Magazines

પ્રચારક પાળેલું અને વિચારક મુક્ત પંખી !

By GS TEAM
2 Jun 20263 mins read
પ્રચારક પાળેલું અને વિચારક મુક્ત પંખી !

- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

વિચારક વિરાટ આકાશમાં  ઊડતું પંખી છે. પ્રચારક પાળેલું પંખી છે. 

પ્રચારકનું કામ ઘણે અંશે સંદેશવાહક કબૂતર જેવું હોય છે, તેણે નિશ્ચિત દિશામાં, નિશ્ચિત કામ સાથે, નિશ્ચિત ગતિ સાથે જવાનું હોય છે. કામ પતાવીને પાછા પોતાનાં મૂળ સ્થાને આવી પહોંચવાનું !

ભલે દૂરની ક્ષિતિજો અહાલેક દે, તેણે તો જ્યાં બંધાયા છીએ તેની વફાદારી ખાતર પાંખો સંકેલવી જ પડે. ઉડ્ડયન પર મર્યાદા મૂકવી જ પડે.

વિચારોને પાળીતા બનાવો તો છેવટે એમાં જીવન ન રહે. વિચારમાં પ્રાણ અને તેજ તો જ પ્રગટે જો એને પિંજરામાં ન પૂરો.

ધર્મની, સમાજે માની લીધેલાં પાપ-પુણ્યની વાતોનો પ્રચાર કરવા પર જાણ્યે અજાણ્યે અમુક સ્થાપિત હિતોની લગામ હોય છે. પછી એ સ્થાપિત હિતો નિમ્ન કક્ષાની સમજ ધરાવતી, છતાં જોરાવર બહુમતી હોય કે સંપ્રદાયો હોય ! એ સ્થાપિત હિતો મૌલિકતા, તાજગીનું તેજ સહન કરી શકતાં નથી, આથી જૂની વાતોનું પિષ્ટપેષણ ઝંખે છે. જેણે પોતાનાં ચિત્તના બધા દરવાજા બંધ કર્યા છે તેવા આત્મવંચક આસ્તિક કરતાં ખુલ્લાં મન વાળો નાસ્તિક હજાર દરજ્જે સારો.

મુદ્દો એક જ છે :

વિચાર પ્રક્રિયા પાછળ પ્રેરક બળ ક્યું છે ?

તમે શા માટે વિચારવા માટે પ્રેરાવ છો ?

તમને કોઈ એવી દિશા આહવાન કરે છે, જ્યાં કોઈ ન ગયા હોય ? તો સંદેશવાહક કબૂતર તરીકેનું પીંજરૃં છોડવું જ પડશે.

પિંજરવાસી કબૂતરને હુકમ કરી શકાય, તું આમ કર, તું આ દિશામાં જા. સ્વતંત્ર રીતે ઉડ્ડયન કરનાર પંખીને તમે પાળીતું ન બનાવી શકો.

પરંતુ ગંભીર તકલીફ અહીં ઊભી થાય છે, જ્યારે પ્રચારક અને વિચારકની ગુનાહિત ભેળસેળ કરી દેવામાં આવે. તમે જરા વિચારો - ડોક્ટરને બદલે કમ્પાઉન્ડર રોગનું નિદાન કરવા લાગે તો ? કમ્પાઉન્ડરનું કામ ડોક્ટરે સૂચવેલાં મલમપટ્ટી લગાડવાનું છે, અલબત્ત જરા વિચારપૂર્વક અને કાર્યક્ષમતાપૂર્વક લગાડવાનું છે. પણ એ ડોક્ટર તરીકેનો સ્વાંગ સજી લે તો ?

આ ભારતદેશે ઉપનિષદોના ધર્મનો પ્રચાર કરવા કેટલા પ્રચારકો વિદેશ મોકલ્યા હતા ? બેસુમાર, ભયંકર, અમાનવીય હુમલાઓ પછી પણ કઈ આંતરિક તાકાતનાં જોરે આ ઉપનિષદોના સિદ્ધાન્તો સંપૂર્ણ તાજગી સાથે ઝળહળી રહ્યાં છે ? ભૌતિકશાસ્ત્ર (ફિઝિક્સ)નાં છેલ્લાંમાં છેલ્લાં સંશોધનોએ ભારતીય વેદાન્ત-વિચારધારાની મહોર માનવી પડે છે, શું એ પ્રચારનાં બળે શક્ય બન્યું છે ? હરગીઝ નહીં. શું ઉપનિષદોના વિચારકો 'કોઈ'ને ખુશ કરવા વિચારતા હતા ? જી ના, એમની આંખોમાં ને પાંખોમાં ગરુડની તાકાત હતી, અને એ વિશાળતા ને ઊંડાણે એ વિચારોને મૃત્યુંજય, અજેય સિદ્ધ કર્યા છે.

જે ક્ષણે તમે વિચારકને સંદેશવાહક કબૂતર બનાવવાની વાસના સેવો છો, એ ક્ષણે તમે પરમેશ્વરનાં મુખે તાળું મારવાનું પાપ કરો છો. ઈશ્વર હજાર હાથવાળો છે, એનાં હજાર મુખો છે, (જુઓ: ઋગ્વેદ, ગીતાજી) એ જ્યારે યુગમાં પરિવર્તન લાવવા ઈચ્છે છે ત્યારે એનું પ્રથમ અવતરણ ચિત્ત-ભૂમિ પર થતું હોય છે, ને એ પ્રગટે છે વિચાર દ્વારા. સમકાલીનોનાં બંધિયારપણાં અને ઊંઘને છિન્નભિન્ન કરતાં વિચાર દ્વારા જ એ જન્મ લે છે. તમે એક મુખે હાથ મારવા યત્ન કરશો તો એ બીજાં મુખેથી લાવારસની જેમ બહાર આવશે.