Magazines

ચિંતાથી મુક્ત રહેવાના આ રહ્યા પાંચ રસ્તા .

By GS TEAM
19 May 20265 mins read
ચિંતાથી મુક્ત રહેવાના આ રહ્યા પાંચ રસ્તા                            .

- એક જ દે ચિનગારી-શશિન્

- ચિંતાનું ચિંતન ન કરવું, એ ચિંતામુક્ત રહેવાનો શ્રેષ્ઠ ઉપાય છે જે ચિંતાને ત્યજે તે સુખને ભજે

રો ગીની વાત સાંભળી અંતે ડૉક્ટરે કહ્યું : 'તમારા રોગ વિષે આવતીકાલે વાત કરીશ. આજે તમારે એક કામ કરવાનું છે. હું તમને એક પોટલું આપું છું. તેને પીઠ પાછળ બાંધીને આખી રાત સૂઈ રહેવાનું છે.'

બીજે દિવસે પેલો રોગી ડૉક્ટર સમક્ષ ઉપસ્થિત થઈને કહેવા લાગ્યો. ડૉક્ટર સાહેબ, તમે કેવી વિચિત્ર સજા કરી મને, પીઠે પોટલું બાંધીને કોઈ નિરાંતે સૂઈ શકે ખરું ?

ડૉક્ટરે કહ્યું : ''મારે પણ તમને આ જ વાત કહેવાની છે. ચિંતાના પોટલાને માથે મૂકીને નિંદ્રાધીન થવાની કોશિશ કરનાર રોગમુક્ત રહી શકે ખરો ?''

અને રોગી કશી જ દવા લીધા વગર થોડાક જ સમયમાં સાજો થઈ ગયો. એક બીજું ઉદાહરણ છે, એક પપ્પા અને તેના પુત્રનું.

''પપ્પાજી, મને ધાર્યું પરિણામ ન મળ્યું એટલે નિરાશાના અંધકારે મને એવી રીતે ઘેરી લીધો છે કે આગળનો રસ્તો જ સૂઝતો નથી.'' પરિણામમાં ફેઇલ થયેલ વિદ્યાર્થી પોતાના બંગલાની અગાસી પર આરામખુરશીમાં બેઠેલા પપ્પાજી સાથે વાત કરી રહ્યો હતો.

બંગલો શહેરની વસતીથી દૂર નિર્જન સ્થાને હતો. અમાવાસ્યાની રાત હતી. ઘટાટોપ અંધકાર હતો, એવામાં બંગલાથી થોડેક દૂર આવેલી રેલવેલાઇન પરથી તેજગતિએ પસાર થતી રેલગાડીની વ્હીસલ સંભળાઈ.

પપ્પાએ પુત્રને કહ્યું : ''બેટા, સામે નજર કર. ગાડી પાટા પર પૂરજોશમાં દોડી રહી છે અને એ પણ અંધકાર વચ્ચે. આગળ શું થશે એની પરવા કર્યા વગર ગાડી આત્મવિશ્વાસપૂર્વક દોડે જાય છે, અને તે પણ વ્હીસલ વગાડીને ! બેટા, અંધકાર તો આવવાનો જ. અંધકારને એનું કામ કરવા દઈએ, આપણે આપણું કામ કરવું જોઈએ. નિરાશાને ઉત્સાહનું કફન બનાવનાર જિંદગીમાં સદાય પરાજિત થાય છે. નિષ્ફળતા એ પડાવ છે, મંજિલ નથી. જેને ઝૂઝતાં આવડે છે, એને જ જીવતાં આવડે છે.

માણસની કરુણતા એ છે કે તે પોતાની સમસ્યાને ચિંતાનું દૂધ પિવડાવીને અલમસ્ત બનાવે છે. અને પછી ફરિયાદ કરે છે કે સમસ્યાઓનો ભાર ઉંચકાતો નથી. સમસ્યાઓ અમીબા જેવી છે. તે ફાવે તેમ અને ત્યારે આકાર અને વિસ્તાર ધારણ કરી શકે છે. ચિંતાનું ચિંતન ન કરવું એ ચિંતામુક્ત રહેવાનો શ્રેષ્ઠ ઉપાય છે. જીવન જીવવાની કળાનું સૌથી મહત્વનું સોપાન છે ચિંતાને દફન કરવાની કળા શીખી લેવી.

ચિંતાને દરેક ઘરમાં ગાબડાં પાડવાની આદત છે. એવાં ગાબડાં પાડવાનાં ઓજારો એ બહારથી નથી લાવતી, માણસના મનોગ્રહમાંથી જ શોધી કાઢે છે. ચિંતાનું પહેલું કામ માણસની આંખે પાટા બાંધી દેવાનું છે, જેથી એ જોઈ ન શકે, આગળ ચાલી ન શકે.

એક માણસને તેનો મિત્ર મળવા ગયો. પેલો માણસ દુકાનદાર હતો. અને વહીવટી કામોમાં ગળાડૂબ હતો. એ જોઈને મિત્રએ કહ્યું : ''હું જાઉં છું, ફરી ક્યારેક આવીશ.'' દુકાનદારે તેને થોડીક રાહ જોવાનું કહ્યું. અને સ્વસ્થ ચિત્તે પોતાનું કામ આટોપીને કહ્યું : ''ચાલો, આપણે ફરવા જઈએ. તમે મારી કારમાં બેસો. હું એક જ મિનિટમાં આવું છું. અને પેલો દુકાનદાર પોતાના માણસોને જરૂરી સૂચના આપી કારમાં બેઠો. પેલા મિત્રે સંકોચવશ કહ્યું : ''અરે, મારે કારણે તમારે કામ પડતું મૂકવું પડયું.''

પેલો માણસ તાડૂક્યો : ''વ્યર્થ વાતો ના કરો. યાદ રાખો. હું દુકાન ચલાવું છું. દુકાન મને નથી ચલાવતી. જિંદગી મારી નોકર છે, હું જિંદગીનો ગુલામ નથી. એક મિત્ર સાથે મોજની બે-ચાર ક્ષણો માણવાનો મોકો મળે તો એ માણવાની ઝિંદાદિલી પણ મારામાં હોવી જોઈએ.''

આપણી આસપાસ ચોમેર આનંદનો મહાસાગર લહેરાય છે પણ આપણી અત્યાધિક વ્યસ્તતા એના પ્રત્યે આંખમિચામણાં કરાવે છે.

સમસ્યાઓના સમાધાનનો એક હાથવગો ઉપાય છે, આંતરિક સંયમ સમસ્યા સર્જાતા માણસ બેબાકળો બની જાય છે. ક્યારેક એ સગાવહાલાં કે મિત્રો પર રોષ ઠાલવે છે. અથવા પરમાત્માને દોષ દે છે. આફતની પળોમાં મનને ચિત્ર-વિચિત્ર વિચારોમાંથી મુક્ત રાખવું એ પણ સમસ્યાઓના જંગ સામે લડવાની એક વ્યૂહરચના છે. માણસ ઘણીવાર નાની સમસ્યાના નિરાકરણ માટે અનાવશ્યક ભારે શક્તિ ખર્ચી નાખે છે, અને મોટી સમસ્યાના નિરાકરણ માટે પરિસ્થિતિઓ સમક્ષ સાવ માયકાંગલો બનીને ઊભો રહે છે. સમસ્યાઓ પ્રત્યેના આ બન્ને અભિગમ નકામા છે.

સમસ્યા વખતે સ્વાર્થપ્રેરિત પ્રાર્થનાનો સહારો લઈ ભગવાનને માથે પડવાની પ્રવૃત્તિ કરવી એ મનુષ્યત્વનું અપમાન છે. ઈશ્વરને મિત્ર અને માર્ગદર્શક બનાવાય, એના ખભે બેસીને મુસાફરી ન જ થાય. આસ્થાવાદી અવશ્ય બનાય. પણ હિંમત અને ધૈર્યના અભાવનો પાલવ પકડીને લાચાર વદને સમસ્યાઓના શરણાગત તો ના જ બનાય.

માણસ નથી હકપૂર્વક પરમાત્મા પાસે માગી શકતો કે નથી ઉદારતાપૂર્વક પોતાની પાસેનું શ્રેષ્ઠ પરમાત્માને અર્પી શકતો. સમસ્યાઓના સમાધાન માટે 

ઈશ્વરની મદદ માંગી શકાય, મહેરબાનીની ભીખ હરગિજ નહીં.

માણસ જીવન સામે ઘૂરકિયાં કરે છે, એટલે જ જીવન પણ માણસ સાથે ઘૂરકિયાંપણાનો વ્યવહાર રાખે છે. ચિંતા પર હુમલો કરવા માટે મુહૂર્ત જોવાની આવશ્યકતા નથી. ચિંતા પર આક્રમણની શુભ ઘડી છે હમણાં જ. સમસ્યાઓ જ ચિંતા જન્માવે છે. સમસ્યા સાથે મિત્ર જેવો નહીં, પણ શત્રુ જેવો સંબંધ રાખી એને નામશેષ કરવામાં જ શ્રેય સમાયેલું છે.

હકીકતમાં વિચારણીય સવાલ એ છે કે ચિંતા આપણો પીછો કરે છે કે ચિંતાનો આપણે પીછો કરીએ છીએ ? માણસનું મન ચિંતાનું શિક્ષણ લઈને જન્મ્યું જ નથી. ચિંતાનું શિક્ષણ આપણે આપણા ખર્ચે અને જોખમે લઈએ છીએ. ચિંતાને આવકારો આપતાં તો આપણને આવડે છે, પણ જાકારો આપવામાં આપણે નબળા પુરવાર થઈએ છીએ.

ઘણાં માણસોનો સ્વભાવ જ એવો હોય છે કે તેઓ એક ક્ષણ પણ ચિંતામુક્ત રહી શકતાં નથી. જેમ કોઈને ભૂતપ્રેતનો વળગાડ હોય છે તેમ એમને ચિંતાનો વળગાડ હોય છે.

હરણફાળે પ્રગતિ કરતું આ જગત ચિંતાના કારમા પંજા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ઊગતા પ્રત્યેક દિવસને આપણે ચિંતાતુર અને હતાશ નજરથી આવકારીએ છીએ અને આથમતી સંધ્યાને આપણે વિષાદભર્યા ચહેરે વિદાય આપીએ છીએ.

મનુષ્ય સુખદુ:ખનાં - ચિંતાના અશ્વને નાથી શકે તો આસમાનની ઊંચાઈને પણ આંબી શકે. ચિંતા ત્યજે, તે સુખને ભજે.

ચિંતાથી મુક્ત રહેવા માટેના આ રહ્યા પાંચ રસ્તા.

૧. ચિંતાને ત્યજે તે સુખને ભજે. ચિંતાને તમારી પર હાવી ન થવા દો. દરેક સમસ્યાનું સમાધાન હોય જ છે. રાત પછી પ્રભાત ઊગવાની જ છે. ૨. ચિંતાનો ભાર ઓછો કરવા પ્રભુને પ્રાર્થના કરો, એનાથી માનસિક શાંતિ મળશે. ઈશ્વરને માર્ગદર્શક મિત્ર બનાવો પણ એના ખભે બેસી મુસાફરી તો ન જ થાય. હિંમત, ધૈર્ય અને પ્રયત્ન સમસ્યાનું સમાધાન લાવનારા મુખ્ય પરિબળો છે. ૩. સૂતા પહેલાના સમયને મનના કચરાના નિકાલનો સમય બનાવો. મનમાં ઉદ્ભવેલા સાત્વિક અને અધ્યાત્મિક વિચારોથી ચિંતાને જાકારો આપવામાં સારી એવી ફતેહ મળશે. ૪. મનમાં રચનાત્મક વિચારોનું અધિકય વધારવાથી મન વ્યર્થ ચિંતાઓથી મુક્ત થવા માંડશે. ૫. નકારાત્મક વિચારોને જાકારો આપો. સકારાત્મક વિચારો મનમાં શ્રધ્ધાની સરવાણી રેલાવશે. અને સમસ્યામાંથી બહાર નીકળવાની હિંમત આપશે.