- એક જ દે ચિનગારી-શશિન્
- પ્રમાદી કે આળસુ બનવું એટલે જીવવા માટે મળેલા અમૂલ્ય અવસરને અભિશાપમાં બદલી નાખવો. પરિશ્રમ એ જીવન છે અને પ્રમાદ એ મૃત્યુ છે
ઘે ર પધારેલા મહેમાનને પિતાએ બે પુત્રોનો પરિચય આપ્યો, એટલે મહેમાને પૂછયું : 'આપ તો ત્રણ પુત્રોના પિતા છો. આપના ત્રીજા પુત્રનો પરિચય ?'
પિતાએ જવાબ આપ્યો : 'એનું અવસાન થયું છે એટલે એનો પરિચય નથી આપ્યો.'
આ વાત ત્રીજો પુત્ર સાંભળી રહ્યો હતો. મહેમાનની વિદાય થયા બાદ તેણે પૂછયું : 'પપ્પા, મારું અવસાન થયું છે એવી જૂઠી વાત તમે મહેમાનને શા માટે કરી ?'
પિતાએ પુત્ર પર ક્રોધભરી નજર ફેંકતા કહ્યું : 'આળસ એ માનવજીવનની કબર છે તું પ્રમાદી છે, નિષ્ક્રીય છે, તેથી જીવવા છતાં તું મૃતવત છે. તું તો મડદા કરતાં પણ નપાવટ છે. કારણ કે ખાઇને અન્ન બગાડે છે.'
મનમાં આકાર લેતો આળસનો ભાવ તનને પણ એવી રીતે ભરડામાં લે છે કે, એ રોગ સમગ્ર જીવનને અવનતિની ખીણમાં હડસેલી મૂકે છે.
કોઈકે ઠીક જ કહ્યું છે કે આપ આળસને આપની આજ આપશો, તો તે આપની કાલ પણ છીનવી લેવાનું નહીં ચૂકે. તેથી તમારે આળસની આ પ્રવંચનાથી તમારી જાતને બચાવી લેવી જોઈએ.
પરિશ્રમ એ જીવન છે, અને પ્રમાદ એ મૃત્યુ છે. તેમ છતાં મનુષ્ય કેવો મૂર્ખ છે કે જીવનની ઉપાસના કરવાને બદલે મૃત્યુની ઉપાસના કરવા લલચાય છે.
સમયને સમગ્રત: સમજવાને બદલે સેકંડ, મિનિટ અને કલાકમાં વિભાજન કરવા પાછળ મનુષ્યની ઉમદા અને સૂક્ષ્મ દ્રષ્ટિ રહેલી છે. જીવન બનેલું છે સમયનું, સાર્થક ક્ષણોનું. તેથી જ જીવનની પ્રત્યેક ક્ષણનું હીર-ખમીર પારખીને આપણે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો જોઈએ. જે સમયને ગુમાવે છે તે જીવનને ગુમાવે છે. અને સમયને ગુમાવવો એટલે પ્રત્યેક ક્ષણને પરિશ્રમ વગરની પસાર થવા દેવી.
વિશ્વના મોટાભાગના પદાર્થો શ્રમનાં જ સંતાનો છે. તેથી જેણે કાંઈક પ્રાપ્ત કરવું છે, એણે શ્રમનો પાલવ પળવાર માટે પણ છોડવો જોઈએ નહીં. શ્રમનો મંત્ર અપનાવી એક નાનકડી કીડી પણ જો યોજનોની મજલ કાપી શકતી હોય તો, શકિત અને બુધ્ધિનું અમૂલ્ય વરદાન પ્રાપ્ત કરીને પૃથ્વી પર અવતરેલો ઈન્સાન શું ન કરી શકે ?
કુદરતને માણસની શકિતમાં શ્રધ્ધા છે, એટલે સિધ્ધિઓ એણે હવા પાણીની જેમ સુલભ નથી બનાવી. જેમ વસ્તુ મૂલ્યવાન તેમ તેની પ્રાપ્તિ માટેની કુદરતની શરત પણ તેટલી જ આકરી. પરિશ્રમ દ્વારા જ કુદરતની બંધ મુઠ્ઠીને ખોલવાની યોગ્યતા પ્રાપ્ત કરી શકાય.
ઉપર ચોટિયા પ્રયત્નોનું પરિણામ હંમેશાં છીછરું જ આવે. ફત્તેહ અથવા સિધ્ધિ મેળવવા માટે ખૂંપી જવાની પણ તૈયારી રાખવી પડે. તમે શિથિલ બનો, પ્રમાદી બનો, કામચોર બનો, આપત્તિઓથી ગભરાઈને પલાયનવાદી બનો તો વિજયશ્રી તમને દૂરથી સલામ કરવાની. પરિશ્રમના પ્રસ્વેદથી મહેકતું તન જ સિધ્ધિના પવિત્ર પ્રાંગણમાં પ્રવેશવાને લાયક બને છે.
જેઓ પરાજયથી હતાશ બન્યા વગર સતત પરિશ્રમશીલ રહે છે તેઓ વિપરીત પરિસ્થિતિઓના ઝંઝાવાતને શમાવીને વિજયનો વાવટો ફરકાવી શકે છે.
કેવળ ઉચ્ચ પ્રેરણાઓથી કામ સરતું નથી. ઉચ્ચ પ્રેરણાઓ સાથે સન્નિષ્ઠ પ્રયત્ન ભળે તો જ એમાં સફળતા પ્રાપ્ત થાય. ધૈર્ય એ સફળતાના સ્ટેશનનું પ્રતીક્ષાલય છે. અડગ નિશ્ચિયપૂર્વકનો શ્રમ એ હારને જીતમાં પલટાવવામાં મદદરૂપ બનતો હોય છે, એ વાત માણસે વીસરવી ન જોઈએ.
હવે રહી આજના યુગની વાત. આજના યુગમાં માણસ શોર્ટકટનો મુસાફર બની ગયો છે. એને બધું જોઈએ છે, પણ ઉતાવળો, સાધના કર્યા વગર, પરસેવે નાહ્યા વગર. એ માટે મૂલ્યોનું બલિદાન આપવામાં પણ માણસ ખચકાટ અનુભવતો નથી. શ્રમ તો એ કરે છે, પણ ખોટાં સાધનો દ્વારા સિધ્ધિ મેળવવામાં ખચકાટ અનુભવતો નથી.
ખરેખર તો આ જગતમાં ખોટાઓની સફળતાનું કારણ સાચાઓની નિષ્ક્રિયતા અને સાચાપણા પ્રત્યે ઘટતી શ્રધ્ધા છે.
ઘણાં લોકો કહે છે કે પરિશ્રમ કરનારા ભૂખે મરે છે. ના એવું નથી. મહેનત કરનાર ભૂખે મરે એવું ક્યારેય બનતું નથી. પણ માણસ મહેનતની પોતાને અનુકૂળ વ્યાખ્યા શોધે છે. મહેનતના પ્રકાર, સ્વરૂપ અને દરજ્જા વિષે વધુ વિચાર કરે છે. પરિણામે હાથમાં લીધેલા કામને ન્યાય આપવાની તત્પરતા દેખાડવાના બદલે પોતાને પસંદગીનું કામ મળે તો જ મહેનત કરવાની મજા આવે એમ વિચારીને હાથમાં લીધેલા કામને મહેનતના સિંચન વગર કોરું ધાકોર જવા દે છે.
પરિશ્રમ એ ગાંડુવૈતરું નથી. પણ સંકલ્પબધ્ધ સમર્પણ છે. ચોક્કસ ધ્યેય સાથેનો પરિશ્રમ આવશ્યક છે. ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે શ્રમ સાથે ઉચિત સાધનો પણ પ્રયોજવા જોઈએ. સાધનો પ્રયોજવાનું કૌશલ્ય અને દ્રષ્ટિ પણ અપેક્ષિત છે. પરિશ્રમ સાથે ઉત્સાહ, કુનેહ, સાવધાની અને સમયસૂચકતા તથા યોગ્ય નિર્ણયશક્તિ વગેરે પણ આવશ્યક છે. આ બધાંનો આયોજનબધ્ધ રીતે ખંતથી ઉપયોગ કરવામાં આવે તો નિરાશ થવાની શક્યતા નહીંવત બની જાય.
પરિશ્રમને બાહ્યઠાઠવાળી સિધ્ધિના ત્રાજવે તોળવાની ગણતરીને લીધે જ ઓછા પરિશ્રમે ફાવી ગયેલા લોકોની વાહવાહ કરવાની આપણને કુટેવ પડી ગઈ છે. મહેનત કરનાર માણસને મહેનતના પ્રમાણમાં કદાચ ઓછું-વત્તું મળે, કારણ કે મહેનતના આર્થિક વળતરનો ઢાંચો દેશની આર્થિક, ભૌગોલિક, સામાજિક, રાજકીય વગેરે વ્યવસ્થાઓ સાથે એક યા બીજી રીતે સંબંધ ધરાવતો હોય છે પણ મહેનત કરનાર ક્યારેય ભૂખે મરતા નથી, હા, ઓછું-વત્તું વળતર મળે એ વાત જુદી છે.
પરિશ્રમી વ્યકિત માટે દુનિયામાં કશું જ અશક્ય નથી. પુરુષાર્થમાં શ્રધ્ધા એ પરિશ્રમનું પ્રેરણાસ્ત્રોત છે એટલું યાદ રાખો.
પરિશ્રમ યાદ રાખવા જેવી આઠ બાબતો.
૧. પરિશ્રમ એટલે દ્રષ્ટિપૂર્ણ, આયોજનપૂર્ણ શ્રમ. માત્ર વૈતરું નહીં. ૨. તમારે જે મેળવવું છે એ પરિશ્રમના પારસમણિથી જ મળશે. ૩. પરિશ્રમીને તાત્કાલિક ફળ ન મળે, પણ અંતે પરિશ્રમીનો વિજય જ થાય છે. ૪. સો ટકા પરિણામ માટે બસો ટકા પરિશ્રમ કરવાની વૃત્તિ રાખો. ૫. વારંવાર વિઘ્નોના અંતરાયો છતાં પરિશ્રમ કરવાનું છોડશો નહીં. ૬. પરિશ્રમમાં વિશ્વાસ એટલે પરમેશ્વરમાં વિશ્વાસ. ૭. પરિશ્રમ એ જીવન છે, પ્રમાદ એ મૃત્યુ છે. ૮. પરિશ્રમ કરનાર ક્યારેય ભૂખે મરતો નથી, હા ઓછું-વત્તું વળતર મળે એ વાત જુદી છે.


