Magazines

સરગવાની શિંગના પાન આપે માસિકની પીડામાં રાહત

By GS TEAM
28 Jul 20252 mins read
સરગવાની શિંગના પાન આપે માસિકની પીડામાં રાહત

કોઈપણ કન્યા ૧૨થી ૧૩ વર્ષની થાય એટલે તેને માસિક આવવાનું શરૂ થઈ જતું હોય છે. આ સમય દરમિયાન કેટલીક છોકરીઓ/મહિલાઓને પેટના નીચેના હિસ્સામાં તીવ્ર પીડા થાય છે. જ્યારે કેટલીક યુવતીઓને ઝાઝી તકલીફ નથી પડતી. જે મહિલાઓને માસિક વખતે અથવા માસિક આવવાનું હોય તેનાથી પહેલા અસહ્ય પીડા થતી હોય તેઓ સામાન્ય રીતે ઘરના એક ખૂણે ટૂંટિયું વાળીને સૂઈ રહે છે. જ્યારે કેટલીક યુવતીઓ પીડા સહન કરવાને બદલે તબીબનો સંપર્ક કરે છે. પરંતુ જેમને આવા કારણસર ડોક્ટરની સલાહ લેવાનું ઇચ્છા ન હોય તેઓ ઘરગથ્થું ઉપચારપણ કરી શકે. નિષ્ણાતો કહે છે કે માસિકની તીવ્ર પીડામાં રાહત મેળવવા સરગવાની શિંગના પાન ખપ લાગે છે. બસ, તેમને આ પાનમાંથી જ્યુસ બનાવવાનું રહે છે. જ્યારે આ જ્યુસનું સેવન કરવામાં આવે ત્યારે તેમાં રહેલા કુદરતી તત્ત્વો શરીરમાં આર્યન, એટલે કે લોહ તત્ત્વ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. એટલું જ નહીં, આ જ્યુસ શરીરને પોષક તત્ત્વોથી ભરી દે છે જે છેવટે માસિકનો પરિતાપ ઘટાડે છે. આજે આપણે સરગવાની શિંગના પાનમાંથી જ્યુસ શી રીતે બનાવવું તે જાણીએ.

* સરગવાની શિંગના થોડાં પાન લઈને તે સારી રીતે ધોઈ લો.

* ધોયેલા પાનને મિક્સરમાં દળી લઈને તેમાંથી જ્યુસ નીચોવો.

* પા કપ જેટલા જ્યુસમાં એક ટેબલસ્પૂન જેટલું મધ ભેળવો.

* આ મિશ્રણ વહેલી સવારે નરણા કોઠે માસિકના પ્રથમ બે દિવસ દરમિયાન પીઓ.

* તમે ચાહો તો તેમાં થોડાં ટીપાં લીંબુનો રસ પણ ભેળવી શકો.

* આ જ્યુસ માસિક દરમિયાન થતી પીડામાં રાહત આપે છે.

જોકે નિષ્ણાતો એમ કહેવાનું પણ નથી ચૂકતાં કે આ ઘરગથ્થું ઉપચારથી માસિક દરમિયાન થતી તીવ્ર પીડામાં રાહત મળતી હોવા છતાં જો તેનું ધાર્યું પરિણામ ન મળે અથવા તમારી પીડા અતિતીવ્ર હોય તો સમય વેડફ્યા વિના તબીબનો સંપર્ક કરવો.