Get The App

આજે ન્યાય કરતાં અન્યાય કરનારાઓ કેમ વધ્યા છે?

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
આજે ન્યાય કરતાં અન્યાય કરનારાઓ કેમ વધ્યા છે? 1 - image

- એક જ દે ચિનગારી-શશિન્

- ઉતાવળ એ માણસના કામને બગાડનારો મહાશત્રુ છે. હિંમત અલગ છે અને આંધળુકીયાપણું અલગ વસ્તુ છે

ન્યાયનો સીધો અર્થ કરવો હોય તો એમ કહી શકાય કે નિયમને અનુકૂળ વાત, યોગ્ય વાત, કોઈપણ વ્યવહાર કે અદાલતી વિવેકદોષી કે નિર્દોષ અથવા અધિકાર કે બિનઅધિકાર બાબતે વિચારપૂર્વકનો સત્યનિષ્ઠ નિર્ણય, યોગ્ય ફેંસલો.

જ્યાં સાચી બાબતમાં અન્યાય થતો હોય, માનવીય ગૌરવ છીનવાતું હોય, પરંપરા, પ્રથા કે રિવાજોના કારણો આગળ ધરી ખોટી રીતે વ્યક્તિ સ્વાતંત્ર્ય રુંધાવાની કે કચડી નાખવાની પ્રવૃત્તિ થતી હોય ત્યાં મૌન ધારણ કરવાનું ઉચિત નથી.

અન્યાયનો હિંમતપૂર્વક અને સમજણપૂર્વક સામનો કરવા માટે ક્યારેક આકરા નિર્ણયો પણ લેવા પડતા હોય છે. આવા મહત્ત્વના નિર્ણયો લેવા માટે એકલા જોશની નહીં પરંતુ જોશની સાથે હોશની પણ જરૂર પડે છે. એકલું જોશ માણસને ઉતાવળિયો અને અવિચારી બનાવી શકે પણ હોશ એને ઉચિત સંયમ શીખવી જાતને જીત માટે યોગ્ય બનાવે છે. માણસે પ્રત્યેક કામ માટે સ્થળ, સમય, સંજોગો વગેરેનું મૂલ્યાંકન કરવું પડે છે. મતલબ કે તીડ મારવા માટે તોપનો ઉપયોગ ન જ કરાય.

જય કે વિજય માટે અનેક પરિબળો ભાગ ભજવતાં હોય છે અને તેમનો તબક્કાવાર ઉપયોગ કરવામાં આવે છે. સામ, દામ, દંડ અને ભેદ એ ચાર સાધનોનું આ વાત ધ્યાનમાં રાખીને જ વિભાજન કરવામાં આવ્યું છે. સામ એટલે સમજાવટ. અન્યાય થયો હોય ત્યારે ઉતાવળે મારામારી કરવી કે કરાવવી એ અવિચારી પગલું છે. કારણ કે તેમ કરવા જતાં વાતનું વતેસર થવાની શક્યતા રહે છે. અન્યાય થાય તો પહેલાં અન્યાયકર્તાનું ધ્યાન દોરવું જોઇએ. સમાધાનકારી વલણ અપનાવતાં પૈસા દ્વારા સમાધાન થઇ શક્તું હોય તો સ્વમાન ન ઘવાય તે રીતે પતાવટ કરવી જોઇએ. જેમ કે મિલકતની વહેંચણી, બે ભાઈઓ વચ્ચે ભાગને લગતા ઝઘડામાં ન્યાય અન્યાયના પ્રશ્ન હોય તો કોઇ ભાઈ અન્યાયી બની વધુ માગતો હોય તો અન્ય ભાઈએ પરિસ્થિતિ વણસતી બચાવવા તેને થોડો વધુ લાભ આપી શાન્ત કરવો જોઇએ. તેવું જ અન્ય સંબંધોમાં પણ સગા સંબંધીઓ સાથેના ન્યાય-અન્યાયના પ્રશ્નમાં તાકાતનો સહારો સર્વથા ટાળવો હિતાવહ છે.

દુર્યોધન અત્યાચારી અને જુલમી હતો. પરંતુ પાંડવોએ એના અત્યાચારનો વિરોધ ના છૂટકે તાકાત અજમાવીને કર્યો. યુદ્ધ પહેલાં સમજૂતી માટે શ્રીકૃષ્ણ દુર્યોધન પાસે દૂત તરીકે ગયા અને મામલો પૈસાથી એટલે કે પાંડવોને માત્ર પાંચ ગામ આપવામાં આવે તો તે સ્વીકારવાની તૈયારી દર્શાવી. પણ દુર્યોધને એ ઉદાર પ્રસ્તાવને પણ ઠોકર મારી અને કૃષ્ણને કેદ કરવાનો નીચ પ્રયાસ કર્યો. ત્યારે શ્રીકૃષ્ણે તેવા અન્યાયને સાંખવાને બદલે યુદ્ધની જાહેરાત કરી દીધી. એટલે અન્યાયકર્તા સામે દુર્બળ બનીને બેસી ન રહેવાય !

મતલબ કે નિર્ણયો હિંમત અને સ્વસ્થતાપૂર્વક કરવા જોઇએ. માણસ માનસિક સંતુલન ગુમાવી બેસે, વિવેકદ્રષ્ટિ ગુમાવી બેસે, દીર્ઘદ્રષ્ટિ ગુમાવી બેસે તો તેને અપેક્ષિત પરિણામ ન જ મળે એ સ્વાભાવિક છે. કોર્ટ કચેરીનો મામલો હોય ત્યાં પણ લડવા માટે હિંમત અને આત્મબળ તથા પૈસાની જરૂર પડે છે. પરંતુ ત્યાં જો માણસ વિરોધીને દાબવા બળ અજમાવે તો પરિસ્થિતિ પલટાઈ જાય અને અન્યાયનો વિરોધ કરવામાં બળ અજમાવવા જતાં પોતે જ પોલીસ કે અદાલતની કાર્યવાહીનો ભોગ બની જાય. ક્યાં બળનો ઉપયોગ કરવો અને ક્યાં સહનશીલતા દાખવવી એની સમજણ કેળવવી જરૂરી છે.

અન્યાયને ચૂપચાપ સહન કરવો એ પણ એક અપરાધ જ છે. ગાંધીજીને રેલવેયાત્રા દરમિયાન ગોરા અધિકારીએ કરેલો અન્યાય એમણે ચૂપચાપ સહન કરી લીધો હોત તો તેઓ ભારતને આઝાદી અપાવવાનું નિમિત્ત બની શક્યા હોત ખરા ? એમણે ગોરા અધિકારીને લાંચ આપવાનો અનુચિત વિચાર કર્યો હોત તો ? અથવા ગોરા અધિકારી સાથે મારપીટ કરવાની કોશિશ કરી હોત તો ? મતલબ કે ગાંધીજીએ અન્યાયના વિરોધમાં સત્યાગ્રહનો સહારો લીધો અને એ જ સત્યાગ્રહનો સહારો બ્રિટિશરોને ભારતમાંથી જાકારો આપવાના સાધન તરીકે હિંમતપૂર્વક ઉપયોગમાં લીધો. પરિણામે તેમનો પ્રયત્ન વિજયી બન્યો.

મતલબ કે કેટલાંક કામો સમયોચિત નમ્રતાથી અને કેટલાંક કામો લાલ આંખ કરવાથી, ફૂંફાડો મારવાથી કે બળપ્રયોગથી સિધ્ધ થાય છે. સીમાડા પર શત્રુનો સૈનિક નમ્ર બની હથિયાર મ્યાન કરી વિનંતીના રવાડે ચઢે તો દેશનું સત્યનાશ વળી જાય. એટલે ઇંટનો જવાબ પથ્થરથી આપવાનું તેનું કર્તવ્ય બની જાય છે.

ઘણીવાર નરસંહાર નિવારવા માટે બે દેશો લડવાને બદલે સમાધાનકારી વલણ અપનાવી સંધિ કરી પ્રશ્નના સુખદ ઉકેલ માટે પ્રયત્નશીલ બનતા હોય છે. પણ સામેની વ્યક્તિ વધુ તાકાતવાન છે માટે હિંમત ગુમાવી તેની શરણાગતિ સ્વીકારી લેવી એ કાયરતા છે.

કોઈ અત્યાચારી બળ અજમાવી આપણો ખાત્મો બોલાવવાનો પ્રયત્ન કરે ત્યારે તાકાત અજમાવીને તેનો સામનો કરવો એ પણ અન્યાયના વિરોધનો ન્યાયોચિત માર્ગ છે. આત્મરક્ષા માટે અજમાવેલું ઉચિત બળ અદાલતની દ્રષ્ટિએ મોટા ભાગે ન્યાયી ઠરતું હોય છે.

ઘણીવાર અન્યાય અને અત્યાચાર સામે લડવા માટે અહંકાર માણસમાં મદ જન્માવે છે. મદને કારણે માણસ ક્રોધી બની જાય છે. તેની બુધ્ધિ બહેર મારી જાય છે. અને અંતે તેનું પતન થાય છે. મહાત્મા ગાંધી એટલે જ કહેતા હતા કે શાંતિમય લડાઈ લડનાર જીતથી ફૂલાતો નથી. અને મર્યાદાને છોડતો નથી. એટલે અન્યાય કે અત્યાચાર અથવા જુલમના વિરોધ માટે કે તેની સામે લડવા માટે હિંમત અનિવાર્ય છે. તેના પગલે બાકી બધુ આવે.

ઉતાવળ એ માણસના કામને બગાડનારો મહાશત્રુ છે. હિંમત અલગ વસ્તુ છે અને આંધળૂકિયાપણું અલગ વસ્તુ છે. આંધળુકિયાપણું કરનારે પસ્તાવાનો વારો આવે છે. મતલબ કે માણસ વગર વિચાર્યે ઉતાવળ કરે છે એ કામ જ તેને પીડા આપે છે.

અન્યાય કરનારા કેમ વધ્યા છે તેનાં કારણો તપાસીએ...

૧. અન્યાય કરનારા વધ્યા છે કારણ કે આપણું નૈતિક બળ અને વ્યક્તિગત ચારિત્ર્ય ફિક્કું પડી ગયું છે. ૨. અન્યાય કરનારા વધ્યા છે કારણ કે માણસ તરીકેના ગૌરવની આપણને લેશમાત્ર પરવા નથી. આંખોમાંથી શરમનાં પાણી સુકાવા માંડયા છે. ૩. માણસને આજે ન્યાય નથી ખપતો, માત્ર પોતાની તરફેણમાં ફાયદાકારક ન્યાય જોઇએ છે. ૪. અન્યાયકર્તા સામે સંઘર્ષમાં ઉતરવાની હિંમતનો અભાવ તેના હોદ્દા અને મનીપાવરનો ડર. ૫. આજે વફાદારી અને કર્તવ્યનિષ્ઠાની વાતો દંતકથા જેવી બનવા માંડી છે.

૬. સત્ય માટે ખપી જવાનું ખમીર ઓસરી ગયું છે. ૭. સત્યથી માણસ જેટલો છેટો રહે, ન્યાયથી એટલો જ છેટો રહેવાનો. પરિણામે અન્યાય કરનારાઓ સામે ફરિયાદો વધવાની જ. ૮. દિવસ દરમિયાન લાખો વખત સત્યને ગળે ટૂંપો દેવાતો હોય, ત્યાં ન્યાયના દીવાને જલતો રાખવાનું કામ કપરું બની જાય છે.