- એક જ દે ચિનગારી-શશિન્
- ભગવાને આપેલું જીવન પોતે જ એક વરદાન છે, તેનું ગૌરવ આપણે સમજીએ
આ પણું જીવન સાધનોમાં અટવાય અને સાધનાની ઉપેક્ષા કરે તો સુખ ક્યાંથી મળે ? આજના માણસનું જીવન સાધનપ્રધાન છે. એટલે જ એ સાધનાથી વિમુખ બન્યો છે. સાધન સુખ આપી શકે, આત્મા પ્રત્યેની વફાદારીપૂર્વકની સાધના શાંતિ અને આત્મોન્નતિ બન્ને આપી શકે.
અહીં એક અંદરથી જાગ્રત રાજાની પ્રેરક વાર્તા આપણને મુંઝવતા અનેક પ્રશ્નોનો ઉત્તર આપી શકે તેમ છે. એક રાજા પ્રજાપાલક અને ન્યાયપ્રિય હતો. પ્રજાનો હિતૈષી હતો અને બુધ્ધિમાનો પ્રત્યે તે આદરભાવ ધરાવતો હતો. જેમાં મુખ્ય વાત હતી પ્રસન્નતાપૂર્ણ જીવન જીવવાના માર્ગની.
એક વાર રાજાએ પોતાના મંત્રીને બોલાવીને કહ્યું : 'મને સાઈઠ વર્ષ થવા આવ્યાં, પરંતુ મને જીવનવિષયક જ્ઞાન લાધ્યું નથી. મને મુંઝવતા ત્રણ પ્રશ્નોનું સમાધાન મારે જોઈએ છે.
૧. જીવનમાં મહત્વપૂર્ણ સમય કયો?
૨. જીવનમાં કરવા જેવું કાર્ય કયું?
૩. એવી મહત્વની કઈ વ્યકિત છે જેના સાથ-સંગાથ સહયોગથી સફળતા મળી શકે ?
મંત્રીએ રાજાના ફરમાન મુજબ સત્સંગ સભાનું આયોજન કર્યું.
પ્રથમ પ્રશ્ન હતો સહુથી મહત્વનો સમય કયો ? - ચર્ચામાં ભાગ લેનાર કોઈએ કહ્યું કે સૂર્યોદય પહેલાંના ત્રણ કલાક, ભગવાનની ઉપાસના માટે બ્રાહ્મમુહૂર્ત શ્રેષ્ઠ છે. રાજાને જવાબથી સંતોષ ન થયો. ચોવીસ કલાકમાંથી માત્ર ત્રણ કલાક મહત્વના તો બાકીના ૨૧ કલાક શું નિરર્થક છે ?
કોઈકે બચપણનો સમય શ્રેષ્ઠ ગણાવ્યો, જેમાં આનંદ અને મસ્તી હોય છે. પણ રાજાને લાગ્યું કે બચપણમાં બાળક પરાવલંબી હોય છે. જે કાંઈ તે કરે છે એ તો બચપણ વીત્યા પછીનો સમય હોય છે.
કોઈકે યુવાકાળ મહાન બતાવ્યો તો કોઈએ વૃધ્ધાવસ્થાને મહાન ગણાવી. પણ રાજાને એકે ય જવાબથી સંતોષ ન થયો.
તેવી જ રીતે જીવનમાં કરવા લાયક કામો અને સફળતા માટે સાથ આપનાર વ્યકિત વિશેના જવાબોથી પણ રાજાને ખુશી ન થઈ. રાજાને દુઃખી જોઈ મંત્રીએ કહ્યું કે આપણા શહેરથી દસ માઈલના અંતરે એક ભલો માણસ રહે છે જે ખૂબ જ શાણો અને સુખી ગણાય છે. સંન્યાસી જેવું એનું જીવન છે, પણ સંન્યાસી નથી. પરિવાર સાથે ખેતરમાં રહે છે અને પશુપાલન કરે છે. એ સંસારી નથી કારણ કે બધું કરવા છતાં અનાસકત અને નિર્મોહી છે.
રાજાએ મંત્રીને તેને રાજદરબારમાં તેડી લાવવા, આમંત્રણ મોકલ્યું, પણ એણે કહ્યું કે 'મારે રાજ દરબારનું શું કામ ? વળી હું નથી જ્ઞાની કે નથી પંડિત. વળી જેનામાં શીખવાની ભાવના હોય એ નમ્ર હોય. રાજામાં તેનો અભાવ વરતાય છે. પરંતુ રાજા મારે ઘેર પધારે તો હું એમને આવકારીશ.' કદાચ એમની સમસ્યા કે પ્રશ્નનું સમાધાન પણ મળી જાય.'
અને રાજાએ એ ભલા માણસને સામે ચાલીને મળવા જવાનો નિર્ણય કર્યો. પોતાની ઓળખ છતી ન થાય એ આશયથી રાજા પોતાના રસાલા વગર સાદા પોષાકમાં તે માણસના ખેતરમાં જઈ પહોંચ્યો.
પેલો ભલો માણસ કોદાળી-પાવડાથી ખેતરમાં કામ કરી રહ્યો હતો. આવનાર (રાજા) તરફ નજર કર્યા વગર એણે કહ્યું : 'તમે યોગ્ય સમયે આવ્યાં છો હું થાકી ગયો છું એટલે લો આ કોદાળી, પાવડો અને મદદ કરો.'
રાજાએ તેની આજ્ઞાનું પાલન કર્યું અને પેલો ભલો માણસ ઝાડ નીચે બેસી પોતાનો પરસેવો સૂકવવા લાગ્યો.
એવામાં એક યુવક ખંજર લઈને રાજા તરફ ધસી આવ્યો. પરંતુ તે પેલા ભલા માણસની નજીક પહોંચ્યો ત્યાં તો તે બેહોશ થઈને ઢળી પડયો. એ યુવક ઘાયલ થએલો જણાયો એટલે રાજા અને પેલો ભલો માણસ તેને પર્ણકુટિરમાં લઈ ગયા અને તેની સારવાર કરી. તે યુવક સ્વસ્થ થયો, એટલે પેલા ભલા માણસે તેનો પરિચય અને આગમનનું પ્રયોજન પૂછયું. પેલા યુવકે કહ્યું કે, 'મારા પિતાજીને દેશદ્રોહી ગણાવીને આ રાજાએ હત્યા કરાવી હતી. મને કહેવામાં આવ્યું હતું કે તું મોટો થઈને તારા બાપના મૃત્યુનો બદલો લેજે. પરંતુ આજે આપે અને રાજાએ મારું જીવન બચાવ્યું છે. હું વેરની આગમાં અંધ બની ગયો હતો. પણ આપ બંનેનો પ્રેમ જોઈ ક્ષમાયાચના કરું છું.'
એના ગયા પછી પેલા ભલા માણસને રાજાએ પોતાના ત્રણ સવાલોનો ઉકેલ આપવા વિનંતી કરી. પેલા ભલા માણસે કહ્યું : 'રાજન, હું આપને ઓળખી ગયો છું. વળી મેં તમારા પ્રશ્નોનો જવાબ આપી જ દીધો છે. આપને તેનો ખ્યાલ ના આવ્યો ?'
રાજાએ વધુ સ્પષ્ટતા કરવા તે માણસને વિનંતી કરી. પેલા માણસે રાજાના ત્રણે ય પ્રશ્નોને સાંકળી લેતા સમજાવ્યું કે મહારાજ વર્તમાનની એકે એક ક્ષણ મહત્વની હોય છે. વર્તમાનમાં કરવા જોગ દરેક કામ મહત્વપૂર્ણ હોય છે અને વર્તમાનમાં આપણી આસપાસ જે કોઈ વ્યકિત હોય તે મહત્વપૂર્ણ છે. એ વાત પણ મહારાજ ધ્યાનમાં રાખજો કે જીવન તો એક વહેતી ધારા છે. જીવનમાં નિરંતર પરિવર્તન થતું રહે છે. વર્તમાનની ક્ષણે ક્ષણ બદલાતી રહે છે તેની સાથે કાર્યો અને વ્યકિત પણ બદલાય છે. સમય કાર્યો અને વ્યકિતઓથી પણ મહત્વનો હોય છે. એટલે વર્તમાનમાં હોશપૂર્વક જીવવું જરૂરી છે. જો તમે સતત હોશ જાળવી રાખશો તો વર્તમાનમાં કાર્ય, સમય અને વ્યકિતને યોગ્ય રીતે માણી શકશો અને વર્તમાનનો સદુપયોગ કરી શકશો.
રાજન્, આપ મને મળવા આવ્યા એ સમય મારે માટે મહત્વનો કહેવાય. આપ આવ્યા ત્યારે ફૂલો માટે ક્યારી તૈયાર કરવા હું જમીન તૈયાર કરી રહ્યો હતો એટલે એ કામ તે ક્ષણે મહત્વનું હતુ. સમય બદલાયો એ આપના પર હુમલો કરવા આવેલ ખંજરધારી યુવક ઘાયલ થઈને ભોંય પર પટકાઈ બેહોશ થઈ ગયો એટલે તેનો ઉપચાર કરવાનું આપણા બંને માટે મહત્વપૂર્ણ હતું. મતલબ કે જીવનની પ્રત્યે ક્ષણ મહત્વની છે. માણસે તેનો સદુપયોગ કરવો જોઈએ. દરેક વ્યકિત અને પ્રવૃત્તિ મહત્વપૂર્ણ હોય છે એટલે બધાં સાથે વિવેકપૂર્ણ વર્તન કરવું જોઈએ.'
રાજાને પોતાના ત્રણે પ્રશ્નોનો ઉત્તર મળી ગયો. સારાંશ એ જ કે આપણે હોશપૂર્વક વર્તમાનમાં જીવીએ, વર્તમાનમાં આપણે ભાગે આવેલાં કાર્યો સારી રીતે કરીએ અને વર્તમાનમાં જે કોઈ આપણી પાસે-નિકટ હોય તેની સાથે માનવતાપૂર્ણ યોગ્ય વ્યવહાર કરીએ.
જીવન આપણને તરવાનો મોકો આપે છે, પણ આપણને ડૂબવામાં રસ છે. સત્તા, વૈભવ, વિલાસ, મોહ, ક્ષુદ્ર તૃષ્ણાઓ, કીર્તિ, હઠ, વટ, લોભ-લાલચ, પરિગ્રહ, ઘમંડ બધામાં માણસ ડૂબતો જ રહે છે. અને પછી ફરિયાદ કરે છે કે મને કિનારો નથી મળતો.
ભગવાને આપેલું જીવન પોતે જ એક વરદાન છે. માણસે જીવનને વેડફી નાખવું જોઈએ નહીં. જન્મ મળ્યો એટલે જ્યાં ત્યાં જીવી નાખો, એવું માનનારો વર્ગ પણ છે. બીજો વર્ગ છે તેવું એવું માને છે કે જીવન મળ્યું છે તો, કોઇપણ રીતે ભૌતિક- સાંસારિક બધા પ્રકારના સુખો ભોગવી નાખો. ત્રીજા પ્રકારના માણસો છે જે સાચા અર્થમાં જીવી જાણે છે. પોતાને માટે સૌ જીવે પણ જે બીજાને માટે જીવીને માનવતા દાખવે એમનું જ જીવન સાચા અર્થમાં સાર્થક કહેવાય.
જીવનને બહેતર બનાવવાના સાત ઉપાયો
૧. માણસ તરીકે મળેલા જીવવાના વરદાનનું ગૌરવ સમજીએ.
૨. અંતઃકરણને મોહ, માયા, વાસના, આસક્તિ, ક્રોધ, અહંકાર જેવા દૂષણોથી શક્ય એટલું મુક્ત રાખીએ.
૩. કામચોરી, હરામખોરી, રિશ્વતખોરીને જીવનમાંથી સદંતર જાકારો આપીએ.
૪. જ્યારે સત્ય અને સ્વાર્થ એ બન્નેમાંથી એકની પસંદગી કરવાની હોય ત્યારે સત્યનો પાલવ પકડીએ.
૫. વિવેક અને વિનયને પોતાનો અભિન્ન મિત્ર બનાવીએ.
૬. ક્ષમાવાન, દયાવાન, કરુણાશીલ જેવા ઉમદા ગુણો વિકસાવીએ.
૭. પ્રત્યેક કાર્યને શુધ્ધ ભાવે કરીએ. અંતઃકરણને ન્યાયાલય તુલ્ય ગણીએ.


