Magazines

માતા કૈકેયી ઇરાનના કૈ વંશના પુત્રી હતાં !!!

By GS TEAM
26 May 20264 mins read
માતા કૈકેયી ઇરાનના કૈ વંશના પુત્રી હતાં !!!

- રાવણનો વધ અનિવાર્ય હતો તેથી વનવાસનું નાટક રચવું પડયું :  તે નાટકમાં માતા કૈકેયી કચવાતા મને અધિનાયિકા બન્યાં

બ ર્થોલ્ડ ફૉન નિબ્હુરે લખ્યું છે : લોકગીતો, લોકકથાઓ, પુરાણ કથાઓ કે મહાકાવ્યોમાં ઈતિહાસનું તત્વ રહેલું જ હોય છે. જરૂર છે તે ઉપરનાં ભક્તિનાં અને ભાવનાનાં પડ દૂર કરી અંદર જોવાની.

એડમન્ડ બર્કે લખ્યું છે કે ઈતિહાસ અંગેની માહિતીઓ સમુદ્રમાં તરતા લાકડાના ટુકડાઓ જેવી હોય છે. ઇતિહાસકારો ને ટુકડા સળંગ સૂત્રમાં બાંધવાના હોય છે. જ્યારે કોલિંગવૂડે લખ્યું છે કે પ્રાપ્ય માહિતીમાં ઉપરથી ઇતિહાસકારો એક હાઈપોથીસીસ રચવાની હોય છે પરંતુ તે હાઇપોથીસીસ પોઝિટિવ હોવી જોઈએ. નેગેટિવ નહીં, એટલે આમ ન બની શકે તેમ માનવાને બદલે આમ બની પણ શકે તેમ માની આગળ ચાલવું જોઈએ.

આપણે કોલિંગવૂડના તે સિદ્ધાંત પ્રમાણે આગળ ચાલીએ :

અત્યારે જે ખુરાસાન તરીકે ઓળખાય છે તે પ્રદેશ મધ્ય એશિયાથી શરૂ કરી હીન્દુકુશ અને અલ્બુર્ઝ પર્વતમાળા તથા ઈરાનમાં પણ આર્ય પ્રજા વસતી હતી. ઈરાનનો અર્થ જ છે આર્યોનો દેશ. ઈરાનના શાહ એક ટાઈટલ શહેનશાહ આર્યમેહર (મેહર=મિહિર=સૂર્ય) ત્યાં શ્રીરામના સમયમાં અને તે પછી પણ કૈં વંશનું શાસન હતું જે આપણે તેના સમ્રાટનાં નામો કૈ-ખુશરૂ, કૈ-કો બાદ ઉપરથી જાણી શકીએ તેમ છીએ.

તે સમયે (ઈ.સ.પૂર્વે ૩૦૦૦ આસપાસ) ભારતમાં ૧૬ જનપદો હતાં તે પૈકી અવધ અને મિથિલા (નેપાળ)નાં જનપદો (રાજ્ય) ઘણાં પ્રબળ હતાં. પરંતુ ત્યાં સંવૈધાનિક રાજાશાહી હતી.

પ્રોફેસર એસ.સી. બ્રાઈસે ઇંગ્લેન્ડને ક્રાઉન્ડ રીપબ્લિક કહ્યું છે તેવાં અવધ અને મિથિલા ક્રાઉન્ડ રીપબ્લિકસ હતાં.

સમ્રાટ દશરથ અસામાન્ય યોદ્ધા હતા તેઓ શબ્દ વેધી બાણ પણ ચલાવી શકતા હતા. તેઓનું સામ્રાજ્ય વર્તમાન ઉત્તરપ્રદેશ અને ઉત્તર બિહારથી શરૂ કરી છેક સપ્તસિંધુ (પંજાબ) સુધી અને દક્ષિણે વિંધ્યાદ્રિ સુધી વિસ્તરેલું હતું. વચમાં અત્યારે જે પ્રદેશ મધ્યપ્રદેશ અને છત્તીસગઢ તરીકે ઓળખાય છે તે પ્રદેશના રાજવી સુમિત્રે સમ્રાટ દશરથની પ્રભુસત્તા સ્વીકારી પોતાની પુત્રી સુમિત્રા કન્યાદાનમાં આપી.

તે પૂર્વે મહા-કોશલ તરીકે વિખ્યાત થયેલા ઉત્તર પ્રદેશથી ઉત્તર બિહાર સુધી તો સમ્રાટ દશરથનું રાજ્ય હતું જ. તેના એક નિકટવર્તી સાથી-રાજા (ભાયાત)નાં પુત્રી કૌશલ્યા સાથે લગ્ન થયાં.

ઉત્તર પશ્ચિમે કૈં દેશના રાજવીએ આક્રમણ કરતાં સમ્રાટ દશરથે તેને સપ્તસિંધુમાં પ્રચંડ પરાજય આપ્યો તેણે ભારતમાં પદાક્રમણ નહીં કરવા વચન આપવા સાથે તેઓનાં પુત્રી કૈ-કેયીને કન્યાદાનમાં આપ્યાં....કૌશલ્યાથી શ્રીરામનો જન્મ થયો. સુમિત્રા, લક્ષ્મણ અને શત્રુઘ્નનાં માતા બન્યાં, તેમનેથી મોટા અને રામથી થોડા જ વયમાં નાના ભરતને માતા કૈકેયીએ જન્મ આપ્યો...સમ્રાટ દશરથે ચારે પુત્રોને પૂરા શાસ્ત્ર-પારંગત અને શસ્ત્ર-પારંગત બનાવ્યા. તેમાં શ્રીરામ અદ્વિતીય હતા. ભગવાન શ્રીકૃષ્ણે ગીતાના ૧૦માં અધ્યાયમાં અર્જુનને કહ્યું હતું : રામોસ્મિ શત્રભૃતામ્ (શસ્ત્ર-ધારીઓમાં હું શ્રીરામ છું) તે યુગનું એક પણ શસ્ત્ર એવું ન હતું કે જે વિષે શ્રીરામ કશું જાણતા ન હોય.

***

તે યુગમાં બે મહાન યોદ્ધાઓ અને સેનાપતિઓ હતા. એક હતા શ્રીરામ, બીજો હતો રાવણ રાવણ મૂળ પુલત્સ્ય ઋષિનો (બ્રાહ્મણનો) પુત્ર હતો. તે દશાવધાનિ હતો (જુદી જુદી દસ બાબતો મગજમાં રાખી તેનો ઉકેલ શોધી શકતો) તેથી તે દશાનન કહેવાયો, તેને કોઈં ૧૦ માથાં ન હતાં, હોઈ શકે જ નહીં. તેને ૨૦ હાથ ન હતા. પરંતુ બે હાથમાં ૨૦ હાથનું બળ હતું. તેનું સમુદ્રીય-સામ્રાજ્ય વર્તમાન શ્રીલંકાથી શરૂ કરી હિન્દી ચીન ટાપુઓ અને છેક મધ્ય દક્ષિણ પેસિફિક સ્થિત વર્તમાન સામોઆ દ્વિપ સમૂહ સુધી હતું. ત્યાં પેરૂની મય-સંસ્કૃતિના રાજ્ય પણ પહોંચ્યા હતા. તેઓએ રાવણની શક્તિ જોઈ તેની પુત્રી મયતનયા (મંદોદરી) રાવણને લગ્નમાં આપી. રાવણ જે વિસ્તાર ઉપર શાસન કરતો હતો તે દ્વિપો પૈકી કેટલાંક દ્વિપોમાં ખૂબ જ ઝનૂની અને જંગલી પ્રજા વસતી હતી. 

આવી જંગલી અને ઝનૂની પ્રજા ઉપર માત્ર ઓટોક્રેસીથી જ રાજ્ય થઈ શકે. રાવણ પૂરેપૂરો ઓટોક્રેટ હતો. તેણે પછી વર્તમાન તમિલનાડુના વિસ્તારમાં પણ પદાક્રમણ શરૂ કરી ત્યાં શાસન સ્થાપ્યું.

અહીં ઉત્તરે સૌથી વધુ ચિંતા તે ઓટોક્રસીના વિષાણુ ઉત્તરમાં પ્રસરે તેની હતી. હવે જો સીધું આક્રમણ લઈ જ્યારે તો તે માટેની તૈયારી શરૂ થતાં જ રાવણ ચેતી જાય અને 

કોઈને સફળ થવા જ ન દે. માટે શ્રીરામને વનવાસ આપવાનું નાટક રચાયું. પરંતુ શ્રીરામ સામે કેટલો મોટો પડકાર છે. તે વિચારતાં સમ્રાટ દશરથ નિધન પામ્યા. 

આ નાટકનાં અધિનાયિકા માતા કૈકેયી બન્યાં. તેઓએ છાતી ઉપર પથ્થર રાખી પોતાના પ્રિય પુત્ર શ્રીરામને વનવાસ અપાવ્યો.

શ્રીરામ તો પહેલેથી જ જાણીતા હતા કે આ નાટક જ છે. પરંતુ રાવણને પરાસ્ત કરવો અનિવાર્ય છે. તેથી તે નાટક રચવું પણ અનિવાર્ય છે.

શ્રીરામે સૌથી પહેલાં રાષ્ટ્રની સામાજિક એકતા સાધી. સપ્તર્ષિઓમાં જેઓનું સપતીનક અપ્રતીક સ્થાન છે. તેવા ગુરૂ વસિષ્ઠને માછીમાર-હોડીવાળા ગૂહને આલિંગન આપવા વિનંતી કરી કહ્યું કે તે તો મારો સાચો મિત્ર છે. તે પછી ભીલ વૃદ્ધા શબરીનાં ઉચ્છિષ્ટ-બોર પણ ખાધા. 

રાવણના વધ પછી તેઓએ રાજ્ય તો વિભીષણને જ આપ્યું. તેઓ પોતે રાજા બની જ શક્યા હોત તે પૂર્ણત: ધારાકીય (કાનૂની) પણ હતું છતાં રાજ્ય વિભીષણને આપ્યું.

તેઓ અવધ પાછા ફર્યા. સૌથી પહેલાં અવધની બહાર રહી સાકેતમાંથી અવધ સામ્રાજ્યનું તંત્ર ચલાવતા ભરતને મળ્યા. પછી ભરતને સાથે રાખી કૈકેયી માતાને મળ્યા. માતાજી જરા ક્ષુભિત હતાં. પરંતુ તેઓને કહ્યું માતા, આપના પ્રતાપે હું જે છું તે મને પણ જાણી શક્યો. આપે તો રામને શ્રીરામ બનાવ્યો છે. તે પછી મંથરાને પણ આશ્વસ્ત કરી.

- દિનેશ દેસાઈ