કહેવાતી આધ્યાત્મિક પ્રશ્નોત્તરીઓ : કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના

- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
'ગુ રુદેવ, ચિત્તમાં સતત મૂંઝવણ રહે છે, શું કરવું?' ધ્યાન માટે ઘણી પધ્ધતિઓ અજમાવી જોઈ (ઊંઘની ગોળીઓ અજમાવી જોઈ કે હોમિયોપથી, એક્યુપ્રેશર, એલોપથી અજમાવાય, બાસમતી ચોખા કે આંબામહોર ભાત અજમાવાય એમ જ ?) વિપશ્યના 'ટ્રાય' કરી, પ્રેક્ષા 'ટ્રાય' કરી ઓશોની 'ડાયનામિક' 'ટ્રાય' કરી, પણ ધ્યાનમાં સ્થિર થવાતું નથી, 'સાચા, અસલી ગુરુ કેમ શોધવા ?'
મારા વહાલાઓ 'અધ્યાત્મ' જેવા, સદંતર અનુભૂતિના ઊંડે ખાબકવાના, મરજીવાઓના વિષયને ટી.વી. પર કે કોઈ માધ્યમિક શાળામાં ચાલતા 'ક્વિઝ'ની કક્ષાએ લઇ આવ્યા છે. 'ધ્યાનના પ્રકાર કેટલા ? ત્રણ, ચાર, બે કે પંચાવન' આવા પ્રશ્નનો ઉત્તર તમને આવડે તો તમે 'આધ્યાત્મિક' તરીકે પહેલું ઇનામ મેળવો. 'મહાવીરે બાર વર્ષો તપ કર્યું હતું કે તેર વર્ષ ?' 'કર્મના પ્રકાર' કેટલા ? સાત આઠ કે અઠાવન ? 'અરિહન્ત ના ગુણ કેટલા ? સો, બસો કે એકસો આઠ ?' આ બધું પાછું મોટી ધમાલ સાથે થાય, કોઈ માઈનો લાલ એમ કહેનાર ના નીકળે કે આવી બધી માહિતિના મુખપાઠને, સ્મરણ શક્તિની ચાલાકીને આધ્યાત્મિકતા સાથે સ્નાન સૂતકની લેવાદેવા નથી !
તમે દલીલ કરી શકો છો કે શું ઉપનિષદો નો આધાર પ્રશ્નોત્તરી નહોતો ? શું ગીતા પણ શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલી પ્રશ્નોત્તરીનું સુફળ નથી ? ઇન્દ્રભૂતિ ગૌતમ અને મહાવીર વચ્ચે પ્રશ્નોત્તરીને પરિણામે જ અદ્ભુત દર્શનશાસ્ત્ર મળ્યું છે. દેખીતી રીતે સચોટ લાગતી આ દલીલ બહુ છીછરી છે. યાદ રહે કે ઉપર જણાવેલા ત્રણેય દાખલાઓમાં પૂછનારની લાયકાત ભારે મહત્વની હતી. પૂછનાર નો સ્તર, એનો પ્રશ્ન હૈયાંના કયા સ્તરમાંથી આવે છે, એ પૂછવાનો હેતુ શો છે, આ બધા મુદ્દાનું મહત્ત્વ નવાણુ ટકા છે. રાજકીય પત્રકાર પરિષદોમાં અનેકવાર અમુક રાજકીય પક્ષના 'પગારદાર' કે 'પૂર્વગ્રહ પીડિત' પત્રકારો અમુક પ્રકારે જ, અમુક જવાબની અપેક્ષાએ જ પ્રશ્નો પૂછતા હોય છે. કોઈ વાક્ય પાછળ વ્યાકરણની દ્રષ્ટિએ પ્રશ્નાર્થ મૂકી દેવાથી એ વાક્ય ખરા અર્થમાં પ્રશ્ન બની જાય ખરૃં ?
એક વિરાટ વર્ગ એવો ઊભો થયો છે જે ધર્મ, સંપ્રદાય અને આધ્યાત્મિકતામાં ભારે મૂર્ખતાભરી ભેળસેળ કરે છે.
ધ્યાન શિબિરમાં કહેવાતાં ભણેલા ગણેલા લોકો પ્રશ્ન પૂછે : 'નામ જપ માટે ૧૦૮ ને બદલે ૧૦૯ મણકાની માળા ગણીએ તો શું ખોટું ?' આવા પ્રશ્નકર્તાને આ લખનાર જેવાએ જવાબ આપ્યો, 'તમે જ્યાં સુધી માળાના મણકાની સંખ્યા ગણવામાંથી ઊંચા નહી આવો ત્યાં સુધી સમજવું કે તમે હજી છીછરાં પાણીમાં છબછબિયાં કરો છો. ધ્યાનમાં ભાવ પ્રગટે એ મહત્વનું છે.' 'ધ્યાનમાં ભાવ પ્રગટાવવા શું કરવું ?' બસ, આવો પ્રશ્ન આવે ત્યારે ધંધાદારી, ચલતાપુર્જા, ટ્રેડ યુનિયન લીડર જેવા ધ્યાન શિક્ષકે સાવચેત થઇ જવું જોઇએ. જો ભૂલે ચૂકે તમે એમ કહી દો કે 'ભાવ કોઈ જ અન્ય વ્યક્તિ, વિધિ, સંપ્રદાયનાં કે અમુક તમુક 'ગ્લેમરસ'' કે 'પોપ્યુલર' 'ધ્યાન પધ્ધતિ દ્વારા પણ ન પ્રગટે' તો પેલા જિજ્ઞાાસુભાઈ બીજીવાર તમારી શિબિરનાં પગથિયાં નહીં ચઢે. કારણ કે એમને પોતે ગોઠવેલો જવાબ જોઇતો હતો. એમને મન પી.ટી. ટીચર (કસરત શિક્ષક) અને ધ્યાન શિક્ષકમાં કોઈ ફરક જ નહીં. જ્યાં મૂળ બુનિયાદ જ આત્મવંચના પર આધારિત હોય, એ આત્મવંચનાનું અંધારૃં કોઠે પડી ગયું હોય, ત્યાં પ્રશ્નો કેવા અને પ્રશ્નોના ઉત્તરો આપીને
'લોકપ્રિય' થનારા કેવા ?
એક સંતને કોઈ પ્રશ્ન વેવલો બેવકૂફ ભેટી ગયો. પ્રશ્ન પૂછ્યો : 'સંસારમાંથી વૈરાગ્ય કેમ પેદા થાય ? હું છેલ્લાં ચાલીશ વર્ષથી વેદાન્તનાં ભાષણો સાંભળવાના વિક્રમો સર કરી ચૂક્યો છું, ફલાણા મહારાજ તો મને જમણો હાથ સમજે છે, તેઓ હંમેશા મારે ત્યાં જ ઊતરે છે, પણ ફિક્ષ ડિપોઝિટ રસીદો અને પુત્રવધુના દાગીનામાંથી મારો જીવ છૂટતો નથી. હવે શું કરૃં જેથી 'વૈકુંઠ'માં શાંતિ રહે, મોક્ષ મળે ?' પેલા સંત આ પ્રશ્ન-વેવલાને એક ઊંડાં તળાવમાં લઇ ગયા. પેલાની બોચી પકડીને ઊંડાં પાણીમાં દબાવ્યો. પેલાએ ચીસો પાડી. 'મહારાજ આ કયા પ્રકારની ધ્યાન ક્રિયા કરાવો છો. હું મરી જઇશ. બચાવો, બચાવો.' સંતે તરત પેલાને બહાર કાઢીને કહ્યું 'વૈરાગ્ય, નિર્વેદ અને ભક્તિ શબ્દરમતોથી કે ફિલસુફીની 'ક્વિઝ'' જેવી દલીલોથી પેદા ના થાય. તમે પાણીમાં ડૂબતા હો ને છૂટવાની જે તીવ્ર તડપ જાગે, એવી જ તડપ સંસારનાં કળણમાંથી છૂટવાની જાગે ત્યારે વૈરાગ્યનું બીજ રોપાય.'









