યૌવન ટકાવે છે રસાયણ ઔષધો
સ્વસ્થવૃત્ત - શાંતિભાઈ અગ્રાવત
પોતાની પ્રકૃતિને અનુકૂળ હોય એવા એક બે ઔષધો ઉમેરી નિત્ય સેવન કરવાથી તન અને મન તંદુરસ્ત રહે છે
ઘડપણ બહુ ઓછું આવે અને ૮૦ વર્ષ સુધી આવે નહીં એ માટે આયુર્વેદમાં રસાયન પ્રયોગો આપેલ છે. ઋતુ પ્રમાણે આહારવિહારનું સેવન કરી રસાયન ઔષધો લેવાથી ૧૦૦ વર્ષ સુધી નોરમલ જીવન જીવી શકાય છે. ઋતુ પ્રમાણે આહારવિહારનું સેવન નહીં કરવાથી ૪૦ વર્ષ પછી ધીમેધીમે ઘડપણના લક્ષણો શરૂ થાય છે. આ એન્ડ્રોઝ ૮૦ વર્ષ સુધી નજીક આવે નહીં એ માટે અશ્વગંધા જેવા રસાયન ઔષધો ૪૦ વર્ષે શરૂ કરી દેવા જોઈએ. પોતાની પ્રકૃતિને અનુકૂળ હોય એવા એક બે ઔષધો ઉમેરી નિત્ય સેવન કરવાથી તન અને મન તંદુરસ્ત રહે છે.
આ માટે આયુર્વેદમાં ઘણા રસાયન ઔષધો આપેલ છે. એમાં અશ્વગંધા અગ્રસ્થાને આવે છે. આ રસાયન નિર્દોષ સસ્તુ અને સુલભ છે અને નિત્ય સેવન કરવાથી કોઈ આડઅસર થતી નથી અશક્તિ, વીર્યક્ષીણતા અને વૃદ્ધાવસ્થાના લક્ષણો સતાવતા હોય તો અશ્વગંધા ૨ ભાગ, વરધારો ૧ ભાગ, સફેદ મૂસળી ૧ ભાગ, શતાવરી ૧ ભાગ ચૂર્ણ મેળવવું. આમાંથી ૩ ગ્રામ ૧ ચમચી ગાયના ઘીવાળા દૂધસાથે નિત્ય સવારે અને રાત્રે સેવન કરવું. પિત્તપ્રકૃતિવાળાએ અશ્વગંધા, શતાવરી, શંખપુષ્પી, વરધારો ઈરાની જેઠીમધ મોટા ગોખરૂ સમભાગે ચૂર્ણ મેળવવું. આમાંથી ૩ થી ૬ ગ્રામ સાકર અને ગાયનું ઘી મેળવેલ દૂધ સાથે સવારે અને રાત્રે નિત્ય સેવન કરવું.
આ પ્રયોગ એક વર્ષ કરવો પછી દર શિયાળામાં આ ઔષધો લેવાનું શરૂ રાખવું. પિત્ત પ્રકોપ થાય નહીં એવો આહારવિહાર શરૂ રાખવો આથી ઘડપણ ઘણું જ મોડું આવશે. ઘડપણનાં લક્ષણો શરૂ થયા હશે તો અટકી જશે. યુવાન જેવી સ્ફૂર્તિના અનુભવ શરૂ થશે. આ પ્રયોગથી અઠવાડિયા કે પંદર દિવસમાં યુવાની આવી જશે એવું નથી પથ્ય ખોરાક સાથે શરૂ કરવાથી પહેલે મહીને શક્તિનો સંચાર શરૂ થઈ રહ્યો છે એવું લાગશે એક વર્ષ પ્રયોગ જરૂરી છે સાથે ઋતુ પ્રમાણે આહારવિહારનું સેવન પણ એટલું જ જરૂરી છે.
આયુર્વેદની સંહિતાઓમાં અશ્વગંધાના ગુણો વિશે લખ્યું છે કે રસાયન એટલે યુવાની ટકાવી રાખનાર ધાતુઓની વૃદ્ધિ કરનાર, બલ્ય, કાંતિકારક, વજન વધારી શરીરને ઘાટીલું બનાવનાર વીર્ય વધારનાર, જ્ઞાાનતંતુને બળ આપનાર અને ઉષ્ણ છે. આ ઉપરાંત વાના રોગો જેવા કે, કમરનો દુ:ખાવો રાંઝણ (સાયટીકા) સંધીવા, માસક્ષય, ઉધરસ, અનિંદ્રા, વાઇ, હીસ્ટીરીયા વગેરે રોગોમાં ખૂબ જ ઉપયોગી છે.
આધુનિક મત મુજબ અશ્વગંધા મૂળમાં એનાહાઈગ્રીન, ટ્રોપીન, એનાફેરીન વગેરે ૧૨ (બાર) ક્ષારો આવેલા છે. આ ઉપરાંત એમિનોએસિડ, ગ્લાઈકલાઈડ, અમ્લસ્ટાર્ચ છે અને શર્કરા આવેલ છે પણ આ અમૂલ્ય ઔષધનો એલોપેથીએ ખાસ ઉપયોગ કર્યો નથી.
નીચેના યોગો ખૂબ જ અસરકારક માલુમ પડેલા છે. અજમાવી લેવા ભલામણ કરું છું.
(૧) વાના રોગો:
સંધીવા, કમરનો દુ:ખાવો રાંઝણ (સાયટીકા) વગેરે વાના રોગોમાં અશ્વગંધા ૨ ભાગ રાસ્ના ૧ ભાગ, સુંઠ ૧ ભાગ, સાટોડીના મૂળ ૧ ભાગ, ગળો ૧ ભાગ લઈ અધકચરા ખાંડી એમાંથી ૧ થી ૨ તોલાનો કવાથ બનાવી સવાર-સાંજ પીવાથી ચમત્કારિક પરિણામ આપે છે. દર્દીએ ખટાશ અને ભારે પદાર્થો છોડી દેવા.
(૨) એકલા અશ્વગંધા ચૂર્ણને સાકરવાળા દૂધ સાથે એક ચમચી લેવાથી બળશક્તિ વધે છે. પાચન સુધરે છે. પિત્તપ્રકૃતિ સિવાયની વ્યક્તિઓએ આ પ્રયોગ કરવો.
શારીરિક અને માનસિક શક્તિ માટે: અશ્વગંધા ૨૦૦ ગ્રામ, શતાવરી ૧૦૦ ગ્રામ, જેઠીમધ ૧૦૦ ગ્રામ શંખાવળી ૧૦૦ ગ્રામ, આમળા ૧૦૦ ગ્રામ, પીપરી મૂળ ગંઠોડા ૫૦ ગ્રામ લઈ વસ્ત્રગાળ ચૂર્ણ બનાવવું. આમાંથી બે થી ત્રણ ગ્રામ ચૂર્ણ બે ચમચી મધ અને એક ચમચી ઘી સાથે સવાર-સાંજ બે વખત અગર રાત્રે સૂતા પહેલા લઈ ઉપર સાકરવાળું દૂધ પીવું. આ પ્રયોગ નિર્દોષ છે. લાંબો વખત ચાલુ રાખવાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે. માનસિક અને શારીરિક થાક લાગતો નથી. રોગોનો સામનો કરવાની શક્તિ વધે છે પાચન સુધરે છે. જ્ઞાાનતંતુની નબળાઈ દૂર થાય છે. જાતીય શક્તિ વધે છે.
આંખના નંબર માટે :અશ્વગંધા ૧૦૦ ગ્રામ, આમળા ૧૦૦ ગ્રામ, જેઠીમધ ૧૦૦ ગ્રામ, બહેડા ૧૦૦ ગ્રામ, હરડે ૧૦૦ ગ્રામ અને એલચી ૨૫ ગ્રામ દરેકનું ચૂર્ણ લઈ મેળવી તૈયાર રાખવું. આમાંથી ત્રણ થી છ ગ્રામ દૂધ સાથે સવાર સાંજ લેવું અને ત્રિફળાનું (હીમ)નું પાણી આંખે છાંટવું. આ પ્રયોગથી આંખના નંબર વધતા અટકે છે અને લાંબો વખત નિયમિત ચાલુ રાખવાથી નંબર ઘટે છે પણ ખરા.
ચાલીસી વટાવી ગયા પછી થોડી કે વધારે ઉંમરની અસર દેખાવી શરૂ થાય છે. આવે વખતે અશ્વગંધા અથવા એના શાસ્ત્રીય યોગો શરૂ કરવા જોઈએ અને પથ્ય ભોજન લેવું જોઈએ. આખું વર્ષ અશ્વગંધા ન લઈ શકાય તો કમસેકમ ચોમાસું અને શિયાળો કાળજીપૂર્વક લેવાય તો વાર્ધક્યના લક્ષણોની શરૂઆત હશે તો ધીમે ધીમે દૂર થશે અને શરૂઆત થઈ નહિ હોય તો નજીક આવશે નહિ અને રોગપ્રતિકારક શક્તિ વધશે.