Magazines

સમીરા રેડ્ડી: કુદરતના ખૂબસૂરત ખોળામાં...

By GS TEAM
18 Jun 20264 mins read
સમીરા રેડ્ડી: કુદરતના ખૂબસૂરત ખોળામાં...

નિસર્ગનો શોખ ઘણાંને હોય છે- સામાન્ય લોકોથી માંડીને સેલિબ્રિટીઝ સુધીના લોકોને. અરે, અમિતાભ બચ્ચનના બંગલાની ફરતે મની પ્લાન્ટની લાંબી-લાંબી વેલીઓથી તો બંગલાની આખી દીવાલ ઢંકાયેલી છે તો નાના-મોટા અન્ય બગીચા બંગલાને નવું વૈવિધ્ય પૂરું પાડે છે તો ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના બંગલામાં નિસર્ગનું મનમોહક સામ્રાજ્ય છે.. આ યાદી તો ઘણી લાંબી થાય એમ છે, પણ થોડા વર્ષોથી મુંબઈ છોડી ગોવામાં સ્થાયી થયેલી અભિનેત્રી સમીરા રેડ્ડીનો નિસર્ગ પ્રેમ તો નિરાળો જ છે. મુંબઈની ભાગદોડભરી જિંદગીથી કંટાળીને કોરોના મહામારી વેળા સમીરા થોડા દિવસ ગોવા વેકેશન માણવા ગઈ હતી, પણ ગોવા તેને એટલું ગમી ગયું કે તેણે તો ત્યાં સરસ મજાનું ઘર જ વસાવી લીધું. આટલું જ નહીં, તેના બે બાળકોને પણ તેણે નિસર્ગના જ સાચા પાઠ ભણાવ્યા છે.

સમીરા રેડ્ડીને નૈસર્ગિક સૌંદર્ય તો ગમે જ છે, પણ તેની સાથોસાથ અનેકવિધ વૃક્ષો રોપવાનો, ફળો ઉગાડવાનો અને બગીચામાંથી જ રોજિંદા જીવનની વિવિધ શાકભાજી, સલાડ માટેના પાન અને શાક માટેની સામગ્રી પોતાની મેળે જ ઉગાડે છે અને તેનો રોજિંદો વપરાશ પણ કરે છે. છેલ્લે સમીરા રેડ્ડી તો 'આખરી સવાલ' ફિલ્મમાં જોવા મળી હતી.

સમીરા રેડ્ડીએ ઉત્તર ગોવાના બસ્તોરામાં પોતાનું એક એવું જીવન વિકસાવ્યું છે, જે પ્રકૃતિના લય સાથે સંકળાયેલું છે-સ્પર્શેલું છે. રોજિંદા કચરામાંથી સુધ્ધાં ખાતર બનાવવામાં આવે છે. ઘરે ઉગાડવામાં આવતી વિવિધ પેદાશોનો રસોડામાં વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે અને જીવન એકદમ નૈસર્ગિક પેદાશો આધારિત બની ગયું છે. અરે, સમીરાના બાળકોને પણ એવા પાઠ શીખવવામાં આવ્યા છે કે તેઓ પણ મોબાઈલ અને ટીવીના સ્ક્રીન પર જીવન વિતાવવાને બદલે બહારના જીવનના પાઠ શીખે છે. વાસ્તવમાં સમીરા માટે તો ગોવાને પોતાનું ઘર બનાવવાનો તો કોઈ વિચાર જ નહોતો. તેને ગોવામાં ઘર બનાવાયું જ નહોતું. પણ ગોવાને તો નિસર્ગ સાથે પ્રેમ કરી તેને પોતાના અને પોતાના પરિવારજનોને વિકસાવવાનો પ્રયત્ન હતો.

ખાદ્યખોરાકીની ઘણી વસ્તુઓ બગીચામાંથી જ આવે છે. જો તમે સમીરાના ટીવી પર જોશો તો તમને માત્ર હરિયાળી જ જોવા નહીં મળે, પણ બીજું ઘણું બધુ નૈસર્ગિક જોવા મળશે, જે આપણે કદી જોયું જ નથી. સમીરાએ પોતાના બગીચામાં કેરી, ચીકુ, નાળિયેરી, બિમ્બલી, સોપારી, બ્રેડફટ અને કેળાના અસંખ્ય વૃક્ષો વાવ્યા છે. કેળાના વૃક્ષો તો આખા લેન્ડસ્કેપમાં છવાયેલા છે. સમીરા કહે છે, 'અમારી પાસે તો વિવિધ શાકભાજીનો એક મોટો બગીચો છે. જ્યાં અમે પાલક, સલાડમાં વપરાતાં વિવિધ પાન-અને અન્ય મોસમી પેદાશો ઉગાડીએ છીએ. અમે જે શાકભાજી, ફળો આરોગીએ છીએ એમાંથી ઘણું બધુ અમારા બગીચામાંથી જ આવે છે,' એમ સમીરા ઉમેરે છે.

અમારી પાસે કંઈ પણ વસ્તુ બગડતી નથી. આ સંદર્ભે સમીરા શેર કરે છે, 'કેળાના વૃક્ષને જે ફળ આવે છે એ તો અમારી શાકભાજીમાં જાય છે. તેના થડનો ઉપયોગ તો સ્વસ્થ-રસ માટે થાય છે અને કેળાનો ઉપયોગ તો ખાવાથી માંડીને બ્રેડ બનાવવા સુધી થાય છે. આ બધુ જ જંતુનાશક મુક્ત છે. તેમાં કોઈ રસાયણો કે ઝેરી પદાર્થો વાપરવામાં નથી આવતા. અહીં તો વિવિધ પાકો પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે અને ત્યારે જ અમારા પાડોશીઓ અને મિત્રો કેળાની મોટી લૂમો લઈને એકબીજાના ઘરે આપવા જાય છે,' એમ સમીરાએ ઉમેર્યું હતું.

ભીના કચરાનું તો ખાતર બને

ગોવાએ સમીરાના જીવનમાં મોટું પરિવર્તન આણ્યું એ તો સાચું જ છે, પણ તેની સાથોસાથ સમીરા તો કચરામાંથી ખાતર બનાવવાનું પણ શીખી ગઈ છે. સમીરા કહે છે, 'અહીં આવતા પહેલાં મને આ અંગે કોઈ જાણ જ નહોતી. આજે અમારો બધો ભીનો કચરો ખાતરમાં રૂપાંતરિત થાય છે અને આમ તે ફરી માટીમાં જ ભળે છે. અમારા ઘરમાંથી કોઈ ભીનો કચરો નીકળતો જ નથી. મારા માટે તો આ એક મોટું પરિવર્તન સમાન છે.'

એ સાચું કે મારી આ સફર કંઈ સરળ તો નહોતી જ. ઘણાં બધા નિષ્ફળ પ્રયાસો પણ કર્યા, પુષ્કળ વાંચન થયું અને કલાકો ટયુટોરિયલ્સ જોવામાં પણ વિતાવ્યા. 'જ્યારે અમે શરૂઆત કરી ત્યારે થોડા વાર નિષ્ફળ પણ ગયાં. મેં ઘણું સંશોધન કર્યું વીડિયોઝ જોયા અને સાથેસાથે શીખતા પણ રહ્યા. આખરે, અમે એ શોધી કાઢ્યું!'

'હું પ્લાસ્ટિકનું ઘર નહીં બનાવું...' કહીને સમીરા ઉમેરે છે, 'ટકાઉપણું એ કંઈ ભવ્ય કાર્યો વિશે તો નથી જ. એ તો રોજિંદી પસંદગીઓ વિશે છે. આપણે પાણી બચાવવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. આ સાથે જ આપણી આસપાસ જે પાણી પહેલેથી જ છે તેનો ઉપયોગ કરવો જોઈએ. આપણે કુદરતી સંસાધનોનો બગાડ તો ન જ કરવો જોઈએ. મારી કારમાં પ્લાસ્ટિકની નહીં, પણ કાપડની બે-ત્રણ થેલીઓ તો અચૂક રહેલી હોય છે. તમે એવો નિર્ણય કરો કે પ્લાસ્ટિકનો ઉપયોગ તો કરીશું જ નહીં,' એમ સમીરાએ જણાવ્યું હતું.

બાળકોને પ્રકૃતિની નિકટ ઉછેરવાની વાત કરતાં સમીરા રેડ્ડી કહે છે, 'મારો પરિવાર જે કંઈ કરે છે તેનો ઉપયોગ કરે છે. જો મારા પરિવારને એક કપ લેમનગ્રાસની ચા જોઈએ તો અમે ફક્ત પાછલા વરંડામાં જઈને અને લેમનગ્રાસ તોડી લાવીએ છીએ. હું ભાગ્યશાળી છું કે મારા બાળકો પ્રકૃતિની નિકટ છે. તેઓ નાસ્તામાં ફણગાવેલા બીજ કે કઠોળ ખાય છે. જો તેઓ સાપ જુએ તો તેનાતી ગભરાતા નથી, પણ દૂર ખસી જાય છે અને તેની જગ્યાનો આદર કરે છે,' એમ સમીરાએ જણાવ્યું હતું.