ્યલાનું રૂપાન્તર બાહ્ય ઢાંચા કે હુકમથી નહિ પણ અંદરથી વ્યક્તિગત રીતે પ્રારંભ થાય તો જ શક્ય છે.