જીવનને સરળ - સાર્થક કેવી રીતે બનાવશો?

- એક જ દે ચિનગારી-શશિન્
- શ્રમ, એકાગ્રતા, ધૈર્ય અને ખંતની પાલખીમાં બેસીને જ સફળતા આપણી અતિથિ બનતી હોય છે
આપણે જીવન પાસે ભિખારી બનીને રજૂ થઈએ, એ જ માણસ તરીકેની આપણી નિષ્ફળતા છે. જીવન પ્રત્યેનો ઉદાત્ત, આશાવાદી, ધ્યેયનિષ્ઠ અને ધૈર્યપૂર્ણ દ્રષ્ટિકોણ કેળવવાની અને ટકાવી રાખવાની જરૂરિયાત વિષે આપણે ગંભીરતાપૂર્વક વિચારતા જ નથી. પરિણામે ભૌતિક ઉપલબ્ધિઓ, ક્ષુલ્લક સુખો અને ક્ષણિક આનંદની તકોને આપણે જીવનનો પર્યાય માની બેસીએ છીએ.
તમે એવા કેટલાય માણસો જોયા હશે, જેમની કામ કરવાની રીતમાં રઘવાટ, ધમાલ, ઉતાવળ અને શોરબકોરને છૂટો દોર મળતો હશે. વહીવટમાં પણ એવા માણસો સાથે તમારો પનારો પડયો હશે, જેઓ કામને 'આજ'થી આવતીકાલ પર અને આવતીકાલથી પરમ દિવસ પર ધકેલતા જણાયા હશે. કામનો આરંભ સુપેરે કરી એ દીપી ઊઠે એ રીતે પરિપૂર્ણ થાય, એવો આગ્રહ નહીં રાખવાને કારણે કામ પતે છે ખરાં, પણ મહેકી ઊઠતાં નથી.
શક્તિનો અક્ષય ભંડાર જે આફતની ક્ષણોમાં આપણે માટે તારણહાર નીવડતો હોય છે. તે આકસ્મિક રીતે આવેલું કોઈ પરિણામ નથી હોતું, તેમ સંકલ્પબધ્ધ બની, પ્રતિદિન નિષ્ઠાપૂર્વક કામ કરો અને એમાં ધૈર્યનું રસાયણ ભળવા દો તો ધીરે ધીરે તમે અક્ષયનિધિના માલિક બની શકશો. ખંત વગર કામનો અંત લાવી શકાય, પણ એ પૂર્ણાહૂતિ ન બની શકે. શ્રમ, ધૈર્ય ને ખંતની પાલખીમાં બેસીને જ સફળતા આપણી અતિથિ બનતી હોય છે.
કાર્ય પરત્વે જાગૃત રહેનાર માણસ બિનજરૂરી ઉતાવળ કરવાનું પસંદ કરતો નથી, પણ કાર્યને ન્યાય મળે એવી નિષ્ઠા અને ખંતની લેશમાત્ર ઉપેક્ષા પણ નથી કરતો.
નિર્ધારિત લક્ષ્ય માટે ઝૂઝવાની તાકાતને વિજયનો પર્યાય ગણવાની સૂઝ હજી દુનિયાએ દર્શાવી નથી. એટલે આપણે જે કાંઈ મેળવ્યું, તેના પરથી માણસને મહાન, વિજયી કે શક્તિશાળી તરીકે પ્રચારિત કરીએ છીએ. હકીકતમાં માણસ કેટલા આત્મબળથી વિપરિત પરિસ્થિતિ સામે દ્રઢતાપૂર્વક લડયો હતો, સાહસ દાખવ્યું હતું, હિંમત દેખાડી હતી તેના ઉપરથી જ તેનું મૂલ્યાંકન કરવું જોઇએ. લાયક કાર્ય માટે પોતાની શક્તિ અને સંનિષ્ઠાનો ઉપયોગ કરનાર નિષ્ફળ માણસ આકસ્મિક રીતે કે અપ્રમાણિક રીતે મોટા બની ગયેલા માણસ કરતાં અનેક રીતે ચઢિયાતો હોઈ શકે.
મનુષ્યના વિચારો, લાગણીઓ અને આદર્શો જેટલા ઉર્ધ્વગામી હોય છે, જીવનની તસવીર પણ તેવું જ રૂપ ધારણ કરતી હોય છે, એટલે જેઓ જીવનને પરાજયભાવે જુએ છે તેમને કોઈપણ કાર્ય કે તકમાં વિશ્વાસ નથી હોતો. તેમનું ચંચળ મન કામમાં ચીવટ રાખી શક્તું નથી. પરિણામે ફળસિધ્ધિની તક તેમનાથી દૂર સરી જાય છે. જેઓ જીવનને ઉદાત્ત અને ઉન્નત જોવા ઇચ્છે છે, તેઓ વિચાર કે કાર્યમાં હલકટતાને પ્રવેશવા જ દેતા નથી. આવા માણસને કામ કરવામાં રસ હોય છે.
આજકાલ કામગરા દેખાવા મથતા લોકો બહુમતીમાં જોવા મળે છે. સંસ્થાઓમાં, સચિવાયલોમાં, કાર્યાલયોમાં કે જાહેરજીવનમાં 'કામ કરનાર' કરતાં 'કામ કરતા દેખાવા'નું નાટક ભજવનાર લોકો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. એટલે 'કાર્યકર્તાઓ' વધી પડયા છે, કર્મવીરોની સંખ્યા સાવ ઘટી ગઈ છે. કાર્યકર્તાઓ એટલે કાર્યનો દેખાવ કરીને પદોન્નતિ કે મોટી તક પ્રદાન કરવાની શક્તિ ધરાવતી વ્યક્તિની નજરમાં યોગ્ય ઠરવા માટે ધમપછાડા કરતા માણસો.
કર્મવીર એટલે ચૂપચાપ કામ કરીને કામને દીપાવવા માટે સમર્પણશીલ 'રહેવાનો વ્રતધારી માણસ. મતલબ માટે કાર્ય કરી તેને કાર્યકર્તા નહીં, પણ તકસાધુ કહેવાય.'
સતત સાધના કરનાર અને ઘૈર્યરત રહેનારને પોતાના ખંત અને ધીરજનો બદલો મળ્યો હોય, એવા અનેક ઉદાહરણો જોવા મળે છે. 'ડિકલાઈન એન્ડ ફોલ ઓફ ધી રોમન એમ્પાયર' એ પુસ્તક લખવામાં ગિબને ૨૦ વર્ષ કાઢ્યાં હતાં. નો આવે બસ્ટરે ડિક્શનરી (શબ્દકોશ) રચવામાં ૩૬ વર્ષ આપ્યા હતા. ટીટીએને ચાર્લ્સને લખ્યું હતું કે 'સાત વર્ષ સુધી દરરોજ' લાસ્ટ સપર નામના ચિત્ર પર કામ કર્યા પછી હું તમને આ ચિત્ર મોકલું છું.
આમ જીવન માગે છે એકાગ્રતા, અને તન્મયતા, સમર્પણ અને શ્રમપ્રિયતા, ઉદાત્તતા અને નિર્મળતા. આ પૈકી જેની જીવનમાં ઊણપ હશે, જીવનના આનંદમાં તેટલી અધૂરપ વર્તાશે. પરંતુ મોટાભાગના લોકોને જીવનદ્રષ્ટિ વિકસાવવાની પરવા અને ફુરસદ જ ક્યાં હોય છે.
જીવનવ્યવહાર સરળ અને સાર્થક બનાવે તેવા ધ્યાનમાં લેવા જેવા કેટલાક મુદ્દા.
૧. અન્યને આદર આપશો તો તમને આદર મળશે. ૨. દોષદ્રષ્ટા નહીં, શુભદ્રષ્ટા બનો. ૩. કોઇની સલાહ-સૂચનની સાભાર નોંધ લેવી, પણ વિવેકપૂર્વક તેનો અમલ કરવો. ૪. પરિવાર સાથે કે જાહેરમાં સમુહમાં બેઠા હો ત્યારે મોં સ્મીત વેરતું રાખવું. ટીવી, મોબાઈલ કે પેપરનો ઉપયોગ ન કરવો, એ રીતભાતની સારી નિશાની છે. ૫. કોઇની પ્રશંસાથી ફુલાઈ ન જવું અને ટીકાથી નારાજ ન થઈ જવું. ૬. વિઘ્નો સામે લડવા આત્મબળ અને આત્મવિશ્વાસ મજબૂત બનાવો. પરિશ્રમનો ત્યાગ કરશો નહીં. ૭. આજનું કામ આજે જ કરવા દ્રઢ નિર્ધાર કરો. ૮. હાર કે નિષ્ફળતાનો કદી વિચાર ન કરવો. ૯. ખંત, નિષ્ઠા, પરિશ્રમ અને નિર્ભયતા તમારા દ્રઢ નિર્ધારને મજબૂતી આપશે. ૧૦. આ કામ મારાથી નહીં થાય એવો ડર મનમાંથી કાઢી નાખો. ૧૧. વાણી, વર્તન અને વ્યવહારમાં શાલીનતા, પ્રેમ અને આત્મીયતા રાખો. ૧૨. સ્વચ્છંદી નહીં, સ્વાધીન બનો.









