સૂક્ષ્મ જીવની સંહારક શક્તિ
ટોપ્સીટર્વી - અજિત પોપટ
ચીન બાયોલોજિકલ શસ્ત્રો બનાવી રહ્યું હતું એના પ્રયોગોમાં સરતચૂક થતાં આ વાઇરસ ફેલાયા એવા અહેવાલ એકાદ માસ પહેલાં વહેતા થયા હતા
નરી આંખે દેખાય પણ નહીં. રાઇના દાણાના એકસોમા કે કદાચ હજારમા ભાગ જેટલું એનું કદ હશે. પરંતુ દુનિયાભરમાં આતંક ફેલાવી દીધો. જીવનના દરેક ક્ષેત્રમાં હાય હાય પોકારાવી દીધું. કોઇ કહેતાં કોઇ ક્ષેત્ર સુરક્ષિત ન રહ્યું. રમતગમતથી વાત શરૂ કરીએ. આ વર્ષના મે માસમાં એટલે કે માત્ર બે માસ પછી ચીનના ચેંગડુ શહેરમાં ૨૦૨૦નો ઓલિમ્પિક્સ રમત મહોત્સવ યોજાવાનો હતો. હવે નહીં યોજાય. કદાચ સ્પેનમાં યોજાશે. કેમ તો કહે, કોરોનાએ ઓલિમ્પિક્સના ટાઇમટેબલને ખોરવી નાખ્યું.
સૌથી વધુ વિપરીત અસર દુનિયાભરના અર્થતંત્ર પર થઇ. ડાઉ જોન્સમાં ગાબડું પડયું એના પડઘા દુનિયાભરના શૅરબજારો પર પડયા. ભારત પૂરતી વાત કરીએ તો શનિવારે ૨૯ ફેબ્રુઆરીએ પ્રગટ થયેલા અહેવાલ મુજબ આંખના પલકારામાં ૫,૫૦,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન ઇન્વેસ્ટર્સને થયું.
સામાન્ય માણસની માન્યતા એવી હોય છે કે બેક્ટિરિયા કે વાઇરસથી જે તે રોગનો ચેપ ફેલાય અને લોકો માંદા પડે. પરંતુ ચીનના કોરોના વાઇરસે તો માંદગી ઉપરાંત બીજી રીતે પણ નુકસાન કરવા માંડયું. ચીન બાયોલોજિકલ શસ્ત્રો બનાવી રહ્યું હતું એના પ્રયોગોમાં સરતચૂક થતાં આ વાઇરસ ફેલાયા એવા અહેવાલ એકાદ માસ પહેલાં વહેતા થયા હતા. ચીન એવું શસ્ત્ર બનાવવામાં ભલે નિષ્ફળ નીવડયું પરંતુ જે બન્યું એ સમગ્ર વિશ્વને ચોંકાવી દે એવું બન્યું. લાખો નહીં, કરોડો લોકો કોરોના વાઇરસના ચેપથી પીડાતા થયા. ચીનમાં ખરેખર કેટલા લોકો આ વાઇરસથી મરણ પામ્યા એનો સાચો આંકડો કદી જાણવા નહીં મળે. પરંતુ આ વાઇરસે આખી દુનિયાના લોકોને ભયભીત કરી નાખ્યા.
અર્થતંત્ર ખોરવાઇ જવા અને શૅરબજારોમાં કડાકો થવા ઉપરાંત સૌથી વધુ આઘાતજનક વાત તો એ બની કે ઇસ્લામના છેલ્લાં પંદરસો-સોળસો વરસના ઇતિહાસમાં પહેલીવાર હજની યાત્રા મોકૂફ રાખવી પડી. સાઉદી અરેબિયાએ જાહેર કર્યું કે મક્કા મદીના આવવું નહીં. જેમને આવવું હોય તેમણે કોરોના વાઇરસની અસર થઇ નથી એવો ટેસ્ટ આપવાની તૈયારી રાખવી પડશે. દર વરસે એક અબજ ૮૦ કરોડ મુસ્લિમો અત્યંત શ્રદ્ધાપૂર્વક મક્કા મદીના જાય છે અને ત્યાં અદબભેર દિવસની પાંચ નમાજ પઢે છે. દરેક મુસ્લિમ માટે જીવનમાં એક વાર હજ કરવાનું ઇસ્લામમાં ફરમાવાયું છે. પરંતુ આ વરસે કોરોનાના પાપે સાઉદી અરેબિયા હજયાત્રીઓને મક્કા મદીના આવતાં અટકાવશે. લાખો મુસ્લિમો જેમણે આ વરસે હજ જવાની યોજના આગોતરી ઘડી રાખી હશે તેમણે એ કાર્યક્રમ રદ કરવો પડશે.
આમ એક તરફ ઓલિમ્પિક્સ રમતોત્સવનું સ્થાન અને સમયપત્રક બદલવાની ફરજ કોરોનાએ પાડી તો બીજી તરફ શૅરબજારો ગગડી ગયા અને અબજો રૂપિયા ધોવાઇ ગયા. એની લાંબા ગાળાની અસર દુનિયાભરના દેશોને થયા વિના નહીં રહે. ક્રૂડ તેલના ભાવ વધવાની ભવિષ્યવાણી તો ક્ડ ઉત્પાદક દેશો અને વિતરકોએ અત્યારથી કરી દીધી. ક્રૂડ તેલના ભાવ વધે એટલે પેટ્રોલ-ડિઝલના ભાવ વધે અને આ ઇંધણ મોંઘાં થાય એટલે જીવનજરૂરી ચીજો મોંઘી થાય. દુનિયાભરની કેટલીક જંગી કંપનીઓએ તો માણસોની છટણી પણ શરૂ કરી દીધી. આમ બેકારી પણ વધી જવાની.
આમ રાઇના દાણાના એકસોમા ભાગનું કદ ધરાવતા આ સૂક્ષ્મ જીવે કેવો હાહાકાર ફેલાવી દીધો છે એની કલ્પના કરી જુઓ. આપણાં શાસ્ત્રો-પુરાણો આસુરી શક્તિની વાત કરે છે. આ વાઇરસ એટલે આસુરી શક્તિ. પુરાણોમાં એવા રાક્ષસની વાત આવે છે જેના લોહીના પ્રત્યેક ટીપામાંથી નવો રાક્ષસ પેદા થતો. એ રાક્ષસનો વંશવારસ એટલે આ કોરોના વાઇરસ. આવા વિષાણુ એકમાંથી અનેક થતા હોય છે અને એમને સહેલાઇથી નષ્ટ કરી શકાતા નથી. આમેય સંહારક શક્તિને સહેલાઇથી નષ્ટ કરી શકાતી નથી. દિવસે દિવસે આવા નવા નવા વાઇરસ વાતાવરણમાં ફેલાઇ રહ્યા છે અને વિનાશ વહોરી રહ્યા છે. આવા વાઇરસ પેદા કરતી પ્રયોગશાળાઓ કદી બંધ થશે ખરી કે.