Magazines

'ગમે તેવું બોલો,' ગમ્મે' તેવું ન બોલો .

By GS TEAM
1 Apr 20263 mins read
'ગમે તેવું બોલો,' ગમ્મે' તેવું ન બોલો                              .

- પ્રેરણાની પરબ- આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ

યાદ આવે છે કે ભારતના વર્તમાનકાલીન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જીવનના બે પ્રેરણાત્મક લઘુ પ્રસંગો : (૧) તેઓ જ્યારે ઇ.સ. ૨૦૧૪માં સૌ પ્રથમવાર રાષ્ટ્રીયફલક ઉપર ઉભરી આવ્યા અને પ્રથમવાર સંસદમાં પહોંચ્યા ત્યારે અન્ય પ્રધાનોની જેમ સીધા સંસદ ભવનની સીડી ચઢી ન ગયા. બલ્કે સંસદને એક મંદીર ગણીને સૌ પ્રથમ તેની સીડીને વંદન કરીને પછી આગળ વધ્યા. તેમની આ અનોખી શૈલીએ લોકોનાં મન મોહી લીધા અને (૨) એ જ વર્ષે ભારતીય સંસદમાં જવા માટે તેઓ ગુજરાતમાંથી વિદાય લઈ રહ્યા હતા ત્યારે ગુજરાત વિધાનસભામાં તેમની વિદાય સભા યોજાઈ. મોદીએ એ સભામાં હૃદયથી ભીના બનીને એક વાક્ય એવું ઉચ્ચાર્યું જે મીડિયામાં અને લોકોના દિલમાં છવાઈ ગયું. તેમણે કહ્યું : ' આટલા વર્ષોમાં આપને કોઈ દુ:ખ પહોંચ્યુ હોય તો મિચ્છામિ દુક્કડં-ક્ષમા આપશો.' આ બંને લઘુ પ્રસંગો ભારતીય વડાપ્રધાનની સજ્જનતાના દ્યોતક છે. એથી જ એમ ચોક્કસ માનવું પડે કે છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી નરેન્દ્ર મોદી ભારતવર્ષ પર નિરાબાધ શાસન કરી રહ્યા છે તેનાં અનેક કારણો પૈકીનું એક કારણ તેમની આ સજ્જનતા પણ છે. સજ્જનતા વ્યક્તિને મહદંશે સર્વત્ર સ્વીકૃત બનાવે છે. આવકાર્ય બનાવે છે. આવી સજ્જનતાને જીવનમાં આત્મસાત્ કરવા માટે આપણે અંતિમ છ લેખથી સજ્જનના આઠ લક્ષણોનો વિચાર કરી રહ્યા છીએ. તેમાં સાતમું લક્ષણ સિંદૂરપ્રકર' ગ્રંથમાં આ રીતે દર્શાવાયું છે કે 'નૌચિત્યમલ્લઘયતિ.' મતલબ કે 'સજ્જન વ્યક્તિ ઔચિત્યનો-ઉચિત આચરણનો ત્યાગ-ઉલ્લંઘન કરતો નથી.'

સજ્જન વ્યક્તિ સ્વજીવનમાં હંમશા માર્યાદાપૂર્ણ વ્યવહાર જ કરતી હોય. જ્યાં જે રીતનું આચરણ યોગ્ય હોય ત્યાં તે જ રીતનું આચરણ એનાં જીવનમાં જોવા મળે. એથી વિપરીત આચરણ જોવા ન મળે. આ રીતે ઔચિત્યનું પાલન કરનાર વ્યક્તિને બે લાભ થાય છે :

(૧) એ વિવેક સંપન્ન બને છે : કારણે ઔચિત્યપાલન ત્યારે જ થઈ શકે જ્યારે જીવન વિવેકપૂર્ણ હોય અને (૨) એ સંસ્કાર સંપન્ન બને છે : જે વ્યક્તિ સર્વત્ર ઔચિત્યપૂર્ણ વ્યવહાર કરે એનું જીવન સહજતાથી સંસ્કારોથી વિભૂષિત બની જાય છે. આવો, ઔચિત્યના સંદર્ભમાં આપણે અહીં એક મસ્ત ઘટના નિહાળીએ જેમાં વિવેકસંપન્નતા આપણને ઝળહળતી દેખાય.

લગભગ ચારસોથી અધિક વર્ષ પૂર્વે થયેલ જૈનાચાર્ય જગદ્ગુરુહીરસૂરિજી મ.ત્યારે દિલ્હીમાં અકબર બાદશાહના દરબારમાં બિરાજમાન હતા. એ દિવસે અકબરે અચાનક પ્રશ્ન કર્યો : 'ગુરુદેવ ! આપ માળા ગણો અને અમે મુસ્લિમો પણ માળા ગણીએ. અમે એને 'તસલી' કહીએ છીએ. પણ આપની અને અમારી પદ્ધતિ જુદી છે. આપ મણકા બહારથી અંદર તરફ લો અને અમે અંદરથી બહાર તરફ. તો આમાં સાચી પદ્ધતિ કંઈ ?' વિરોધીઓ આ પ્રશ્ન સાંભળી ગેલમાં આવી ગયા કે હવે જગદ્ગુરુ બરાબર ફસાયા. કારણકે મુસ્લિમ પદ્ધતિ સાચી કહે તો જૈન ધર્મની હાંસી થાય અને જૈન પદ્ધતિ સાચી કહે તો અકબર નારાજ થાય. પરંતુ આચાર્યદેવે ક્ષણવારમાં જ ઔચિત્યભર્યો-વિવેકભર્યો અને બુદ્ધિમત્તાભર્યો એવો અદ્ભુત જવાબ આપ્યો કે તે સાંભળીને સહુ તાજ્જુબ થઈ ગયા. તેમણે કહ્યું : 'બંને પધ્ધતિ સાચી છે. અમે મણકાને અંદર તરફ એટલે લઈએ કે જેથી ગુણો અમારા દિલમાં આવે અને તમે મણકાને બહાર એટલે લઈ જાઓ કે જેથી તમારા દોષો બહાર જતા રહે. કાર્ય તો બંનેનું એક જ છે : આત્માને પવિત્ર બનાવવાનું. એક ગુણો મેળવીને પવિત્ર બને અને બીજો દોષ બહાર કાઢીને પવિત્ર બને.' વિરોધીઓ સહિત સમગ્ર સભા આફરીન પોકારી ગઈ આ ઉત્તર પર. પ્રસ્તુત ઉત્તરમાં જૈન ધર્મની હાંસી ન થાય તેવું ઔચિત્ય, અન્ય ધર્મની નિંદા ન થાય અને રાજા નારાજ ન થાય તેવો વિવેક તેમજ કોઈનાં દિલને પોતાની વાણીથી આંશિક પણ ઠેસ ન પહોંચે એવા સંસ્કારનો સુભગ સંયોગ રચાયો છે. આવો, આવા ઔચિત્યસંપન્ન બનવાના સંકલ્પ સાથે પ્રસ્તુત ઘટનાનાં અનુસંઘાનમાં આપણે યાદ રાખીએ આ સંદેશો કે : ' કોઈને 'ગમે' તેવું બોલો, કોઈને 'ગમ્મે' તેવું ન બાલો...'