Magazines

શર્વરી વાઘ : ઇમ્તિયાઝ અલીનાં સ્ત્રીપાત્રોમાં ગજબનું ઊંડાણ હોય છે

By GS TEAM
2 Apr 20263 mins read
શર્વરી વાઘ : ઇમ્તિયાઝ અલીનાં સ્ત્રીપાત્રોમાં ગજબનું ઊંડાણ હોય છે

- આ વર્ષે શર્વરીની એક પછી એક ત્રણ મોટી ફિલ્મો રજૂ થશે. એ કહે છે, 'મને 'મેં વાપસ આઉંગા' ફિલ્મમાં હિરોઇન બનવા મળ્યું એ મારા માટે મોટી સિદ્ધિ છે...'

મુંબઇની ફિલ્મી દુનિયામાં  એક સમયે લવ રંજન અને સંજય લીલા ભણશાળીને આસિસ્ટ કરનારી યુવાન છોકરી આજકાલ હિરોઇન બનીને મહાલે છે. આજે  ૨૮ વર્ષની બની ગયેલી સહાયક નિર્દેશક  છોકરી એટલે શર્વરી વાઘ. પણ ફિલ્મી દુનિયામાં તે શર્વરી તરીકે વધારે જાણીતી છે. દસ વર્ષથી ફિલ્મી દુનિયામાં કામ કરતી શર્વરી પાકી મુંબઇગરી છે અને તેના નાનાને તો આખું ઇન્ડિયા જોશી સર તરીકે  ઓળખે છે. હા, શર્વરી એક સમયે લોકસભાના સ્પીકર રહી ચૂકેલાં મનોહર જોશીની પૌત્રી છે. તેની માતા નમ્રતા મનોહર જોશીની પુત્રી છે. 

પણ શર્વરીએ કોઇપણ સ્ટ્રગલર્સની જેમ જીવનમાં લાંબો સંઘર્ષ કર્યો છે. ૨૦૧૪માં પહેલીવાર ઓડિશન આપનારી શર્વરીને ૨૦૨૧માં મોટા બેનરની  ફિલ્મ બન્ટી ઔર બબલી ટુ મળી હતી. આ ફિલ્મમાં શર્વરીએ સિદ્ધાંત ચતુર્વેદી સાથે જોડી જમાવી હતી. બીજી જોડી રાણી મુખર્જી અને સૈફ અલી ખાનની  હતી પણ આ ફિલ્મ બોક્સઓફિસ પર ફલોપ નીવડી હતી. શર્વરીએ એ સમયે જણાવ્યું હતું કે પાંચ -છ વર્ષ સંઘર્ષ કર્યા બાદ આ ફિલ્મ મને મળી છે. મારે કામ મેળવવા માટે લાંબો સંઘર્ષ કરવો પડયો છે. પણ મારી પાસે કોઇ પ્લાન બી નથી. મારી પાસે એક્ટિંગ સિવાય બીજો કોઇ વિકલ્પ જ નથી. શર્વરીની આ પ્રતિબદ્ધતા આખરે ૨૦૨૪માં રંગ લાવી, ૨૦૨૪માં રજૂ થયેલી હીટ હોરર કોમેડી મુંજ્યામાં શર્વરીની ભૂમિકા વખણાઇ અને પછી તો શર્વરીની ચલ પડી....

હાલ શર્વરી તેની આગામી ફિલ્મ મેં વાપસ આઉંગાની હિરોઇન તરીકે ચર્ચામાં છે. ઇમ્તિયાઝ અલી જેવી મોટી હસ્તીની ફિલ્મમાં કામ કર્યા બાદ શર્વરી ફૂલીને ફાળકો થઇ ગઇ છે. શર્વરી ઇમ્તિયાઝ અલી સાથે કામ કરવાના તેના અનુભવો કહેતાં થાકતી નથી. બાર જુને થિયેટર્સમાં રજૂ થનારી ફિલ્મ મેં વાપસ આઉંગાનું ટીઝર રજૂ થતાં જ ફિલ્મની ચર્ચાએ જોર પકડયું છે. શર્વરીના જણાવ્યા અનુસાર ઇમ્તિયાઝ અલી સાથે કામ કરવાનો અનુભવ એ તેની કારકિર્દીનો મહત્વપૂર્ણ વળાંક બની રહેશે. પોતાની વાતને આગળ વધારતાં શર્વરી કહે છે, ઇમ્તિયાઝ અલીના સ્ત્રી પાત્રો  ઉંડાણભર્યા અને જટિલ હોય છે. તેમની ફિલ્મોમાં મહિલાઓ સ્ટોરીનો હિસ્સો નહીં પણ તેનું કેન્દ્ર બની રહે છે. 

ઇમ્તિયાઝ અલી સાથે કામ કરવાના અનુભવ વિશે વાત કરતાં શર્વરી કહે છે, ઇમ્તિયાઝ અલીની ફિલ્મમાં હિરોઇન બનવું એટલે એક એવી દુનિયામાં પ્રવેશ કરવો જ્યાં પાત્ર અને એક્ટર વચ્ચે કોઇ અંતર હોતું નથી. ઇમ્તિયાઝ અલીએ તેમની ફિલ્મો દ્વારા હિન્દી ફિલ્મોની આજની સફળ હિરોઇન્સનો પરિચય દર્શકોને કરાવ્યો છે. આલિયા ભટ્ટ, દિપિકા પદુકોણ, કરીના કપૂર ખાન અને અનુષ્કા શર્મા જેવી હિરોઇન્સ તેમની સાથે કામ કરી ચૂકી છે. આમ, આવી સફળ હિરોઇન્સ આપનાર દિગ્દર્શક તમારી પસંદગી કરે એ મારા માટે મોટી વાત છે. ઇમ્તિયાઝ અલી સાથે કામ કરવાથી હું એક બહેતર એક્ટર જ નહીં પણ એક બહેતર ઇન્સાન પણ બની છું. મેં વાપસ આઉંંગા ફિલ્મમાં દિલજીત દોસાંજ, વેદાંગ રૈના અને નસીરૂદ્દીન શાહ પણ મહત્વની ભૂમિકાઓ ભજવી રહ્યાં છે. 

શર્વરીની એક ઓર ફિલ્મ આલ્ફા આવી રહી છે. દસ જુલાઇએ થિયેટર્સમાં રજૂ થનારી આ ફિલ્મમાં શર્વરીની સાથે આલિયા ભટ્ટ છે. યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સનો હિસ્સો એટલે આલ્ફામાં આલિયા ભટ્ટ હિરોઇન છે અને તેમાં શર્વરીની મહત્ત્વની ભૂમિકા છે. આ ઉપરાંત એક ત્રીજી ફિલ્મ યે પ્રેમ મોલ લિયા પણ આ વર્ષે રજૂ થવાની છે. રાજશ્રી પ્રોડકશનની આ ફિલ્મ ં  સૂરજ બરજાત્યાના દિગ્દદર્શન હેઠળ બની રહી છે. આ ફિલ્મમાં  શર્વરી આયુષ્માન ખુરાનાની હિરોઇન તરીકે જોવા મળશે. આ ફિલ્મમાં અનુપમ ખેર,સીમા પાહવા અને સુપ્રિયા પાઠક પણ  મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. આ ઉપરાંત શર્વરી અલી અબ્બાસ ઝફરની એક ફિલ્મમાં પણ કામ કરી રહી છે. પણ હાલ આ ફિલ્મનું કામ ચાલી રહ્યું હોઇ તેની રિલીઝ ડેટ નક્કી થઇ શકી નથી. આમ, શર્વરીની કારકિર્દી માટે ૨૦૨૬નું વર્ષ ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે તેમાં કોઇ શંકા નથી.