સંતત્વને માપતા વહેંતિયાઓ
અન્તર્યાત્રા - ડો.સર્વેશ પ્ર. વોરા
સંતત્વને વ્યાખ્યાથી બાંધનારા મહામૂર્ખ છે. કારણ કે સંતત્વ તો આંતરિક દશા છે, એને ઓળખવા માટે વ્યાખ્યા કામ ના આવે, એને ઓળખવા માટે હૈયાંની સમજ જ કામ લાગે.
કોઈપણ બાબતમાં અંતિમચુકાદો આપવો કોઈપણ વિષયમાં વ્યાખ્યા બાંધવી દુનિયાની સૌથી કઠિન બાબત છે, એવરેસ્ટ ચઢવાથી પણ વધુ કઠિન અને પેસિફિકનાં તળિયે જવા કરતાં પણ વધારે ગહન ! અને છતાં મજેદાર વિડમ્બના જુઓ, કે અંતિમ ચુકાદો જાહેર કરવા, વ્યાખ્યા જાહેર કરી દેવા, 'જનરલાઇજી' નિરીક્ષણ ઓકી દેવા માટે મોટાભાગના લોકોને ભારે ઉતાવળ હોય છે.
નહીં પૂરી માહિતી, નહીં જરૂરી લાયકાત, નહીં ઊંડો અભ્યાસ નહીં અન્ય વ્યક્તિની વિશિષ્ટ હાલતનો અંશ પણ ખ્યાલ, ને અંતિમ નિરીક્ષણ આપવાના 'હીરો' બનવાની ચળ આપણા જમાનાની જાણીતી લાક્ષણિક્તા છે.
જે બાબતોને પ્રયોગશાળામાં તપાસી શકાય, બે વત્તા બે ના સરવાળા જેમ નાણી શકાય, જેનું વસ્તી ગણતરી જેમ સર્વેક્ષણ કરી શકાય, જેનું સમય કે સ્થળની મર્યાદામાં પરીક્ષણ કરી શકાય એવી બાબતો અંગે વ્યાખ્યા આપવામાં ભલભલાની ફેં ફાટી જાય, ભલભલા હિંમત ના કરે, પણ જે બાબતો સમજવા માટે તમારી પોતાની આંતરિક સમજ જ સૌથી વધુ મહત્ત્વની હોય, એવી બાબતોમાં બકવાસ કરવા, એવાં અદ્રસ્ય ક્ષેત્રમાં ભેલાણ કરવા બહુ બધાને લાલચ થતી હોય છે.
તાજેતરમાં એક સંતનાં પ્રવચન વિષે બે જણા વચ્ચે ચર્ચા ચાલતી હતી. આપણે એ બે જણાને મગનભાઈ અને છગનભાઈને નામે ઓળખીએ. 'મહારાજ પ્રવચનમાં કેટલા કઠોર શબ્દો બોલે છે ! સંત તો સુંવાળા હોય ! એમણે આટલા આક્રમક ના થવું જોઇએ !' મગનભાઈએ કહ્યું. મગનભાઈ ઉંચી ડિગ્રી ધરાવતા હતા અને સંખ્યાબંધ સાધુ મહાત્માઓનાં પ્રવચનો સાંભળીને એમને એવી ભ્રમણા ઊભી થઇ ગયેલી કે સંતત્વને માપવાની ફૂટપટ્ટી એમના હાથમાં લાધી ગઈ છે !
સામે છગનભાઈ ઝાઝું ભણ્યા ન હતા, પણ આંતરિક સમજમાં ઘણું બધું પામી ચુકેલા. છગનભાઈએ સામો પ્રશ્ન કર્યો : 'તમે મહારાજના કઠોર શબ્દો સુધી પહોંચ્યા છો. તમે સંતત્વની વ્યાખ્યા બાંધી, તમારી ફૂટપટ્ટીથી સંતને માપવા નીકળ્યા છો. વ્યાખ્યા તો જ સાચી અને વૈજ્ઞાાનિક કહેવાય, જો એ સર્વત્ર લાગુ પડે.
બાઈબલમાં ઉલ્લેખ છે કે ચર્ચમાં ચાલી રહેલાં ધતિંગ સામે આક્રમક બનીને જિસસ ધસી ગયેલા. તો તમારી વ્યાખ્યામાં જિસસ બંધ બેસે ખરા ? અખો, કબીરથી માંડીને તુલસીદાસ જેવા અનેક સ્થળે તલવારની ધાર જેવા કઠોર બન્યા છે, તો તમારી ફૂટપટ્ટીએ આ સંતો પણ નાલાયક કહેવાય !'
ઇશ્વર સંતોને ડોક્ટરો તરીકે મોકલતો હોય છે. ક્યારેક અખા તરીકે મોકલે તો ક્યારેક તુકારામ તરીકે ક્યારેક વિવેકાનંદ તરીકે મોકલે તો ક્યારેક ઓશો રજનીશ તરીકે. ક્યારેક ડોંગરે મહારાજ તરીકે મોકલે તો સમાજની હાલત, રોગની જરૂરિયાત મુજબ ક્યાંક હાથમાં મીઠું બોળેલી ચાબુક આપે તો ક્યાંક હાથમાં કરતાલ સોંપે !
જે ક્ષણે તમે સંતોને તમારી વહેંતિયા જેવી ફૂટપટ્ટીથી માપવાની હરકત કરો છો તે ક્ષણે તમે અવૈજ્ઞાાનિક બનો છો.તમે ભૂલી જાવ છો કે કુદરત કાંઈ એક સરખી કારો બહાર કાઢતી 'એસેમ્બલી લાઈન' નથી કે જેમાંથી બધા ડોંગરે મહારાજો કે બધા કબીરો કે બધા રજનીશો જ નીકળવા જોઇએ.
કોણ સાચું ? તમારી જાત, તમારી સાઇઝ, તમારી ઓખાતથી મોટી તમારી ફુટપટ્ટી કે કુદરતે કાળ-સંજોગ મુજબ વાપરેલી ફૂટપટ્ટી ?
સંતત્વને વ્યાખ્યાથી બાંધનારા મહામૂર્ખ છે. કારણ કે સંતત્વ તો આંતરિક દશા છે, એને ઓળખવા માટે વ્યાખ્યા કામ ના આવે, એને ઓળખવા માટે હૈયાંની સમજ જ કામ લાગે. સંત જેટલો મહાન એટલી એના સમકાલીન સમાજને ઓળખ ઓછી એટલું સત્ય તો સમગ્ર માનવઇતિહાસ પૂરવાર કરે છે.