અહમ્ મુક્તિના માર્ગની દીવાલ નથી, સેતુ છે
અન્તર્યાત્રા - ડો.સર્વેશ પ્ર. વોરા
અહમ્ ના રહે તો મુક્તિ તરફની ગતિનો સંકલ્પ કોણ કરે? અહમ્ તો યાત્રાળુ છે એને જેવા ભાવથી રંગો એવા ભાવની દિશામાં એ ગતિ કરે
પ્રતીતી વિના છાપેલાં કાટલાં જેવાં, સપાટી પરથી આકર્ષક લાગતાં વિધાનોનો ફુગાવો એ કહેવાતાં આધ્યાત્મિક પ્રવચનો અને લખાણોની લાક્ષણિકતા બની ગઈ છે. પછી એ છીછરાં, ખોખલાં, વાક્યોનો કોઈને ઉપયોગ ન રહે. ન વક્તા કે લેખકને, ન શ્રોતા કે વાચકને! જેમ ભેટ આપવા માટે અમુક ખાસ ચીજો, દા. તરીકે કાંડા ઘડિયાળ, વોલ-ક્લોક, આપણે ત્યાં ઢગલાબંધ એકઠી થઈ જાય પછી આપણે ઉપયોગ કરવાને બદલે પેટી-પેક અન્યને પધરાવીએ અને અન્ય વ્યક્તિ એ જ પેટી-ુપેક ભેટ વળી બીજાંને ''ભેટ(!) પધરાવે, બસ આવું જ પ્રતીતિ-વિહોણા, ઉધારિયાં ચિન્તનનું થતું હોય છે. સાંભળ્યે, વાંચ્યે શિષ્ટ, સુષ્ઠુ સુષ્ઠુ, પ્રભાવશાળી લાગે પણ અંદર જાત-અનુભવનો ધબકાર ન હોય!
આવું એક વિધાન જે કહેવાતાં ધાર્મિક, કહેવાતાં ચિન્તનાત્મક, કહેવાતાં આધ્યાત્મિક લખાણો કે પ્રવચનોમાં વારંવાર પુનરાવર્તન પામે છે, જુદાં જુદાં રૂપે રજૂ થયા કરે છે તે આ છે : અહમ્ વિઘ્ન છે, અહમ્ દીવાલ છે, અહમ્ આડો આવે છે. આપણે તો ફલાણું કામ અહંકાર વિના કર્યું... વગેરે.
અરે! ભલા માણસ, અહમ્ તો લાકડી છે, એ અંધ માણસની મદદ માટે વપરાય ને નિર્દોષને મારવા માટે પણ વપરાય. અહમ્ તો અનિવાર્ય તત્વ છે. ચાહે ઉન્નતિ હો કે અવનતિ, અહમ્ તો મૂળ, બુનિયાદી યાત્રાળુ છે. જો યાત્રાળુ ન રહે તો યાત્રા કોણ કરવાનું? જ્યાં સુધી દેહમાં પ્રાણ છે ત્યાં સુધી અહમ્ રહેવાનો, અને આ ''અહમ્'' જો એક વ્યક્તિને રાવણ બનાવે તો બીજાંને વિભીષણ પણ બનાવી શકે છે, એકને અટલબિહારી બનાવે તો બીજાને પરવેઝ મુશર્રફ પણ બનાવી શકે છે, એકને કૌશલ્યા તો બીજીને કૈકેયી પણ બનાવી શકે છે.
મોક્ષની, મુક્તિની પ્રેરણા આ અહમ્ આપે છે, ઈશ્વર-પ્રાપ્તિ માટે ભક્તિની લગન પણ આ અહમ્ ને લાગે છે, ને દુનિયાદારીનો, નાશવંતનો નશો પણ આ જ અહમ્ ને લાગે છે.
એક વિદ્યાર્થીને અભ્યાસનો ત્રાસ થતો હોય ત્યારે પુસ્તકો, પરીક્ષા દિવાલ જેવાં લાગે, પણ જો એ જ વિદ્યાર્થીને અભ્યાસમાં પ્રભુત્વ મેળવી, પ્રથમ ક્રમાંકે રહેવાની મહત્વાકાંક્ષા જાગે તો એ જ પુસ્તકો અને પરીક્ષા પ્રિય લાગવા માંડે.
બસ - ઉપરનાં ઉદાહરણો સમજી શકો તો એક વાત બહુ સરળતાથી સ્પષ્ટ થઈ જશે કે અહમ્ તો માત્ર યાત્રાળુ છે. એને દિશા આપવાનું કામ ભાવનું છે, હૈયાંની વૃત્તિનું છે.
માથું દૂખતું હોય તો ઊંટ વૈદ્ય દુખાવો દુર કરવા માટે માથું વાઢી નાખવાની સલાહ આપે એવો જ દાખલો અહમ્ ને દીવાલ ગણનારા કરે છે. જૈન દર્શનમાં માણસની ઉન્નતિમાં ૧૪ પગથિયાં ગણાવવામાં આવ્યાં છે, તેમાં છેવટની સિદ્ધ દશા સિવાય આખર સુધી અહમ્ તો રહે જ છે.
અહમ્ ના રહે તો મુક્તિ તરફની ગતિનો સંકલ્પ કોણ કરે? અહમ્ દિવાલ નથી, અહમ્ તો સેતુ છે. અહમ્ તો યાત્રાળુ છે એને જેવા ભાવથી રંગો એવા ભાવની દિશામાં એ ગતિ કરે, પણ એને દીવાલ ગણવાની વાત મનોવિજ્ઞાાન અને માણસનાં અસ્તિત્વની વાસ્તવિકતાથી વિરુદ્ધ છે.