Magazines

સંત કબીર 627 વર્ષ પછી પણ આજે હયાત છે!

By GS TEAM
24 Jun 20263 mins read
સંત કબીર 627 વર્ષ પછી પણ આજે હયાત છે!

સાદગીના એ સોદાગર હતા, નમ્રતા સાથે જેમને નાળસંબંધ હતો, સદ્ગુણોના એ સ્વામી હતા, સંતોષ એમનો સદાય સાથી હતો, ભજનમાં જેમની ભક્તિ હતી, પ્રેમ એમની પુંજી હતી, પુરુષાર્થ જેમનો પારસમણિ હતો, શબ્દો એમના સગા હતા, દોહા જેમની દુહાઈ હતી,' એક ઇશ્વર જેમની અડગ આસ્થા હતી, અંધશ્રધ્ધા જેમને અળખામણી હતી એવા સંત આપણે ત્યાં આજથી ૬૨૭ વર્ષ પહેલાં થઈ ગયા અને સમગ્ર ભારતના સંતની યાદીમાં જેમને ૧ થી ૧૦ નંબરમાં અચૂક સ્થાન આપવું જ પડે એ સંતનું નામ છે : સંત કબીર, જે એમના અજોડ દોહાઓ થકી શબ્દ દેહે આજે પણ હયાત છે.

ચૌદહસો પચપન સાલ ગયે,

ચંદ્રવાર એક ઠાઠ ભયે;

જેઠ સુદી વર સાઈત કો,

પૂરનમાસી પ્રગટ ભયે.

લહરતારા તળાવના કમળદળ ઉપરથી નીરૂ અને નીમા વણકર દંપતિને કબીર મળ્યા. જન્મે તેઓ બ્રાહ્મણ હતા, કર્મે તેઓ વણકર હતા, સ્વભાવે એ કવિ હતા. એમનાં પત્નીનું નામ લોઈ, પુત્ર કમાલ અને પુત્રી કમાલી હતાં રામાનંદ તેમના ગુરુ. કોઈ તંત નહિ તેવા સંત. તાર વણતાં વણતાં જ એકતારને પામી ગયા.

કબીરા કૂઆ એક હૈ, પનિહારી અનેક ;

બરતન સબ ન્યારે ભયે, પાની સબમે એક.

હતા અભણ પણ ભણેલાને ય ભાન ભૂલાવે. એ આખા બોલા હતા અને પેટ છૂટાય હતા. અનુભવી હતા અને આગમમાં અડગ હતા. સાકરના ગાંગડાને ગમે ત્યાંથી ચાખો એ ગળ્યો જ લાગે એવા એમના દોહા હતા. ન્યાય નિચોડુ શબ્દમાધુર્ય, ઉત્તમ ઉદાહરણ, ધાર્યુ નિશાન તાકતો શબ્દપ્રયોગ લક્ષવેધી બાણની જેમ અચૂક નિશાન, સાદી ભાષા જેવા અનેક દોહા શુધ્ધ સોનાના દાગીના જ જોઈ લો ને! એક ઉદાહરણ:

એક રામ દશરથકા બેટા,

એક રામ ઘટ ઘટ મેં લેટા ;

એક રામ હૈ જગત પ્રસારા,

એક રામ હૈ સબસે ન્યારા.

ચોખ્ખા ઘીનો શીરો ગળે ઉતરી જાય એમ એ પોતાની વાત દોહામાં કહેતા. ભજન, ભક્તિ, ભગવાન, ભગત, ભવનો સરવાળો કરો, વહેમ, અંધશ્રદ્ધા, દંભ, અભિમાન, કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર, ભય, આળસની બુરાઈઓની બાદબાકી કરો, દયા, દાન, તપ, જપ, અહિંસા, પરોપકાર, પુરુષાર્થ, બંદગી, ચારિત્ર્ય, પ્રેમ, ગુરુ પ્રેમ, વિનય, વિવેક જેવા સદ્ગુણોના ગુણાકાર કરો અને દુર્ગુણોના ભાગાકાર કરો પછી જે એક જવાબ આવે છે એ છે કબીર.

દયા, ગરીબી, બંદગી, સમતા, શીલ, સ્વભાવ;

ઇતને લક્ષણ સાધુ કે, કહે કબીર સમજાય.

કબીરે આખા ય ભારતની યાત્રા કરી. સાધુ તો ચલતા ભલા કહેવત સાર્થક કરી. ગુજરાતમાં ભરૂચ પાસે નર્મદા કિનારે શુકલતીર્થમાં આજે ય કબીરવડ સાક્ષી પૂરે છે. પ્રકૃતિએ પણ એમની મહાનતા આ વિશાળ અને ઘેઘૂર વડલાથી પોંખી છે. કાશીના મગહરમાં એ પછી સ્થિર થયા. કબીરનું સાહિત્ય ખેડાણ ખૂબ ઊંડું છે. કવિતા, દોહા, પદો, ભજનો, સાખીઓ, કબીરગ્રંથાવલી, કબીરવાણી, કબીર-બીજકમાં આ બધું સંગ્રહિત છે. કબીરનો એક એક દોહો એક એક પુસ્તક છે. કબીરપંથ દ્વારા આજે ય કબીર હયાત છે.

'કબીર' શબ્દનો અર્થ જ 'મહાન' થાય છે. કબીર ૧૨૦ વર્ષ જીવ્યા. એમના બે અતિપ્રસિધ્ધ દોહાનું ગાન કરી આવો આજે સંતકબીરની ૬૨૭મી જન્મજયંતીએ પુષ્પાંજલિ, ભાવાંજલી અર્પણ કરી આ સંતના સુવાસનાં સુમનની સરાહનાને પ્રણામ કરી ધન્યતાનો અનુભવ કરીએ.

કબીરા કબીરા કયા કરો, જાવ જમના કે તીર;

એક રાધા કે પ્રેમમેં, બહ ગયે લાખ કબીર.

કહેં કબીર પુકારકે, દો બાતે તુ શીખ લે,

કર સાહબકી બંદગી ઔર ભૂખે કો દે અન્ન.