Magazines

ભયથી ભગવાન કદી મળતા નથી!

By GS TEAM
12 May 20262 mins read
ભયથી ભગવાન કદી મળતા નથી!

- ઝાકળ બન્યું મોતી - કુમારપાળ દેસાઈ

ભીષણ યુદ્ધ ચાલતું હતું. આકાશમાંથી વિમાન બૉમ્બ ઝીંકાતાં હતાં. આ સમયે એક ધર્મનિષ્ઠ વ્યક્તિ પોતાનો પ્રાણ બચાવવા ગુફામાં દોડી ગયો.

બૉમ્બના ધડાકાથી બચ્યો, પરંતુ નવી આફત જાગી ઊઠી. આ ગુફામાં શિયાળ વસતું હતું.

થોડો વધુ અંદર દાખલ થયો અને જોયું તો એક સેનાપતિ પણ બૉમ્બધડાકાથી બચવા માટે આશરો લઈને બેઠો હતો.

એણે આ ધર્મનિષ્ઠ માનવીને બેસવા માટે જગ્યા કરી આપી.

સેનાપતિ ભયથી ધૂ્રજતો હતો. એ પરમાત્માની પ્રાર્થના કરવા લાગ્યો. જોરજોરથી ઇશ્વરને વિનંતી કરવા લાગ્યો. પેલો ધર્મનિષ્ઠ માનવી સ્વસ્થતાથી બેઠો હતો. ચહેરા પર કોઈ અકળામણ નહીં. મુખ પર કોઈ ફિકર નહીં.

સેનાપતિએ આંખ ઉઘાડીને જોયું તો પેલો ધર્મનિષ્ઠ માનવી તો પ્રાર્થના પણ નહોતો કરતો. આ જોઈ સેનાપતિ ખડખડાટ હસી પડયો. લોકો જેને ધર્મનિષ્ઠ કહે છે એ કેટલા બધા દંભી હોય છે ?

પેલા માનવીએ આવા મુક્ત હાસ્યનું કારણ પૂછ્યું ત્યારે સેનાપતિએ કહ્યું કે તમે આમ તો ખુદાના બંદા તરીકે જાણીતા છો, પણ પ્રાર્થના તો કરતા નથી. આવે સમયે તો મારા જેવો નાસ્તિક પણ પ્રાર્થના કરે છે. ધર્મનિષ્ઠ પુરુષે કહ્યું,

'ભાઈ, મારો ઇશ્વર ભયમાં રહેલો નથી, પરંતુ પ્રેમમાં રહેલો છે. એ સદાય મારી સાથે છે. ક્યારેય મારાથી વિખૂટો પડતો નથી.'

ધર્મનિષ્ઠની વાત સાચી હતી,પણ વાસ્તવમાં મોટા ભાગના 

લોકો ઇશ્વરને ભય અને આપત્તિનો સહારો માને છે. આવી રીતે ભયથી દટાયેલો ભગવાન ભયની ભાવનાઓ દ્વારા બનેલો છે.

સાચો ધર્મનિષ્ઠ માત્ર ભય વખતે જ ઇશ્વરને વિનવણી કરવા દોડી જતો નથી. એ તો સતત એનું સાંનિધ્ય અનુભવતો હોય છે.

ઇશ્વર પ્રાપ્તિનું પહેલું પગથિયું જ અભય છે. ભયથી ડરીને પ્રાર્થના કરનારને ભગવાન કદી મળતા નથી.