સહિયર સમીક્ષા - નયના
મારા મિત્રોનું કહેવું છે કે હું નિયમિત સેક્સ માણું છું એને કારણે મારું વજન વધતું નથી. શું આ વાત સાચી છે?
હું ૩૮ વરસની છું. મારી ભૂલને કારણે અમે ડિવોર્સ લીધા હતા. મારા બાળકો મારા પતિ પાસે છે. હવે એમ થાય છે કે મેં છૂટાછેડા આપીને ઉતાવળ કરી હતી. મારી ભૂલને કારણે મારા બાળકોની જિંદગી ખરાબ થઇ ગઇ છે. આ અપરાધ બોજનો ભાર મારા મનમાંથી જતો નથી. પિયરના લોકો બીજા લગ્ન કરવાનું કહે છે પણ હું મારી જાતને માફ કરી શકતી નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
- એક બહેન(ગુજરાત)
* હવે પસ્તાવાથી કંઇ વળવાનું નથી. વિતી ગયેલો સમય પાછો આવવાનો નથી. ભૂતકાળ ભૂલી તમારે વર્તમાનમાં આગળ વધવાની જરૂર છે. તમારા પતિએ બીજા લગ્ન કર્યાં નહીં હોય અને તેઓ તૈયાર હોય તો તેમની પાસે ભૂલની માફી માગી સમાધાન કરી નવેસરથી જીવન શરૂ થઇ શકે છે. આમ તમારા સંતાનોને માતા અને પિતા બંનેનો પ્રેમ મળી શકશે. એ શક્ય હોય નહીં તો તમારા પરિવારના લોકો કહે છે એ વાત માની બીજા લગ્ન કરી તમારો સંસાર શરૂ કરો. આખી જિંદગી એકલા રહેવું સહેલું નથી. આ ઉપરાંત કોઇ નોકરી શોધી પગભર થાવ.
મારા લગ્નને વીસ વર્ષ થયા છે. ગયે વરસે મારું ગર્ભાશય ઓપરેશન કરી કાઢી નાખવામાં આવ્યું હતું. આ પછી મારી સેક્સમાં રૂચિ ઘટી ગઇ છે. મારા પતિને પણ સેક્સ દરમિયાન ઉત્તેજના થતી નથી. શું ગર્ભાશય કઢાવી નાખવાને કારણે આમ થતું હશે?
- એક બહેન (મુંબઇ)
* ગર્ભાશયને સેક્સ સાથે કોઇ સંબંધ નથી. એનો ઉપયોગ માત્ર સંતાનનો જન્મ આપવાનો જ છે. સેક્સમાં રસ ઓછો થવા પાછળ બીજું કોઇ કારણ જવાબદાર હોઇ શકે છે. આ પાછળ માનસિક કારણ જવાબદાર હોઇ શકે છે. તમારા પતિનો પણ રસ ઓછો થઇ ગયો હોવાથી આનું કારણ કોઇ બીજું જ છે. તમારે બંનેએ કોઇ મનોચિકિત્સક કે સેક્સોલોજીસ્ટની સલાહ લેવાની જરૂર છે.
હું પંદર વરસની છું. મારા ચહેરા અને પેટ પર ઘણા વાળ છે એને દૂર કરવા માટે શું કરવું?
- એક યુવતી (ગાંધીનગર)
* તમારે તમારા હાર્મોન્સની તપાસ કરાવવાની જરૂર છે. ચહેરા અને પેટ પર વધુ વાળ હોવાનું કારણ હાર્મોન્સમાં અસંતુલન હોઇ શકે છે. આજકાલ અણવાંછિત વાળ દૂર કરવાના કેટલાક વિકલ્પ મોજુદ છે. આ માટે લેસર ટેક્નિક પણ વપરાય છે. કોઇ નિષ્ણાત કોસ્મેટિક સર્જનનો સંપર્ક કરી તેમની સલાહ મુજબ ઉપચાર કરાવો.
હું ૨૨ વર્ષની છું. મને એક છોકરા સાથે પ્રેમ હતો. અમે એકબીજાને ઘણો પ્રેમ કરતા હતા. પરંતુ મારા ઘરવાળાને અમારા પ્રેમની ખબર પડતાં તેમણે મને સમજાવી કે આ હું ખોટું કરી રહી છું. અને આ છોકરો મારે લાયક નથી. મને પણ મારા પરિવારના લોકોની વાત સમજાઇ. હવે હું આ સંબંધ તોડવા માંગું છું પણ આ છોકરો મારો પીછો છોડતો નથી. મારે શું કરવું તે સમજાવો.
- એક યુવતી (અમદાવાદ)
* લાગે છે કે તમે એ છોકરાને સ્પષ્ટપણે કહ્યું નથી કે હવે તમે આ સંબંધ ચાલુ રાખવા માગતા નથી. તમે તેને વાત કરી હોય નહીં તો હવે તેને તમારા મનની વાત કહી દો. આ પછી પણ તે તમારો પીછો છોડે નહીં તો તમારે તમારા પરિવારજનોની મદદ લેવી પડશે. તમારા વર્તનથી એ છોકરાને ક્યારે પણ એવું લાગવું જોઇએ નહીં કે તમને તેનામાં રસ છે.
હું ૩૫ વરસનો પરિણીત પુરુષ છું. મારે બે સંતાન છે. અમારી સેક્સ લાઇફ સંતોષજનક છે. મારી સમસ્યા એ છે કે મારી ઊંચાઇ પાંચ ફૂટ સાત ઇંચ છે અને મારું વજન માત્ર ૩૮ કિલો છે. જો કે આ વાતની અસર અમારી સેક્સ લાઇફ પર પડી નથી. મારા મિત્રોનું કહેવું છે કે હું નિયમિત સેક્સ માણું છું એને કારણે મારું વજન વધતું નથી. શું આ વાત સાચી છે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
- એક ભાઇ (અમદાવાદ)
* તમારી ઉંમર અને ઊંચાઇ જોતા તમારું વજન ઘણું ઓછું છે. તમારું વજન ઊતરતું જતું હોય તો એ કોઇ રોગની નિશાની છે અને તમારે ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે. પરંતુ તમારું વજન આટલું જ રહેતું હોય અને ઊતરતું હોય નહીં તો એ રોગની નિશાની નથી. પરંતુ તમારા સ્નાયુઓનો વિકાસ થયો નથી. આ માટે તમારે નિયમિત વ્યાયામ કરવાની જરૂર છે. આ ઉપરાંત તમારા આહારમાં ચરબીજન્ય પદાર્થોનો વધારો કરો. ઓછા વજન અને સેક્સને કોઇ સંબંધ નથી.