Magazines

શું હતું એ 'પુરુષ'ની નજરમાં? .

By GS TEAM
5 Aug 20255 mins read
શું હતું એ 'પુરુષ'ની નજરમાં?                             .

- રજનીગંધા-વિભાવરી વર્મા

- કાર્ડ હાથમાં લેતાં તેણે જાણીજોઇને પેલાની આંગળીનો સ્પર્શ કર્યો. પણ એ માણસની આંખોમાં જરાય ફરક દેખાયો નહીં

એ માણસની નજર કંઇ અલગ હતી. શું હતું એની નજરમાં...? સારિકા મહેતા એક અભિનેત્રી હતી. નાટકોની દુનિયામાં એનું નામ છેલ્લા છ વરસથી ટોપ ઉપર હતું. એટલું જ નહીં, સારિકા એક બોલ્ડ એકટ્રેસ હતી. કમાટીપુરાની વેશ્યાથી લઇને હાઈ સોસાયટીની બિન્દાસ્ત અલ્ટ્રા-મોડર્ન વુમનના રોલ તે બહુ છટાથી ભજવી લેતી હતી. એટલે જ, આજે ૩૪ વરસની થવા છતાં એના ગ્લેમરનો જાદૂ પ્રેક્ષકો પરથી ઉતરતો નહોતો.

'પણ આ માણસ...' સારિકા હજી ગૂંચવાયેલી હતી. શું છૂપાયું છે એની નજરમાં ?

સારિકા મહેતા પુરુષોની નજર પારખવામાં બહુ પાવરધી હતી. સામેનો પુરુષ ગમે એટલો ભોળો, ભલો, સજ્જન હોવાનો દેખાવ કરતો હોય પણ એ પુરુષની નજર આપમેળે જ, સારિકાનાં અંગો પર ચોક્કસ જગ્યાઓ પર પહોંચી જ ગઈ હોય... તેની પેલા પુરુષને ન ખબર હોય, પણ સારિકા એ નજરને તરત જ પારખી શક્તી હતી.

પણ આ માણસની નજર.

પહેલીવાર એ માણસ એક સુપરહિટ નાટકનો શો પત્યા પછી અભિનંદન આપવા માટે સ્ટેજની પાછળ આવ્યો હતો.

સામાન્ય રીતે આવા લંપટ પુરુષો જાણે અજાણતામાં ભીડથી ધકેલાઈ ગયા હોય તેવો દેખાવ કરીને સ્ત્રીના શરીરનો સ્પર્શ કરી લેતા હોય. અમુક પુરુષો અભિનંદન આપવાને બહાને હાથ મિલાવીને જરૂર કરતાં વધારે સમય સુધી હાથ પકડી રાખે... અમુક મોટી ઉંમરવાળા ડોસલાઓ 'વાહ બેટી વાહ' એમ કહેતાં પીઠ થપથપાવે અને એમનો હાથ ઝટ ખસે જ નહીં !

સારિકા અભિનેત્રી હતી એટલે તે જાણતી હતી કે આવા પુરુષો તો સતત એની આસપાસ રહેવાના જ. હકીકત તો એ હતી કે જે દિવસે આવા પુરુષોની 'નજર' તેના દેહ ઉપર પડતી બંધ થઇ જશે તે દિવસે તેની એક્ટિંગની કરિયર પુરી થઇ ગઈ હશે.

પરંતુ આ માણસની વાત સાવ અલગ હતી. તે જુવાન નહોતો, ૪૦-૪૫ ઉંમર હશે. સફારી સૂટ પહેરતો, આંખો ઉપર ઝાંખા બ્રાઉન રંગના કાચવાળા ચશ્મા...

એ ચશ્માની આરપાર તેની આંખો સ્પષ્ટ દેખાતી હતી, છતાં કોણ જાણે કેમ...

તે દિવસે જ્યારે એ માણસ સ્ટેજની પાછળ આવ્યો ત્યારે સિચ્યુએશન ઘણી અલગ હતી. મોટાભાગના લોકો અભિનંદન આપીને જતા રહ્યા હતા. સારિકા તેના મેકપ રૂમમાં વસ્ત્રો બદલી રહી હતી.

એ જ વખતે દરવાજે ટકોરા પડયા. સારિકાને એમ કે કોઈ ટીમ મેમ્બર હશે તેણે સહજ રીતે 'કમ ઇન...' કહ્યું.

પણ પેલો માણસ દરવાજાની અંદર ડોકીયું કરતાંની સાથે જ 'ઓહ આઈ એમ સોરી' કહીને પાછો 

હટી ગયો.

'નો નો, કમ ઇન' સારિકાએ જરાય ખચકાયા વિના કહ્યું અને સાડી પહેરવાનું ચાલુ રાખ્યું. અભિનેત્રીઓ આવી સિચ્યુએશનનોથી ટેવાઈ ગયેલી હોય છે. સારિકાએ બહુ સિફતથી પેલા માણસ સામે જોઈ લીધું. પણ એની આંખોમાં કોઈ જ ફેરફાર થયો નહિં. તેણે ખૂબ જ સ્વસ્થતાથી અંદર આવીને કહ્યું:

'મારું નામ ધનરાજ શિંદે છે. મારું વિઝિટીંગ કાર્ડ અહીં મુકતો જાઉં છું. આપની સાથે એક કામની વાત કરવી છે. આપ કાલે ફોન કરી શકો તો સારું.'

કાર્ડ મુકવા માટે તે ડ્રેસિંગ ટેબલ તરફ જતો હતો ત્યાં સારિકા ચાર ડગલાં ચાલીને તેની પાસે ગઈ. કાર્ડ હાથમાં લેતાં તેણે જાણીજોઇને પેલાની આંગળીનો સ્પર્શ કર્યો. પણ એ માણસની આંખોમાં જરાય ફરક દેખાયો નહીં.

એ 'થેન્ક્યુ' કહીને જતો રહ્યો, સારિકા હજી વિચારી રહી હતી કે આવો પુરુષ તો કદી...

    

બીજા દિવસે બપોરે સારિકાએ કાર્ડમાં જોઇને ફોન નંબર લગાડયો.

 સામેથી ઉત્સાહથી ભરેલો અવાજ આવ્યો: 'ગુડ આફ્ટરનૂન સારિકાજી !' હું આપનો બહુ જુનો અને ખાસ પ્રશંસક છું ! આપનાં તમામ નાટકો મેં વારંવાર જોયાં છે. આપની એક્ટિંગથી હું એટલો બધો અંજાઈ ગયો છું કે એ કહેવા માટે મારી પાસે શબ્દો જ નથી...

'બધા વાતની શરૂઆત આ જ રીતે કરે છે, હવે કામની વાત કરશો?'

'શ્યોર, હું એક મોટી હિન્દી ફિલ્મ બનાવી રહ્યો છું, મારી ઇચ્છા છે કે આપ એમાં મેઇન રોલ કરો.'

સારિકાને આવા એક ડઝન જેટલા લેભાગુ પ્રોડયુસરો મળી ચૂક્યા હતા. સારિકાએ વાતને શોર્ટ-કટમાં લાવતાં સીધું જ પૂછ્યું 'ફિલ્મ છે તો એનું બજેટ પણ હશે ને ?'

'છે ને ! બધું જ છે ! આપ સમય કાઢો તો સાથે બેસીને વિગતે વાત કરીએ.

આપને લેવા માટે હું કાર પણ મોકલી શકું છું.'

'ઠીક છે.' સારિકાએ ફોન કટ કરી નાંખ્યો. હવે તે જાણતી હતી કે આ માણસ નામે ધનરાજ શિંદે, ફિલ્મ પ્રોડયુસ કરવાને બહાને મને પહેલાં કોઈ રેસ્ટોરન્ટમાં બોલાવશે, પછી સંબંધ વધારવા માટે પોતાના આલિશાન બંગલે બોલાવશે, એ પછી એકાદ - બે પાર્ટીઓમાં મને ઇન્વાઇટ કરીને, બીજા પૈસાદારો આગળ મારી ઓળખાણ કરાવીને થોડો વટ પાડશે...

અને પછી...જો હું એને 'ભાવ' નહીં આપું તો એ ધીમે રહીને ગાયબ થઇ જશે.

પણ એવું બન્યું નહીં. એણે પહેલી જ મુલાકાતમાં ૨૦ લાખ રૂપિયાનો એડવાન્સ ચેક આપ્યો. બીજી મુલાકાતમાં તો તૈયાર થયેલી સ્ક્રીપ્ટ બતાડી ! ત્રીજી મિટિંગમાં તે પહોંચી ત્યારે બોલીવૂડના એક મોટા ડિરેકટરની હાજરીમાં બે ચાર મોટા સ્ટાર સાથે ફોનમાં વાતચીતો ચાલી રહી હતી !

છતાં, કોણ જાણે કેમ, એ નજર...

એક સાંજે ફોન આવ્યો: 'મેડમ, ધનરાજ શિંદે સાહેબ આપને મળવા માગે છે. આપ બે કલાક માટે આવી શકો ? આપને લેવા માટે કાર આવી રહી છે...'

સારિકા મહેતાએ 'હા' પાડી. તેને હવે તો ખરેખર જાણવું હતું કે આ ધનરાજ શિંદેની આંખો...

કાર સારિકાને લઇને ધનરાજ શિંદેના ફાર્મ હાઉસે પહોંચી. શિંદે તેને આવકારતાં બોલ્યો 'કેમેરામેન થોડીવારમાં આવતો જ હશે. આજે એક નાનકડા સ્ક્રીન ટેસ્ટનું ગોઠવ્યું છે.'

ત્યારબાદ શિંદે આડીતેડી વાતો કરતો રહ્યો તેણે સારિકાને ડ્રીંક્સ ઓફર કર્યું. સારિકાએ ના પાડી. પણ તે પોતે પીતો રહ્યો.

ખાસ્સો કલાક વીતી ગયા પછી સારિકાએ કહ્યું 'તમારો કેમેરામેન તો હજી આવ્યો જ નહીં ? સ્ક્રીન ટેસ્ટ લેવાના હતા ને ?'

'સ્ક્રીન ટેસ્ટ ?' શિંદે સ્હેજ હસ્યો. પછી આંખો પરથી ચશ્મા ઉતારતાં બોલ્યો 'એ તો હમણાં લઇ લઇએ !'

જેવા ચશ્મા ઉતર્યા કે તરત તેની અસલી આંખો દેખાઈ ! સારિકાએ ઉભા થઇને તેના ડાચા પર કરકચાવીને બે થપ્પડ રસીદ કરી દીધી અને તે ચાલી નીકળી..