ચંદ્રગુપ્ત મૌર્ય જેના પૌત્રનું રાજ્ય ચિન્હ આપણું રાષ્ટ્ર ચિન્હ છે

- ચંદ્રગુપ્ત મૌર્યનો રાજ્યકાળ ઈ.સ. પૂ. 347થી ઈ.સ. પૂ.299 હતો. તેમણે જન્મેજયના નિધન પછી, 2750 વર્ષે એક અને અખંડ ભારતનું સર્જન કર્યું
ઈ.સ. પૂર્વે ૨૦૦૦માં ઉર (વર્તમાન કુવૈત અને તેની દક્ષિણ પશ્ચિમનો વિસ્તાર)ની મહારાણી સેમિરામિસ ઉરથી નીકળી. છેક સિંધ સુધી આક્રમણ લઈ આવી. પરંતુ ત્યાં પ્રચંડ સામનો થતાં પાછી ફરી ગઈ. તે પછી ૧૬૭૩ વર્ષ સુધી ભારત પર વિદેશી આક્રમણ થયું ન હતું. ઇ.સ. પૂ. ૩૨૭માં, તક્ષશિલાનો રાજવી આંભિ, અલિક સુંદર (એલેકઝાંડર-ધ-ગ્રેટ)ને લઈ આવ્યો. તેણે આસપાસના રાજવીઓને બોલાવ્યા. ત્યારે સપ્તસિંધુ (પંજાબ) નરેશ પોરસ તેઓની સાથે લડતાં બંદીવાન થયો હતો. તેને પૂછ્યું 'મારે તમારી સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ ?' ઉત્તર હતો, 'એક રાજવી અન્ય રાજવી સાથે કરે તેવો.' આ પાચં હાથ ઊંચા ગૌરવર્ણી પ્રતિભાવંત રાજવીના આવા નિર્ભિક ઉત્તરથી અલિક સુંદર આશ્ચર્ય પામી ગયો. તેણે તેઓને બંધનમુક્ત કર્યા, સપ્તસિંધુનો જે પ્રદેશ જીત્યો હતો તે પાછો આપ્યો.
આ પછી તક્ષશિલા વિદ્યાપીઠમાં અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર ભણાવતા મહામના વિષ્ણુગુપ્ત કૌટિલ્ય ચાણક્યને બોલાવ્યા. તેઓ પટ્ટશિષ્ટ 'ચંદ્રગુપ્ત' સાથે આવ્યા. પૂછ્યું 'મેં અર્ધું વિશ્વ તો જીતી લીધું છે. હવે મારે શું કરવું જોઈએ ?' મહામનાએ કહ્યું 'મારા બદલે મારો શિષ્ય ઉત્તર આપશે.' ચંદ્રએ ફટાક કહી કહ્યું, 'તમારે ભારત છોડી દેવું જોઈએ. નહીં તો ભૂંસાઈ જશો.' અર્ધા વિશ્વનો વિજેતા ભભૂકી ઊઠયો. કહ્યું, 'છોકરા તું ૧૬ વર્ષનો જ છે. નહીં તો તારો શિરચ્છેદ કરત.' પછી મહામના સમક્ષ જોઈને કહ્યું 'આ ઉત્તર તમારો જ છે. તમોએ તમારા શિષ્ય દ્વારા કહેવડાવ્યો છે. આપનું નામ તો ગ્રીસમાં પણ વિખ્યાત છે.'
તે સમયે ઇ.સ. પૂ. ૩૫૦ આસપાસ ધનનંદનું સામ્રાજ્ય છેક ઉ.પશ્ચિમે સપ્તસિંધુની દક્ષિણ સુધી પ્રસર્યું હતું. ત્યારે ભારે હીમ વર્ષા સતત થતાં ઘઉં, જવનો પાક નહિવત્ થયો. છતાં ધનનંદના સૈનિકો રાજસ્વ લેવા જે કૈં થોડું ઘણું અન્ન હતું તે લૂંટી ગયા. ગ્રામજનોએ વિપ્લવ કર્યો. તે વિલ્પવ શમાવવા ધનનંદે સેનાપતિ વજ્રદ્રષ્ટ અને ઉપસેનાપતિ સર્વાર્થસિદ્ધિને આદેશ આપ્યો. સર્વાર્થે ધનનંદની લોભવૃત્તિ અને ક્રૂરતાની વાતો સાંભળી હતી. પરંતુ તે લોકોક્તિ (અફવા) માની હતી. બીજી તરફ રાજભક્તિ તેને ખેંચી રહી હતી. પરંતુ ત્યાં જે દ્રશ્ય જોયું તેથી પાંચ હાથ પૂરા પ્રચંડ દેહયષ્ટિ ધરાવતા વાઘની સામે પણ ખડ્ગ-કચ્છપપૃષ્ટ (ઢાલ) લઈ ધસી જતા સર્વાર્થ સિદ્ધનું હૃદય હલી ગયું. એક સ્થાલિકા (થાળી)માં એક અપૂપા (રોટી) હતી. થોડું લવણ હતું. તેની ફરતાં ૪ બાળકો બેઠાં હતાં. ઉપર માતા સામે જોઈ ટળવળતાં હતાં. પરંતુ, માતા તો હતી જ નહીં તે તો ઉપરના આંકડામાં વસ્ત્ર ભરાવી ગળા ફાંસો ખાઈ સ્વર્ગસ્થ બની હતી. સર્વાર્થે બે બાળકોને તેડી લીધાં. બેને સાથે લીધાં. ગ્રામજનોએ કહ્યું ચાલો સેનાની પાકશાળા તરફ થોડા સમયમાં તમારું ભોજન થઈ જશે. ત્યાં વજ્રદ્રંષ્ટ આડો ઊભો રહ્યો, કહ્યું, ' આ ભોજન સૈનિકો માટે છે. એક ડગ પણ આગળ ન વધશો. ' વજ્રદ્રંષ્ટના આ અંતિમ શબ્દો હતા. સર્વાર્થની કૃપાણે તેનો શિરચ્છેદ કર્યો. ગ્રામજનોને ભોજન આપી કહ્યું, 'જો રાજા પ્રજાનું પોષણ ન કરી શકે તેને રહેવાનો અધિકાર નથી. ચાલો આપણે શિવાલિક અને હિમાદ્રિ વચ્ચેનાં ગાઢ જંગલમાં ચાલ્યાં જઈએ.' તેઓએ પ્રશિક્ષિત કપોતો સાથે પાટલીપુત્રમાં પોતાનાં પત્ની મુરાદેવ, માતા કનકાવતી અને સુદની (રસોયણ) શાંતાદેવીને સંદેશ મોકલ્યો. આ પત્ર મળતાં તમો પાટલીપુત્ર છોડી મહારાજ પોરસનાં મહારાજ્યમાં પહોંચી જજો, હું ક્યાં છું તે કહેતો નથી. જેથી ગમે તેટલો માર પડે તોપણ કહી નહીં શકો. બીજો પત્ર મુરાદેવને પાઠવ્યો હતો. 'પ્રિયે ! આ મારો અંતિમ પત્ર પણ બની શકે. પરંતુ તું 'અવિચારી' પગલું ન ભરતી. તારા ઉદરમાં આપણો 'ચંદ્ર' ઉદિત થઈ રહ્યો છે. પરંતુ તે ગુપ્ત છે. માટે, તેનું નામ ચંદ્રગુપ્ત રાખજે. જય વિશ્વનાથ.'
મુરાદેવ, માતા કનકવતી અને શાંતાદેવી તક્ષક્ષિલા જવા નીકળ્યાં. ત્યાં ફરી ભૂકંપ થયો. એક જ્વાળામુખી ફાટયો. તેનો ધગધગતો પાષાણ ઉડીને આવતો જોઈ માતાએ મુરાદેવને બાથમાં લીધાં. માથું નીચે દબાવી ઉપર પોતાનું માથું રાખ્યું. તે પાષાણ તો બાજુમાં પડયો ત્યાં બીજો પાષાણ માતાનાં મસ્તકે પડયો. માતા ધરાશાયી થયા. મુરાદેવ કહે માતે આ શું કર્યું તો કહે પુત્રી મેં મારો ધર્મ જ અનુસર્યો છે. મુરાદેવનાં ઉદર ઉપર હાથ મુકી કહ્યું, 'પુત્ર તારું નામ વિશ્વમાં વિખ્યાત બનશે. જયવિશ્વનાથ.' માતેએ શ્વાસ મુકી દીધા.
તક્ષશિલા જતાં માર્ગમાં ગિરિનગર આવતું હતું, ગિરિનગર બહાર એક શિવમંદિર હતું. તેના પૂજારી અને તેમના પત્નીએ મુરાદેવી, શાંતાદેવીને આવતાં જોયા. બંને સામા ગયા. મુરાદેવનાં ઉદર સામે જોઈ પૂજારીનાં પત્નીએ ઓવારણાં લીધાં. આઠે આંગળીના ટાચકા ફૂટયા. કહ્યું 'પુત્રી તારાથી હવે પ્રવાસ ન થઈ શકે. અહીં આયુધજીવીઓ અને અશ્વાકો ને કહું છું તમારા માટે કુટિર બનાવી દે.'
મુરાદેવીનો ખટ્વાંગ કુટિરની વચ્ચોવચ હતો. ત્યાં ધણણણ ડુંગરા બોલ્યા. જ્વાળામુખી વિસ્ફોટ થયો. તેનાં સ્ફૂલિંગો કુટિર પર પડયાં. કુટિર સળગી રહી. મુરાદેવીએ ચીસ નાથી. 'ભારત ભાગ્ય વિધાતા'નું પ્રાકટય થયું. ત્યારે કુટિરની બહાર હતાં તે શાંતાદેવી પણ આવ્યાં. પુત્રને સ્નાન કરાવ્યું. મુરાદેવીને સ્નાન કરાવ્યું. ચક્રવાત, ધનધોર વર્ષા અને જ્વાળામુખી વિસ્ફોટ વચ્ચે ભારતનું ભાગ્ય ઊઘડતું હતું.
શિવમંદિર પાસે પાઠશાળા પણ હતી. ત્યાં ગુરૂદેવ વિદ્યાર્થીઓને ભણાવતા. ચંદ્ર ૧૨ વર્ષનો થયો તે રાજરમત રમતો એક શિલા પર બેસીને ન્યાય ચાલતો. કૃત્રિમ યુદ્ધો થતાં, સામેની સેનાનો સેનાપતિ ધસમસતો આવ્યો. ચંદ્રે જરા ખસી જઈ પગ નાંખતાં તે પડી ગયો. ચંદ્રે તેની છાતી ઉપર બેસી કહ્યું, 'આ સમયે છોડી દઉં છું. પછી નહીં છોડું.' ત્યાં તાલિકા ધ્વનિ થયો. મહામના વિષ્ણુગુપ્ત કૌટિલ્ય ચાણક્ય તેઓની સાથી અધ્યાપકો સાથે આવ્યા ત્યારે દૂર વૃક્ષ પાછળ ઉભેલાં મુરાદેવ અને શાંતાદેવી પણ આવ્યાં. મુરાદેવનાં ભાલ ઉપર કુમકુમને સ્થાને ચંદન જોઈ મહામનાએ પૂછ્યું, 'ભગીની આ કુમારના પિતા કોણ હતા ?' મુરાદેવીને સ્થાને શાંતાદેવીએ ઉત્તર આપ્યો. 'સર્વાર્થ સિદ્ધિ.
મહામનાએ કહ્યું તે મહાન સેનાપતિ જેઓએ શિષ્યને બચાવવા દગાથી થયેલો ઘા પોતાની ઉપર ઝીલી લીધો. તે સમર્થ સેનાનીનાં આપ પત્ની છો. આ કુમાર તેનો યોગ્ય પુત્ર છે. સર્વાર્થને અસ્ત્ર યુદ્ધમાં પરાજિત કરી શકાય તેમ ન હતા. તેઓને વૃક્ષ પર છુપાયેલા ધનનંદના
સૈનિકે વિષ ભરેલું બાણ મારી સ્વર્ગસ્થ કર્યા. તે હું જાણું છું. ભગિની તેના પુત્રને તક્ષશિલામાં શિક્ષણ આપવા લઈ જાઉં તો આપને વિરોધ તો નથી ને ? નકાર નો પ્રશ્ન જ ન હતો. ૧૨ વર્ષનાં કઠોર શિક્ષણ પછી ચંદ્ર ૨૪ વર્ષનો પ્રચંડ યુવાન થયો. તેવામાં પાટલીપુત્રમાં ગ્રામવાસીઓની ફરિયાદ કરવા મહામના પાટલીપુત્ર ગયા, ત્યાં તેઓને અપમાનિત કર્યા. મહામનાએ શિખા છોડી નાખી. કહ્યું, 'નંદવંશને ઉન્મૂલ કરીને જ શિખા બાંધીશ.'
ચંદ્રનાં નેતૃત્વ નીચે સેના તૈયાર કરાવી. પાટલીપુત્ર પર આક્રમણ કર્યું. ધનનંદ અને ચંદ્ર વચ્ચે જ સીધું યુદ્ધ થયું. ધનનંદ વીરગતિ પામ્યો. ચંદ્રે સુગંગ પ્રાસાદ (રાજમહેલ)માં રહેલી તેની ત્રણે રાણીઓ સમક્ષ કૃપાણ મુકી કહ્યું, માતે, સમ્રાટ વીરગતિ પામ્યા છે. પરંતુ આપ સર્વે તો માતા છો, આપની તમામ સુવિધા જળવાઈ રહેશે.
ધનનંદના ગુરૂ રાક્ષસાચાર્ય ગંધાર પહોંચ્યાં ત્યાં સમ્રાટ સલક્ષક (સેલ્યુલક્સ)ના એક સેનાપતિને કહ્યું મગધમાં હજી અશાંતિ છે. (જે ખોટું હતું) સેના લઈને આવો.
અલિકસુંદરનાં નિધન પછી તેનાં સામ્રાજ્યને તેના ચારે સેનાપતિઓએ વહેંચી લીધું. તે પૈકી સીરિયાથી સિંધુ સુધીનો વિશાળ વિસ્તાર સેલ્યુકસ નિકેતરના હાથમાં રહ્યો. ચાણક્યે ગંધાર મુક્ત કરવા ચંદ્રને આદેશ આપ્યો. સલક્ષક અને ચંદ્ર વચ્ચે બ્રહ્મસ્થાન (બામીયાં) ની ખીણમાં યુદ્ધ થયું. સેલ્યુક્સ પરાજિત થયા. તેઓએ પુત્રી હેલન ચંદ્રને લગ્નમાં આપી પરંતુ તુર્ત જ હેલન દૂર બેસી ગયાં. ચંદ્રે કહ્યું તમો શું કરી શકો ? મારા ભાગ્યમાં હજી બ્રહ્મચર્ય જ લખાયું છે.
સર્વે તક્ષશિલા આવ્યાં. ત્યાં માતા મુરાદેવી અને શાંતાદેવી પણ પહોંચી ગયાં હતાં. આંભિના પુત્ર નરેન્દ્ર વર્માએ પોતાની ભગીની હેમમાલિની તેને લગ્નમાં આપી. ત્યારે કાશ્મીરનરેશ ત્યાં ઉપસ્થિત હતા. તેમણે પોતાની પુત્રી રોહીણીનું પણ તે સાથે જ લગ્ન કરાવ્યું. લગ્ન પછી ભવ્ય ભોજન યોજાયું. ત્યાં વાર્તા મળી કે, ગૌડ સમ્રાટ શશાંકદેવ (પ્રથમ) આક્રમણ લાવે છે. ચંદ્રે મધુરાત પડતી મુકી શશાંકદેવ સામે ગયો. શશાંકદેવે દક્ષિણ હસ્ત પર પ્રહાર કર્યો. હતાહત થયો. પરંતુ ચંદ્ર સવ્યસાચી હતો. વામ હસ્તથી યુદ્ધ આપી શશાંક દેવને પણ પરાજિત કર્યા. સુગંગ પ્રાસાદમાં રાજ્યાભિષેક કરાયો.
તે પછી અશ્વમેઘ યજ્ઞાનો અશ્વ છૂટો મુકાયો. કર્ણાટક નરેશ વીરપ્પા તે બાંધતાં તેની સાથે યુદ્ધ થયું. વીરપ્પા પણ પરાજિત થયા પરંતુ તેઓને મિત્ર બનાવ્યા. દરમ્યાન છેક દક્ષિણે ચૌલ, પાંડય અને ચેરાના (કેરલના) રાજવીઓએ ચંદ્રની પ્રભુસત્તા સ્વીકારી. પૂર્વમાં આહોમ (આસામ) રાજવી કુમારાદિત્યે પણ ચંદ્રની પ્રભુસત્તા સ્વીકારી. પુત્ર બિંબિસારને ગાદી સોંપી. હિન્દુકુશથી આરાકાન યોમા અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી એક અને અખંડ ભારતનું સર્જન કરી ચંદ્રગુપ્ત મૌર્ય શ્રવણ બેલ ગોડામાં તપ કરવા ચાલ્યા ગયા. છેવટે ઇ.સ. ૨૯૯માં ખરા અર્થમાં સ્વર્ગસ્થ થયા.
- દિનેશ દેસાઈ









