શેક્સપિયરનું નાટક 'ધ કોમેડી ઓફ એરર્સ' અને ગુલઝારની ફિલ્મ અંગૂર

-
- હિંદી સિનેમામાં વિલિયમ શેક્સપિયરનાં નાટકો પરથી ફિલ્મો બનાવવાના ટ્રેન્ડની શરૂઆત ગુલઝારે કરી. એમણે અગાઉ ૧૯૬૮માં 'દો દૂની ચાર'માં શેક્સપિયરના નાટક 'કોમેડી ઓફ એરર્સ'નો આધાર લીધો હતો. આ ફિલ્મ સદંતર નિષ્ફળ રહી. વર્ષો પછી એમણે જીદપૂર્વક આ ફ્લોપ ફિલ્મની રીમેક બનાવી, જે કલ્ટ ક્લાસિક સાબિત થઈ. આ ફિલ્મ એટલે 'અંગૂર'!
હિંદીમાં કહેવાય છેને કે, કહેતા ભી દીવાના, ઔર સુનતા ભી દીવાના. એટલે કે, કોઈ એવી પરિસ્થિતિ જેમાં તમે કંઈક કહી રહ્યાં છો અને સામેવાળી વ્યક્તિ તેનો કંઈક અલગ જ મતલબ કાઢે. આ ગેરસમજને યોગ્ય સમયે દૂર ન કરવામાં આવે તો મુશ્કેલી સર્જાય. જોકે જ્યારે આવી ગેરસમજ ફિલ્મો અને નાટકોમાં જોવા મળે ત્યારે મજ્જા પડી જાય. 'કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના' કોન્સેપ્ટ પરથી અનેક ફિલ્મો અને નાટકો બન્યાં. તેમાં પહેલું-વહેલું નામ કોઈ નાટકનું હોય તો તે છે, વિલિયમ શેક્સપિયરનું 'ધ કોમેડી ઓફ એરર્સ'. હવે, એવું પણ નહોતું કે, આ શેક્સપિયરનો ઓરિજનલ આઈડિયા હતો. તેમણે પણ રોમન નાટયકાર પ્લેટુસના 'મેનાએક્મી' પરથી પ્રેરણા લીધી હતી. પ્લેટુસના પ્લેમાં એક ટ્વીન (જોડિયા)ની વાત હતી. શેક્સપિયરે આ ૧૮૦૦ વર્ષ જૂની વાર્તામાં બીજા ટ્વીનને ઉમેર્યા અને ૧૫૯૪ની આસપાસ અદભુત નાટક લખાયું. આ વાર્તામાં સરખા દેખાતા ટ્વીન્સની બે જોડી જન્મથી જ અલગ થઈ જાય છે. એકબીજાના અસ્તિત્વથી બિલ્કુલ અજાણ તેઓ જ્યારે, ભેગા થાય છે ત્યારે ધમાચકડી મચે છે. આજના સમયની ફિલ્મોની વાત કરીએ તો કહી શકાય કે, રોહિત શેટ્ટી અને પ્રિયદર્શનની કોમેડી ફિલ્મોમાં આ પ્રકારની 'કોમેડી ઓફ એરર્સ' જોવા મળતી હોય છે.
ભારતમાં વિલિયમ શેક્સપિયરના આ નાટક પરથી ઘણી ફિલ્મો બની, પરંતુ ગુલઝારની ફિલ્મ 'અંગૂર' (૧૯૮૨) કલ્ટ ક્લાસિકના લિસ્ટમાં સામેલ થઈ. સંજીવકુમાર, મૌસમી ચેટર્જી, દીપ્તિ નવલ, દેવેન વર્મા, અરુણા ઈરાની સ્ટારર આ ફિલ્મ આજે પણ જોવી ગમે તેવી છે. આ ફિલ્મનો આઈડિયા ગુલઝાર પાસે પહોંચ્યો તે પહેલાં અનેક ઉથલપાથલ થઈ હતી.
એક વાર્તાનાં અનેક સંસ્કરણ
દરેક માણસની વાત કહેવાની પદ્ધતિ અલગ અલગ હોય. તેવું જ આ નાટકનું છે. અનેક મહાનુભાવોએ વિલિયમ શેક્સપિયરના નાટક 'ધ કોમેડી ઓફ એરર્સ'નાં પોતાનાં સંસ્કરણ રજૂ કર્યા છે. મહાન બંગાળી વિદ્વાન અને સમાજ સુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પણ તેને અપનાવ્યું હતું. તેમણે ૧૮૬૯માં આ નાટકનું બંગાળી સંસ્કરણ 'ભ્રાંતિ બિલાસ' રજૂ કર્યું. વિદ્યાસાગરના આ વર્ઝનમાં તે વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે, જો આ વાર્તા ભારતીયોની હોય તો કેવી હોય..? તેમનું વર્ઝન જનતાને એટલું પસંદ આવ્યું કે, લગભગ એક સદી બાદ ૧૯૬૩માં 'ભ્રાંતિ બિલાસ' નામની એક બંગાળી ફિલ્મ બની. આ ફિલ્મ પણ સુપરહિટ રહી.
ભારત જ નહીં વિશ્વભરમાં અનેક ફિલ્મોને આ નાટકે પ્રેરણા આપી છે. હોલિવુડની ૧૯૪૦ની ફિલ્મ 'ધ બોય્ઝ ફ્રોમ સિરાક્યુઝ' હોય કે, ૧૯૭૬માં બીબીસીનું થિયેટ્રિકલ સંસ્કરણ કે, બેટ મિડલર અને લિલી ટોમલિનની ૧૯૮૮ની ફિલ્મ 'બિગ બિઝનેસ' કે પછી ૨૦૦૩ની ડિઝની ફિલ્મ 'ધ લિઝી મેક્ગ્વાયર' - આ વાર્તાના દરેક લેખકના અલગ સંસ્કરણ છે, પરંતુ એક વાત પાક્કી કે ગુલઝારનું સંસ્કરણ કંઈક અલગ છે.
ગુલઝાર કે જેમણે હાર ન માની
હાર માને તે ગુલઝાર નહીં. ગુલઝાર અને જીદનું જૂનું કનેક્શન છે. 'દિલ કી ઝિદ્દ ભી અજીબ હોતી હૈ, હાર કર ભી વહીં લૌટ આતા હૈ, જ્હાન સે ટૂટ ચૂકા હોતા હૈ..' આ શાયરી તેમણે નથી લખી, પરંતુ તેમની આવી જ એક જીદનો કિસ્સો પ્રખ્યાત છે.
ગુલઝાર ૧૯૬૮માં એક યુવાન ગીતકાર અને લેખક હતા. તેમણે વિલિયમ શેક્સપિયરના 'ધ કોમેડી ઓફ એરર્સ' પરથી હિંદી ફિલ્મ લખી હતી, તેનું નામ હતું, 'દો દૂની ચાર' (૧૯૬૮). આ ફિલ્મનું નિર્દેશન દેબુ સેને કર્યું હતું, પ્રતિષ્ઠિત બિમલ રોય પ્રોડક્શન્સ હેઠળ બની, કિશોરકુમાર અને અસિત સેન જેવા કલાકારો હોવા છતાં સુપરફ્લોપ રહી. ગુલઝારને લાગી આવ્યું. તેમણે જીદ પકડી કે આ સુપરફ્લોપ ફિલ્મની રિમેક બનાવીશ અને તેને હિટ સાબિત કરીને જ રહીશ.
મુંબઈમાં અનેક પ્રોડયુસર્સનો સંપર્ક કર્યો. કોઈપણ ફ્લોપ ફિલ્મની રિમેક બનાવવા તૈયાર ન થયું. એક પ્રોડયુસરે તો સંભળાવ્યું કે, 'ભાઈ, હિટ ફિલ્મ હોય તેની રિમેક હોય, ફ્લોપની નહીં. સપનાંની દુનિયામાંથી બહાર આવો.' પરંતુ, ગુલઝારે તેમની વાતને ગણકારી પણ નહીં. આ દરમિયાન તેમણે 'પરિચય', 'કોશિશ', 'આંધી', અને 'મૌસમ' જેવી અનેક ફિલ્મો સાથે પોતાને એક સન્માનિત ફિલ્મમેકર તરીકે સાબિત કરી દીધા હતા, પરંતુ હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફ્લોપ ફિલ્મની રિમેકના તેમના સપનાને સપોર્ટ કરનાર કોઈ ન મળ્યું.
એક દિવસ અચાનક તેમની મુલાકાત જયસિંહ નામના એક ઉદ્યોગપતિ સાથે થઈ. વાત વાતમાં ખબર પડી કે, જયસિંહ પણ શેક્સપિયરનાં નાટકોના પ્રેમી છે. દુનિયામાં કોઈપણ અસંભવ વસ્તુ પ્રેમથી થાય. બસ, તેવો ઘાટ ઘડાયો. બન્યું એવું કે, 'ધ કોમેડી ઓફ એરર્સ' જયસિંહનું પણ ફેવરિટ નાટક નીકળ્યું. જયસિંહ પણ માનતા કે, આ નાટકનું યોગ્ય હિંદી સંસ્કરણ તો બનવું જ જોઈએ. બસ... અહીંથી 'અંગૂર'ની શરૂઆત થઈ. જયસિંહે સ્પેશિયલી આ ફિલ્મ બનાવવા માટે એ.આર. મૂવીઝ નામની પ્રોડ્કશન કંપનીની સ્થાપના કરી.
ગુલઝારનો સેકન્ડ ચાન્સ
ગુલઝારે 'દો દૂની ચાર'ના ખરાબ અનુભવમાંથી શીખ લીધી હતી. તેઓ ફરીથી 'અંગૂર'ની કહાણી લખવા બેઠા ત્યારે પહેલાંથી નક્કી કરી નાખ્યું કે ઓડિશનમાં સમય બગાડવો જ નથી. એવા વ્યક્તિઓ સાથે જ કામ કરવું છે જે તેને યોગ્ય રીતે પાત્રો નિભાવી શકે. એટલે, દરેક કેરેક્ટર એક અભિનેતાને ધ્યાને રાખી લખ્યું. આ દરમિયાન તેમના મિત્ર હરિ કે જેમને આપણે સંજીવકુમારના નામથી જાણીએ છીએ, તેમણે તેમનો ખૂબ સાથ આપ્યો. હરિ અને ગુલઝારની મિત્રતા બંને હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યા, તે પહેલાંની. ૧૯૫૦ના દાયકામાં બંને બોમ્બેના ઈન્ડિયન નેશનલ થિયેટર (આઈએનટી)નો ભાગ હતા. ગુલઝાર નાટકો લખતા અને સંજીવકુમાર અભિનયના વિદ્યાર્થી. સંજીવકુમાર પહેલાથી મંચ પર પોતાની ઉંમરથી મોટાં પાત્રો ભજવતા હતા. બંનેની મિત્રતાની ઝલક આપણને અનેક ફિલ્મોમાં જોવા મળી, પરંતુ 'અંગૂર' કંઈક સ્પેશિયલ હતી.
ગીતો વગરની ફિલ્મ
ગુલઝાર પહેલાં તો એક કવિ હૃદય એટલે તેમને ખબર કે, ક્યાં ગીતો આવે ક્યાં ન આવે. આ ફિલ્મની કહાણી લખતાં ત્યારે જ તેમને ખ્યાલ હતો કે, આમાં ગીત ક્યાંય સેટ જ ના થાય. એટલે પહેલેથી જ તેમણે ફિલ્મ ગીતની કલ્પના વિના જ લખી. પણ મ્યુઝિકલ લેબલ એચએમવીએ કહ્યું કે, ઓછામાં ઓછાં ત્રણ ગીતો તો જોઈશે જ. ગુલઝારે આર. ડી. બર્મનનો સંપર્ક કર્યો. ગુલઝારની વાત ક્લિયર હતી કે, જો ફિલ્મમાં ગીતો હશે તો તે પંચમના જ. આ ફિલ્મમાં 'પ્રીતમ આન મીલો'ને લેવામાં આવ્યું હતું. જે મૂળ સી.એચ. આત્માનું હતું. તેમનું આ ગીત ગુરુ દત્તને પસંદ આવ્યું તો તેમણે તેને 'મિસ્ટર એન્ડ મિસિસ ૫૫'માં સ્થાન આપ્યું હતું. ત્યારબાદ, 'અંગૂર' ફિલ્મમાં તેને નવજીવન મળ્યું.
શેક્સપિયરને યોગ્ય સન્માન
આજકાલ પ્રસિદ્ધિની હોડ મચી છે. કોઈએ લખેલા શબ્દો, કામ, મહેનતને પોતાના ગણાવી દેવા. કોઈના વિચારોને ખરાબ કહી સાઈડમાં ધકેલી દેવા. થોડા સમય બાદ તેના તે જ વિચારોને પોતાના વાઘા પહેરાવી દેવા. ખબર નહીં પ્રસિદ્ધિ ભૂખ્યાં લોકોને શું મળી જાય છે?શેની આટલી હડબડી છે? ભલે, સામાન્ય માણસો માટે ક્ષણિક પ્રસિદ્ધિ-જીત સર્વસ્વ રહ્યા, પરંતુ આ સૃષ્ટિ જેણે બનાવી છે, તે તમામ વસ્તુઓની નોંધ લે છે. તે એ વાતની ખાતરી કરે છે કે, જેની પાસેથી આજે ઝૂંટવી રહ્યા છો, તે એક સમયે તમને કહેશે કે, 'કલ કા હર વાકિયા તુમ્હારા થા, આજ કી દાસ્તાં હમારી હૈ..' કારણ કે, જે કર્યું છે તેનું સારું-ખરાબ ફળ મળવાનું જ. ખેર, આ વાત પછી ક્યારેક, પણ કોઈના કામને કેવી રીતે સન્માન આપવું તેનું યોગ્ય ઉદાહરણ ગુલઝારે આપ્યું છે.
'અંગૂર' ફિલ્મ શરૂ જ શેક્સપિયરની તસવીર સાથે થાય છે. તેને જોતાં જ લાગે જાણે શેક્સપિયર કહી રહ્યા છે કે, 'વો એક દિન એક અજનબી કો, મેરી કહાની સૂના રહા થા.' ગુલઝાર પોતાના અવાજમાં કહે છે કે, આ વાર્તા મારી નથી આ સાહેબની 'ધ કોમેડી ઓફ એરર્સ' પરથી પ્રેરણા લઈને મેં આ ફિલ્મ બનાવી છે. જ્યારે ફિલ્મ પૂરી થાય છે ત્યારે ફરી એકવાર શેક્સપિયરની તસવીર જોવા મળે છે. જાણે ગુલઝાર કહી રહ્યા છે કે, હૂં કોઈનું પણ ઋણ બાકી નથી રાખતો, થેંક્યુ સો મચ.
'વો ઉમ્ર કમ કર રહા થા મેરી,
મૈં સાલ અપને બઢા રહા થા...'









