Magazines

કાલ્પનિક વાર્તા અકલ્પનીય રીતે સત્ય પૂરવાર થઈ!

By GS TEAM
26 May 20264 mins read
કાલ્પનિક વાર્તા અકલ્પનીય રીતે સત્ય પૂરવાર થઈ!

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

૧૮૯૮માં મોર્ગન રોબર્ટસન નામના લેખકે એક અતિ ભવ્ય જહાજ વિશે નવલકથા લખેલી એ વાર્તામાં અત્યંત અમીર અને સુખી માણસો અતિ આધુનિક જહાજમાં સફર કરી રહ્યા હતા ત્યારે એપ્રિલ મહિનાની એક રાત્રે જહાજ હિમશિલા સાથે ટકરાઇને ડૂબી જાય છે. જીવનની નિરર્થકતાને ઉજાગર કરતી એ નવલકથાનું નામ લેખકે 'ફયુટિલિટી' (નિરર્થકતા) રાખેલું. ચૌદ વર્ષ પછી વ્હાઇટ સ્ટાર લાઇન નામની શિપિંગ કંપનીએ રોબર્ટસનની નવલકથામાં જેનો ઉલ્લેખ હતો એવું જ એક ભવ્ય જહાજ બનાવ્યું. આ જહાજ ૬૬,૦૦૦ ટનનું હતું. રોબર્ટસનનું કાલ્પનિક જહાજ ૭૦,૦૦૦ ટનનું હતું. વાસ્તવિક જહાજ ૮૮૨.૫ ફૂટ લાંબું હતું. કાલ્પનિક જહાજની લંબાઈ ૮૦૦ ફૂટ હતી. બંને જહાજ ૨૪થી ૨૫ નોટ્સ (વહાણનો વેગ માપવાનો એકમ)ની ઝડપે પાણી પર સરકી શકતાં હતાં. બંને જહાજ ત્રણેક હજાર માણસોને સમાવી શકતા હતા. વાસ્તવિક તેમ જ કાલ્પનિક જહાજમાં કટોકટી વખતે માણસોને બચાવી લેવા માટેની લાઇફ બોટ્સમાં બહુ ઓછા માણસો સમાઈ શકે તેમ હતા, કારણ કે બંને જહાજો 'અનસિન્કેબલ' (ક્યારેય ન ડૂબે તેવાં) તરીકે ઓળખાતાં હતાં. ૧૯૧૨ની દસમી એપ્રિલે વ્હાઇટ સ્ટાર લાઇનનું જહાજ તેની પ્રથમ ખેપમાં સાઉધમ્પટનથી ન્યુ યોર્ક જવા રવાના થયું અને રસ્તામાં હિમશિલા સાથે ટકરાયા બાદ ડૂબી ગયું. રોબર્ટસનની નવલકથામાંના જહાજનું નામ ટાઇટન હતું, જ્યારે વાસ્તવિક જહાજનું નામ આપણને સૌને ખબર છે : ટાઇટેનિક. એક માણસની કલ્પના ભવિષ્યમાં આટલી હદે વાસ્તવિક સાબિત થાય અવી તો કોઈ કલ્પના પણ ન કરી શકે.

વર્ષો પહેલા મૃત્યુ પામેલા કરોળિયાનું પોસ્ટમોર્ટમ!

યુનિવર્સિટી ઓફ માનચેસ્ટરના પ્રાચીન પ્રાણીવિદ્ ડો. ડેવિડ પેનીએ એક કરોળિયાના ડેડબોડીને બે કરોડ વર્ષ પુરાણું જાહેર કર્યું છે. બે વર્ષ પહેલાં ડો. પેનીએ ડોમિનિકલ રિપબ્લિકના મ્યુઝિયમની મુલાકાત લીધી હતી ત્યારે આ કરોળિયાનું પુરાતન ડેડબોડી હાથ લાગ્યું હતું. ફૂંક મારો ત્યાં ઊડી જાય એવા કરોળિયાનું મૃત શરીર બે કરોડ વર્ષ કઈ રીતે સચવાઈ શકે એવો પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. વાસ્તવમાં અસ્થિપિંજર એક પથ્થરના ગર્ભમાં સચવાયું હતું. ડો. પેનીએ એ હીરા જેવા પથ્થરને તોડયો ત્યારે કરોળિયાના કંકાલની બાજુમાં પથ્થરની ઉપર થીજેલું લોહીનું બુંદ મળી આવ્યું! પહેલી જ વખત કોઈ પથ્થરમાંથી અવશેષરૂપે કરોળિયાનું બ્લડ મળી આવ્યું હોય એવું માનવામાં આવે છે. આ લોહીમાંથી કરોળિયાનું ડીએનએ મળી આવશે એવી વૈજ્ઞાનિકોને આશા છે. એક હીરો કે જે પહેલાં પથ્થર હતો તેને ફોડતાં તેમાં રહેલા કરોળિયાના મૃતદેહ દ્વારા બે કરોડ વર્ષ પહેલાં શું બન્યું હતું તેનું અકબંધ રહસ્ય ખૂલી જાય છે. એ કંઈ ઓછી રોમાંચક ઘટના ન ગણાય. કરોળિયો કઈ રીતે મૃત્યુ પામ્યો હતો? તે વખતે તે શું કરતો હતો? કઈ દિશામાં જતો હતો અને કેટલી ગતિમાં જતો હતો? વગેરે તમામ સવાલોના જવાબો કરોળિયાના શરીર અને લોહીના ટીપાની સ્થિતિ પરથી શોધી કાઢવામાં આવ્યા છે. બે કરોડ વર્ષ પહેલાં કરોળિયો ઝાડ પર ચડી રહ્યો હતો અને અચાનક એક લીંડી કે ચરક જેવું કશુંક કાળ બનીને ઉપરથી ધસી આવ્યું અને કરોળિયાના માથા સાથે અથડાયું. મરતાં પહેલાં તેના પગ તૂટી ગયા અને પછી દમ તૂટી ગયો. આમ હેડ ઇન્જરી (માથાની ઇજાને) લીધે કરોળિયાનું મૃત્યુ થયું હતું.

થાઇલેન્ડની મહિલા પોલીસ મેઇકઅપ કરી શકતી નથી

થાઇલેન્ડની રાજધાની બેંગકોકના પોલીસ પ્રમુખે સ્ત્રી પોલીસો માટે ફરમાન બહાર પાડયું છે કે તેઓએ ડયુટી પર બિલકુલ મેક-અપ ન કરવો. તે ઉપરાંત યુનિફોર્મનું સ્કર્ટ ઘૂંટણ ઢાંકે એટલું લાંબું તો હોવું જ જોઇએ. તેઓ વાળ પણ કલર ન કરાવી શકે. ઉપરાંત હેર સ્ટાઇલ એવી રાખવી જે ચહેરા પર સ્વાભાવિક દેખાય, જેથી કરીને સામાન્ય યુવાનો મહિલા પોલીસ પર ફિદા ન થઈ જાય, પરંતુ અહીંની મહિલા પોલીસો આ બધી વાતોનો વિરોધ કરી રહી છે. તેઓની દલીલ મુજબ આ બધા નિયમો નારીવાદને પડકારવા બનાવાયા છે.

શરત હારવાની 'આકરી' સજા

પોતાની જ સ્કૂલમાં બાળકો દ્વારા શિક્ષાનો ભોગ બનવું પડશે એવું બોબ ડાઇ નામના આ ડાયરેક્ટરે ક્યારેય ધાર્યું નહીં હોય. 

વિયેટનામના અલાસ્કા રાજ્યના જ્યુનો શહેરની હાર્બરવ્યુ ઍલિમેન્ટરી સ્કૂલના ૪૪૦ બાળકો સાથે બોબ ડાઇએ એક શરત લગાવી હતી કે, ''તમે લોકો આપણી સ્કૂલમાંના બધાં પુસ્તકો વાંચી બતાવો તો તમે કહો એ શિક્ષા ભોગવું.'' બાળકો તો મંડી પડયા અને બધાંએ ભેગાં મળીને છ અઠવાડિયાની અંદર સ્કૂલમાંના કુલ ૫,૩૦૨ પુસ્તકો વાંચી બતાવ્યા. શરત હારી ગયેલા સરને કઈ શિક્ષા કરવી એ વિશે બાળકો વિમાસણમાં પડી ગયા. છેવટે તેમણે એવી વિચિત્ર સજા ફટકારી કે સરે ડુક્કરના નાક પર પપી કરવી. એક ડુક્કરને પકડીને શાળાના જિમખાના હોલમાં હાજર કરવામાં આવ્યું અને સૌની નજર સામે સરે ઘૂંટણીયે બેસીને ડુક્કરના નાક પર પપી કરવી પડી. આ સર હવે ભવિષ્યમાં ક્યારેય એમના બાળકો સાથે શરત લગાવવાની ગુસ્તાખી નહીં કરે એટલું નક્કી.