શ્રધ્ધાપૂર્વક કર્મરત રહો! .

- એક જ દે ચિનગારી-શશિન્
- શ્રધ્ધાનો વિચાર અને વિવેક સાથેનો સંબંધ કાપી નાખવામાં આવે તો એ અંધશ્રધ્ધા બની જતી હોય છે
નો કરીનો ઈન્ટરવ્યૂ આપીને આવેલા એક ભાઈએ કહ્યું : ''હું બહુ સારો દેખાવ કરી શક્યો નથી, પણ બીજાય મારાથી કાંઈ વધુ સારા નહોતા, જોઈએ શું થાય છે ?''
માણસ પોતાની કમજોરીઓનાં માઠાં પરિણામો ભાગ્ય કે તંત્રના સડા પર ઢોળતો હોય છે, પણ આત્મદર્શન કરતો નથી, તંત્ર સડેલું હોય ત્યારે માણસે પોતે પણ અંદરથી સડેલા રહેવું ? સડો એ શાબ્દિક શિકાયતનો મોકો નથી, પણ તાકાત સાથે સંઘર્ષ શરૂ કરવાનો પડકાર છે. સડો નિર્બળોના નિસાસા અને પલાયનવાદમાંથી પ્રાણવાયુ પ્રાપ્ત કરતો હોય છે. પણ પેલો કહેવાતો મરદ માણસ... ઈન્ટરવ્યૂના પરિણામ પહેલાં જ પરાજય સ્વીકારી ચૂક્યો છે, કારણ કે સ્પર્ધામાં ઊતરવા માટે જે અદમય્ય ઉત્સાહ, ધ્યેયલક્ષી સન્નિષ્ઠ પુરુષાર્થ અને સાધના જોઈએ, તેનો તેનામાં અભાવ છે.
અન્યાયી અને અત્યાચારીને ભગવાન માફ નહીં કરે એવી નિરાધાર કલ્પનાનો આશરો લઈ પોતાના મનને મનાવી લે છે. માણસ વિશ્વનાં સઘળાં સાધનોનો વારસદાર છે, માટે એ તવંગર છે, પછી ગરીબી કે અકિંચનત્વની ફરિયાદ કેવી ? મક્કમતા, આત્મવિશ્વાસ અને વિવેકપૂર્ણ શ્રધ્ધાનો પાલવ પકડીને માણસ હાથ ધરેલાં કામને અનુષ્ઠાનની અદાથી પરિપૂર્ણ કરે તો વળી નિષ્ફળતા કેવી ?
જગત ભર્યું ભર્યું લાગતું નથી, કારણ કે એમાં 'અંદરથી ખાલી' લોકોની ભીડ રહે છે. બધું જ ચાલે છે પણ શ્રધ્ધાવિહોણું, નિષ્ઠા વિહોણું, સમર્પણ વિહોણું, અંતરના ઓજસવિહોણું ક્રમ સચવાય છે પણ કાર્ય થતું નથી. દરેક એજન્ડામાં કોઇક સ્વાર્થનો 'ઝંડો' જ વિજેતા બની જતો હોય છે. બેઠકોમાં સભ્યો કાં તો શોરબકોર કરે છે અથવા માત્ર બેસી રહે છે... સાથે બેસીને વિચારણાનું કામ થતું નથી. બધું જ ઠાલું ઠાલું ! કામો પતાવવાની કુશળતા, પણ કામોને ન્યાય આપવાની દાનતનો સદંતર અભાવ - એમ ચાલે છે આપણા જાહેર વહીવટો.
શ્રધ્ધાશીલ માણસ કામ કરતો નથી, કામોમાં ખૂંપી જાય છે. એ ઊંઘ, ભૂખ, દુ:ખ, થાક, પ્રશંસા, નિંદા, ભય, તમામથી મુક્ત બનીને કેવળ કાર્યને જ નજર સમક્ષ રાખે છે. અહીંયા ક્યાંક વાંચેલા એક પ્રસંગનું સ્મરણ થાય છે.
'મારું નામ છે એપોલિયન' ડયુક ઓફ વેલિંગ્ટનના ગ્રંથાલયમાં એક પાગલ જેવો માણસ કહી રહ્યો છે. ડયુક ઓફ વેલિંગ્ટન પોતાના કામમાં મશગૂલ હતાં. ત્યાં પેલા આગંતુકે બીજો ધડાકો કરતાં કહ્યું : 'તમને જાનથી મારી નાખવા માટે મને અહીં મોકલવામાં આવ્યો છે.'
''મને મારી નાખવા માટે અહીં આવ્યા છો ? એ તો બહુ જ ખરાબ કહેવાય.'' ડયુકે કહ્યું.
''હા, તમને મારી નાખવાનું કામ મારે આજે જ કરવાનું છે -'' પેલા ઝનૂનીએ જણાવ્યું. ''વારુ, તમારે મને મારી નાખવાનું કામ આજે જ પતાવવાનું છે ?'' ડયુકનો પ્રશ્ન.
''મને એ માટેનું ચોક્કસ ટાઇમટેબલ આપવામાં આવ્યું નથી. પણ મારે સોંપેલું કામ કરવાનું છે અને હું વિલંબ કરવા ઈચ્છતો નથી.'' પેલા માણસે કહ્યું.
''આજે તો તમને અગવડ પડશે. હું બહુ જ કામમાં છું. મારે ઘણા પત્રો લખવાના બાકી છે... એમ કરોને, ફરી આવજો અને હું તૈયાર રહીશ.'' ડયુક ફરી પાછા પોતાનું કામ ઉત્સાહપૂર્વક કરવામાં મશગૂલ થઈ ગયા.
એની દ્રઢતા અને શ્રધ્ધા જોઈ પેલો ઝનૂની માણસ હતોત્સાહ થઈ ચાલ્યો ગયો.
હું ક્યારેય સફળ થઈશ ? એવો બોદો વિશ્વાસ કે નબળી શ્રધ્ધાનું તરણું પકડી માણસ ધારેલાં કામ પાર પાડી શકતો નથી, પરંતુ સફળતા એ મારો નિષ્ઠાસિદ્ધ અધિકાર છે અને મારાં કર્મના તમામ હલેસાં મારી નૌકાને સાફલ્યના શાનદાર બંદરે પહોંચાડવામાં નાકામયાબ નીવડવાનાં નથી, એવી શ્રધ્ધા જ માણસના ગળામાં વિજયની વરમાળાનું આરોપણ કરાવતી હોય છે. એટલે જ ચાર્લ્સ કિંગસ્લી કહેતા હતા કે 'ઉચ્ચ કાર્ય કરો, આખો દિવસ માત્ર તેનાં સ્વપ્નોમાં અટવાયેલા ન રહો. આથી જીવન, મૃત્યુ અને જગત, સર્વ એક મહાન, મધુર અને ભવ્ય સંગીત બની જશે.' સંતોષ એ જુદી વસ્તુ છે. કામમાં રુચિને અભાવે નિષ્ક્રિય રહેવું એ જુદી વસ્તુ છે. સભ્યતા કાર્યવેગ માટે આવશ્યક સાહસિકતા છીનવી લેવાનું નિમિત્ત બને તો એને નામર્દોની જનની સિવાય બીજું ક્યું નામ આપી શકાય ?
માણસનું કાર્ય શ્રધ્ધા રસાયણ ઉમેરણ અનુસાર જ મહેકતું હોય છે. શિથિલ આયોજન, અપૂર્ણ તૈયારી, અને ખંતનો અભાવ તથા ઉદ્યોગશીલતાની ઓટ જ નિષ્ફળતાને નિમંત્રિત કરતી હોય છે. દ્રઢતા વગર દક્ષતા જન્મી શકતી નથી. ઉપરચોટિયા પ્રયત્નોથી સફળતાના ઉત્તુંગ ઝળહળતા શિખરે પહોંચી શકાતું નથી. ખીણમાં ખદબદવાનો આનંદ કોઠે પડી જાય, એને શિખરો સર કરવાનાં સાહસનું મૂલ્ય સમજાતું નથી. નિશ્ચયહીન યાત્રા ક્યારેય વરદાન બની શકતી નથી.
શ્રધ્ધા એ કાર્યની ઈમારતની બુનિયાદ છે. શ્રધ્ધાવિહોણો માણસ સંશયી, બે મનવાળો, વિક્ષુબ્ધ, અને ઉત્સાહરહિત હોય છે. માણસની શ્રધ્ધા સાત્વિક કામોમાં પણ હોઈ શકે અને અસાત્વિક કામોમાં પણ ! એટલે જ માણસે વિધાયક, માંગલ્યપૂર્ણ વિવેકયુક્ત અને હિતલક્ષી શ્રધ્ધાનું સેવન કરી પોતાના ભવ્ય ઉદ્દેશો પાર પાડવા જોઈએ.
શ્રધ્ધાનો વિચાર અને વિવેક સાથેનો સંબંધ કાપી નાખવામાં આવે તો એ 'અંધશ્રધ્ધા' અથવા આવેશ બની જતી હોય છે. એટલે જ શ્રધ્ધાને સત્સંકલ્પથી વંચિત રાખવી જોઈએ નહિ.
અખૂટ આત્મવિશ્વાસ અને સ્થિર મન એ શ્રધ્ધાપૂર્વક યાત્રાનાં ચાલક પરિબળો છે. જ્યાં કુશંકા ભય જુએ છે, ત્યાં શ્રધ્ધા સત્વ જુએ છે. શ્રધ્ધા સ્વાશ્ચયી બનાવી શકે, કુશંકા પરાશ્ચયી. વિવેકયુક્ત શ્રધ્ધા જ વ્યક્તિ અને વિશ્વનું કલ્યાણ સાધી શકે. પીડા અને પ્રતિકૂળતા એ માણસની ઈશ્વર પ્રદત્ત કસોટીઓ છે. જેઓ સુખ-સાગરને કિનારે છબછબિયાં કરવાને બદલે ગરજતા ઉદધિનાં તોફાનો વચ્ચે જિંદગીનું ગીત શોધવા નીકળી પડયા છે, તેઓએ જ જીવતરને સાર્થકતા બક્ષી છે.
શ્રધ્ધા બાબતે યાદ રાખવા જેવી કેટલીક બાબતો.
૧. શ્રધ્ધા માણસની પ્રેરક શક્તિ છે, શ્રધ્ધા માણસમાં આશા અને ઉત્સાહનો સંચાર કરે છે.
૨. શ્રધ્ધા ગુરુ પર હોય કે ઈશ્વર પર, પણ સાધના માટે શ્રધ્ધા અનિવાર્ય છે.
૩. શ્રધ્ધામાં પણ જાગૃતિ અને વિવેક રાખવામાં ન આવે તો એ અંધશ્રદ્ધામાં ફેરવાઈ જાય છે.
૪. શ્રધ્ધાને ચંચળ મનથી ન સ્વીકારો, નહીં તો એકાગ્રતાને અભાવે શ્રધ્ધા એળે જશે.
૫. દેવ અને દૈવ બન્નેમાં આંધળી શ્રધ્ધાથી બચો.
૬. શ્રધ્ધાપૂર્વક કર્મરત રહો, બાકી બધું ઈશ્વર પર છોડી દો.
૭. તમે ભલે થાકી જાવ, પણ શ્રધ્ધાને થાકવા ન દો.









