ભૂકંપપ્રૂફ મકાનોમાં વિજ્ઞાાન
ભૂકંપનો આંચકો જમીન આડી લીટીમાં આગળપાછળ સરકે તે રીતે ધ્રુજાવે છે. સૌથી વધુ નુકસાન મકાનો અને પૂલો જેવા બાંધકામને થાય છે, નુકસાનનો આધાર ભૂકંપની તીવ્રતા પર છે. પાયાની જમીન ધ્રૂજે ત્યારે મકાનો પાયામાંથી હચમચે છે તેની ધ્રૂજારી મકાનની ટોચે પહોચતા થોડી વાર લાગે એટલે મકાન વચ્ચેથી તૂટે છે. પાયો ઊંડો હોય તો અસર ઓછી થાય પરંતુ થાંભલા ઉપર ઊભેલા મકાનો તરત જ ધરાશાયી થાય છે.
મકાનની દીવાલો સિમેન્ટ કોન્ક્રિટની હોય છે. તે સ્થિતિસ્થાપક વસ્તુની જેમ આંચકા સહન કરી શકે નહી. ભૂંકપમાં ઝાડ જલદી પડતાં નથી પણ વીજળીના થાંભલા જલદી તૂટી પડે. વિજ્ઞાાનીઓએ આ બધી વાતોનો અભ્યાસ કરીને ભૂકંપમાં મકાનોને ઓછુ નુકસાન થાય તેવી ડિઝાઇન બનાવવાના પ્રયાસોે કર્યા છે.
અમેરિકાના વિજ્ઞાાનીઓએ સાનફ્રાન્સિકોમાં એક મકાનનાં પાયામાં રબર અને સ્ટીલના બનેલા ઓશિકા મૂક્યા છે. ઓશિકામાં રબર અને સ્ટીલના ૨૩-૨૩ પડ મૂકેલા છે. ઓશિકા ૧૭ ઇંચ ઊંચા છે. આખુ મકાન જાણે સંખ્યાબંધ બમ્પર પર ઉભું છે. તે ભૂંકપના તીવ્ર આંચકા સહન કરી શકે છે.જાપાનમાં સૌથી વધુ ભૂકંપ થાય છે. ત્યાંના વિજ્ઞાાનીઓએ ઊંચા મકાનોને જમીન સાથે જકડી રાખવા કાર્બન ફાઈબરના દોરડાં બનાવ્યા છે. વજનમાં હળવા પણ મજબૂત આ દોરડાના ૧૬૦ મીટર રોલનું વજન માત્ર ૧૨ કિલો થાય છે. તાઈવાનના ૧૬૬૭ ફૂટ ઊંચા તાઈપેઈ ટાવરમાં ૮૭ અને ૯૨મા માળની વચ્ચે ૭૨૮ ટનનો ડેમ્પર લટકાવેલો છે. લોલક જેવું આ ડેમ્પર મકાન ધ્રૂજે તે તેની વિરૂધ્ધની દિશામાં ફંગોળાઇને સમતોલન જાળવી રાખે છે. ૨૦૦૦ ફૂટ ઊંચા શાંઘાઇ ટાવરના પાયામાં એન્જિનિયરે ૩૦૦ ફૂટની ઊંડાઈએથી રેઈનફોરેસ્ટની માટી લાવીને પાથરી છે.
સાનફ્રાંન્સિસ્કોના ટ્રાન્સઅમેરિકા પિરામિડ નામના ટાવરના પાયામાં સ્ટીલ અને કોન્ક્રિટના એવા ઓેશિકા મૂક્યા છે કે તે જમીનની ધુજારી સહન કરી શકે છે. ૧૯૮૯માં ૬.૯ની તીવ્રતાના ભૂકંપમાં પણ આ મકાનને નુકસાન થયું નહોતું.