ઉકરડાની બદબૂ વર્સેસ ખૂશ્બોદાર ભોજન
ટોપ્સીટર્વી - અજિત પોપટ
અહીં પણ એવીજ વ્યવસ્થા છે- એક કિલો પ્લાસ્ટિક કચરો આપી જાઓ અને ભરપેટ જમી જાઓ...૫૦૦ ગ્રામ પ્લાસ્ટિક લાવો અને સવારના પહોરમાં ઠંડી ઊડાડે એવો ગરમાગરમ નાસ્તો કરતા જાઓ. આ આખોય વિચાર ખરેખર ક્રાન્તિકારી છે
દ્રશ્ય પહેલું- વીખરાયેલા અને જીંથરા જેવા વાળ, પુરુષ હોય તો બે દિવસની વધેલી દાઢી, ફાટયા તૂટયા કે થીંગડાંવાળાં કધોણ કપડાં, નાહ્યાધોયા વિનાનું અને વાસ મારતું શરીર, ઊઘાડા પગ અને વ્યક્તિની પોતાની ઊંચાઇ સાથે હરીફાઇ કરતો હોય એવો ખભે લટકતો પ્લાસ્ટિકનો કે શણનો કોથળો... દેશના કાઇ પણ શહેર કે ગામના ગંધાતા ઉકરડા આવું મનેખ જોવા મળે. ડુક્કર, રઝળતી ગાયો અને ક્વચિત્ કૂતરાની વચ્ચે ઉકરડામાં ખુલ્લા હાથે કચરો વીણતો કોઇ કમનસીબ જીવ ! પુરુષ પણ હોઇ શકે અને સ્ત્રી પણ હોઇ શકે, બાળક પણ હોઇ શકે અને મોટી વયનો વૃદ્ધ પણ હોઇ શકે. રઝળતા કૂતરાં કરડે નહીં માટે હાથમાં ક્યારેક રાખેલી ઝાડની તૂટેલી ડાળી...
* દ્રશ્ય બીજું. દેશના કોઇ પણ વિસ્તારમાં જાઓ. ફૂટપાથ પરના કે વ્યવસ્થિત લાગે એવા ડાઇનિંગ હૉલમાં લિમિટેડ થાળીના સરેરાશ ૫૦ રુપિયાથી માંડીને સો દોઢસો રુપિયા ચૂકવવા પડે. ભરપેટ ભોજનના બસોથી ચારસો રુપિયા પડે. જેવો વિસ્તાર અને જેવો ડાઇનિંગ હૉલ. જેની રોજની આવક પચાસ રુપિયા કરતાં ઓછી હોય અથવા એમ કહો કે જેની કોઇ નિશ્ચિત દૈનિક આવક જ નથી એવા, ઉકરડામાં જાતજાતનો કચરો વીણનારા રેગપીકર્સ શું ખાતા હશે ?
એક એનજીઓના કહેવા પ્રમાણે ૮૦ ટકા રેગપીકર્સ અઠવાડિયામાં ત્રણેક દિવસ માત્ર સૂકી રોટલી અને નમક છાંટેલી ડુંગળીથી પેટ ભરતા હતા. છેલ્લા થોડા સમયથી એમને ડુંગળી પણ દુર્લભ થઇ પડી છે...
૨૦૧૭માં એક એનજીઓએ કરેલા સર્વે મુજબ દેશમાં સરેરાશ પંદર લાખથી માંડીને ચાર કરોડ જેટલા રેગપીકર્સ છે. મોટા ભાગના નિરક્ષર છે. પારાવાર ગરીબીનો શિકાર બનેલા છે. ઉકરડામાં ગમે ત્યાં હાથ નાખીને કંઇક વીણે છે. અથવા, બહારગામની ટ્રેન પસાર થઇ ગયા પછી રેલવે ટ્રેક પર જાનના જોખમે રઝળીને કચરો વીણીને સફાઇ કરે છે. પછી એ કચરાનું સોર્ટિંગ કરે છે.
પાણીની પ્લાસ્ટિકની બાટલી, ઇલેક્ટ્રિક વાયરમાંથી મળતા તાંબાના તાર, કાગળ, જે તે રેડી ટુ ઇટ નાસ્તાના પડીકાં... અનેકવિધ વસ્તુઓ છૂટી પાડીને એ ભંગારવાળાની દુકાને વેચવા જાય છે. પ્લાસ્ટિક, તાંબાના તાર, કાગળ, કપડું, જૂનું તૂટેલું ફૂટેલું રાચરચીલું... દરેકનો કિલોએ ભાવ અલગ હોય છે. ક્યારેક ભંગારનો દુકાનદાર પાંચ દસ રુપિયા પકડાવે, ક્યારેક ઉદ્ધતાઇથી કહી દે, કલ આના... આજ અભી બોણી નહીં હુઇ હૈ... આવું બને તે દિવસે રેગપીકરે ફરજિયાત ઉપવાસ કરવાનો.
પરંતુ ગયા વર્ષના ઑગસ્ટ-સપ્ટેંબરથી થોડાક રેકપીકર્સના જીવનમાં નવો સૂર્ય ઊગ્યો. હાલના વડા પ્રધાને પ્લાસ્ટિકના વપરાશને ક્રમશઃ શરુ કરીને સદંતર બંધ કરવા માટે કેટલાંક પગલાં સૂચવ્યાં હતાં. એ પગલાં વિશે વિચારતા છત્તીસગઢના એક પોલિટિશ્યનના હૈયામાં રામ વસ્યા. બે ચાર શ્રીમંત સખાવતી દોસ્તોની મદદ લઇને આ મિનિસ્ટરે એક નવો પ્રયોગ કર્યો. આ પ્રયોગના એક ભાગ રુપે એણે એક 'ગાર્બેજ કાફે' શરુ કરી.
ગાર્બેજ એટલે કચરો. કાફે એટલે ભોજનાલય. ખરેખર તો આ એક ડાઇનિંગ હૉલ છે. એવો ડાઇનિંગ હૉલ જેમાં ભરપેટ ભોજન માટે રેગપીકર્સે એક પૈસોય ચૂકવવાનો નથી. તો પછી ભોજન કેવી રીતે મળે ? એનો જવાબ આ રહ્યો. કચરામાંથી મળેલા એક કિલો પ્લાસ્ટિકની સામે એને અહીં ભરપેટ ભોજન પીરસાય છે. ૫૦૦ ગ્રામ પ્લાસ્ટિક કચરો લાવનારને ગરમાગરમ ઇડલી કે ઉપમા જેવો નાસ્તો મળે છે.
આ વિચાર જે પોલિટિશ્યનને આવ્યો હોય તેને સલામ કરવાનું મન થાય. એક તરફ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડતાં ઘટાડતાં અંતે સાવ બંધ કરી દેવા માટેની રાષ્ટ્રીય નીતિનો અમલ થાય છ, બીજી બાજુ સમાજના સાવ ઉપેક્ષિત અને તરછોડાયેલાં કહેવાય એવા લોકોને ભરપેટ ભોજન મળે છે. સ્વાર્થ સાથે પરમાર્થ જેવી વાત છે. જો કે આ ગાર્બેજ કાફે છત્તીસગઢના મ્યુનિસિપલ કોર્પેારેશન દ્વારા ચલાવવામાં આવે છે. એટલે સંબંધિત પોલિટિશ્યને સતત નજર રાખવી પડશે. બાળકોને પીરસાતા મધ્યાહ્ન ભોજનમાં કેવી ભેળસેળ અને ગોબાચારી થાય છે એ આપણે સૌ જાણીએ છીએ. જતે દિવસે ગાર્બેજ કાફેમાં ભોજનના નામે સાચેસાચ ગાર્બેજ પીરસાતું નથી ને એની તકેદારી પણ આ નેતાજીએ રાખવી પડશે.
છત્તીસગઢમાં આ પ્રયોગ સફળ થયો એટલે ગયા સપ્તાહે ડિસેંબરના છેલ્લા અઠવાડિયે ક્રીસમસની ગીફ્ટ રુપે પાટનગર નવી દિલ્હીમાં પણ આવો ગાર્બેજ કાફે શરુ થયો. અહીં પણ એવીજ વ્યવસ્થા છે- એક કિલો પ્લાસ્ટિક કચરો આપી જાઓ અને ભરપેટ જમી જાઓ...૫૦૦ ગ્રામ પ્લાસ્ટિક લાવો અને સવારના પહોરમાં ઠંડી ઊડાડે એવો ગરમાગરમ નાસ્તો કરતા જાઓ. આ આખોય વિચાર ખરેખર ક્રાન્તિકારી છે. દુનિયાના કોઇ દેશમાં આવો પ્રયોગ થતો હોવાનું સાંભળ્યુંનથી.