Get The App

હિમલી રાત્યુંમાં હૂંફને ઉજવવાની ઋતુ શિયાળો..

Updated: Jan 21st, 2025


Google News
Google News
હિમલી રાત્યુંમાં હૂંફને ઉજવવાની ઋતુ શિયાળો.. 1 - image


- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ

વે દકાળથી લઇ આજ પર્યત સુધી આપણે ત્યાં ઋતુ ગીતો રચાતા રહ્યા છે. વેદનું સાહિત્ય તો પ્રકૃતિનાં મહિમાથી ભરપૂર છે. ઋગ્વેદ અને અથર્વવેદમાં ઋતુ વર્ણનો સારી એવી માત્રામાં જોવા મળે છે. અથર્વવેદનો પૃથ્વી સૂક્તનો  એક મંત્ર કહે છે કે ''હે ભૂમિ, તારી ઋતુઓ ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર, વસંત, વિહિતવર્ષા અને અહોરાત્રિ, હે પૃથ્વી! અમને દુઝા'' સંસ્કૃત સાહિત્યમાં પણ કાલિદાસનાં મેઘદૂત, તેમજ કુમારસંભવમાં ઋતુ વર્ણન સારી એવી માત્રામાં જોવા મળે છે. ઋતુસંહારમાં તો ઋતુઓને જ પ્રાધાન્ય છે. કિરાતાર્જુનિયમમાં પણ સુંદર શરદ વર્ણન આવે છે. તેના મૂળમાં જોઈએ તો દંડીએ 'કાવ્યદર્શન'માં મહાકાવ્યનાં લક્ષણોમાં એમ કહ્યું કે મહાકાવ્યમાં તો ઋતુ વર્ણન આવવું જ જોઈએ.બારમાસીના દોહા અને રાધાજીના મહિના તો ભારતની મોટા ભાગની ભાષાઓમાં જોવા મળે છે. આ પરંપરાને અનુસરીને જૈન સાધુ કવિઓએ પોતાના પુરાણના બે પાત્રો 'નેમ- રાજુલ' નાવિયોગનો વિચ્છેદ પણ મહિનાઓના સ્વરૂપમાં રચ્યો. શિષ્ટ સાહિત્યની જેમ લોકજીવનમાં પણ ઋતુગીતો ભરપૂર માત્રામાં જોવા મળે છે. માત્ર ગુજરાતીમાં જ નહિ પરંતુ ભારતની તમામ ભાષાઓના લોકસાહિત્યમાં જીવનચક્ર અને ઋતુચક્ર છવાયેલું જોવા મળે છે. કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે જેટલા ઋતુગીતો રચ્યા છે તેટલા ભાગ્યે જ કોઈ કવિએ રચ્યા હશે. ઋતુ અને સાહિત્યના સંધાનનું એક કારણ એ પણ છે કે આપણા ઉત્સવો ઋતુ આધારિત છે. આપણે શિશિરને ઉજવવા મકરસંક્રાંતિ ઉજવીએ છીએ, વસંતને આવકારવા વસંત પંચમી અને વર્ષાને ઉજવવા જન્માષ્ટમી કે પછી મોળાકત જેવા વ્રતોઉજવીએ છીએ. પ્રત્યેક ઉત્સવની સાથે ઋતુનું સંધાન એ ભારતની કલ્ચરલ ઇકોલોજી છે. ઉત્સવની સાથે ઋતુને ઉજવવાની પરંપરામાં પ્રકૃતિ અને લોકજીવનનું ઉત્તમ સાયુજ્ય રચાય છે અને તેમાંથી સર્જાય છે અખંડ પરંપરાઓ જે માનવજીવનને નવા રૂપ -રંગ બક્ષે છે.

જીવનમાં ઋતુઓનો રંગ રસબસ હોય ત્યાં બાળસાહિત્યમાં ઋતુ કાવ્યના અંકુર ફૂટયા વગર કેમ રહે! એટલે જ આપણે ત્યાં ધાર્મિક, સામાજિક સંદર્ભો સાથે ઋતુ સંદર્ભ જોવા મળે છે. આવું જ પોષી પૂનમનું એક ગીત છે,

પોષ મહિનાની પૂનમે રે 

અગાસે રાંધ્યા અન્ન વાલા! 

જમશે માની દીકરી રે 

પીરસશે બેનીનો વીર વાલા! 

આજ રીતે શિયાળાને સામાન્ય જ્ઞાાનનો વિષય બનાવી દલપતરામે જે કવિતા રચી છે, તે નાનપણમાં ગાઈને ગુજરાતનો મોટો વર્ગ મોટો થયો છે. દલપતરામ કહે છે કે,

શિયાળે શીતળ વા વાય, પાન ખરે ઘઉં પેદા થાય,

પાકે ગોળ, કપાસ, કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ.

ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ,

ઘટે દિવસ, ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત.

એ જમાનાની કવિતાઓમાં શિક્ષણ એ મુખ્ય તત્ત્વ હતું. શિયાળામાં કયો પાક થાય, હવામાન કેવું હોય, દિવસ- રાતમાં કેવા ફેરફારો થાય તે સઘળું આ કવિતા ગાઈને વિદ્યાર્થીઓ શીખી લેતા. શિયાળાની સવાર નિબંધમાં પણ આ પંક્તિઓ અચૂક ટાંકેલી જોવા મળતી.

લોકસાહિત્યનું ઉત્તમોત્તમ ઋતુકાવ્ય તો આપણા દોહામાં ઉતર્યું છે. માનવી, પશુ- પક્ષી અને પ્રકૃતિ પર થતી ઋતુઓની અસર દુહાનાં ગાનારે બહુ સારી રીતે વર્ણવી છે. શિયાળાનો એક તે મતલબનો દુહો જુઓ,

ઉલટે અત્તર પોસ આયા, કામ પ્રકટે કામણી

મદમસ્ત હસતી કલા મેમંત, ત્રિયા મદછંક દે ટલા

તો વળી શિયાળાની ઠંડી માટે પોષે પછતાઈ, શિશિર સુહાઈ, ઠંડ લગાઈ સરસાઈ જેવા દુહાઓ પણ સારી સંખ્યામાં જોવા મળે છે. કુદરતના કરિશ્મા સાથે કવિ કર્મનો હુંફાળો સ્પર્શ થાય છે ત્યારે ભાષા પણ ઋતુની જેમ ખીલે છે. બીજા એક ચારણી કાવ્યમાં શિયાળાને સરસ રીતે અનુભવી શકાય છે.

ચમકારા, ટાઢવાળા હેમાળાભણીથી ચાલ્યા 

હડવડયા પશુ પાંખુંમા નવે હેથાટ

દડયા હીમ, નીર જામ્યા, જઠરા પ્રગટી દોઢી 

આયા શિયાળારા દિન નિયાળા અથાટ

ચમકારા મારતી ઠંડીવાળા શિયાળાની ખિન્નતા ખૂબ જ સુંદર છે. રાત લાંબી હોય છે, દિવસો ટૂંકા હોય છે અને આખું વાતાવરણ નીરવ શાંતિમાં ફેરવાય છે. દિવસો ખુશખુશાલ અને અંધકારમય લાગે છે, ધાબળાની હૂંફ, કોફીનો ગરમ કપ અને એક મોહક પુસ્તક શિયાળામાં હોય છે તેનાથી વધુ બીજી કોઈ ઋતુમાં માણી શકાય નહીં. શિશિર માટે ઉમાશંકર જોશી કહે છે,

''શિશિર વાયુ સુશીતળ સૂસવે,

તરુ તણાં થડથી રસ કૈંઝવે.

ખરત પાન, રહ્યાં બસ ડાંખળાં,

સભર ધાન્ય થકી સુહતાંખળાં.''

અંતે કવયિત્રી પારુલ ખખ્ખરની સુંદર શિયાળું કવિતા સાથે તાપણાને આપણું કરી, શિશિરના સંમોહક સ્પર્શની અનુભૂતિ કરીએ... 

હાથ પડે જ્યાં જળમાં ત્યાં તો આંગળી ખીલો થાય રે એવી હિમલી રાત્યું...

કાગળ માથે ચીતરેલી કાંઈ નદીયું થીજી જાય રે એવી હિમલી રાત્યું...

દાંત વગાડે ડાકલી, નાચે દાઢડી, નાચે ચામડી, નાચે ક્રોડ રુંવાડા

પંડયમાં પેસી ટાઢનો ભોરિંગ ફેણ ચડાવી નાંખતો અંગેઅંગફૂંફાડા

અંતે, 

આપણા આનંદને અંતરમાં રાખીએ, ન એનો કંઈ કીજીએ લવારો 

આવડીક હથેળીમાં ડૂબે રે દુનિયા, ને હૈયું અનંતનો આરો. 

- રાજેન્દ્ર શાહ 

Tags :