Get The App

પીટાઇ તો બ્રિટિશ ટ્રાફિક પોલીસનીય થાય

ટોપ્સીટર્વી - અજિત પોપટ

Updated: Dec 17th, 2019

GS TEAM

Google News
Google News
પીટાઇ તો બ્રિટિશ ટ્રાફિક પોલીસનીય થાય 1 - image


ટ્રાફિકના ગુના કરનારા કંઇ ધંધાદારી અપરાધી તો હોતા નથી. તો પછી આવા ગુના થાય છે શા માટે ? એક બ્રિટિશ મનોચિકિત્સકે પોતાની રીતે એનાંં કારણો વ્યક્ત કર્યાં હતાં

અત્યારે દુનિયાના બધા દેશોની ગ્રહદશા પલટાઇ હોય એવું લાગે છે. હવે જુઓને, તાજેતરમાં બ્રિટિશ કાયદા ખાતાએ પ્રગટ કરેલા આંકડા મુજબ બ્રિટનમાં ટ્રાફિક પોલીસ પર મહિલાઓ દ્વારા થતા હુમલામાં જંગી વધારો થયો છે. ૨૦૦૯માં ફરજ પરના પોલીસ પર મહિલા દ્વારા હુમલો થવાની પાંચસો ઘટના બની હતી. ૨૦૧૮માં આવી ઘટનાઓે એક હજાર થઇ ગઇ. ગયા વરસે એક હજાર મહિલાઓને ફરજ પરના પોલીસ પર હુમલો કરવા બદલ કોર્ટે સજા કરી હતી.

 થોડીક નવાઇ લાગે એવી વાત છે ! બ્રિટિશ કાયદો અને ન્યાય ખાતાએે પ્રગટ કરેલા રિપોર્ટ મુજબ હુમલામાં ય વૈવિધ્ય હતું. કેટલીક મહિલાઓએ માત્ર ગાળાગાળી કરીને સંતોષ માન્યો હતો, કેટલીક મહિલાઓ ગણવેશધારી પોલીસ પર થૂંકી હતી અને કેટલીક મહિલાઓએ પોલીસના થોબડા પર મુક્કો મારી દીધો હતો. રખે એવું માનતા કે ગોરી મડમોના હાથ માખણ જેવા મુલાયમ હશે. કમ સે કમ ત્રીસ ટકા પોલીસે મુક્કો ખાધા પછી મેડિકલ સારવાર લેવી પડી હતી. તેમનું લોહી સડક પર વહી ગયું હતું. રસપ્રદ વિગત એ છે કે પોલીસ પર હુમલો કર્યા પછી તરત જેલની સજા થઇ હોય એવા કિસ્સા ઘટયા હતા. ૨૦૦૯માં ૨૨૪ મહિલાને જેલની સજા થઇ હતી જ્યારે ૨૦૧૮માં ૧૫૯ મહિલાઓને જેલની સજા થઇ. ત્રીસ ટકા જેટલો ઘટાડો થયો.

એના કરતાંય વધુ નટખટ વાત એ છે કે ૨૦૧૮માં ફરજ પરના પોલીસ પર હુમલો કરવા બદલ ત્રણ હજાર ત્રેસઠ મહિલાઓને સજા થઇ. સરળ શબ્દોમાં કહીએ તો વર્ષ દરમિયાન દર અઠવાડિયે ૬૦ મહિલાઓને સજા થઇ. સપ્તાહમાં એેક દિવસ રજાનો ગણીએ તો રોજના સરેરાશ દસ હુમલા થયા. બ્રિટનમાં તો પાંચ દિવસનું સપ્તાહ હોય છે એટલે દસ કરતાં પણ વધુ સરેરાશ થઇ. એ રીતે જોઇએ તો ગુજરાતના વાહનચાલકો બહુ ડાહ્યા અને સમજુ કહેવાય, શું કો'છો ? બ્રિટનમાં ટ્રાફિકના ગુનાનો સરેરાશ દંડ ૧૪૬ પાઉન્ડ છે. એક પાઉન્ડના મિનિમમ ૮૦ રુપિયા પકડો તો કેટલો દંડ થયો, વારુ ? 

ટ્રાફિકના ગુના કરનારા કંઇ ધંધાદારી અપરાધી તો હોતા નથી. તો પછી આવા ગુના થાય છે શા માટે ? એક બ્રિટિશ મનોચિકિત્સકે પોતાની રીતે એનાંં કારણો વ્યક્ત કર્યાં હતાં. એમાંનું એક કારણ ગુજરાતની સ્થિતિને મળતું આવે છે. સગીર વયનાં બાળકો સાઇકલ ફેરવતાં ફેરવતાં સ્કૂટી જેવાં ટુ વ્હીલર ચલાવતાં થાય ત્યારે એમને 'ખૂબ ફાસમ્ફાસ' ભગાવવામાં અનેરો આનંદ આવતો હોય છે. જો કે આપણા કરતાં બ્રિટિશ કાયદા વધુ કડક છે એટલે સગીર વયનાં બાળકો પકડાય ત્યારે દંડાય છે માતાપિતા. બીજું કારણ, મિથ્યાભિમાન. સડક પર ચાલનારા કે બસ જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પ્રવાસ કરનારા કરતાં પોતે ચઢિયાતાં છે એ દર્શાવવા વાહનચાલકો બેફામ વાહન દોડાવે છે. ત્રીજું કારણ, કેટલાક કિસ્સામાં ખરેખર ઇમર્જન્સી હોય છે. કોઇ કૌટુંબિક આપત્તિનો ફોન આવ્યો હોય, ગૃહિણીને ઘરમાં કોઇ અકસ્માત નડયાના સમાચાર મળ્યા હોય... વગેરે.

આપણે ત્યાં તો ચાર રસ્તા પર પાદચારીઓ માટેના સફેદ પટ્ટા હોય એના પર પણ ધસારાના સમયે વાહનો ઊભાં હોય, એવું વિદેશોમાં ભાગ્યેજ બને છે. ઓરેંજ સિગ્નલ હોય ત્યાંજ વિદ્યુતવેગે વાહન દોડાવનારા ચાલકોની વાત નિરાળી છે. આવા વાહનચાલકોને અટકાવવા ટ્રાફિક વોર્ડન કે ટ્રાફિક પોલીસ પ્રયાસ કરે તો શક્ય છે, વોર્ડન કે પોલીસ હૉસ્પિટલમાં પહોંચી જાય. લંડનમાં એના કરતાં અલગ એક બનાવ ગયા મહિને નોંધાયો હતોે. પોતાની ક્ષમતા કરતાં વધુ શરાબ પીને વાહન હંકારતાં ઝડપાયેલી એેક મહિલાએ યુનિફોર્મમાં 

સજ્જ એક પોલીસને બચકું ભરી લીધું અને બે પઠ્ઠા બાઉન્સર્સેને ઠોંસા મારી દીધા. કોર્ટે આ મહિલાને એક માસ સુધી દર સપ્તાહે આ ત્રણે જણને પાંચ પાંચ પાઉન્ડ વળતર રુપે ચૂકવવાનો આદેશ આપીને એને ૧૫૦ પાઉન્ડ દંડ કર્યો. 

પેલા ત્રણે જણે વળતર લેવા જવાનો કોર્ટમાં ઇનકાર કર્યો કે આ મહિલા તો ભારે બળુકી છે, ક્યારેક ફરી એની ડાગળી ચસકે તો વળતરને બદલે 'કળતર' આપવા માંડે તો ! બ્રિટિશ અડધિયાં (ટેબ્લોઇડ અખબારો) કહે છે કે હવે આવી ઘટનાઓ બ્રિટનનાં મોટા ભાગનાં શહેરોમાં કાયમી થઇ ગઇ છે. આપણા પર દોઢસો વરસ રાજ કરનારા બ્રિટનમાં આવી સ્થિતિ હોય તો ગુજરાતની શી વિસાત !

Tags :