Magazines

હૈયાનાં માનસરોવરની વાત! .

By GS TEAM
9 Jun 20263 mins read
હૈયાનાં માનસરોવરની વાત!                        .

- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

- સત્યનો માનસ-સ્પર્શ પામેલ સર્જન કે વિચાર રજૂ કરનારા વિરલ હોય, તો એનાથી પ્રભાવિત થનારા, એને 'સમજનારા' ખૂબ જ વિરલ હોય છે

તુ લસી-મીરાં કે વિવેકાનંદની વાતમાં નવું કશું જ હોતું નથી. એમનાં આગમન પહેલાં પણ એ જ વાતો કહેવાઈ હોય છે. કદાચ એમના જ જમાનામાં એમના સમકાલીન અન્ય કોઈએ પૃથ્વીના બીજે ખૂણે બીજી કોઈ ભાષામાં એ જ વાત કહી હોય છે. નરસૈંયાની જ વાત કચ્છના ખૂણે મેકણદાદાએ કહી હોય છે.

એક જ  મૌલિક વાત બે મહાપુરૂષો કે બેથી વધુ મહાપુરૂષોએ કહી હોય છતાં બન્નેની વાણીમાં અદ્ભુત તાજગી, અદ્ભુત અપૂર્વતા, રામમોલની બાજરીની અપૂર્વ મીઠાશ (ગામડાંનાં કુદરતી ખાતરવાળાં ખેતરમાં ઊગેલી નવી કૂમળી બાજરીની વિશિષ્ટતાને 'રામમોલ' ને નામે ઓળખાય છે) અનુભવાય છે એનું કારણ શું ? એક જ વાતનું પુનરાવર્તન હોવા છતાં એ વાતોમાં વાસીપણું ન હોવાનું કારણ શું ?

અને દરેક જમાનાના 'પ્રોફેશનલ' વક્તા-વિચારકો-ફરમાસૂ વિચારક-સર્જકોની જેવા અનેક લોકો તુલસી-મીરાં-વિવેકાનંદથી માંડીને ઓશોના વિચારોનું રી-એસેમ્બલિંગ કરીને, થીગડથાગડ માટે વાપરીને રજૂ કરતા હોય છે, કબીર-મીરાં ઓશોના ચમકારાનો ઉપયોગ સભાગૃહમાં તાબોટા મેળવવા કરતા હોય છે, ત્યારે આ જ વાતો જાગૃત, મુઠ્ઠીભર (હા, ગણ્યાગાંઠયા, હજારમાંથી ભાગ્યે જ બે-ત્રણ, તેથી વધુ હરગીઝ નહીં) શ્રોતાઓને વાસી, ચવાયેલી લાગે છે એનું કારણ શું ? એક મહાન નરસૈંયાની જ વાત મેંકણ કહે છતાં તેમાં વાસીપણાને બદલે રામમોલની મીઠાશ હોવાનું કારણ 'જાત-અનુભૂતિ' છે. સત્ય તો એક જ હોય છે. સત્યનું માનસરોવર તો એક જ હોય છે. મહાવીરે એ જ માનસરોવરનાં પંચામૃત પીધાં હોય છે, ને બુદ્ધ, પયંગબરસાહેબ કે જિસસે પણ એ જ માનસરોવરમાં ડૂબકી મારી હોય છે, પણ વિરાટ સત્ય એ છે કે આ મહાપુરૂષોએ જાતે જ સત્યનાં તેજ પીધાં હોય છે. એમની વાત ઉધાર લીધેલી નથી હોતી. કબીર સામે ફરમાસૂ 'શ્રોતા-સમૂહ ન હતો, એની વાતોમાં એવી અનેક વાતો હતી જે કબીરના પૂર્વગામીઓ કહી ગયા હોય, છતાં એની વાતોમાં એક જબરદસ્ત વેધકતા અને તેજ હતાં, જે કાળ-જયી રહ્યાં છે. એમાં ફરમાસૂ, 'પ્રોફેશનલ', વાસી માલની દુર્ગંધ નથી. એ વાણી 'અવતારી' હોય છે. જો તમે સત્યને, દરેકનાં હૈયાં-પાતાળમાં રહેતાં સત્ નાં માનસરોવરને ઇશ્વરની સતત હાજરી કહો, તો અનુભૂતિમાંથી પ્રગટેલી વાણી ઇશ્વરની સાક્ષાત્ શબ્દાવતાર હોય છે. મુદ્દો અનુભૂતિનો છે. જાતે સત્યથી 'સગર્ભ' હોવાની અદ્ભુત અનુભૂતિનો છે. અને આવી અનુભૂતિનાં, જાતની અન્તર્યાત્રા થકી, સત્યનો માનસ-સ્પર્શ પામેલ સર્જન કે વિચાર રજૂ કરનારા વિરલ હોય, તો એનાથી પ્રભાવિત થનારા, એને 'સમજનારા' ખૂબ જ વિરલ હોય છે. તો શું એ વાણી, એ વિચાર એળે જાય છે ? શું એ અરણ્યરૂદન છે ? ના, એનું મહત્વ 'ટાઈમ-કેપ્સ્યૂલ' જેવું છે. ટાઈમ કેપ્સૂલમાં ધારો કે સાંપ્રત ઘટનાઓ, જય-પરાજયના દસ્તાવેજો ભરીને ભોંયમાં ભંડારી દો, ને પછી સો વર્ષે ખોલીને તેનો અભ્યાસ કરો તો આંખો સ્તબ્ધતાથી પહોળી થઈ જાય. મૂલ્યાંકનો બદલવાં પડે. એક આખા જમાનાની જોરાવર બેવકૂફીઓ તમને ભોંઠા પાડયા વિના ના રહે.