એ લોકો જીન્દગીના નશામાં છે!
અન્તર્યાત્રા - ડો.સર્વેશ પ્ર. વોરા
તમે શાહમૃગ વિષે જાણો છો ? રેતીમાં તોફાન આવે ત્યારે એ પોતાનું મોઢું રેતીમાં છૂપાવી દે, ને જાતને ભ્રમણામાં ડૂબાડીને માની લે કે હવે તોફાનનો ભય નથી !
પરિપકવ કે આધેડ વયના માણસને બેશરમીથી, શેતાનિયતથી, અતિલોભથી વર્તણૂક કરતો જોઇએ ત્યારે થોડી ક્ષણો મન અચંબામાં પડી જાય ! એક પગ સ્મશાનમાં હોવા છતાં, ગાંઠે કરોડો રૂપિયા હોવા છતાં આ ડોસો કયા વિશ્વાસને આધારે, કઇ ભ્રમણાને આધારે દુષ્ટતા આચરી શકે છે ? આ માણસ હજૂ પણ ઇર્ષ્યા આધારિત કાવાદાવા કેમ છોડતો નથી ? હજૂ પણ આ ડોસા કે ડોસીને કોઈ પ્રતિભાશાળી જુવાનની વિરુદ્ધમાં પૂર્વગ્રહ આધારિત રમતો ગોઠવવાની લાલચ કેમ થાય છે ? એને હોસ્પિટલનો 'ઇન્ટેન્સિવ કેર યુનિટ' કેમ દેખાતો નથી ?
અને શાહમૃગ પક્ષી યાદ આવી જાય. જ્યાં કાર્યકારણ અને તર્ક માર ખાય ત્યાં વૃત્તિની ગંદકી જવાબદાર હોય. આવા શરીરથી પરિપકવ બનેલા માણસો જ્યારે દુષ્ટ બનતા દેખાય ત્યારે ક્ષણભર એમ માની લેવાનું મન થાય કે આ લોકો ચોક્કસ નિર્ભય અને બહાદૂર હશે, એમને મૃત્યુનો ભય નહીં હોય. પણ પછી સમજાઈ જાય કે એક ડોક્ટર કે ઇન્કમટેક્ષ ઓફિસરના પડછાયાથી પણ ડરનારા આ જણ પૂરેપૂરા કાયર છે. હા, એમને મોતનો ભય નથી, પણ એમને જીન્દગીએ નશામાં ડૂબાડી રાખ્યા છે.
કોઇકે પોતે પ્રત્યક્ષ જોયેલાં ભારે રસપ્રદ દ્રશ્યનું વર્ણન કરેલું 'એક સાપે મોઢામાં દેડકાને પકડી રાખ્યો છે. દેડકાનું મોઢું ખુલ્લું છે, એ દેડકો હવામાં ઊડી રહેલાં કોઈ જંતુનો આહાર કરવા તલસી રહ્યો છે ! એને ખબર નથી કે એ પોતે કાળરૂપ સાપનાં મોઢામાં ફસાયો છે !'
જીન્દગી અને પૈસાનો નશો માણસને હકીકતમાં પશુ કરતાં પણ બદતર બનાવી દે છે. રોજની ઓછામાં ઓછી એક લાખ રૂપિયાની આવક ધરાવનાર જણ જો વયમાં પંચોતેરની આજુબાજુ હોય તો સામાન્યપણે તમે એની પાસે ઉદારતાની અપેક્ષા રાખો. પરંતુ બને છે સાવ ઉલ્ટું. એની જિજીવિષા ભારે વિકૃત રૂપ ધારણ કરે છે. એ 'પોતાનું નાણું' પુત્રો, પુત્રવધૂ, પત્ની-સૌ કોઇથી બચાવતો ફરે છે. જાતને છેતરવા એકાદ ધર્મગુરુ (કે ધર્મગુરુણી) ને 'પાળે' છે (અને પેલા ગુરુદેવ એની જરૂરિયાત મુજબ એને 'પાળે') અને એ નશામાં એની પાસેથી કોઈ લાચાર ગરીબ પચાશ રૂપિયા પણ મેળવી જાય એ શક્ય નથી હોતું !
કારણ શું ?
એનાં હૈયામાં એકરસ બનેલો જીન્દગીનો નશો કારણભૂત હોય છે. એ ભલે આત્મ-દેહ અંગેનાં પ્રવચનો સાંભળવા મર્સીડિઝમાં બેસીને જાય, ભલે સાધુબાવાને 'સ્પોન્સર' કરીને વેદાન્ત અને વૈરાગ્યને ચરસ માણે, પણ એનો મનખો 'મૃત્યુ' હોઈ શકે એમ માનવા તૈયાર હોતો નથી ! ઊંડે ઊંડે એને ખાતરી હોય છે કે લીલાવતી જસલોક કે કોઈ પંચતારાંકિત હોસ્પિટલના ડોક્ટરને મોટી રકમ આપીને બંદા જિન્દગીનું 'એક્ષ્ટેન્શન' મેળવી લેશે !
તમને લઘુતમ માણસાઈ, લઘુતમ સભ્યતા ચૂકી જતા ડોસા કે ડોસી સાથે પનારો પડયો છે ? હા, એ લોકો એક બાબતમાં પાવરધા બની જાય છે : પૂર્વગ્રહ અને ઇર્ષ્યા ને સિદ્ધાંત અને પોલીસીનું મહોરૂં પહેરાવવામાં ! વૃધ્ધ માણસ જેમ ચોકલેટ છૂપાઈ છૂપાઈને શરમાતાં શરમાતાં ચૂસે એમ આના પરિપકવે લોકો પોતાની ઇર્ષ્યાની ચોકલેટ છૂપાવી છૂપાવીને ચૂસતા હોય છે !
વય વધે પણ મૃત્યુનો અહેસાસ ના થાય, વય વધે પણ ક્ષમાશીલતા અને ઉદારતા ના વધે,
વય વધે પણ કુદરતના અચૂક ન્યાયના પાઠ શીખવા ના મળ્યા હોય, વય વધે ત્યારે 'અપના-પરાયા વાદ', સાંપ્રદાયિતા બરાબર કટ્ટરવાદી જેવાં પ્રગાઢ બને તો સમજી લેવું કેજીવન બરબાદ થયું છે. માણસમાંથી માણસ કે દેવ બનવાને બદલે પશુ બન્યા છીએ, જીન્દગીનો નશો ચઢી ગયો છે, જે મૃત્યુના સીધા તમાચા વિના નહીં ઊતરે. અન્યનું નહીં, જાતનું મૃત્યુ જ હવે નશો ઉતારશે !