બુર્જખલીફાના દબદબાની ઇજારાશાહી બે વરસમાં ખતમ?

- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- બુર્જ ખલીફા કરતાં આ ટાવર આશરે છસો ફૂટ વધુ ઊચેરો હશે. બુર્જ ખલીફા બનાવનારા અમેરિકી આર્કિટેક્ટ એડ્રિયન સ્મીથે જ આ ટાવરની પણ ડિઝાઇન તૈયાર કરી છે.
દુ નિયાભરમાં રૂતુચક્ર બદલાઇ ચૂક્યું છે. ગમે ત્યારે વરસાદ વાવાઝોડું કે બરફનું તોફાન સર્જાય છે. કરોડો વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે. વધી રહેલી વસતિ માટે રહેઠાણની જોગવાઇ કરવા અને વધુ જમીન સંપાદિત કરવા વૃક્ષોનો ભોગ લેવાઇ રહ્યો છે. પહોળા અને વધુ સગવડદાયી મકાનોને બદલે ઠેર ઠેર પાતળા તથા ગગનચુંબી ટાવર્સ બંધાઇ રહ્યા છે. ગઇ કાલ સુધી ઊંચેરા ગણાયેલાં મકાનો બીજે દિવસે ભૂલાઇ જાય છે કારણ કે વધુ ઊંચાં ટાવર્સ બંધાઇ રહ્યાં છે. વિશ્વના પર્યટકોને આકર્ષતા દૂબઇમાં ગઇ કાલ સુધી બુર્જ ખલીફા નામના ટાવરનું અનેરું આકર્ષણ હતું. અત્યંત ફાસ્ટ લિફ્ટ દ્વારા ગણતરીની સેકંડોમાં ટાવરના સૌથી ઉપરના મજલે પહોંચી શકાતું હતું. બુર્જ ખલીફાના સૌથી ઉપલા માળે પહોંચ્યા પછી આખુંય દૂબઇ રમકડાનાં મકાનો હોય એવું દેખાતું હતું.
પરંતુ અગાઉ કહ્યું એમ પરિવર્તન આજની સૌથી મોટી વિશેષતા બની રહ્યું છે. બહુ નજીકના ભવિષ્યમાં બુર્જ ખલીફા ભૂલાઇ જશે, કારણ અન્ય એક આરબ દેશ નામે સાઉદી અરેબિયા હવે બુર્જ ખલીફાને ભૂલાવી દે એવું અને ખરા અર્થમાં ગગનચુંબી ટાવર બાંધી રહ્યો છે. જેદ્દાહ ટાવર નામના આ ટાવરનું બાંધકામ ૨૦૧૩માં શરૂ થયું હતું. આ લખાઇ રહ્યું હતું ત્યારે હજુ માત્ર એકસો મજલા બંધાયા છે. હજુ બાંધકામ ચાલુ છે અને ૨૦૨૮ની આસપાસ આ ટાવર બંધાઇ રહે ત્યારે વિશ્વની સૌથી ઊંચી ઇમારત ગણાતું થઇ જશે. યૂરોપનું મિડિયા અત્યારથી એનો ઉલ્લેખ મેગાટૉલ સ્કાયક્રેપર તરીકે કરતું થઇ ગયું છે.
સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરની ઉત્તરે આ ટાવર બંધાઇ રહ્યું છે. સાઉદી અરેબિયાના જેદ્દાહ સિટિ ઇકોનોમિક પ્રોજેક્ટ તરીકે આ ટાવર કેન્દ્રવર્તી ઇમારત બની રહેશે. આ ટાવર એક કિલોમીટર અર્થાત્ એક હજાર મીટર કે ૩૩૦૦ ફૂટ ઊંચો હશે. એમાં પણ બર્જ ખલીફાની જેમ અત્યંત ફાસ્ટ લીફ્ટ્સ હશે જે આંખના પલકારામાં તમને સૌથી ઉપલા મજલે લઇ જઇ શકે. બુર્જ ખલીફા કરતાં આ ટાવર આશરે છસો ફૂટ વધુ ઊચેરો હશે. બુર્જ ખલીફા બનાવનારા અમેરિકી આર્કિટેક્ટ એડ્રિયન સ્મીથે જ આ ટાવરની પણ ડિઝાઇન તૈયાર કરી છે.
સાઉદી અરેબિયાના પ્રિન્સ અલ-વહીદ બિન તાલાલ આ પ્રોજેક્ટના મુખ્ય સૂત્રધાર છે. એમણે જેદ્દાહના વિકાસ માટે અને જેદ્દાહ ટાવર બાંધવા માટે જેદ્દાહ ઇકોનોમિક કંપની જોડે ભાગીદારી કરી છે. પ્રિન્સ અલ-વહીદ કિંગ્ડમ હોલ્ડીંગ કંપનીના ચેરમેન છે. બે કંપનીની ભાગીદારીમાં આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ થયો હતો. ૨૦૦૯માં જેદ્દાહ ટાવર બાંધવાની યોજના ઘડાઇ. ૨૦૧૩માં બાંધકામ શરૂ થયું. એક તૃતીયાંશ બાંધકામ પૂરું થયું ત્યાં એક તરફ લેબર પ્રોબ્લેમ થયો અને બીજી બાજુ કોવિડ રોગચાળો ફેલાયો એટલે બાંધકામ અટકી પડયું. પાંચેક વર્ષ કામકાજ અટકી પડયા બાદ ૨૦૨૩માં ફરી કામ શરૂ થયું. પ્રિન્સ અલ-વહીદની અપેક્ષા મુજબ ૨૦૨૮ના એપ્રિલની આસપાસ આ ટાવરનું બાંધકામ પૂરું થશે. આ લખાઇ રહ્યું હતું ત્યારે ૨૦૨૬ના એેપ્રિલ-મે દરમિયાન ટાવરના એકસો મજલા બંધાઇ ચૂક્યા હતા. લગભગ ૧૨૦ એકર જમીન પર બંધાઇ રહેલા આ ટાવરના નિર્માણ પાછળ આશરે વીસ અબજ અમેરિકી ડાલર્સનો ખર્ચ થશે. પ્રિન્સ અલ-વહીદ માને છે કે જેમ દુનિયાભરના પ્રવાસીઓ માટે દૂબઇનો બુર્જ ખલીફા ટાવર ખાસ આકર્ષણ બની ગયો હતો તેમ જેદ્દાહ ટાવર પણ પર્યટકો માટે નિહાળવો 'મસ્ટ' બની રહેશે. અહીં ફોર સિઝન્સ હૉટલ અને ઓછા કે વાજબી ભાડાના એપાર્ટમેન્ટ હશે. સાથોસાથ બુર્જ ખલીફા જેવો ઓબ્ઝર્વેશન ડેસ્ક હશે.
આટલો ઊંચો અને તોતિંગ બાંધકામ ધરાવતો ટાવર આ વિસ્તારમાં બાંધી શકાય કે કેમ એ નક્કી કરવા અગાઉ આ વિસ્તારમાં સોઇલ ટેસ્ટિંગ કરાયું હતું. આવું વિરાટ બાંધકામ કરવા માટે જમીનમાં એટલોજ શક્તિશાળી પાયો નાખવો પડે. સોઇલ ટેસ્ટિંગ વગેરે પૂરું થયું ત્યાં નવી તકલીફ આવી. આ ટાવર બાંધવા માટેના નાણાં ક્યાંથી કાઢવા એ યક્ષપ્રશ્ન હતો. જોકે આ અંગેના મિડિયા રિપોર્ટ્સને પ્રિન્સ અલ-વહીદે રદિયો આપ્યો અને અમે આ પ્રોજેક્ટ પડતો મૂક્યો નથી એવી સ્પષ્ટતા કરી. આર્કિટેક્ટની પસંદગી માટે આમંત્રણ અપાયું ત્યારે વિશ્વની ટોચની દસેક કંપનીઓએ અરજી કરી. એમાંથી એડ્રિયન સ્મિથની પસંદગી કરાઇ. એની પસંદગી પાછળ એક કારણ એ પણ હતું કે એ બુર્જ ખલીફાનો આર્કિટેક્ટ હતો એટલે એને આ પ્રકારના કામનો અનુભવ હતો. બુર્જ ખલીફા ઉપરાંત સ્મિથે ચીનમાં ત્સીંફેંગ ટાવર, અમેરિકામાં ટ્રમ્પ ઇન્ટરનેશનલ હાટલ એન્ડ ટાવર, શાંઘાઇમાં ત્સીન માઓ ટાવર વગેરે ટાવર્સ પણ તૈયાર કર્યા હતા. આમ અન્ય આર્કિટેક્ટ્સ કંપનીઓની તુલનામાં એડ્રિયન સ્મિથનું પલ્લું ભારે હતું. સ્મિથે તૈયાર કરેલા કેટલાક ટાવર્સ પવન, સૌર ઊર્જા કે જળ ઊર્જા દ્વારા પોતાને જરૂરી વીજળી પેદા કરે છે. આ પણ એક પ્લસ પોઇન્ટ હતો.
આ ટાવર વાવાઝોડા, ધરતીકંપ કે આતંકવાદી હુમલાને ખાળી શકે એ રીતે બાંધકામ કરાઇ રહ્યું છે. આશરે નેવું લાખ ટન ( એક ટન એટલે એક હજાર કિલોગ્રામ) વજન ધરાવતો આ ટાવર કુદરતી આફતો ઉપરાંત માનવસજત બેદરકારી સામે પણ ટકી રહે એવી એની ડિઝાઇન હોવાનો દાવો કરાયો છે. બાંધકામ જોરશોરથી ચાલુ છે. પ્રિન્સ અલ-વહીદે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે નક્કી કરેલા લક્ષ્યાંક મુજબ સમયસર બાંધકામ પૂરું થશે તો જ ચૂકવવાના થતા નાણાં ચૂકવાશે. મોડું થશે તો અમે જેટલો વિલંબ થાય એટલો દંડ વસૂલ કરીશું.








