Magazines

તમે કોનાથી પ્રભાવિત થાવ? .

By GS TEAM
2 Dec 20253 mins read
તમે કોનાથી પ્રભાવિત થાવ?                           .

- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

- સત્તા, સમૃદ્ધિ કે શેહ એવાં તત્ત્વો છે જેને 'મેરિટ' કે 'પ્રતિભા' કે 'સત્ત્વ' સાથે સંબંધ હોવો અનિવાર્ય નથી

આ પણા મૂર્ધન્ય સારસ્વત બળવંતરાય ઠાકોર કહેતા કે જે સમાજ અયોગ્યને નમે છે ને યોગ્યને નમતો નથી, યોગ્યની યોગ્ય સમયે કદર કરતો નથી, તે સમાજનું સાંસ્કારિક કે સાંસ્કૃતિક દેવાળું ફૂંકાય છે. લોકોની વિવેકદ્રષ્ટિ, ઓળખ કે કદરવૃત્તિ પણ કોઈ અન્ય તાકાત 'કોર્નર' કરી લે, કબજે કરી લે ત્યાં પછી પ્રતિભા કે તાજગીભરી મૌલિકતાનાં પુષ્પોને ખીલવાનો અવકાશ રહેતો નથી.

તમે તાજમહાલ પહેલીવાર જોયો ત્યારે 'વાહ ! અદ્ભુત' એવા ઉદ્ગાર તમારી નાભિમાંથી આપમેળે નીકળેલા કે પછી 'શાળા જીવનનાં પાઠયપુસ્તકો અને સતત સાંભળેલાં વિધાનો (તાજ તો સૌન્દર્યનું સાકાર રૂપ છે, તાજ તો દુનિયાની અજાયબી વગેરે)થી પ્રેરાઈને તમે તાજમહાલથી પ્રભાવિત થયેલા ?'

અણુબોમ્બનાં રેડિયેશન કિરણોની પચાસ વર્ષોની ખતરનાક અસર કરતાં વધુ ભયંકર કામ કહેવાતાં સામાજિક 'આન્દોલનો' કે કહેવાતાં ધાર્મિક કે આધ્યાત્મિક આન્દોલનો કરતાં હોય છે અને એ કામ છે સ્વતંત્ર વિવેકશક્તિ દ્રષ્ટિનું સ્વાવલમ્બન લૂંટવાનું અને લૂંટાવવાનું ! કહેવાતાં સાંપ્રદાયિક આન્દોલનો આ કામ સામુહિક કતલખાનાં રૂપે કરે છે કારણ કે ભારત દેશમાં હજારો વર્ષોથી 'ધર્મ' નામે 'ગુડવિલ' હાથવગું હથિયાર છે. પછી ધર્મ, અધ્યાત્મનાં ઓઠાં હેઠળ સૌપ્રથમ કામ વ્યક્તિની સ્વતંત્ર વિચારશક્તિના સત્યાનાશનું થાય છે.

આ વિધાનના પુરાવા એકઠા કરવા દૂર જવાની જરૂર નથી. જુદાં જુદાં સાંપ્રદાયિક પ્રભાવક્ષેત્રોમાં વહેંચાયેલા આપણા 'મહાન' ધાર્મિક સમાજ પાસે નવો વિચાર રજૂ કરવો એટલે સુસ્થાપિત 'ડાલ્ડા' બ્રાન્ડના ગ્રાહકો પાસે બ્રાન્ડ વગરનાં શુધ્ધ ઘીનો સ્વીકાર કરાવવો. તમારે ઉત્તમોત્તમ ઘી આપવું હોય તો પણ પેલી સુસ્થાપિત બ્રાન્ડના ડબ્બામાં ભરીને આપો તો જ ગ્રાહકો ખરીદે ! પછી એક વિરાટ મૂલ્ય પ્રથા ઊભી થાય જેમાં ઘીની શુધ્ધિ ગૌણ બને ને 'બ્રાન્ડ' મહત્ત્વની બની જાય.

સત્તા, સમૃદ્ધિ કે શેહ એવાં તત્ત્વો છે જેને 'મેરિટ' કે 'પ્રતિભા' કે 'સત્ત્વ' સાથે સંબંધ હોવો અનિવાર્ય નથી. એક વાર સમાજ સ્વતંત્ર દ્રષ્ટિ વિહોણો બની જાય એટલે સત્ત્વ કે વિશેષતા ઓળખીને નમન કરવાની શક્તિનો લોપ થઇ જાય પછી એ સત્તા, ઝળહળાટ, સમૃદ્ધિ કે શેહને જ નમે. પછી સામાજિક પતનનું બીજું પગથિયું આવે. નવી પેઢી માટે પછી યેનકેન પ્રકારેણ ઝળહળાટ જ આરાધ્ય દેવતા બને, સત્ત્વ કે ગુણવત્તા હરગીઝ નહીં.

કોને નમવું એ અલબત્ત એવો વિષય છે જેના માટે તૈયાર નુસખા કે માપદંડ ન આપી શકાય, કારણ કે એ વ્યક્તિગત કક્ષાનો સવાલ છે. આપણા પોતાના વિકાસના કોઇક તબક્કે આપણને બાળવાર્તાઓ, પ્લમ્બિંગ, એસેમ્બલીંગ કરેલા માહિતિલેખો, નિન્દાખોરીવાળા લેખો પ્રભાવિત કરતા, હવે કદાચ આપણી પસંદગી સાવ બદલી ગઇ હોય. આથી, આખરે તો આ જાતને પૂછવાનો, વ્યક્તિગત પ્રતિક્રમણનો પ્રશ્ન છે : આપણે કોને સલામ કરવા પ્રેરાઇએ છીએ ? સત્તા, સમૃદ્ધિ, શેહ કે સત્ત્વ ને? આપણાં અજ્ઞાન તરફ પ્રકાશ ફેંકનાર સત્ત્વશીલ વિચારક આપણને પ્રતિસ્પર્ધી લાગે છે કે વંદન, નમનને યોગ્ય ?