આપણને જીવન જીવવાનો સંદેશો આપતો ઉત્સવ એટલે.... હોળી અને ફૂલદોલોત્સવ...
ફાગણ સુદ-પૂનમ અને એકમના ઉત્સવને આપણે ત્યાં હોળી અને ધૂળેટી તરીકે ઉજવાય છે. આ ઉત્સવ ફાગણ માસમાં આવતો હોવાથી 'ફાલ્ગુનિક' પણ કહે છે. આ ઉત્સવને હુતાશની પણ કહેવામાં આવે છે. હોળીનો ઉત્સવ જીવનને રંગીન બનાવતો, વસંતોત્સવમાં પણ સંયમની દીક્ષા આપતો, સત્ય નિષ્ઠાનો મહિમા સમજાવતો ઉત્સવ છે. અસુરો ઉપર ભક્તોના વિજયનો ઉત્સવ છે, તેમજ માનવ મનમાં સમાજમાં રહેલી અસદ્વૃત્તિ બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે. આ ઉત્સવ સારાય ભારતભરમાં ઉજવાય છે કારણકે, ભારતની પ્રજા ઉત્સવ પ્રિય પ્રજા છે. આ હોળીનો ઉત્સવ ખાસ કરીને ગુલાલ અને કેસુડાના જળથી એકબીજાને રંગવાનો તહેવાર છે. આ ઉત્સવને ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હુતાસણીના નામથી સૌ ઉજવે છે. મહારાષ્ટ્ર અને કોંકણમાં હોળીને 'શિમગો'નો તહેવાર પણ કહેવાય છે.
હોળીના દિવસે ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવે છે, આ ઉત્સવ આપણને સંદેશો આપે છે, તે અંગે આપણે સહુ કોઈ વિચારવાની જરુર છે. હોળીમાં શ્રીફળ હોમવામાં આવે છે. તેવી રીતે આપણે આપણા દોષોનું દહન કરવું જોઈએ, સાથે સાથે જગત સંબંધી વાસનાનું દહન કરવું જોઈએ, આપણામાં જે અસદ્વવૃત્તિ હોય, તેનું દહન કરવું જોઈએ, ભગવાને જો પામવું હોય તો લૌકિક પંચવિષયની પણ હોળી કરવી જોઈએ.
જેમ શેરડી ખાવી અને રોટલો ખાવો તે બંને એક સાથે બનતું નઅઅી. માથામાં ટાલ પાડવી અને સેંથો પૂરવો તે બંને જેમ સાથે બનતું નથી. તેમ જગત સંબંધી ભોગ ભોગવવા અને ભગવાનને પ્રસન્ન કરવા તે બંને એક સાથે બનતું નથી. તેથી પંચવિષયનો ત્યાગ કરીને શ્રી સ્વામિનારાયણ ભગવાનને પામવું હશે તો પંચવિષયમાંથી પ્રીતિ તોડવી જ પડશે અને આપણે આવી રીતે દોષોનું દહન કરીશું તો જ ખરા અર્થમાં હોલિકા દહન કર્યું તે સાર્થક બનશે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ હોળી- રંગોત્સવ- ફૂલદોલોત્સવનું ખૂબ મહત્વ છે. શ્રીસ્વામિનારાયણ ભગવાન મનુષ્ય સ્વરુપે હતા ત્યારે પણ તેઓ મોટા પાયે આ ઉત્સવ ઉજવતા હતા. તેથી આજેય સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં આ ઉત્સવ ઉજવાય છે. આ ઉત્સવની પાછળ ભગવાનની સ્મૃતિ રહેવાનો હેતુ છે. આવા ઉત્સવમાં આપણે લાભ લીધો હોય અને તેની જો અંતકાળે પણ સ્મૃતિ થઈ આવે તો આ જીવનો આત્યંતિક મોક્ષ થાય. તેથી આવા ઉત્સવો ઉજવવા જોઈએ અને તેનો આપણે અવશ્ય લાભ લેવો જ જોઈએ.
રંગોત્સવ- ફૂલદોલોત્સવની ઉજવણી શ્રી સ્વામિનારાયણ ભગવાને આજથી ૨૦૦ વર્ષે પહેલા વડતાલ, પંચાળા, સારંગપુર, ગઢપુર, લોયા, બોટાદ, ધોરાજી, ભૂજ આદિ અનેક સ્થળોએ કરેલી છે. તે દરેક ઉત્સવોનું વર્ણન પણ શાસ્ત્રોમાં જોવા મળે છે.
સંવત્ ૧૮૭૯નો ફૂલદોલોત્સવ- રંગોત્સવ શ્રી સ્વામિનારાયણ ભગવાને પંચાળામાં ઉજવવાનો નિર્ધાર કર્યો અને સંતો ભક્તોની સાથે પંચાળા પધાર્યા. ગામની બહાર પશ્ચિમ દિશામાં ઉંચા ટેકરા ઉપર વડના વૃક્ષની ઉત્તર તરફ ઘાસની પર્ણકુટીઓ બાંધી દરેક સંતોના મંડળના ઉતારા કરવામાં આવ્યા હતા.
માંગરોળથી અબીલ, ગુલાલ, કંકુ, કેસુડો વગેરે ગાડાં ભરી- ભરીને મંગાવ્યાં. અસંખ્ય પિચકારીઓ બનાવવામાં આવી દરેક સંતો અને હરિભક્તોને તે વ્હેંચી આપવામાં આવી હતી.
પછી રંગોત્સવનો સમય થયો એટલે શ્રીજીમહારાજ સર્વે સફેદ વસ્ત્રો ધારણ કરી પધાર્યા. તેમણે હાથમાં ગુલાલ લીધો. અને સંતો, હરિભક્તો ઉપર ઉડાડવાની શરુઆત કરી. થોડીવાર પછી સુવર્ણની પીચકારી વડે સૌના ઉપર રંગ છાંટવા લાગ્યા. સૌ સંતો ભક્તો શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ્રસાદીના રંગ અને ગુલાલથી રંગાવવા લાગ્યા.
થોડીવાર પછી તેમણે આજ્ઞાા કરી કે, હવે બે ભાગ પાડો. એક બ્રહ્માનંદ સ્વામીનું અને બીજું નિત્યાનંદ સ્વામીનું અને સામસામા સૌ રમો. ભગવાનને પોતાની રમત દેખાડવા સૌ સંતોએ પણ કાછોટા વાળ્યા અને જાણે યુદ્ધમાં સામસામા પક્ષો હોડ બકી રહ્યા હોય તેમ એક બીજાને મહાત કરવા તત્પર થઈ ગયા. રમતા-રમતા સંતો ભક્તોએ રંગને ગુલાલ ખૂટાડી દીધા. આ સમયે શ્રીજીમહારાજ પણ સૌની ઉપર તાંસળી ભરી-ભરીને રંગ છાંટતા હતા. થોડી- થોડી વારે પિચકારીની શેડયો પણ ઉડાડતા હતા. ગુલાલ પણ ગોટે ગોટા ભરી નાંખતા હતા. ઢોલ ધ્રિબાંગ ધ્રિબાંગ વાગતો હતો. સમય ઘણો પસાર થઈ ગયો. પછી શ્રી હરિએ કીધું કે, હવે રાખો.. રાખો... અને સૌ સાંબલી નદીમાં સ્નાન કરી આવો. આમ, શ્રીજીમહારાજની આજ્ઞાાથી અહીંયા રંગોત્સવ પૂર્ણ થયો.
પછી શ્રીજીમહારાજે આખા ગામને જમાડયું અને એક અદ્ભૂત લીલા કરીને સૌને સુખિયા કર્યા.
આપણે પણ હોળી અને રંગોત્સવના ઉત્સવને ઉજવીએ અને શ્રીસ્વામિનારાયણ ભગવાનની અલૌકીક લીલાને સંભારીએ અને ભગવાનને રંગથી રંગીએ અને પછી તે પ્રસાદીભૂત રંગથી આપણે પણ સંતો- ભક્તોના હાથે રંગાઈએ અને દિવ્યાતિદિવ્ય સુખમાં આનંદ કિલ્લોલ કરીએ.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ