સહિયર સમીક્ષા - નયના
હું ૨૫ વર્ષનો વિદ્યાર્થી છું. હું મારી પિતરાઈ ભાભીની બહેનને પ્રેમ કરું છું. તે પણ મને પસંદ કરે છે. પરંતુ છોકરી તેના ઘરનાથી ડરે છે તેથી પ્રેમનો એકરાર નથી કરતી.
પ્રશ્ન : મારા લગ્ન હજુ છ મહિના પહેલાં જ થયા છે. લગ્ન પહેલાં પતિની નોકરી અને પગાર વિશે ખોટી માહિતી આપવામાં આવી હતી. લગ્ન પછી ખબર પડી કે પતિ બેરોજગાર છે. મેં સમજૂતી સાધવાના ઘણા પ્રયત્નો કર્યા છતાં પણ સાસરે તાલમેળ બેસાડી શકી નથી. પતિ શારીરિક તથા માનસિક ત્રાસ આપે છે. ઘરમાં સાસુસસરા સિવાય પણ ઘણા સભ્યો છે છતાં કોઈ મારા પતિને સમજાવતું નથી, પરંતુ મારો જ દોષ કાઢે છે.
કેટલાક સમયથી હું પિયરમાં જ છું. વચ્ચે વચ્ચે એક-બે વાર સાસરે ગઈ હતી, પરંતુ પતિ મારી સાથે વાત પણ નથી કરતા. શું કરું?
એક યુવતી (અંકલેશ્વર)
ઉત્તર : લગ્ન નક્કી કરતા પહેલાં તમારા ઘરના લોકોએ છોકરાની તથા તેના કુટુંબ વિશેની જાણકારી મેળવી લેવી જોઈતી હતી. જો તમારી સાથે દગો થયો છે તો એ માટે તમારા ઘરના પણ એટલા જ જવાબદાર છે.
તમે સાસરે સુમેળ કેમ સાધી ન શક્યા, પતિ તમને પસંદ કેમ નથી કરતા વગેરે વાતોનો ખુલાસો તમે નથી કર્યો. તમારા સ્વભાવ અને વર્તનનું નિરીક્ષણ કરો કદાચ કારણ તમને સમજાઈ જાય.
સાસરે રહીને તમારે પતિને કોઈ કામ કરવા માટે પ્રેરણા આપવી જોઈએ તેને બદલે તમે પિયરમાં જઈને બેસી ગયા. તેનાથી સમસ્યાનો ઉકેલ તો આવવાનો નથી. તમારા ઘરે પાછા ફરીને પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરો.
પ્રશ્ન : હું એક મોટી કંપનીમાં એન્જિનિયર છું. લગ્નના થોડા સમયમાં જ મારાં માતાપિતાના છૂટાછેડા થઈ ગયા હતા. જેથી મમ્મીએ માનસિક, આર્થિક મુશ્કેલીઓ ઉઠાવીને મને મોટો કર્યો તથા ઉચ્ચ શિક્ષણ અપાવ્યું છે.
બે મહિના પહેલાં જ મારા લગ્ન થયા છે અને એ સાથે જ મારું જીવન નરક જેવું થઈ ગયું છે. મારી પત્ની પહેલાં જ દિવસથી મારા પર મમ્મી તથા નાનીથી અલગ રહેવા દબાણ કરે છે. હું તેની વાત માનવા બિલકુલ તૈયાર નથી.
મારી પત્ની ખૂબ જ ઝઘડાખોર અને જૂદા પ્રકારની સ્ત્રી છે. વાતવાતમાં મારી મમ્મી અને નાનીનું અપમાન કરે છે. કહે છે કે દહેજ માગવાનો આરોપ મૂકીને અંદર કરાવી દઈશ.
હું હવે જલદી પત્નીથી છૂટકારો મેળવવા ઈચ્છું છું કારણ કે લાખ પ્રયત્નો કરવા છતાં તે તેની જીદ છોડતી નથી. શું મારો નિર્ણય યોગ્ય છે?
એક યુવક (ભરૂચ)
ઉત્તર : તમારી પત્નીના વર્તન પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે તે ઘરમાં સમજૂતી કરવા નથી ઈચ્છતી અને તમે તમારા વૃદ્ધ નાની અને મમ્મીને એકલા છોડી શકો તેમ નથી. આ પરિસ્થિતિમાં છૂટાછેડા સિવાય બીજો કોઈ ઉપાય નથી.
પત્ની દહેજ માગવાનો આરોપ મૂકીને તમને કાનૂની દાવપેચમાં ફસાવે એ પહેલાં કોઈ મિત્ર કે સંબંધીને વચ્ચે રાખીને પરસ્પરની સંમતિથી છૂટાછેડા લેવાનો પ્રયત્ન કરો. જો તમારી પત્ની માની જાય તો ધન અને સમય બંને બચશે.
પ્રશ્ન : હું ૨૫ વર્ષનો એમ.એ. નો વિદ્યાર્થી છું. હું મારી પિતરાઈ ભાભીની બહેનને પ્રેમ કરું છું. તે પણ મને પસંદ કરે છે. મારા ઘરના લોકોની પણ મૌન સ્વીકૃતિ છે. પરંતુ છોકરી તેના ઘરનાથી ડરે છે તેથી પ્રેમનો એકરાર નથી કરતી. હું તેની સાથે લગ્ન કરવા ઈચ્છું છું. જો આમ નહીં બને તો હું ખરેખર જીવી નહીં શકું.
એક વિદ્યાર્થી (અમદાવાદ)
ઉત્તર : હાલ તો તમે તમારો અભ્યાસ પૂરો કરીને પગભર થવાનો પ્રયાસ કરો. આત્મનિર્ભર બનીને કુટુંબની જવાબદારી ઉપાડી શકો તે પછી છોકરીના ઘરના સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકશો તો તેમની પાસે અસ્વીકાર કરવા માટે કોઈ કારણ નહીં હોય.
જો આ દરમિયાન છોકરીના બીજે લગ્ન થઈ જાય તો તમારા માટે ઘણા સારા પ્રસ્તાવ આવશે. અત્યારે લગ્ન કરતાં તમારી કેરિયર મહત્ત્વ હોવાથી તમે છે. તે તરફ ધ્યાન આપો.