Magazines

સંજુબાબા પોતાની આઇકનિક ફિલ્મોની રિમેક બનાવી રોકડી કરશે

By GS TEAM
21 May 20263 mins read
સંજુબાબા પોતાની આઇકનિક ફિલ્મોની રિમેક બનાવી રોકડી કરશે

- 'ખલનાયક રિટર્નસ'નું ધુમધડાકા સાથે પોસ્ટર રિલિઝ કરીને દત્ત દંપતિએ બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા

હિન્દી ફિલ્મોમાં કન્ટેન્ટના ફાંફા છે. બોલિવુડમાં દર્શકોને ગમી જાય એવી સ્ટોરીઝ કોઈને સૂજતી નથી. એટલે સિનેમાઘરોમાં એક પછી એક મૂવી ફ્લોપ થઈ રહી છે. સંજય દત્ત અને એની પત્ની માન્યતાએ એનો સહેલો ઉપાય શોધી કાઢ્યો છે. એમણે પોતાની પ્રોડક્શન કંપની થ્રિ ડાયમેન્શન મોશન પિકચર્સ હેઠળ સંજુબાબાની જ જુની હિટ અને સુપર હિટ ફિલ્મોની રિમેક બનાવવાની સ્ટ્રેટજી અપનાવી છે. સંજયને લીડ રોલમાં ચમકાવતી શોમેન સુભાષ ઘાઈની ૩ દાયકા પહેલાની બ્લોકબ્લસ્ટર 'ખલનાયક' એ સિરીઝની પ્રથમ ફિલ્મ હશે.

હજુ એપ્રિલમાં જ 'ખલનાયક રિટર્નસ'નું ધુમધડાકા સાથે પોસ્ટર રિલિઝ કરીને દત્ત દંપતિએ બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. આ પ્રોજેક્ટમાં માન્યતા દત્ત, જિયો સ્ટુડિયોઝ અને રિયાલ્ટી ડેવલપર મોહિત કમ્બોજ ભારતીયના પત્ની અક્ષા કમ્બોજ પાર્ટનર્સ છે. સંજુબાબાના બેનર થ્રિ ડાયમેન્શનની નવી પ્રોડક્શન ઓફિસ  અંધેરીમાં યશરાજ ફિલ્મ્સ સ્ટુડિયોની નજીક જ છે. સુભાષ ઘાઈ પાસેથી 'ખલનાયક' (૧૯૯૩)ના રાઇટસ મેળવ્યા બાદ દત્ત હવે 'ખલનાયક રિટર્નસ' માટે મજબુત ડિરેક્ટર શોધી રહ્યો છે. અત્રે નોંધવુ ઘટે કે કોરોનાકાળ બાદ એક્ટર તરીકે સંજયના કરિઅરની બીજી ઇનિંગ શરૂ થઈ છે. સાઠીમાં પ્રવેશેલા એક્ટર માટે કામની કોઈ કમી નથી. એને બોલિવુડ ઉપરાંત સાઉથની પણ બિગ બજેટ ફિલ્મો મળી રહી છે. આદિત્ય ધરની 'ધુરંધર' બાદ સંજયે રિતેશ દેશમુખની ફિલ્મ 'રાજા શિવાજી'માં અફઝલ ખાનનો રોલ કરી પોતાની બહુમુખી પ્રતિભાના દર્શન કરાવ્યા છે. એને પગલે દત્તે હવે પ્રોડક્શનમાં ફુલફ્લેજ્ડ ઝંપલાવવાનું નક્કી કર્યું છે. હોમ પ્રોડક્શનના અહમ નિર્ણયોમાં સહભાગી થવા માન્યતા દુબઈ અને મુંબઈ વચ્ચે આંટાફેરા કરશે.  

પોતાની પહેલી રિમેકની જાહેરાતને ઈન્ડસ્ટ્રી અને મીડિયામાં જે પ્રકારનો પોજિટીવ રિસ્પોન્સ મળ્યો છે એનાથી સંજુ પોતાની બીજી આઇકનિક મૂવીજના રાઈટ્સ મેળવવા પ્રેરાયો છે. 'ખલનાયક' બાદ સંજય અને માન્યતા એની ૧૯૯૯માં રિલિઝ થયેલી અન્ડરવર્લ્ડ એક્શન-થ્રિલર 'વાસ્તવ : ધ રિયાલિટી'ના રાઇટ્સ મેળવવા ઉત્સુક હોવાનું સંભળાય છે. આ ફિલ્મથી જ ડિરેક્ટર મહેશ માંજરેકરે બોલિવુડને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. 'વાસ્તવ' ૯૦ના દશકમાં માત્ર રૃા.૭.૫ કરોડના બજેટમાં બની હતી અને એણે બોક્સ ઓફિસ પર રૃા.૨૦ કરોડથી વધુનો વકરો કરવા ઉપરાંત 'કલ્ટ' ફિલ્મનું સ્ટેટસ મેળવ્યું હતું. દત્તની પ્રોડક્શન ટીમના એક સીનિયર સભ્યે ફિલ્મની રિમેકની વાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે 'વાસ્તવ' સંજય સરની બહુ વહાલી મૂવી છે. ૨૦૦૦ની સાલમાં આ જ મૂવી માટે એમને બેસ્ટ એક્ટર તરીકે ફિલ્મફેર એવોર્ડ અને આઈફા ટ્રોફી મળી હતી. એટલે તેઓ 'વાસ્તવ'નું નવુ વર્જન બનાવવા ઉત્સુક છે.'

હવે જોવાનું એ છે કે 'વાસ્તવ'ની રિમેકનું સુકાન દત્ત મહેશ માંજરેકરને જ સોંપે છે કે 'ખલનાયક' રિટર્નસની જેમ એના માટે પણ કોઈ બીજો ડિરેક્ટર શોધે છે. અલબત્ત, સંજુ અને માન્યતા માટે સુભાષ ઘાઈ અને મહેશ માંજરેકરટની તોલે આવી શકે એવા ડિરેક્ટર્સ શોધવાનું કામ સહેલુ તો નહિ જ હોય. ઘાઈએ તો 'ખલનાયક'ના રિમેક રાઇટસ માટે વાતચીત ચાલતી હતી ત્યારે જ દત્ત અને એની ટીમને કહી દીધું હતું કે હું ૮૦ વરસની વય વટાવી ગયો હોવાથી રિમેકનું ડિરેક્શન નહિ કરું, માત્ર ક્રિયેટીવ પ્રોડયુસર તરીકે જ સેવા આપીશ.