Magazines

રત્નોના સોદા કોની સાથે ? .

By GS TEAM
16 Jun 20263 mins read
રત્નોના સોદા કોની સાથે ?                        .

- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

- કુદરત દરેક તબક્કે રત્નોના સોદાગરોને મોકલતી રહે છે, પીડા અને પ્યાસના 'પેકેજ-ડીલ' સાથે !

ક્રા ન્તદ્રષ્ટા અને પરમપ્રિય ઓશોએ જેમને વિશ્વના સર્વકાલીન દશ-બાર મહાન વ્યક્તિઓમાંના એક તરીકે વર્ણવ્યા છે એવા મહાન અવતારી સંત રામકૃષ્ણ પરમહંસ વિષે એમનાં જીવનમાં એક પ્રમાણભૂત ઉલ્લેખ છે. દક્ષિણેશ્વરના આ અવધૂત સંત એક સંધ્યાકાળે જગદંબાને પોકારીને કહે છે : 'મા, હું જેમની સાથે વાત કરી શકું એવા કોઈ જણને તું કેમ નથી મોકલતી ?'

વારંવાર પારલૌકિક દિવ્યતામાં સરી પડતા આ મહાન અવતારીને વળી 'કોમ્યુનિકેશન'ની, કોઈ સાથે 'સેતુ' રચાય એની બેચેની શા માટે હોય ? આપણામાંથી કોઈ દોઢડાહ્યા, અધૂરિયા એવી દલીલ કરી શકે કે મહાન સંત કે અવતારી વ્યક્તિ તો 'આત્મતૃપ્ત' હોવી જોઈએ, એને વળી 'અભિવ્યક્તિ'ની 'ઝીલનાર'ની, 'સંવાદ'ની કે 'કોમ્યુનિકેશન'ની શી જરૂર ?

આ પ્યાસ, આ 'જરૂર', આ 'કોમ્યુનિકેશન'ની જરૂર કુદરત જ વ્યક્તિમાં મૂકે છે. આ 'માતૃત્વ'જેવી પ્રેરણા છે. કબીરને પંક્તિઓ, પદો લખવાની શી જરૂર ? તુલસીદાસને અભિવ્યક્તિ છંદોબદ્ધ રીતે રજુ કરવાની શી જરૂર ? અલબત્ત, લોકરંજન માટે પ્રવચન શબ્દશ: અલ્પવિરામ અને પૂર્ણવિરામ સાથે ગોખીને રજૂ કરનાર, પ્રવચન વખતે વચ્ચે વચ્ચે તાળીઓની ઉઘરાણી માટે જરા થોભે છે, એને પણ 'ઝીલનાર'ની જરૂર છે, ને રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદ માટે તડપે છે એને પણ 'ઝીલનાર'ની જરૂર છે, પણ બન્ને દ્વારા કુદરત સાવ જુદાં જુદાં કામો કરાવવા ઇચ્છે છે. આ પ્યાસ જ, આ 'ઝીલનાર' માટેની તડપ જ કુદરતની પ્રેરકશક્તિ છે.

ઊંડા મંથનની સમકાલીન દિવાલોને તોડીને કહેવાતી, પચાસ વર્ષ પછી ટકોરાબંધ સાચી પડનારી વાત કહેવી એ કામ 'રત્નોના સોદા' જેવું છે. રત્નોના સોદા માત્ર પારખુ સાથે થાય. નદી કિનારે કે બજારમાં છોકરાંઓને રમવા માટે છીપલાં વેંચનારા લેભાગુ વેપારીઓ સાથે રત્નોના સોદાની વાત ના થાય. જેણે પોતાના સૂરને દાયકાઓની સાધનાથી સિદ્ધ કર્યો હોય એવા શાસ્ત્રીય સંગીતના સાધકને કોઈ છીછરાં, 'નિયો-રિચ' (નવશ્રીમંત) સોશિયલ ગૂ્રપ પાસે કળાકૃતિ રજૂ કરવાની ક્ષણ આવે તો એ ક્ષણ ભારે ત્રાસદાયક હશે કારણ કે પેલા લોકો અને આ સિદ્ધપુરુષ વચ્ચે કોઈ 'સેતુ' જ શક્ય નહીં બને.

જ્યારે બહુમતી સમાજ 'ફાસ્ટ ફૂડ'થી ટેવાઈ જાય, એમની રૂચિ બાળવાર્તાઓ કે સાંપ્રદાયિક કે પૌરાણિક અફીણના નશાથી એક ઇંચ પણ આગળ ન વધે ત્યારે એ છીપલાં-વેવલાઓ પાસે રત્ન-સોદાગરો ટકી શકતા નથી. છતાં કુદરત દરેક તબક્કે રત્નોના સોદાગરોને મોકલતી રહે છે, પીડા અને પ્યાસના 'પેકેજ-ડીલ' સાથે ! આ રત્ન સોદાગરોને કુદરતે સોંપેલું મૂળભૂત કામ જ પીડાકારક છે : એ કામ છે સમગ્ર માનવતા સામે રૂચિનાં ઉચ્ચ ધોરણો મૂકવાનું, કૂવાની દિવાલો તોડીને વિશાળ ક્ષિતિજો બતાવવાનું, અને આ કડવી દવાના ગ્રાહકો, રત્નોના ગ્રાહકો કદાપિ લાખો ન જ હોય, લાખોમાંથી એક હોય. રત્ન સોદાગરને પોતાને મળેલાં જીવન-કર્તવ્યની સ્પષ્ટ ખબર હોય છે, ટકોરાબંધ પ્રતીતી હોય છે, ને એ પ્રીતીતી એમને અખૂટ જીવનશક્તિ અર્પતી રહે છે !