ઈન્ડિયન્સ ડોન્ટ લવ ઈન્ડિયન્સ ? .

- રજનીગંધા-વિભાવરી વર્મા
- ભલે મોટા લોકો અંદરો અંદર કોઈ વાતે રીસાયા હશે પણ મારી ઉંમરના મારા કઝિન્સ અને ફ્રેન્ડઝ તો એવા જ 'વોર્મ' અને 'જોલી' હશે ને ?
આઠ વરસના અંશુલને હજી સમજ નહોતી પડતી કે ઈન્ડિયાના લોકો કેમ આટલા બદલાઈ ગયા છે ?
અગાઉ તો જ્યારે અંશુલ એના મમ્મી-ડેડી સાથે અમેરિકાથી ઈન્ડિયા આવતા હતા ત્યારે તો અહીં એમને વીઆઈપી ટ્રિટમેન્ટ મળતી હતી. બધા કેવા હરખાઈને, ખુશ થઈને એમને મળતા હતા ?
રોજ કોઈને કોઈ સગાવ્હાલાં કે ઓળખીતાને ત્યાં જમવા જવાનું, રોજ ક્યાંકને ક્યાંક ફરવા જવાનું... જાણે આખું ઈન્ડિયા એમના અહીં આવવાથી ઘેલુંઘેલું થઈ ગયું હોય એવું લાગતું હતું !
અંશુલના ડેડી સૌ માટે સાવ મામુલી ગિફટો લઈને આવતા હતા. છતાં સૌ રાજીરાજી થઈને ગિફ્ટ સ્વીકારી લેતા હતા. એટલું જ નહીં, પાછા અમેરિકા જવાનું હોય ત્યારે અહીંના મરીમસાલા, પાપડ વગેરે તો મફતમાં જ પડતા હતા.
પણ હવે કેમ બધું બદલાઈ ગયું છે ? અગાઉ તો અંશુલના કાકા, એટલે કે ડેડીના મોટાભાઈ એમને પોતાની આખેઆખી કાર દોઢ મહિના માટે સોંપી જ દેતા હતા ! એટલું જ નહીં, છ વીક માટે જે ફૂલ ટાઇમ ડ્રાઇવર સાથે આવતો હતો એના પૈસા પણ મોટાકાકા આપવા દેતા નહોતા. પણ આ વખતે ?
મોટાકાકાએ રીતસર ઝગડો કરી નાંખ્યો કે 'તારે કાર લઈ જતાં પહેલાં મને બે દિવસ પહેલાં પૂછી લેવાનું ! અને બહુ અરજન્ટ હોય તો અહીં ઓલા-ઉબર પણ છે ! મારી કાર કંઈ નવરી નથી... અમારે તો સત્તર કામો હોય, તારા જેવું થોડું છે ?'
આ 'તારા જેવું' એટલે શું ? આઠ વરસના અંશુલને હજી સમજાતું નહોતું.
અગાઉ તો જેને ત્યાં જમવા જવાનું હોય ત્યાંથી ફોન આવતા હતા 'બોલો, તમને શું ભાવશે ? તમારા માટે શું બનાવીએ ?' જ્યારે આ વખતે...
અંશુલની માસીને ત્યાં ગયા હતા ત્યાં જમવાનો ટાઇમ થઈ ગયો હોવા છતાં માસાજી દોઢ કલાક મોડા આવ્યા ! એટલું જ નહીં, માસીની સાસુ અને માસીનાં બાળકોએ તો જમી જ લીધું હતું !
માસાજી મોડા મોડા આવ્યા છતાં એમણે એકવાર 'સોરી' પણ ના કહ્યું ! અગાઉ તો ખૂબ આગ્રહ કરી કરીને જમાડતા હતા એ જ માસાજી ફટાફટ જમીને ઊભા થઈ ગયા ! ડેડી હજી જમવાનું પુરું કરે એ પહેલાં તો 'અરજન્ટ કામ છે' એમ કહીને કાર લઈને જતા જ રહ્યાં !
અંશુલને આમાંની એક પણ ઘટના પાછળનું કારણ સમજાતું નહોતું. તેને હતું કે ભલે મોટા લોકો અંદરો અંદર કોઈ વાતે રીસાયા હશે પણ મારી ઉંમરના મારા કઝિન્સ અને ફ્રેન્ડઝ તો એવા જ 'વોર્મ' અને 'જોલી' હશે ને ? પણ ના, એવું નહોતું...
અગાઉ જે છોકરા-છોકરીઓ અંશુલ સાથે સાચું ખોટું ઈંગ્લીશ બોલીને હસી હસીને વાતો કરતા હતા એ બેટમજીઓ ધરાર દેશી ગુજરાતીમાં જ બોલતા હતા ! એ તો ઠીક, અમુક પડોશના છોકરાઓ તો અંશુલને ના સમજાય એવી 'ગાળો' બોલીને તેની મજાક ઉડાડતા હતા.
બહારના લોકો તો સાવ બદલાઈ જ ગયા હતા, પરંતુ ઘરનું વાતાવરણ પણ અંશુલને ઠીક લાગતું નહોતું. મોટાં કાકીનું મોં સતત ચડેલું રહેતું હતું. દાદા ચૂપચાપ એમના રૂમમાં બેસી રહેતા હતા. દાદી વારંવાર નિસાસા નાંખીને 'હે ભગવાન... હે ભગવાન...' બોલ્યા કરતાં હતાં.
સળંગ એક મહિનો આમ જ ચાલ્યું. પછી એક દિવસ અંશુલથી રહેવાયું નહીં. તેણે ડેડીને પૂછ્યું :
'ડેડી, વ્હાય એવરીવન હિયર સિમ ટુ બિ સો ઈન્ડીફરન્ટ ? વ્હાય હેવ ધે ચેન્જડ ?'
જવાબમાં અંશુલના ડેડી કંઈ બોલ્યા નહીં. અંશુલે મમ્મીને એ જ સવાલ કર્યો. મમ્મીએ જરા અકળાઈને કહ્યું : 'અંશુ, જસ્ટ
માઇન્ડ યોર ઓન બિઝનેસ.'
'વોટ બિઝનેસ ?' અંશુલથી બોલાઈ ગયું. 'આઈ ડોન્ટ હેવ એની થિંગ ટુ ડુ હિયર ! ડેડી, ચાલોને, આપણે પાછા યુએસ જતા રહીએ ? આઈ ડોન્ટ લાઇક ધીસ પ્લેસ...'
ત્યારે ડેડીએ અંશુલને નજીક બોલાવીને પોતાની બાજુમાં બેસાડતાં કહ્યું 'અંશુ, ધેટ્સ નોટ પોસિબલ. વિ કેન્ટ ગો બેક ટુ યુએસ.'
'બટ વ્હાય ?'
'બિકોઝ...' અંશુલના ડેડીએ સમજાવ્યું 'કેમ કે મારા એચવનબી વિઝા એકસ્પાયર થઈ ગયા છે. યુએસની જે કંપનીમાં હું જોબ કરતો હતો એ મને ફરી જોબ નથી આપવા માગતા. એન્ડ ધેર ઈઝ નો અધર કંપની ઈન યુએસ ધેટ વિલ ગિવ મિ અ જોબ.'
'ઓ...' અંશુલે કહ્યું 'ધેટ મિન્સ કે આપણે હવે અહીં ઈન્ડિયામાં જ રહેવું પડશે ?'
'યસ.'
'અંશુલે હવે પાયાનો પ્રશ્ન કર્યો જો એવું જ હોય તો આપણા રિલેટિવ્સ હેપ્પી કેમ નથી થતાં ? ધે યુઝ્ડ ટુ લવ અસ સો મચ !'
'એ લોકો આપણને નહીં, આપણા એનઆરઆઈ સ્ટેટસને લવ કરતા હતા. બટ નાવ વિ આર સિમ્પલી ઓર્ડીનરી ઈન્ડિયન્સ.'
'સો ?' અંશુલે બીજો સરળ છતાં પાયાનો સવાલ કર્યો 'ઈન્ડિયન્સ ડોન્ટ લવ ઈન્ડિયન્સ ?'
અંશુલના ડેડી પાસે આનો કોઈ જવાબ નહોતો.









