Magazines

આશ્વાસન એ અણીની પળ સાચવી લેનાર મહાન શક્તિ છે

By GS TEAM
16 Jun 20265 mins read
આશ્વાસન એ અણીની પળ સાચવી લેનાર મહાન શક્તિ છે

- એક જ દે ચિનગારી-શશિન્

- આશ્વાસન આપનાર બધા સરખાં નથી હોતાં. હૃદયની ભાવના વગર વ્યક્ત થયેલું આશ્વાસન, એ આશ્વાસનની પવિત્ર ભાવનાનું અપમાન છે

જી વન ઝરણું સતત વહેતું રહે છે, એને ઉતાર-ચઢાવનો સામનો કરવો જ પડે છે. પરિવર્તન એ જીવનનું મહત્ત્વનું લક્ષણ છે એટલે જ કહેવામાં આવ્યું છે કે જીવન એક પરીકથા નથી પણ નક્કર વાસ્તવિકતા છે. અશ્રુ અને હાસ્ય તેનાં અવિભાજય અંગો છે. આઘાતજનક, પરાજયલક્ષી કે પીછેહઠની ઘટના બને એટલે માણસોમાં માનવતાનાં ઘોડાપૂર રેલાતાં નજરે પડે છે. આફતની પળોમાં આફતગ્રસ્ત પરત્વે કરુણાભવને માણસે મનુષ્યસિધ્ધ વ્યવહાર માન્યો છે. એટલે તે આફતની પળોમાં આશ્વાસન આપવા દોડી જાય છે.

આશ્વાસનનાં માધ્યમો-સાધનોમાં પણ ખાસ્સુ વૈવિધ્ય છે. આશ્વાસનની પ્રવૃત્તિ પણ હવે 'કાર્યક્રમ'નું રૂપ ધારણ કરવા લાગી છે. તાર-ટપાલ, ટેલિફોન, શ્રધ્ધાંજલિ, બેસણું વગેરેમાં આશ્વાસકના પ્રકાર હોદ્દા અને આગમનની નોંધ લેવાય છે, એનો રેકોર્ડ રખાય છે. અને વિડિયો ફિલ્મ ઉતારાય છે, એ દેખાડાય છે. જોનાર આંખ ભીંજાવાનો શ્રમ લે છે અને એમ આંખ ભીની કરનાર સ્વજનની પંક્તિમાં આપોઆપ સ્થાન પ્રાપ્ત કરી લે છે. આશ્વાસન પ્રદાનમાં પણ ગણતરીઓ હોય છે. લોકો આશ્વાસનને 'ઇન્વેસ્ટમેન્ટ' ગણે છે. આશ્વાસન વટાવી શકાય છે, આશ્વાસન વેચી શકાય છે, આશ્વાસન ખરીદી પણ શકાય છે.

એક સામાજિક પ્રાણી તરીકે દુ:ખીની વહારે ધાવું એ માણસની ઉત્તમ પ્રવૃત્તિ છે, પણ પ્રત્યેક પ્રવૃત્તિનું મૂલ્યાંકન એની પાછળ રહેલી ભાવનાને આધારે જ કરી શકાય. આશ્વાસન એ દુ:ખમાં સહભાગી બનવાની પ્રવૃત્તિ છે. એટલે જ જેનું હૃદય સંવેદનશીલ હોય એનું જ આશ્વાસન સ્પર્શી શકે. બાકી તો આશ્વાસન અંતરમઢયા નહીં, હોઠજડયાં હોય છે.

આશ્વાસન માટે દોડી આવનાર લોકોમાં પ્રદર્શનવૃત્તિ કે સ્વાર્થપૂર્ણ લાંબા-ટૂંકા ગાળાનું આયોજન હોવાની શક્યતા પણ રહેલી છે. લાખ્ખો આશ્વાસકોમાં કોઈ વિરલો જ દુ:ખગ્રસ્તનો સાચો આશ્વાસક હોય છે. આશ્વાસન મોટેભાગે જીભનો અને સોફેસ્ટીકેટેડ રૂપે કલમ, કોમ્પ્યુટર કમ્પોઝનો, કે વોટ્સએપનો વિષય બની ગયો છે. ઘણીવાર મૃતપ્રાય થઈ ગયેલાં પ્રવૃત્તિહીન મંડળો કે ટ્રસ્ટો આશ્વાસનને બહાને પુન:બેઠાં થઈ શોકસભારૂપે કશીક પ્રવૃત્તિ કર્યાનો પરિતોષ અનુભવે છે. આશ્વાસન આપનારનો આશ્વાસનપત્ર પ્રત્યેનો પ્રેમ જેટલો શુધ્ધ, નિર્મળ અને ભાવનાભીનો, આશ્વાસન તેટલા જ અંશે હૃદયસ્પર્શી બની શકે.

માણસનું હૃદય એટલું ચતુર છે કે બીજી વ્યક્તિ જે કાંઈ બોલે છે કે આચરે છે, તેમાં સાચા હૃદયની લાગણીનું પ્રમાણ કેટલું છે, તેને માપી શકે છે. જો વાત હૃદયમાંથી આવી ન હોય તો એ કેવળ શાબ્દિક બની રહે છે. અને એવા જોસભર્યા આશ્ચાસનના શબ્દો એના શ્રોતાને ન સ્પર્શે એ સ્વભાવિક છે.

આવા ઠાલાં આશ્વાસનનો દંભ, પ્રવચના કે દેખાડા પ્રવૃત્તિ સિવાય કશું જ નથી હોતા. હવે તો આશ્વાસન 'અર્પવા' જવા માટે કપડાંની પણ પૂરતી કાળજી રખાય છે. કપડાં સફેદ દૂધ જેવાં, મોંઘા દેખાય તેવાં ફેશનેબલ, ઇસ્ત્રીબંધ હોય તેની પણ લોકો ખાસ્સી ચિંતતા સેવતા હોય છે. દરેક આશ્વાસન આપનાર એને માટે આતુર હોય છે કે આશ્વાસનપાત્ર વ્યક્તિ એને નિકટસ્થ સ્વજન માની ઘટનાની અથથી ઇતિ માંડીને વાત કરે, એને મોખરાના સ્થાને બેસાડીને માન આપે. આમ આશ્વાસન 'નાટક'નું વરવું રૂપ ધારણ કરી ચૂક્યું છે.

આનો અર્થ એ નથી કે આશ્વાસન જરૂરી નથી. આશ્વાસન એ રણ જેવા જીવનમાં રણદ્વીપની ગરજ સારે છે. જ્યારે માણસને પોતાનું જીવન/ભાગ્ય ત્રાંસુ લાગે ત્યારે પોતાને કાજે આંસુ વહેવડાવનારાઓ તેને માટે જીવનબળ સિધ્ધ થાય છે. માણસ હૂંફભૂખ્યું- હૂંફ- તરસ્યું પ્રાણી છે. આ હૂંફની તલાશમાંથી જ સંસારે આકાર લીધો છે. જીવનમાં આવેલા દુ:ખદ પ્રસંગે આપવામાં આવેલ આશ્વાસન એક પ્રકારની હૂંફ જ છે. આવી હૂંફના અનેક સ્રોત હોય છે. પણ માણસની બે મુખ્ય સ્ત્રોત સાથે નિકટતા છે : એક લોહીના સંબંધો અને બે-લાગણીના સંબંધો.

સ્વજનોનો આપણે મોટેભાગે લોહીની સગાઈની પરિધિમાં સમાવેશ કરીએ છીએ અને સ્નેહ, આત્મીયતા, ભાવના વગેરેથી ભીંજાયેલા સ્વીકૃત સંબંધોને આપણે લાગણીના સંબંધોના ક્ષેત્રમાં આવરીએ છીએ. આવા સંબંધો આફતની પળોમાં પ્રાપ્ત થતા ઉપકાર, સહયોગ, નિ:સ્વાર્થ પ્રેમ, આભાર, કરુણા એમ વિવિધ સરવાણીઓને કારણે આકાર લેતા હોય છે. આવા સંબંધોમાં મોટેભાગે અપેક્ષાઓ નથી હોતી. બિનશરતી લાગણી હોય છે. વિપરિત સંજોગોમાં ઘણીવાર લોહીના સંબંધ કરતાં લાગણીના સંબંધો વધુ સ્પર્શી જતા હોય છે. દુ:ખથી ભાંગી પડેલો માણસ ભય, રોગ, બીમારી, વાર્ધક્ય, અંતરને કોરી ખાતી એકલતા, આઘાતો, પીડાઓ, વેદનાઓ વગેરેનો સામનો કરવાની તાકાત ગુમાવી બેસે છે. એવા એકાકીપણાનો ભાર હૃદય-પર વધી જાય છે, ત્યારે મળતાં આશ્વાસનથી માણસ હળવાશ અનુભવે છે.

 હતાશાના વાદળ વિખરાવા લાગે છે, આશાનો સંચાર થાય છે. અને માણસ પુન:ચાલવાનું શરૂ કરે છે. આમ આશ્વાસન એ માણસની અણીની પળ સાચવી લેનાર મહાન શક્તિ છે. ઘણીવાર આશ્વાસન આપનાર ખાલી દેખાડો પણ કરતો હોય છે, પણ આશ્વાસન આપનાર બધા સરખા નથી હોતા.

ટૂંકમાં આફતની પળોમાં માણસને જીવનબળ ટકાવી રાખવામાં આશ્વાસન ખૂબ જ મદદરૂપ થાય છે, જો એ આશ્વાસનમાં શુધ્ધ, નિર્મળ અને ભાવનાભીનો પ્રેમ ભળેલો હોય તો આશ્વાસન સંકટને સુખમાં ફેરવી નાખવાની તાકાત ધરાવે છે.

આજના યુગમાં આશ્વાસન માત્ર પ્રદર્શનનો વિષય બની ગયો છે, તે ખરું પણ સાચા દિલથી આશ્વાસન આપનારાની પણ ખોટ નથી. નહીં તો માણસ સંકટ કે આફતની પળોમાંથી કેવી રીતે ઉગરી શક્ત ? મોટેભાગે આશ્વાસનથી જ માણસના આઘાતના ઝખમો રુઝાય છે અને શાંતિ પ્રાપ્ત થાય છે.

આજનો માણસ ભારેખમ રહેવાને 'સ્ટેટસ સિમ્બોલ' માને છે. પારિવારિક અને સામાજિક વ્યવહારમાં સૂકાતો જતો લાગણીનો ઝરો એ આજના માણસની અશાન્તિનું મૂળ છે. સંબંધોમાં ઔપચારિકતા મુખ્ય અને આત્મીયતા ગૌણ બનવા લાગી છે. પરિણામે સંબંધો દેખાડો કે પ્રદર્શનનો વિષય બની ગયા છે. એટલે નિષ્ફળતા કે શોક કે કોઈ આઘાતજનક ઘટનાને સમયે ચારેબાજુથી આશ્વાસનનો વરસાદ વરસે છે. પણ સહાનુભૂતિએ દંભનો વિષય નથી. હૃદયની ભાવના વગર વ્યક્ત થયેલું આશ્વાસન એ આશ્વાસનની પવિત્ર ભાવનાનું અપમાન છે.

સાચા અર્થમાં પરિશ્રમ કર્યા છતાં માણસ નિષ્ફળ ગયો હોય તો તેના પરિશ્રમને બિરદાવીને તેની હતાશા દૂર થાય તેવી રીતે આશ્વાસન આપવું જોઈએ. સ્વજનના મૃત્યુ સમયે આપેલું આશ્વાસન સ્નેહ, સહાનુભૂતિ અને અંત:કરણની ભાવના સભર હોય તો સામેની વ્યક્તિને માનસિક રાહત સો ટકા અર્પશે. તેની દુ:ખની ક્ષણોમાં તમે તેની સાથે જ છો, એવો અનુભવ એને જરૂર થશે.

આશ્વાસન સંદર્ભે યાદ રાખવા જવી મહત્ત્વની બાબતો

૧. આશ્વાસન એ દંભનો વિષય નથી. આશ્વાસનએ અહિંસક વિજય છે, અને તે પણ ચિરકાળ સુધી ટકે એવો વિજય.

૨. આશ્વાસનમાં દેખાડો કરવો કે ગણતરીપૂર્વક આશ્વાસન આપવું એ સામેની વ્યક્તિને પ્રભાવિત કરતું નથી.

૩. અંત:કરણથી આપેલું આશ્વાસન એ કામધેનુ છે, એ સામેની વ્યક્તિને ચોક્કસ અસર કરે છે.

૪. હૃદયપૂર્વક આપેલું આશ્વાસન સામેની વ્યક્તિનો તનાવ દૂર કરશે. એને તમે સહેલાઈથી પોતાનો બનાવી શક્શો.

૫. આશ્વાસન એ માણસની અણીની પળ સાચવી લેનાર મહાનશક્તિ છે.